Saturday, 3 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શંકાનો નક્શો લઈને શ્રદ્ધા સુધી જવું છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શંકાનો નક્શો લઈને શ્રદ્ધા સુધી જવું છે પગમાં લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે   

ડૉ. શરદ ઠાકર


ગાથા થોડીક ગભરાઇ ગઇ, થોડી ઘણી ગૂંચવાઇ ગઇ. ગૂંચવાઇ એટલા માટે ગઇ કે એને ખરેખર એ યાદ આવતું ન હતું કે બપોરે એના ઘરે કોઇ આવ્યું હતું કે નહીં! અને જો આવ્યું હતું તો કોણ આવ્યું હોઇ શકે? અને ગભરાવા માટેનું કારણ એ હતું કે એના પતિનો શંકાશીલ સ્વભાવ એ જાણતી હતી. શ્યામની ચામડીનો રંગ ડામર જેવો કાળો હતો. એનો ચહેરો ઘડાયા વગરના કાળમીંઢ પથ્થરના ઢીમચા જેવો હતો. એને મોં ન કહેવાય, થોબડું જ કહેવાય. એનું વાણી-વર્તન 'ટ્વેન્ટી ફોર બાય સેવન' રૂક્ષ, કડવું અને કઠોર જ રહેતું હતું. માત્ર પત્ની પ્રત્યે જ નહીં, બધાને માટે એ ચોવીસે કલાક ગરમ તવાની જેવો તપેલો જ રહેતો હતો. એને કોઇ ગાઢ મિત્ર ન હતો, માત્ર પરિચિતો હતા. ધંધાને કારણે, અાડોશ-પાડોશમાં, જ્ઞાતિમાં, વ્યવહારમાં સમાજના લોકો સાથે સંપર્કમાં આવવું પડે એટલે પરિચયમાં રહેવું પડે. બાકી એનો ગાઢ કહી શકાય એવો કોઇ દોસ્ત ન મળે.
ગાથા દેખાવમાં એનાથી સાવ વિપરીત હતી. માત્ર દેખાવમાં જ નહીં, વાણી-વર્તનમાં પણ. લગ્નમંડપમાં જ્યારે ગાથાની પધરામણી થઇ ત્યારે જ ત્યાં હાજર પાંચસો મહેમાનોના ગળામાંથી એકસાથે, એકસરખો ગરમ ગરમ 'હાયકારો' નીકળી ગયો હતો, 'હાય, હાય! આવી ચાંદ જેવી રૂપાળી દીકરીનો હાથ આ કાગડાના હાથમાં સોંપતાં પહેલાં જનુભાઇએ વિચાર નહીં કર્યો હોય?' પાનેતરમાં આવૃત્ત રંભા જેવી દેખાતી ગાથાને જોઇને ત્યાં ઉપસ્થિત સેંકડો પુરુષોનાં દિલ હોળીના લાકડાની જેમ ભડભડ સળગી ઊઠ્યાં. શ્યામ આ બધું જોતો હતો અને સમજતો પણ હતો. રૂપાળી સ્ત્રીનો પતિ આ બાબતમાં વધારે સભાન, વધારે સમજણો અને વધારે જાગ્રત હોય છે. શ્યામ સારું કમાતો હતો એ એનું એક માત્ર ઊજળું પાસું, ગાથાના પિતા ગરીબ હતા એ ગાથાની એક માત્ર કમજોર કડી. એમાં એનાં સૌંદર્યનો અઢળક ખજાનો આ ઇન્ડિયન ઇદી અમીનના ખાતામાં જમા થઇ ગયો.

હનિમૂન વખતે જ ગાથાએ અનુભવ કરી લીધો કે સ્વર્ગના માહોલમાં કોઇ દાનવ પહોંચી જાય તો સ્વર્ગની શી હાલત થાય?! પણ એ સંસ્કારી સ્ત્રીએ આંખોનાં બારણાં બંધ કરી દઇને આ કોલસાના કોથળાનું આલિંગન સહી લીધું. કહેવત છે કે 'જેની રૂપાળી વહુ, તેના ભાઇબંધ સહુ' એ ન્યાયે લગ્ન પછીના પંદરમા દિવસથી જ શ્યામના ઘરે પુરુષોની આવ-જા શરૂ થઇ ગઇ. જે લોકો છેલ્લાં દસ વર્ષમાં ક્યારેય બેસતા વર્ષ નિમિત્તે 'સાલ મુબારક' કહેવા માટે પણ ડોકાયા ન હતા, એ બધા અચાનક કટાણે શ્યામના ઘરે આવવા લાગ્યા. 'કેમ છો, શ્યામભાઇ? આ તો અચાનક અહીંથી પસાર થતો હતો, તો મને થયું કે ચાલો શ્યામભાઇને મળતા જઇએ! ભાભીના હાથની ચા પીવા જઇએ! કેમ, ભાભી દેખાતાં નથી? કિચનમાં છે? ભા... ભી...!' શ્યામનો માત્ર દેખાવ જ ગધેડા જેવો હતો, દિમાગ કંઇ ગધેડા જેવું ન હતું. એ ઘરે આવતા મિત્રોની નજરને વાંચી લેતો હતો. કોઇ શરમ કે સંકોચ રાખ્યા વગર બીજા જ દિવસે પેલા 'ભાભીના દેવર'ને ફોન કરીને ચોખ્ખું ને ચટ્ટ કહી દે: 'ભાઇ, હવે પછી ક્યારેય મારા ઘરે આવતો નહીં. હું હોઉં ત્યારે પણ નહીં. હું ઘરમાં હાજર ન હોઉં ત્યારે તો હરગિઝ નહીં. જ્યારે મને મળવાનું મન થાય ત્યારે કાં તો તું મારી ઓફિસમાં આવજે, કાં મને તારા ઘરે બોલાવી લેજે. મને પણ તારી વાઇફના હાથની બનાવેલી ચા પીવાનું ગમશે.' અને ઘરે આવીને ગાથાને કડક સૂચના આપી દે: 'આજ પછી જો ક્યારેય મારા એક પણ મિત્રનો ટાંટિયો આ ઘરમાં પડ્યો તો હું તારો ટાંટિયો ભાંગી નાખીશ.'

ગાથા અપમાનનું વિષ ગળા નીચે ઉતારીને રહી ગઇ. પછી તો આ પણ નિત્યક્રમ થઇ ગયો. આની પાછળનું મુખ્ય કારણ શ્યામના મનમાં રહેલી લઘુતાગ્રંથિ હતી. એ પૂર્ણપણે જાણતો હતો કે પોતાના કરતાં ગાથા એક હજાર ગણી આકર્ષક છે. અન્ય પુરુષો ગાથા પ્રત્યે ખેંચાવાના જ છે. સવાલ એ છે કે ગાથા એમાંના કોઇની પ્રત્યે આકર્ષણ અનુભવશે કે કેમ? પોતાની પીઠ પાછળ કામલીલા રચાતી હોય તો ખબર પણ કેવી રીતે પડે? માટે રોગ અને શત્રુની પેઠે આવા સંભવિત આડા સંબંધને પણ ઊગતાં પહેલાં જ ડામી દેવો સારો.પણ એક દિવસ શ્યામ માટે બહુ જોખમી બનીને આવ્યો. એની જ સોસાયટીમાં એની બરાબર સામેના મકાનમાં સાગર નામનો એક હેન્ડસમ યુવાન ભાડુઆત તરીકે રહેવા માટે આવ્યો. શ્યામ પ્રથમ નજરમાં જ સમજી ગયો કે સાચી જોડી તો સાગર અને ગાથાની જ જામે છે. અન્ય પાડોશીઓ પણ આવી જ ચર્ચા કરવા લાગ્યા હતા. શ્યામ સાવધ થઇ ગયો. અન્ના... ચૌબીસ ઘંટે ચૌકન્ના...! વોચમેનને રોજ બક્ષિસ રૂપે પચીસ-પચાસ રૂપિયા આપીને શ્યામે સૂચના આપી દીધી, 'મારી ઘરવાળી ઉપર નજર રાખજે. ક્યારે, કોણ, કેટલી વાર મારા ઘરમાં આવે છે અને ક્યારે બહાર નીકળે છે એનો રિપોર્ટ મારે જોઇશે.' રિપોર્ટ મળવા માંડ્યો, 'સાહેબ, વો સામનેવાલા હીરો હૈ ના? આજ દો પહર કો ડેઢ બજે વો આપકે ઘરમેં...'

બસ, થઇ રહ્યું! એ સાંજે શ્યામે ઘરે આવીને ગાથાની સાથે ઉગ્ર ઝઘડો કર્યો. ગાથાએ એને સમજાવવાની ઘણી કોશિશ કરી કે... 'સાગરભાઇ ખૂબ પવિત્ર માણસ છે. એમને શર્ટનું બટન ટાંકવા માટે સોય-દોરો જોઇતો હતો એટલે માગવા માટે આવ્યા હતા. મેં કીધું 'લાવો, હું જ લગાવી આપું છું. માંડ પાંચ મિનિટ્સ લાગી હશે. ચા પીવાની પણ એમણે ના પાડી દીધી. તમે નાહકના વહેમાવ છો.' શ્યામે ઝૂડી નાખી ગાથાને. ચાર-પાંચ વાર આવું બન્યું ત્યારે એક દિવસ કંટાળીને ગાથાએ કહી દીધું, 'રોજ રોજ મને શા માટે કહો છો? એક વાર સાગરને જ કહી દો ને કે એ આપણા ઘરે ક્યારેય ન આવે.' અહીં જ મોટી મોંકાણ હતી. સાગર ઊંચો, કસરતી, સ્નાયુબદ્ધ અને પૌલાદી પુરુષ હતો. એને કહેવા જવામાં થોબડું રંગાઇ જવાનું જોખમ હતું. 'નબળો ધણી બૈરી પર શૂરો' એ ન્યાયે શ્યામ પત્નીને જ માનસિક અને શારીરિક ત્રાસ આપી શકતો હતો, ભૂલેચૂકે પણ જો સાગર આમને-સામને આવી જાય તો કૃત્રિમ સ્મિત ફેંકીને ચૂપચાપ એની સાથ વાત કરવાનું પણ ટાળી દેતો હતો. સાગર તો આ બધાથી તદ્દન અજાણ હતો, એ તો કોઇ ને કોઇ નિમિત્તે ગાથાને મળવા આવી જતો હતો. આજે માચીસની સળી જોઇએ છે... આજે બે ચમચી ખાંડ જોઇએ છે... આજે ટ્યૂબલાઇટ બગડી ગઇ છે, તમારા ઘરમાં મીણબત્તી હોય તો આપશો? હું નવી લાવીને આપી દઇશ...! સાગરને ક્યાં ખબર હતી કે એની પ્રત્યેક વિઝિટ ગાથાના દેહ પર લાકડીનો માર બનીને તૂટી પડતી હતી?!
ગાથા રડી-રડીને વિનવતી રહેતી, 'તમે મારી ઉપર સાવ ખોટા વહેમાવ છો. હું ગંગા જેવી પવિત્ર છું.' પણ રાક્ષસને કોણ સમજાવી શકે? જેને કોઇ ન સમજાવી શકે તેને ઈશ્વર સમજાવી દે છે. તામસી પ્રકૃતિ, સિગારેટ અને ગુટખાનું બંધાણ બિઝનેસનું સેન્શન અને બેકાબૂ આહારની આદત, આ બધાનું જ પરિણામ હોવું જોઇએ કે એક દિવસ શ્યામને બ્રેઇન હેમરેજ થઇ ગયું. ગાથા ખૂબ ગભરાઇ ગઇ. સાગર દોડી આવ્યો. તાબડતોબ શ્યામને ફાઇવસ્ટાર હોસ્પિટલના આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યો. શહેરના શ્રેષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ અને ન્યૂરોલોજિસ્ટની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી. 'મિસિસ મહેતા, તમારા પતિને બચાવી શકવામાં તો કદાચ અમે સફળ થઇશું, પણ...' ડોક્ટરે ગાથાને સમજાવ્યું, 'એ લાંબા સમય સુધી પથારીવશ રહી શકે છે. એમનું શરીર પેરેલિસિસને કારણે...' ખરેખર એવું જ બન્યું. સાડત્રીસમા દિવસે ગાથા એના પતિને લઇને ઘરે પાછી આવી. શ્યામ હવે દિવસરાત જીવતી લાશ બનીને પથારીમાં પડી રહેતો હતો. ન હાથ-પગ ચાલે, ન એ કંઇ બોલી શકે. આંખથી જોઇ શકે, કાનથી સાંભળી શકે, પણ કોઇ જાતની પ્રતિક્રિયા આપી ન શકે. ગાથા આદર્શ પતિવ્રતા નારીની જેમ એની ચાકરી કર્યા કરે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtuDo9OEDncR_3BLGRGsfxXpzFWdqsycsLYz9BNAXo9Bg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment