Saturday, 3 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શું (વેસ્ટર્ન) હેમ્બર્ગર પૃથ્વીનો પ્રલય લાવશે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શું (વેસ્ટર્ન) હેમ્બર્ગર પૃથ્વીનો પ્રલય લાવશે?
અભિમન્યુ મોદી

 

 

૨૦૧૫માં એક દિલધડક ફિલ્મ આવેલી, 'ધ માર્શિયન'. તે ફિલ્મ ભલે 'સાયન્સ ફિક્શન'ની કેટેગરીમાં આવે પણ તેની વાર્તાનો આધાર નક્કર વિજ્ઞાની હકીકત ઉપર હતો. ફિલ્મનો મૂળ પ્લોટ એ હતો કે માર્સ-મંગળ ઉપર ટૂંકા ગાળા માટે સમાનવ અવકાશયાત્રાએ ગયેલી એક ટુકડીનો સભ્ય મંગળ ઉપર એકલો પડી જાય છે અને તેની આખી ટીમને મંગળ ઉપર તોફાન સર્જાવાને કારણે પૃથ્વી તરફ પરત ફરવા માટે સફરનો આરંભ કરી દેવો પડે છે. મંગળ ઉપર એકલા થઇ ગયેલા મેટ ડીમન માટે હવે ખાસ કોઈ ખોરાક નથી તો તે ખાશે શું? તે મંગળની ધરતી ઉપર એક બંધ કેપ્સ્યુલમાં બટેટા ઉગાડે છે અને તે બટેટા ખાય છે. આદિમાનવે પણ કદાચ શરૂઆત જમીનમાં ઉગતા કંદ કે કોઈ વનસ્પતિથી જ કરી હશે. પરંતુ એવું લાગે છે કે પશ્ર્ચિમી ખોરાક આખી માનવજાતને આદિમાનવના કાળમાં ધકેલી દેશે.

 

શીર્ષકમાં હેમ્બર્ગર શબ્દ પ્રતીકાત્મક છે. ઈશારો તો ખોરાકની આખી પશ્ર્ચિમી શૈલી તરફ છે. અમેરિકન અને યુરોપિયન દેશો આખી દુનિયાનું નખ્ખોદ વાળી રહ્યા છે. અહીં દેશો એટલે જે તે દેશમાં વસતા માણસો અને તેની જીવનશૈલી. ખાસ તો તે બધાનની ફૂડ હેબીટ. યુરોપ, અમેરિકા, કેનેડા, દક્ષિણ અમેરિકન દેશો અને એશિયામાં ચાઈના કે જાપાન-રશિયા જેવા દેશો પણ મહદઅંશે નોન-વેજીટેરિયન છે. હા, લંડન જેવા મેઘધનુષી શહેરમાં વેજીટેરિયન લોકોનું પ્રમાણ થોડુંક છે ખરું પણ તેવા અપવાદ હશે. બાકી આ બધા નોન-વેજ આરોગનારાઓના પ્રદેશો છે અને તેઓને લીધે પૃથ્વીનો દાટ વળ્યો છે. આપણા સુંદર ગ્રહને નર્ક બનાવવા તરફ નોન-વેજ લોકો જાણતા કે અજાણતા પૂરા દિલથી ફાળો આપી રહ્યા છે.

 

એલેક્ઝાન્ડર. આ નામ વાંચીને સિકંદર જ યાદ આવ્યો હશે, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. આપણને વિનાશકારી વાતો પહેલા અને વધુ યાદ રહેતી હોય છે. મનુષ્યોનો આ કંપની ફોલ્ટ છે. ખેર, અહીં એલેકઝાન્ડર એટલે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. ૧૯૨૩માં તે વિજ્ઞાનીએ લાયસોઝોમ એન્ઝાઈમ એટલે કે ઉત્સેચક શોધ્યું જે અમુક પશુઓમાં ઉત્પન્ન થતું, બેક્ટેરિયાના હુમલા સામે પ્રતિકાર કરવા માટે. તેના પાંચ વર્ષ પછી એ ફળદ્રુપ દિમાગના માલિકે ઈતિહાસની પહેલી એન્ટિબાયોટીક દવા બેન્ઝાઈલ પેનિસિલિન શોધી જેના માટે ૧૯૪૫નું મેડિસિનનું નોબેલ પ્રાઈઝ પણ મળ્યું. એન્ટિબાયોટીક દવાની શોધને કારણે વાઈરસ અને બેક્ટેરિયાના હુમલા સામે માણસો વળતી લડત આપી શકતા. ઘણાં બધા એન્ટિ-બાયોટીક લેબોરેટરીમાં વિકાસ પામ્યા, મેડિકલ ફિલ્ડમાં એક ક્રાંતિ આવી અને સરવાળે માણસોનું સરેરાશ આયુષ્ય વધ્યું. માણસોની જિંદગી સુખરૂપ બનાવવા માટે શોધાયેલી એન્ટિબાયોટીકનો આજે મુખ્યત્વે શું ઉપયોગ થાય છે એનો અંદાજ લગાવી શકો છો? જગતની પચાસ પ્રતિશતથી વધુ એન્ટિ-બાયોટીક દવાઓ જાનવરોને અપાય છે જેથી તેઓ અકાળે મરી ન જાય અને માંસ વધુ આપી શકે.

 

એક તો જાનવરોને બહુ દયનીય સ્થિતિમાં રાખવામાં આવતા હોય જ્યાં એક પીંજરામાં કેટલાય પ્રાણીઓને રાખવામાં આવ્યા હોય. કોઈ પણ પ્રાણીની શારીરિક રચના કુદરતી રીતે ઉગતા ઘાસ કે પાંદડા પચાવવા માટે ઘડાયેલી છે પણ નોન-વેજીટેરિયન ખોરાકના વધતા જતા ટ્રેન્ડને કારણે આ પ્રકારના પ્રાણી-ઉછેર કેન્દ્રમાં પ્રાણીઓને પરાણે સોયાબીન કે મકાઈ ખવડાવવામાં આવે છે જે પચાવવું અઘરું છે. પ્રાણીઓને તેની આડઅસર ન થાય, કોઈ રોગ લાગુ ન પડે તે માટે એન્ટિબાયોટીકના સતત ડોઝ આપવામાં આવે છે, એ પણ ભારે માત્રામાં. એ એન્ટિબાયોટીક પ્રાણીઓની માંસપેશીઓમાં પ્રસરે, અને તે માંસ દુનિયાના અબજો લોકો ખાય. જેની હળવી હળવી આડઅસરો માણસમાં ફેલાતી રહે. જેનું એક પરિણામ એ પણ આવી રહ્યું છે કે માણસો એન્ટીબાયોટીક દવાની અસરથી મુક્ત થતા જાય છે અર્થાત્ સેચ્યુયરેશન પોઈન્ટ નજીક આવતો જાય છે. ભવિષ્યમાં સાદી દવાની તો કોઈને અસર જ નહિ થાય.

 

બીજો મુદ્દો. મરઘીઓ, ભૂંડ વગેરે પ્રાણીઓ જેનું માંસ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તે બધા પ્રાણીઓના શરીર પુખ્ત વયના પ્રાણીઓના શરીર જેટલા થાય ત્યાં સુધી તેને રાખવા માટે ઘણાં બધા અનાજનો ઉપયોગ કરવો પડે છે. તે અનાજ ઉગાડવાથી લઇને પ્રાણીઓને પીવડાવવા સુધી હજારો લિટર પાણીનો ખપ પડે છે. આનો અર્થ એ કે ૨૦૦ લિટર પાણી ૧૫૦ કિલોગ્રામ અનાજ વેડફ્યા પછી માત્ર એક કિલો માંસ પ્રાપ્ત થાય છે. એક તો મીઠા પાણીની અછત છે.

 

સૌરાષ્ટ્રના ગામડાથી લઇને દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ સુધી પાણીકાપ મૂકવો પડે છે કારણ કે પાણી દર વર્ષે ઘટતું જાય છે. ઉપરાંત વિશ્ર્વની વસ્તીનો પાંચમો ભાગ ભૂખમરામાં જીવે છે. જેટલી જમીનમાં મરઘીઓ અને ભૂંડની ખવડાવવા માટેનું અનાજ ઉગાડવામાં આવે છે તેટલી જમીનમાં જો શાકભાજી કે કઠોળ ઉગાડવામાં આવે તો શાકભાજી સસ્તા થાય અને આખી દુનિયાના બધા માણસોને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે. કોઈ ભૂખ્યું ન સુવે. પણ એના માટે બધાએ નોન-વેજ ફૂડ સાવ બંધ કરવું પડે પણ નોન-વેજ હેમ્બર્ગરના શોખીનને આવી સેવા કરવાનો કોઈ શોખ નથી હોતો.

 

આ બધા પ્રાણીઓ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ કરતાં વધુ ખતરનાક મીથેન વાયુ છોડતા હોય છે જે ગ્લોબલ વોર્મિંગ વધારે છે. વાતાવરણનું તાપમાન વધે છે. ઋતુચક્ર ખોરવાય છે. ફૂડ સાઈકલ તો ઓલરેડી ખોરવાયેલી છે. જમીનની અંદરથી પાણીનું પ્રમાણ ઘટતું જાય છે. દિવસે ને દિવસે માંસનું પ્રોડક્શન વધારવા માટે દવાઓ અને કુદરતી સ્ત્રોતો વેડફતા જાય છે જેથી ખાધાખોરાકી મોંઘી થતી જાય છે અને તેનો બોજો દરેક દેશની વ્યક્તિગત અને સમગ્ર વૈશ્ર્વિક અર્થતંત્ર ઉપર આવી પડે છે. વૈશ્ર્વિક સ્થિરતા ડામાડોળ થતા લોકોને હાલાકી વધુ વેઠવી પડે છે.

 

નોન-વેજ ખોરાકના અનેક ગેરફાયદાઓ ગણાવી શકાય. એવો એક પણ ફાયદો ઈંડા કે માંસમાં નથી જે વેજીટેરિયન ખોરાકમાં ન હોય. હકીકતમાં નોન-વેજ ખોરાક એ શબ્દપ્રયોગ જ ખોટો છે કારણ કે અખાદ્ય વસ્તુને ખોરાક કઈ રીતે કહી શકાય? વેજ ખોરાકને કારણે બી.પી., હાર્ટ એટેક, કેન્સર વગેરે અનેક રોગોનું પ્રમાણ ઘટે, અલ્ઝાઈમર્સ જેવા રોગોમાં ફાયદો થાય, ડાયાબિટીસ અને મેદસ્વિતાનું પ્રમાણ પણ ઘટે- જેવા અનેક સોનેરી ફાયદાઓ તો ખરા જ. પરંતુ બ્રેઈનવોશિંગ કરી રહેલા માર્કેટિંગના જમાનામાં દરેક ને 'ટ્રેન્ડિંગ' રહેવું છે માટે ફૂડ-હેબીટ બદલવી નથી.

 

'ઓર્થોરેક્સીયા'- આ એક સાયકોલોજિકલ ડિસઓર્ડરનું નામ છે. પોષણક્ષમ ખોરાકના દુરાગ્રહની સ્થિતિને ઓર્થોરેક્સીયા કહેવાય. અફસોસ કે લગભગ બધા માણસો વધતેઓછે અંશે કોઈને કોઈ માનસિક અસ્થિરતાથી પીડાઈ રહ્યા છે પણ ઓર્થોરેક્સીયા તો ભાગ્યે જ કોઈને છે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os0o9VEqJySsQjZfxgk9MSYGA7-9rwbCvYbkiS0S5RvEg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment