Sunday, 25 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યે ઝોમ-કોમ ઝોમ-કોમ ક્યા હૈ? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યે ઝોમ-કોમ ઝોમ-કોમ ક્યા હૈ?
શિશિર રામાવત

 

 

ઝોમ્બી એટલે કબર ફાડીને બહાર આવેલો અર્ધમૃત માણસ, જે અત્યંત ભયાનક અને ડરામણો છે, જેના ગંધાતા શરીરમાંથી માંસ બહાર લટકી રહ્યું છે અને જેના ચીતરી ચડે એવા ઘામાંથી લોહી ટપકી રહ્યું છે. યુરોપ-અમેરિકાના પોપ્યુલર કલ્ચરના મનોરંજક હિસ્સા એવા ઝોમ્બીએ હવે બોલિવૂડમાં દેખા દીધી છે


સૈફ અલી ખાનની 'ગો ગોવા ગોન'નું બોક્સઓફિસ પર જે થાય એ પણ આ ફિલ્મે બોલિવૂડની ડિક્શનરીમાં એક નવો શબ્દ જરૂર ઉમેરી દીધોઃ 'ઝોમ-કોમ'. ઝોમ-કોમ એટલે ઝોમ્બી વત્તા કોમેડી. રોમેન્ટિક કોમેડી માટે જે રીતે 'રોમ-કોમ' અને સિચ્યુએશનલ કોમેડી માટે 'સિટ-કોમ' શબ્દ વપરાય છે તેમ ઝોમ્બી કોમેડી માટે 'ઝોમેડી' શબ્દનો પ્રયોગ પણ થાય છે. ઝોમ્બીઓ વિશેની અંગ્રેજી ફિલ્મો તો આપણે વર્ષોથી જોઈએ છીએ પણ હિન્દી સિનેમા માટે આ નવો પ્રકાર છે.


આપણે ત્યાં જેમ ભૂતપ્રેત અને ચુડેલ છે તેમ યુરોપિયન-અમેરિક્ન લોકસંસ્કૃતિમાં ભૂત-પ્રેત-ચુડેલ ઉપરાંત ઝોમ્બી પણ છે. ઝોમ્બી એટલે અર્ધમૃત માણસ, જે કબર ફાડીને બહાર આવ્યો છે, જે અત્યંત ભયાનક અને ડરામણો છે, જેના તૂટી ગયેલા ગંધાતા શરીરમાંથી માંસ બહાર લટકી રહ્યું છે અને જેના ચીતરી ચડે એવા ઘામાંથી લોહી ટપકી રહ્યું છે. ઝોમ્બી સ્ત્રી પણ હોઈ શકે છે. ઝોમ્બી માનવભક્ષી છે. જાણે હિપ્નોટાઇઝ થઈ ગયો હોય એમ એ સાજાસારા માણસ તરફ ધીમે ધીમે ડચકાં ખાતો ચાલે છે અને એના પર હુમલો કરીને સૌથી પહેલાં એનું મગજ આરોગી જાય છે અથવા એને દૂષિત કરી નાખે છે. આ રીતે દૂષિત થઈ ગયેલો માણસ સ્વયં ઝોમ્બી બની જાય છે.વેમ્પાયર અલગ ચીજ છે. એ સામાન્ય સ્થિતિમાં નોર્મલ માણસ જેવો માણસ દેખાતો હોય પણ'વેમ્પાયર મોડ'માં આવે ત્યારે એની આંખોમાં રતાશ ધસી આવે, આગલા બે દાંત લાંબા થઈ જાય અને શિકારના - જે ઘણું કરીને મોહિત થઈ ચૂકેલી ખૂબસૂરત સ્ત્રી હોય - એની લિસ્સી ગરદન પર લોહી ખૂંચાડી ખૂન ચૂસી લે છે.


ઝોમ્બી વિશેની સર્વપ્રથમ ફિલ્મ સંભવતઃ ૧૯૩૨માં અમેરિકામાં બની. એનું નામ હતું 'વ્હાઈટ ઝોમ્બી'. પછી હોલિવૂડ અને અન્યત્ર ઝોમ્બીઓને કેન્દ્રમાં રાખીને ઢગલાબંધ ફિલ્મો બનતી ગઈ. દેખીતું છે કે આ ફિલ્મોનો પ્રકાર હોરર હોવાનો. આપણામાંથી ઘણાએ નાનપણમાં 'એવિલ ડેડ' સિરીઝની ડરામણી ફિલ્મો જોઈ છે. ધીમે ધીમે હોરરમાં બીજા રંગો ઉમેરાવા લાગ્યા. ઝોમ્બીઓને લઈને કોમેડી ફિલ્મ બનાવવાની શરૂઆત ૧૯૪૧માં 'કિંગ ઓફ ઝોમ્બીઝ'થી થઈ. સામ રાઈમીએ બનાવેલી 'એવિલ ડેડ-ટુ' હોરર હોવા છતાં એમાં થોડી કોમેડી પણ હતી. માઈકલ જેકસનનું લગભગ ઐતિહાસિક બની ગયેલું 'થ્રિલર' સોંગ યાદ કરો. એના વીડિયોમાં ઝોમ્બીઓ કોફિન ફાડીને બહાર આવે છે અને ધમાકેદાર મ્યુઝિકના તાલે માઈકલ જેકસન સાથે ડાન્સ કરવા લાગે છે. ઝોમ્બીઓને પોપ્યુલર બનાવવામાં માઈકલ જેકસનનો મોટો ફાળો છે. ઝોમ્બીનો આઇડિયા એટલો બધો એન્ટરટેઇનિંગ છે કે એના પર કેટલાંય પુસ્તકો લખાયાં છે, વીડિયો અને કમ્પ્યુટર ગેઇમ્સ બની છે. બચ્ચાંઓને ઝોમ્બીને લગતી ગેઇમ્સ રમવાની ખૂબ મજા આવે છે.


ઝોમ્બી-કોમેડીમાં ઠીક ઠીક વાર્તા-વૈવિધ્ય જોવા મળ્યું છે. જેમ કે, 'શૌન ઓફ ધ ડેડ' નામની બ્રિટિશ ફિલ્મ રોમેન્ટિક ઝોમ્બી કોમેડી છે. શૌન નામના યુવાન સાથે એની ગર્લફ્રેન્ડ છેડો ફાડી નાખે છે. એક વાર દોસ્તાર સાથે ખૂબ ઢીંચીને શૌન ઊંઘમાંથી જાગીને જુએ છે કે આસપાસ ઝોમ્બીઓ મંડરાઈ રહ્યા છે. એને ખબર નથી એ પોતે પણ એક ઝોમ્બી બની ગયો છે! 'ઝોમ્બીલેન્ડ' નું ફોર્મેટ એક રોડ-મૂવીનું છે. 'લોર્ડ ઓફ ધ રિંગ્સ' જેવી સુપરહિટ સિરીઝ બનાવનાર પીટર જેકસને અગાઉ 'ડેડ-અલાઈવ' નામની ઝોમ-કોમ બનાવી હતી, જે સૌથી વિકૃત અને લોહિયાળ ઝોમ્બી ફિલ્મોમાંની એક ગણાય છે. તમને યાદ હોય તો 'પોલ્ટરજીસ્ટ' નામની હોરર ફિલ્મ એક સમયે ખૂબ ગાજી હતી. એના ટાઈટલ પરથી ટીખળ કરીને 'પોલ્ટ્રીજીસ્ટ'નામની રમૂજી ઝોમ્બી ફિલ્મ બની છે. એમાં માણસ નહીં પણ મરઘાં ઝોમ્બી છે! એક પોલ્ટ્રીફાર્મનો નાશ કરીને તેની જગ્યા પર રેસ્ટોરાં ઊભી કરી દેવામાં આવે છે. જમીન નીચે દટાઈ ગયેલાં મરઘાં પછી ઝોમ્બી બનીને ત્રાટકે છે અને વિલનો સાથે ચુક ચુક કે બદલા લે છે! 'ફિડો' નામની ઝોમ-કોમમાં સાયન્સ ફિક્શનનાં તત્ત્વો ઉમેરવામાં આવ્યાં હતાં. 'નાઈટ ઓફ ક્રિપ્સ'માં પણ ઝોમ્બીના કોન્સેપ્ટમાં સાયન્સ ફિક્શનનો વઘાર કરવામાં આવ્યો હતો. 'ડેડ નાઉ' નામની ઝોમ-કોમમાં નાઝી ઝોમ્બીઓની વાત છે!


સામાન્યપણે ઝોમ્બીવાળી હોરર ફિલ્મોને ખાસ ગંભીરતાથી લેવામાં આવતી નથી. એ આપોઆપ 'બી' કે 'સી' ગ્રેડની ફિલ્મ ગણાઈ જાય છે. આપણે ત્યાં જેમ રામસે બ્રધર્સની ભૂતિયા ફિલ્મોને સિરિયસલી લેવામાં આવતી નહોતી એમ પણ 'સ્લમડોગ મિલિયોનર'જેવી મલ્ટિપલ ઓસ્કર વિનર ફિલ્મ બનાવનાર ડેની બોયલે '૨૮ ડેઝ લેટર' નામની ફાંકડી ઝોમ્બી ફિલ્મ બનાવી હતી. વિલ સ્મિથને ચમકાવતી 'આઈ એમ લેજન્ડ'માં ઝોમ્બીનો કોન્સેપ્ટ જરા જુદી રીતે એક્સપ્લોર થયો છે. ઝોમ્બી આમ તો ડોલતાં ડોલતાં ચાલતા હોય પણ 'આઈ એમ લેજન્ડ'માં એ તીરવેગે દોટ મૂકે છે. 'રેસિડેન્ટ એવિલ' સિરીઝની ઝોમ્બી ફિલ્મો વધારે અસરકારક લાગે છે તેનું કારણ એ છે કે તેને એકવીસમી સદીની ટેક્નોલોજીનો લાભ મળ્યો છે. સામાન્યપણે ઝોમ્બી એટલે કશું વિચારી-સમજી ન શકતાં જીવતાં મડદાં જેને લોહી-માંસ ખાવા સિવાય બીજી કોઈ વાતની ગમાગમ પડતી ન હોય પણ અમુક ફિલ્મોમાં ઝોમ્બીઓને લુચ્ચા અને વિલનોની જેમ રીતસર ષડ્યંત્રો ઘડતા પણ બતાવવામાં આવ્યા છે!


ઝોમ્બી મૂવીઝમાં અસરકારક મેકઅપનો સિંહફાળો હોવાનો, કારણ કે આ પ્રકારની ફિલ્મોની અપીલ જ ઝોમ્બીઓના વિકરાળ અને કુત્સિત દેખાવ પર રહેલી છે. 'ગો ગોવા ગોન' લો-બજેટ હોવા છતાં પ્રોડયુસર સૈફ અલી ખાને મેકઅપ આર્ટિસ્ટ્સ ખાસ વિદેશથી તેડાવ્યા હતા. વેલ, આ ફિલ્મ જેવી બની હોય તેવી, પણ એનાં માથાં પર બોલિવૂડની સર્વપ્રથમ ઝોમ્બી ફિલ્મ હોવાનું છોગું તો લાગી જ ગયું. ભવિષ્યમાં ઝોમ્બીઓને લઈને કોમેડી અને હોરર બન્ને પ્રકારની ઘણી હિન્દી ફિલ્મો બનશે એ તો નક્કી.

 


શો-સ્ટોપર
આજે શો-સ્ટોપરમાં કેટલાક ઝોમ્બી જોક્સઃ
૧. ઝોમ્બી ઘરની બહાર નીકળતો હોય ત્યારે એની પત્ની શું કહેશે?
'અજી સુનતે હો... તમે તમારી બોડી પર માથું ફિટ કરવાનું તો ભૂલી જ ગયા.'
૨. ઝોમ્બીઓનો ફેવરિટ સ્વિમિંગ પૂલ કયો?
ડેડ-સી.
૩. ઝોમ્બી ફેસબુક પર નવા ફ્રેન્ડ્સ કેમ બનાવતા નથી?
કેમ કે ફ્રેન્ડ્સ લિસ્ટમાંના કેટલાક જૂના ફ્રેન્ડ્સ હજુ ખાવાના બાકી છે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtZVKxg1O%3DMo_WXmYW51t2vAXn9kzLxWZX6z%3DA%3Da94c6g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment