Sunday, 25 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તમને હું ‘તું’ કહું તો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમને હું 'તું' કહું તો?
વિનોદ ભટ્ટ
 

 

 

 


ગામડાનો એક પતિ ગુસ્સે ભરાય ત્યારે તેની પત્નીને 'દાધારંગી'ના વિશેષણથી જ સંબોધતો.આ પતિ એકાએક ગુજરી ગયો.રોવા-કૂટવાનું ચાલ્યું.બધી સ્ત્રીઓ રોકકળ કરતી હતી ત્યારે પત્નીના કાનમાં પતિનો પેલો 'દાધારંગી' શબ્દ પડઘાવા લાગ્યો,ને તેણે મોટેથી પોક મૂકીને અરેરે,તમારા વગર મને હવે દાધારંગી કોણ કહેશે?તેની પડખે બેઠેલ એક વડીલ સ્ત્રીએ તેને આશ્વાસન આપતાં તેના કાનમાં ધીમેથી કહ્યું.'એની ચિંતા ના કર સવલી,તારામાં વેતા નહીં હોય તો આખું ગામ તને દાધારંગી' કહેશે.ઉપર લખ્યો એ કિસ્સો તો બસ,એમ જ યાદ આવી ગયો પણ એક વાચકે મને પત્રથી પૂછ્યું છે કે તમને કોઇ વગર વાંકે 'તું' કહીને એક વચનમાં બોલાવે તો તમને કેવી લાગણી થાય?સાચું કહું તો મને 'તું' કહેનાર,મારી સ્ત્રીને 'તું-તારી' કરનાર કયા ટોનમાં,અવાજના કેવા આરોહ-અવરોહથી બોલે છે એના પર સઘળો આધાર છે.ટ્રેનમાં મારી રિઝર્વ સીટ પર કોઇ બળજબરીથી કબજો જમાવી બેસી ગયો હોય,આ બાબત તેનું ધ્યાન દોરવા છતાં એ સીટ છોડવાને બદલે વીરરસમાં આવી જઇને તે જો એકવચને ચડી જાય તો મને જરાય ના ગમે,હું પછી વિનય-વિવેકને તડકે મૂકી તેની જબાનમાં જ વાત કરું,મારું પોળિયા-કલ્ચર અનાયાસ મારી મદદે આવી જાય.દરેક પોળ એ આમ તો ઓપન યુનિવર્સિટી છે,જેમાં ઓપન અથૉત્ ઉઘાડી ભાષા પણ આવી જાય.એનો વ્યાપ ભદ્રથી અ-ભદ્ર(વાયા જમાલપુર)સુધીનો હોય છે.હા મને પ્રેમથી એક વચનમાં બોલાવનાર મારો કોઇ સમવયસ્ક હોય કે પછી વડીલ હોય તો મને અંદરથી સારું લાગે છે.હું નાનો હતો ત્યારે મારી મા મને વહાલથી વિનુ કહેતી.પણ પછી હું મોટો,એટલે કે ઉંમરમાં મોટો થયો,ઉંમરમાં જ,બુદ્ધિમાં નહીં,લગ્ન કર્યાં.(બુદ્ધિ નહીં વધ્યાનો બોલતો પુરાવો)બસ,લગ્ન કર્યાં એટલે મારો એ વૈભવ ગયો.મોટા થયા પછી મેં શું ગુમાવ્યું છે એની ખબર પડી.માએ એકવચન છોડી મને બહુવચનમાં બોલાવવું શરૂ કર્યું.એકવાર મેં એમજ માને પૂછ્યું કે,હવે તમે મને પહેલાંની જેમ તુંકારથી કેમ નથી બોલાવતાં?ત્યારે તેમણે હસીને જણાવ્યું કે તમે તો મારા પાટવીકુંવર છો.તમે હવે મોટા થઇ ગયા,તમને તુંકારે ન બોલાવાય.એ ક્ષણે મોટા થઇ જવા બદલ મેં અપરાધભાવ અનુભવ્યો હતો.પછી તો મા ચાલી ગઇ.પિતા તો એથી પણ વહેલા ગયેલા.ઘરમાં હું જ સૌથી મોટો અનાયાસે થઇ ગયો.આથી પરિવારમાં આજે મને તું કહેનાર કોઇ બચ્યું નથી.આ કારણે વડીલોની છત્રછાયા વિના,છતે છાપરે છાપરા વગરના,નોંધારા બની ગયાની લાગણી ક્યારેક થઇ આવે છે.મને એ જૂના દિવસો યાદ આવે છે.એ વખતે અમે શાહપુર વનમાળી વાંકાની પોળમાં રહેતા.મારા જન્મની ખુશાલીમાં મારાં મા-બાપે પાસ-પડોશમાં સાકર કે પતાસાં નહોતાં વહેંચ્યાં એટલે પોળમાં બધાં મને મોરિયો(મોળિયો)કહેતાં.પોળમાં પટેલોની વસ્તી વધારે એટલે લગભગ બધાં મોળિયોને બદલે મોરિયો કહેતાં 'ળ'ને બદલે 'ર' બોલતા.ગાંધીજીને ત્રણ ગોરી વાગી'તી!એવું કહેનારા આજે તો આલોકમાંથી પરલોકમાં સિધાવી ગયા છે.એટલે મારું એક ઉપનામ મોળિયો હતું એય આજે તો મને એકલાને જ ખબર છે.આ મોળિયો કદાચ આ જ કારણે ડાયાબિટીસથી પીડાઇ રહ્યો છે.(શું આને જ પોએટિક જસ્ટિસ કહેતા હશે?)એવા ખાસ મિત્રો પણ જૂજ રહ્યા છે જે મને તું કહીને બોલાવે...મારા બંને પૌત્રો જ્યારે માંડ બોલવા શીખેલા,પણ એકવચન અને બહુવચનના ભેદની તેમને ગતાગમ ન હતી ત્યારે મને કાલીઘેલી ભાષામાં કહેતા કે 'દાદા' તું અમને બહાલ(બહાર)ફલવા(ફરવા)લઇ જાને!ત્યારે તેમનું એકવચન મને બહુ પ્યારું લાગતું.કિન્તુ હવે તે એકવચન બહુવચનનો ફેર પામી ગયા છે એટલે મારું 'દાદા તું' થવાનું સુખ ઝૂંટવાઇ ગયું છે.મોટી ઉંમરે કોઇ તુંકારે બોલાવનાર મળે એનો માણસને ક્યારેક ગર્વ થતો હોય છે.પૂ.મુ.મંત્રી માધવસિંહ સોલંકી અને શેખાદમ આબુવાલા પ્રેસમાં જોડે નોકરી કરે.બંને ગાઢ મિત્રો એક બીજાને તુકારે બોલાવે.એ બાબત ધન્યતા અનુભવતા માધવસિંહભાઇએ એકવાર જાહેરમાં કહ્યું હતું કે મને ફક્ત બે જ જણા તું કહીને બોલાવતા હતા.એક તો મારી મા અને બીજો શેખાદમ આબુવાલા.બીજું કોઇ નહીં,ઇન્દિરાજી પણ નહીં.

 

આપણી ભાષામાં તું,(ગુસ્સામાં ક્યારેક વાયડીના),તમે અને આપ જેવાં સંબોધનો છે જોકે આપશ્રી અને તાતશ્રી જેવાં મહાભારતકાલીન સંબોધનો આજ-કાલ ચલણમાંથી તડીપાર થયાં છે,પરંતુ અંગ્રેજીમાં આ બધાં માટે 'યૂ' ઉપયોગમાં લેવામાં આવે છે,ત્યાં બીજો એક શબ્દ છે 'ધાઉ' જેનો અર્થ તું થાય છે,પણ આ સંબોધન કવિઓ કવિતામાં કરે છે,જે કોઇ વાંચતું નથી,અને આ જ સંબોધન ઇશ્વર માટેય કરવામાં આવે છે.જે તે સાંભળતો નથી.બાકી આ 'યૂ' સંબોધન એકવચનમાં છે કે બહુવચનમાં એનો આધાર બોલનાર કરતાં સાંભળનાર પર વધારે રહે છે.ઉ.ત.કોઇ નોકર તેના બોસને 'યૂ' કહીને વાત શરૂ કરતો હોય ત્યારે તેના મનમાં જે હોય તે પણ શેઠિયો આને માનાર્થે બહુવચનમાં ગણશે અને આ જ બોસને તેની પત્ની જરા ગરમ અવાજે 'યૂ સ્વાઇન' કે 'સ્વાઇન ફ્લ્યુ' કહેતો બોસ મનમાં સમજી જશે કે આજે તે કોઇ ગુનાસર એકવચનનો ઘરાક બની ગયો છે.

 

હવે મારા માટે ખરાબ સમય આવી ગયો હોય એવું લાગવા માંડ્યું છે.'તમે' ઉપરાંત મારા નામની આગળ વિદ્વાન,સાક્ષર યા સાહિત્યકાર કે હાસ્યવિદ્ જેવાં લટકણિયાં લટકાવવામાં આવે છે ત્યારે મને સંકોચ તેમજ રમૂજની મિશ્ર લાગણી થાય છે.જ્યારે કોઇ મને પ્રખર કહે ત્યારે મને પ્ર-ખરમાંનો 'ખર' જ યાદ રહી જાય છે.જોકે કોઇ મારો સાક્ષર તરીકે ઉલ્લેખ કરે ત્યારે મને ખાસ વાંધાજનક નથી લાગતું,કેમ કે મરાઠીમાં સાક્ષર શબ્દ જ વિશાળ અર્થમાં વપરાય છે,બહોળા અર્થમાં લેવામાં આવે છે.મરાઠીમાં અક્ષરજ્ઞાન ધરાવનારને સાક્ષર લેખવામાં આવે છે.નમ્ર થયા વગર જણાવું તો હું કોલમ લખવા જેટલું અક્ષરજ્ઞાન તો ચોક્કસ ધરાવું છું એની ના નથી.પણ મારી પેઠે કોલમ ઢસડનારને કોઇ લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર,શિક્ષણવિદ્,શિક્ષણશાસ્ત્રી કે તત્વચિંતક કહે ત્યારે અમને હસવું આવે છે તો પણ અમે હસતા નથી.અમારામાં પડેલી હાસ્યવૃત્તિ અમને હસતાં રોકે છે.હું માનું છું ત્યાં સુધી આપણા શિક્ષણમંત્રી પોતાના માટે શિક્ષણશાસ્ત્રી કે કેળવણીકાર હોવાનો દાવો નહીં કરતા હોય.ભૂલચૂક લેવી દેવી.

 

હવે પાછા તું-તમે અને લખનારા પર આવી જઇએ.ઉંમરમાં આપણા દાદાના પણ દાદા કરતાં મોટા હોવા છતાં આપણે તેમને તુંકારે બોલાવીએ તો જ આપણને અંગતતાનો સ્પર્શ થાય છે.નરસિંહ મહેતો,પ્રેમાનંદ,અખો,શામળ,નર્મદ વગેરે.અરે બહુ આઘે તો શું,સહેજ પણ જૂના નહીં થયેલા ઝવેરચંદ મેઘાણી માટેય આપણાથી બોલી પડાય છે કે બીજો મેઘાણી થયો નથી.જ્યારે કેટલાક લેખક-કવિઓ એવા થઇ ગયા છે,જેમનું નામ બહુવચનમાં જ વપરાય છે.જેમ કે ગોવર્ધનરામ ત્રપિાઠી,આનંદશંકર ધ્રુવ,બળવંતરાય ઠાકોર,વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઇત્યાદિ-આમાંના એક પણ સાહિત્યકારને એકવચનમાં સંબોધવા જતાં મા સરસ્વતીને માઠું લાગી જવાનો સતત ડર લાગે છે.આ નામોની તોડમરોડ કરવા જતાં તેમની ઓળખ આઇડેન્ટિટી ભૂંસાઇ જવાની પણ દહેશત લાગે છે.કવિ ઉમાશંકર જોશી જોડે ઘરોબો કેળવવા કવિ પ્રિયકાંત મણિયારે તેમને એકવાર ઉમાભાઇનું સંબોધન કર્યું ત્યારે સપાટ ચહેરે ને સ્થિર નજરે પ્રિયકાંતને તેમણે કહી નાખેલું કે 'મારું નામ ઉમાભાઇ નહીં,ઉમાશંકર છે.' જોકે મને તો સાલો 'તમે'નો ભાર લાગે છે.આજે તો બસ,મારા ગીધુકાકા જ મને વિનિયા તું કહે છે એથી મનને બહુ સારું,મીઠી વીરડી સમું લાગે છે...


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ouhv%3DxbpqpkYJUUTx51Ky%3D_KzRQagZc3nrqtRmksstdwA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment