Tuesday, 27 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મારો સ્વભાવેય ચામાચીડિયાં જેવો થઈ ગયો છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મારો સ્વભાવેય ચામાચીડિયાં જેવો થઈ ગયો છે!
સાંપ્રત-પરેશ શાહ

 

 

 

વિચિત્ર લાગે છે? આપણે કાગડાં-કબૂતરાં-ચકલાં-ખિસકોલાં-ગાયબકરાં કે કૂતરાં, વાંદરાં અને સાપ સાથે સુધ્ધાં રહેનારા લોકોની કથા જાણીએ છીએ, પણ ચામાચીડિયાં અને સેંકડો ચામાચીડિયાં સાથે એક જ ઘરમાં વસવાટ કરનારાં લગભગ ૭૪ વર્ષની વયનાં શાંતાબેન કહે છે, "ભગવાન રાખે તેમ રહેવાનું! હાલમાં કેરળમાં નિપાહ વાઈરસને કારણે અનેક લોકોનાં મોત થયા છે. ઘણી વૈશ્ર્વિક સંસ્થાઓ અને વર્લ્ડ ઑર્ગેનાઈઝેશનના અનુસાર નિપાહ વાઈરસનો ફેલાવો ચામાચીડિયાંથી થાય છે. એ પણ માની લઈએ કે, શાંતાબેન આ બધાથી સભાન નહીં હોય તો પણ આપણા સમાજમાં ઘુવડ-ચામાચીડિયું આવકાર્ય જીવો નથી. એમાંય જ્યોતિષની દૃષ્ટિએ ચામાચીડિયાંને તો નકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે એ સાથે એમ પણ માનવામાં આવે છે કે, આ જીવ જ્યાં વસવાટ કરે છે ત્યાં નકારાત્મક શક્તિ અતિશય સક્રિય થઈ જતી હોય છે, પણ આપણા લેખનું કેન્દ્ર એવાં શાંતાબેન પ્રજાપતિ એવું કશું માનતા હોવાનું એમના વસવાટ પરથી જણાતું નથી. ગુજરાતમાં મહેસાણા જિલ્લાનાં રાજપુરા નામનાં ગામમાં વસતાં શાંતાબેન પ્રજાપતિએ લગભગ પચીસેક વર્ષ અગાઉ આ મૅમલ-આંચળધારી જીવોને ઘરમાં આવકારો આપ્યો હતો.

 

અમેરિકામાં 'સુપરમેન' ઍક્શન સીરિઝ ખાસ્સી લોકપ્રિય થઈ પછી 'નૅશનલ કૉમિક્સ પબ્લિકેશન્સ' (પછીથી ડિસી કૉમિક્સ બન્યું)ના ઍડિટરોને નવા ઍકશન હીરો ની આવશ્યક્તા જણાતાં વર્ષ ૧૯૩૯માં ચિત્રકાર બૉબ કેન અને લેખક બિલ ફિન્ગરે 'બૅટમેન'નું પાત્ર સર્જ્યું હતું, જે પ્રચંડ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું. ડી.સી. કૉમિક્સનો બૅટમેન પછી તો ટીવી સીરિઝો અને ફિલ્મોમાં પણ આવ્યો અને લોકોને ઘેલા કરી મૂક્યા હતા. આજે પણ એનું ટાઈટલ ગીત કેટલાકના મોંએથી સરતું સાંભળી શકાય છે. ખેર આ તો આ આડવાત થઈ પણ આપણાં શાંતાબેન 'બૅટવુમન' કે બૅટલેડી'નાં નામે જાણીતાં છે. દરરોજ એમનાં ઘરમાં ૫૦૦થી ૧૦૦૦ ચામાચીડિયાં વાસો કરવા આવે છે. (કેટલાંક અખબારો આ આંકડો ૨૦૦૦ અને એક તો વળી ૪૦૦૦નો દર્શાવે છે. જોકે, આ ચામાચીડિયાંની વસતિ ગણતરી કોઈએ નહીં જ કરી હોય!) ખરેખર તો ચામાચીડિયાં-વડવાગોળ અને ઘુવડ વગેરે નિશાચર જીવો છે, એટલે ચામાચીડિયાં શાંતાબેનને ઘરમાં 'દિવસવાસો' કરવા આવે છે એમ કહેવામાં વાંધો નથી?

 

બૅટવુમન શાંતાબેન પ્રજાપતિ કહે છે કે, પહેલાં તો મારા તમામ પડોશીઓના પણ મારી જેમ જૂની ઢબનાં ઘરો હતાં. વખત જતાં એમનાં મકાનોનું રિડેવલપમેન્ટ થયું અને સિમેન્ટ-કોંક્રિટના બંગલા થઈ ગયા. વળી, આ જીવો મોટાભાગે કાદવ-માટીનાં જૂનાં મકાનોમાં જ વસવાટ કરે, પણ નવા બાંધકામો થયા એટલે એ સૌ જીવો મારાં ઘરમાં આવીને વસવા લાગ્યાં, કારણ કે અહીં મારી એકલીનું જ ઘર ગારામાટીનું છે. શરૂમાં તો શાંતાબેનને પણ આનો ખાસ્સો વાંધો, ચીઢ અને અસંતોષ હતાં. એમને આ નિશાચર જીવોની બીક પણ લાગતી હતી. ચામાચીડિયાંને હાંકી કાઢવામાં પણ ગભરાટ થતો. એમના શબ્દોમાં જાણીએ, "એમ તો પે'લે પે'લે મુંએ હૌ ઈને નહાડવાનો ચાળો કયરો'તો, પણ મુંને પછે પાપ કયરા જોગું લાયગ્યું, ઈમાં નહાડવાનો કારસો પડત્યો મેલ્યો. બસ્ય તાંણથી ઈ હૌ અને મું આજ ઘરનોં હંગાથી સીંયે. મું ઈ હંધાયની દરકાર રાખું સઉં. અવ તો વરસો વીતી જ્યોં. પે'લા તો એક ચીડિયું આયું 'તું. પછે વખત જતોં ઈમની વસતિ વધી જઈ.

 

શાંતાબેને તેમનાં પતિને બહુ નાની, તરુણ વયમાં ગુમાવ્યા હતા. તેમના પતિ કાનજીભાઈ પ્રજાપતિનું વીજળીનો આંચકો લાગવાથી મૃત્યુ થયું હતું. તેમના માથે ચાર સંતાનોનો બોજ આવ્યો હતો. તેમણે ખેતમજૂર તરીકે કામ કરીને પુત્ર દિનેશ અને પુત્રીઓ જ્યોત્સના, ચંદ્રિકા અને કંચનને ઉછેરવા માંડ્યાં હતાં. આ વિશે શાંતાબેન કહે છે કે, "પે'લે તો મું ખેતીમાં મજૂરી કરતી અને કામળાં-ગોદડીઓ બનાવતી. હવે મુંને સરકાર માયબાપ કનેથી માલ પેટે રકમ મલતી. મારે આખો દા'ડો આ ચામાચીડિયાંનાં જતનમાં અને મારું ઘરનું વૈતરું કરવામાં નેકરી જાય સ!

 

ધર્મનિષ્ઠ મહિલા હોઈને શાંતાબેન રોજ સવારે છ વાગ્યે મંદિરમાં પ્રાર્થના-ઉપાસના અને ભજનો ગાવા પહોંચી જાય છે. શાંતાબેન કહે છે કે, "મંદિરેથી આવીને હું ચા-નાસ્તો કરું. એ પછી ઘરની ઝાડ-ઝપટ અને વાળવા-ધોવાનું કામ ઉપાડું. હું ઝાઝું ચાલી શકતી નથી, પણ ઘરની સફાઈ તો રોજ જ કરું. ક્યારેક તો મને એ કામ મુશ્કેલીનું લાગે છે, પણ એમાં ખાડો ન પડે. શાંતાબેન સ્વચ્છતા-ચોખ્ખાઈનું વિજ્ઞાન જાણતા નથી, પણ દરેક ઓરડામાં અને આંગણાંમાં ઝાડું વાળવું, ભીના કપડાંનાં પોતા કરી ફરસ ચોખ્ખી કરવી, ઉપરાંત લીમડાંના પાન બાળીને ઘર આખામાં ધુમાડી-ધૂણી કરવી વગેરે પ્રવૃત્તિ રોજ જ કરે છે. એમની ધર્મપરાયણતાં અને ગામની બૅટલેડી માટે અહોભાવ છતાં ગ્રામજનો એમની આ ચામાચીડિયાં-ભક્તિ વિશે સવાલો કરે છે, એ વિશે શાંતાબેનનું કહેવું છે કે, "ગામ લોકો મને કહે, પૂછે કે, આ દિવસના મહેમાન જેવી વડવાગોળો શું પાળી રાખી છે, એમની સાથે રહીને બીમાર પડશો, ઘર આખુંય ગંધાઈ ઉઠશે, પણ રોજ ધૂણી કરવાથી અને ઘરને પાણીથી ધોવાથી એવું કશું થાય એમ નથી. એમ પણ આ ચામાચીડિયીથી કેમ દૂર થઈ શકું, હવે તો એ બધાં મારાં કુટુંબીજન બની ગયાં છે.

 

બે ઓરડા ચામાચીડિયાના વસવાટ માટે રાખ્યા છે. એમણે એમનાં સંતાનોમાંથી એકને આ ચામાચીડિયાના ઓરડામાં જ જન્મ આપ્યો હતો. એ વિશે શાંતાબેન કહે છે કે, "એ વખતે બહુ ચામાચાડિયાં નહોતા, બહુ થોડા હતા. મારાં બાળકો અને એમનાંય બાળકો આ જીવોથી બહુ ગભરાય છે એટલે એ ઓરડામાં પગ પણ મૂકતાં નથી, પણ મને કોઈ ભો નથી, કશી ધાસ્તી લાગતી નથી. હું તેમને આદર આપું છું. આ ચીચી અવાજ કરીને પરેશાન કરતાં નિશાચર જીવો એમની મરજી પ્રમાણે ઘરમાં આવે ને જાય છે અને ફાવે તેમ ઊડ્યા કરે. શાંતાબેનના કહેવા પ્રમાણે દિવસના આ જીવોનો ઘોંઘાટ તેમની બપોરની ઊંઘ ખરાબ કરી નાખે છે. છતાં બૅટવમુન પ્રયાસ કરીને ઝોકું તો ખાઈ જ લે છે. "પણ મને તેમનો 'ચી ચી ચી' અવાજ ગમે છે. ક્યારેક ગામનાં છોકરાં ચામાચીડિયાંનો ચી, ચી, ચી અવાજ સાંભળવા અને એમને જોવા ઘરમાં આવે છે. મને લાગે છે કે મારો સ્વભાવ પણ હવે ચામાચીડિયાં જેવો જ થઈ ગયો છે. આમ કહેતાં શાંતાબેન હસી પડે છે.

 

શાંતાબેનનાં વર્ષો પુરાણા પડોશી ઘેમટી દલાજી તો શાંતાબેન માટે પ્રશંસાનાં ફૂલો વેરતાં થાકતાં નથી. એ કહે છે, "બૌ પવિતર કોમ કર સઅ. હૌ વડવાગોળને પંડ્યના જણ્યા પેટે હાચવસં.

 

ખવાડે પીવાડે અનં ઈના હંગાથી ગપાટાં હૌ મારઅ, પૂન કમઈનું કોમ સઅ. તો વળી, ગામમાં જ વસતો દર્શન નામનો કિશોર કહે છે કે, "ઈ આવડાં બધાં ચામાચીડિયાનં હાચવસઅ, ખવાડસઅ ઈમાં તો અમં હૌ ઈમને ચામચીડિયોંવારો બેન (બૅટલેડી કે બૅટવુમન) કહી સીં. ઈ કયડે નંઈ એમોં અમોને ઈ હૌ બઉ ગમ સઅ. પોતાના ઘરમાં વસનારાં ચામાચીડિયાંને દેવની કૃપા અને આશીર્વાદ ગણાવતાં શાંતાબેન પ્રજાપતિ કહે છે કે, "વખત આવશે એટલે એ બધા ઊડી જશે. એમને રહેવું છે ત્યાં સુધી ભલેને અહીં જીવે. મને એ બધાંય બહુ ગમે છે. શાંતાબેનનાં શબ્દોમાં "મુંને ઈ હંધાચ બઉ વા'લા લાગસ... એમોંય આપડે તો હું સ...ભગવૉન રાખઅ ઈંમ રે'વું, બસ્ય! નકારાત્મક ઊર્જા ધરાવતાં જીવો કહેવાતાં ચામચીડિયાં સંગાથે એક જ ઘરમાં લગભગ પચીસ વર્ષથી વસનારાં શાંતાબેન પાસે પુત્ર દિનેશ વર્ષોથી ફરક્યો સુધ્ધાં નથી. પુત્રીઓ તેમને આર્થિક ટેકો આપે છે. શાંતાબેનનો ભત્રીજો બાબુભાઈ પ્રજાપતિ કહે છે કે, ઘર આખું ગંધાઈ રહ્યું છે, પણ તેઓ ચામાચીડિયાં હાંકી કાઢવાની વાત માનતાં જ નથી. સામે પક્ષે શાંતાબેન કહે છે કે, "મારે આ જીવો જોડે ઘરોબો થઈ ગયો છે. એ જ મારી વસતિ છે. મોટાભાગનાં લોકો ચામાચીડિયાંને અપશુકનિયાળ ગણે છે, પણ મને લાગે છે કે એમની સાથે મારો ગયા જનમનો કોઈ ધાગો સંધાયેલો છે એટલે જ તો મેં એમની સાથે રહેવાનું પસંદ કર્યું હશેને! હવે તો હું જીવીશ ત્યાં સુધી આ જીવો અહીં જ રહેશે અને એમને હું મારા હાથે ખવડાવીશ. ખરી વાત છે, શાંતાબેનના હાથમાંથી ચામાચીડિયાં કેળું કે ફળ ખાતાં હોય એવું અનેક લોકોએ જોયું છે! આવાં અનોખાં શાંતાબેનને સલામ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou0zQhnanzGX2cu39znpVwpPBryoBnDM-abv_O5AMXeUg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment