Sunday, 25 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સત્યનો સાક્ષાત્કાર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સત્યનો સાક્ષાત્કાર!
ભૂપત વડોદરીયા

 

 
સાઠ વર્ષ કરતાં વધુ વયના શિક્ષિત ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ આ નામને એસ.આરના હુલામણા નામે કદાચ વધુ ઝડપથી ઓળખી કાઢશે. પાંચેક દાયકા પહેલાં ભાવનગરના કોઈક શૈક્ષણિક સેમિનારમાં એસ.આર. ભટ્ટે વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારે એમને સાંભળ્યા હતા. આપણી શિક્ષણપ્રથામાં પાંત્રીસ ટકા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી પાસ થયો કહેવાય છે. એ વિશે કટાક્ષ કરતાં એમણે કહેલું કે આનો અર્થ તો એ થયો કે જેમનામાં પાંસઠ ટકા અણઆવડત છે એમને આપણે પાસ ગણીએ છીએ. આ વાત ત્યારે કાળજામાં આરપાર ઊતરી ગયેલી.


મુંબઈના ઉપનગરની લોકલ ગાડીઓમાં રોજ પચાસ લાખ યાત્રીઓ અવરજવર કરે છે અને એમાં રોજ દસ યાત્રીઓ અકસ્માતના ભોગ બનીને મૃત્યુ પામે છે એવું તારણ હમણાં પ્રગટ થયું છે. કોઇક ચબરાક રેલવે અધિકારીએ યાત્રીઓની આ કુલ સંખ્યા અને અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા પકડીને આ અકસ્માતોનું પ્રમાણ કેટલું નગણ્ય છે એ દર્શાવીને કાર્યક્ષમતાની શેખી કરી છે. આવા અધિકારીઓએ એસ.આર. ભટ્ટને સાંભળવા જોઇતા હતા. પાંસઠ ટકા નાપાસ થનારાઓને આપણે પાંત્રીસ ટકાના જોરે પાસ કરી દઇએ છીએ એ પ્રણાલિકા કેટલી હદે ગાણિતિક વિકૃતિઓ પેદા કરે છે એનું આ ઉમદા ઉદાહરણ છે.


વિવેચકને પોતાના સામર્થ્ય કે મર્યાદા અનુસાર કૃતિમાં કંઈ ખૂબી કે ખામી દેખાય ત્યારે સર્જક એને એમ ન કહી શકે કે આવી કૃતિ તમે તો લખી આપો.


૧૯૬૦ કે ૧૯૬૧માં વિલેપાર્લે ખાતે એક વાતાકાર સંમેલન યોજાયું હતું. પન્નાલાલ પટેલની કોઈક રચના વિશે સુરેશ જોષીએ આકરી ટીકા કરી. પન્નાલાલ પટેલ આ ટીકાથી છંછેડાઈ ગયા. એમણે કહ્યું કે મારી કૃતિમાં આવા દોષો જનારા પોતે આવી એક કૃતિ લખી તો દેખાડે. પ્રમુખ સ્થાનેથી ત્યારે શ્રી દર્શકે આ વિવાદનું સમાપન કરતાં કહેલું કે પન્નાભાઈ એક સર્જક છે અને સુરેશ જોષી એક વિવેચક છે. વિવેચકને પોતાના સામર્થ્ય કે મર્યાદા અનુસાર કૃતિમાં કંઈ ખૂબી કે ખામી દેખાય ત્યારે સર્જક એને એમ ન કહી શકે કે આવી કૃતિ તમે તો લખી આપો.


આપણે ત્યાં ચોક્સાઈ એટલે કે મેથેમેટિકલ એક્યુરસી એવો શબ્દ વાપરવામાં આવે છે. ગણિતની ગણતરીઓને ચોકસાઈ સાથે સાંકળવામાં આવે છે, પણ અતિ ચોકસાઈમાં વિવેકપૂર્વકની ગણતરી હોવી જોઇએ. સરેરાશ ટકાવારી રેશિયો આ બધા શબ્દો આપણે જે પરિણામ ઉપર જવું હોય એ પરિણામ સામે મારી-મચડીને ગોઠવી શકાય એવા હોય છે.


છ ફૂટ લાંબા ગણિતના એક પ્રાધ્યાપક સપરિવાર એક રવિવારની સાંજે ઉપવનમાં પર્યટન માટે ગયા. માર્ગમાં એક ઝરણું આવ્યું. એ ઝરણાની ઊંડાઈ કેટલી છે એ જાણ્યા વિના આખું કુટુંબ એ શી રીતે ઓળંગી શકે એ જાણવા માટે પ્રાધ્યાપકે ઝરણાની એક છેડેથી બીજે છેડે સુધી ઊંડાઈ માપી. ઊંડાઈ ક્યાંક બે ફૂટ હતી, ક્યાંક ચાર ફૂટ હતી, ક્યાંક પાંચ ફૂટ હતી. પ્રાધ્યાપક સાહેબે એની આમ સરેરાશ કાઢી તો એ સાડા ત્રણ ફૂટ જ હતી. આ સાડા ત્રણ ફૂટને લક્ષમાં રાખીને એમણે આ ઝરણું ઓળંગવા માંડ્યું. સામા

કાંઠે પહોચ્યા ત્યારે પ્રાધ્યાપક સાહેબ એકલા જ હતા અને પત્ની તથા સંતાનો ઝરણાના વહેણમાં ડૂબી ગયાં હતાં. સરેરાશનો સિદ્ધાંત સર્વવ્યાપી નથી હોતો.


સૂર્ય રોજ પૂર્વ દિશામાં ઊગે છે અને રોજ પશ્ચિમ દિશામાં આથમે છે. આ પરમ સત્ય છે. આ સત્યનો સાક્ષાત્કાર કરવો હોય તે માણસે પોતાનું મોટું રોજ સવારે પૂર્વ દિશામાં રાખવું જોઇએ અને રોજ સાંજે પશ્ચિમ દિશામાં રાખવું જોઇએ. આનાથી ઉલટું જો માણસ સવારે પોતાનું મોઢું પશ્ચિમ દિશામાં અને સાંજે પૂર્વમાં રાખે તો સૂર્યોદય અને સૂર્યાસ્તના ના પરમ સત્યના એને કદી સાક્ષાત્કાર ન થાય. એટલું જ નહીં, એ એક વિપરીત સત્ય એટલે કે પરમ અસત્યને સત્ય માનતા થઈ જાય કે સૂર્ય પૂર્વમાં ઊગતો નથી કે પશ્ચિમમાં આથમતો નથી.


લોકશાહીમાં માથાં ગણવાનું ગણિત આપણે ખપમાં લઈએ છીએ. સો કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં અઢાર વર્ષથી વધુ વયના નાગરિકો મતદાનનો અધિકાર ધરાવે છે. છેલ્લાં પચાસ વરસનો ચૂંટણીઓને અનુભવ કહે છે કે લગભગ પચાસ ટકા મતદારો મતદાન કરે છે. આનો અર્થ એ થયો કે અડધોઅડધ મતદારો એટલે કે લગભગ બત્રીસ તેંત્રીસ કરોડ મતદારોના મત વિશે તો આપણે કશું જાણતા જ નથી. જે પચાસ ટકાએ મતદાન કર્યું અને માંડ પચીસ કે ત્રીસ ટકા મત મળવનાર પક્ષ સંસદમાં બહુમતી મેળવીને પોતાના દેશની સરકાર બનાવે છે. હકીકતે તો કુલ પાંસઠ કરોડમાંથી જેમણે માંડ પંદર કરોડ મત મેળવ્યા હોય છે તેમને દેશની પ્રજાના પ્રતિનિધિ કહેવામાં આવે છે. આ વહેવારમાં સારું છે. પણ એ પૂર્ણ સત્ય છે એમ તે કહી શકાય જ નહીં.


માત્ર મુઠ્ઠીભર કંપનીના શેરોની લે-વેચના આધારે સમગ્ર શેરબજારની તેજીમંદીનો આંક નક્કી કરવો, અબજો રૂપિયાનું ધન જ્યાં સો બસો પરિવારો પાસે એકત્રિત થતું હોય ત્યાં માથાદીઠ સરેરાશ આવકને સમૃદ્ધિ ગણવી આ બધાં આપણા વહેવારિક જીવનનાં ગાણિતિક અસત્યો છે, પણ આપણાં બધાં આયોજનો આ અસત્યના પાયા ઉપરથી જ નિર્મામ થતાં હોય છે અને એટલે આવાં આયોજનોનું જેટલું શૈક્ષણિક મૂલ્ય હોય છે એટલું વહેવારિક પરિણામ સાંપડતું નથી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsLQuxf%3DUDQEzc7Em_98y4WdbUJS8vMHQDD4XKX2x%2B0bw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment