Thursday 1 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હું તો બહુ નાનો માણસ છું (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હું તો બહુ નાનો માણસ છું!
અશોક દવે

 

''ભ'ઈ... હું તો બહુ નાનો માણસ છું...'' આપણને કહેતા આવા 'નાના માણસો' બહુ મળે છે.


જરાક અમથા તમે એના વખાણ કરવા જાઓ, એટલે બહુ નમ્ર થઈને સ્માઈલ સાથે કહેશે, ''હું તો બહુ નાનો માણસ છું.''


એ ન કહે તો ય આપણને ખબર છે કે, એ નાનો માણસ જ છે. અલબત્ત, આવી ફૂટપાથછાપ નમ્રતા બતાવીને એ ઠસાવવા માંગે છે કે, હું નાનો માણસ નથી. બીક સતાવી રહી હોય છે કે, સાલું, લોકો ભૂલી જશે કે 'હું બહુ મોટો માણસ છું', તો ? સરવાળો સીધો છે કે, એ પોતે એમ કહે કે, હું બહુ નાનો માણસ છું, તો જવાબમાં આપણે એમ જ કહેવાના છીએ, ''અરે હોય...? આપ તો બહુ મોટા માણસ છો !'' આપણે એની આ સિઘ્ધિ ભૂલી ન જઈએ, માટે જ્યાં ને ત્યાં એ કહેતો ફરે છે, ''હું તો બહુ નાનો માણસ છું.''


વ્હેંતીયા, ઠીંગણા, ઢાઈ ફૂટીયા કે ઈંગ્લિશમાં જેને આપણે Midgets (ઉચ્ચાર : મિજેટ્‌સ) કહીએ છીએ, એમને તમે ક્યારેય પોતાને 'નાના માણસ' કહેતા સાંભળ્યા ? તમારાથી ભૂલમાં ય એમને આવું કાંઈ કહેવાઈ ગયું હોય તો, તમારી બાજુમાં ટેબલ મૂકી, એના ઉપર ચઢી, તમારૂં મોંઢું એની તરફ કરાવીને થપ્પડ મારશે. થપ્પડ ખાઈ લીધા પછી, એને ટેબલ પરથી નીચે તમારે જ તેડીને એને ઉતારવો પડશે. મને કોઈ કહે છે, ''ભ'ઈ, તમે તો બહુ મોટા માણસ...!'' તો સહેજ પણ નમ્ર થયા વિના હું એ કદી ય ન ભૂલે, એ માટે એના ખભે હાથ મૂકીને કહી દઉં છું, ''યસ... તમારી વાત સાચી જ છે. હું મોટો માણસ છું જ અને આ સ્થાને પહોંચતા મને ૪૦ વર્ષ થયા છે...!''


આપણને મોટા માણસ કહેનારા મોટા ભાગના લોકો નાના માણસો હોય છે. ક્યાંક એમના પેટમાં દુઃખતું હોય છે, સહન નથી થતું. હું ખાડીયાની ખત્રી પોળમાં સાવ નાનકડા બે રૂમમાં ફાધર-મધર સાથે રહેતો. ખડકી કહેવાતી એને ને એમાં છ ભાડુઆત. બધા વચ્ચે એક જ સંડાસ. હું રહું, એ 'ઘર'માં રસોડું ગણો, બાથરૂમ ગણો, ડ્રૉઈંગ રૂમ કે બૅડરૂમ ગણો, બઘું એક જ. અમારે એટલે કે મારે અને ફાધરને નહાવું હોય ત્યારે મધર નીચે જતા રહે. બહાર ઓટલે બેસે. કૉમેડી નહિ, પણ ટ્રેજેડી ત્યાં થતી કે, રોજ વહેલી સવારથી અમે બધા લાઈનમાં બેસી જતા... એક જ કૉમન સંડાસ હતું માટે. આમાં કોઈનું કશું ચાલે નહિ કે, આને બહુ લાગી છે એટલે એને વહેલો જઈ આવવા દે. મહીં છાપું લઈ જવાનો તો સવાલ જ નહતો. લઈ જઈએ તો પહેલું પાનું નાકને અડે, એટલું નાનું સંડાસ હતું. આ તો મારા ઘરમાં કેવળ હું ને મધર-ફાધર, એટલા જ. ઉપર સ્વ. ભાઈલાલભાઈ બ્રહ્મભટ્ટનું ફૅમિલી રહેતું, એમાં તો પર્મેનૅન્ટ સાત જણા. આ ભાઈલાલભાઈ ઘડિયાળી રોજ રાત્રે હાર્મોનિયમ લઈને સ્વ.કે.એલ. સાયગલના ગીતો ગાવા બેસે. આજ સુધી સાયગલ સાહેબની નજીકનો આવો અવાજ મેં તો સાંભળ્યો નથી. એ રૂમની બહાર એમણે ક્યારેય ગાયું નથી. આ ભાડુઆતોમાં ઊંઝાના સ્વ. ઈશ્વર કાકાનું ફૅમિલી ય ખરૂં. કાયમી પરિવાર છ જણનો, એમાં એક ભત્રીજો રમણ પર્મેનૅન્ટ અહીં રહે, જેના કસરતી બૉડીને કારણે, પોળ કે પોળની બહારના દુશ્મનો સામે અમારા બધાનો તારણહાર એ. ફક્ત ૧૦-બાય-૧૦ની બે રૂમોમાં બધાએ રહેવાનું. જરાય અતિશયોક્તિ વિના કહું તો, આ છ એ ભાડુઆતોને ત્યાં બારેમાસ મેહમાનવાળી ચાલુ જ હોય. મારા ફાધરનો પગાર મહિને રૂા. ૨૫૦/- અને મારા એક ફૂઆ દર વર્ષે એમનું ફક્ત આઠ જણાનું ફૅમિલી લઈને વૅકેશન માણવા આવે અને બહુ આગ્રહ કરીએ તો ય ફક્ત એકાદ મહિનો જ રહે. ફૂઆ એટલે તો જમાઈ થાય, એટલે આખા મહિનામાં એમની પાસેથી એક રૂપિયો ય ન લેવાય, પણ તો ય ફુઆ દિલના બહુ ઉદાર... જતી વખતે મારા હાથમાં આશિર્વાદના બે રૂપિયા દર વર્ષે આપે જ... કેટલી ય ના પાડીએ તો ય !


જીવનમાં પહેલી વાર, આ ખડકી છોડીને થોડા મોટા મકાનમાં અમે ભાડે રહેવા ગયા, ત્યારે હું થોડો મોટો માણસ બન્યો. પહેલીવાર નવા વાડજના 'પસ્તીનગર'માં પોતાનું મકાન લેવાની હૈસિયત આવી ત્યારે 'મોટો માણસ' બનવાનો એહસાસ મને પહેલીવાર થયો.


એટલે આજે કોઈ મનમાં કટાક્ષ સાથે પણ મને મોટો માણસ કહે છે ત્યારે પણ ખુશ થવાય છે કે, ''યસ... મોટો માણસ છું... ને મોટા માણસ બનવાની બહુ મોટી કિંમતો ચુકવી છે.''


લેખક બનવામાં તમે મોટા કે નાના માણસ તો જાવા દિયો... માણસ પણ ન રહો, એટલું તમારૂં અસ્તિત્વ ભૂસાઈ જાય, એટલી મદદ સાહિત્યકાર મિત્રો કરતા હોય છે. ગુજરાતી સાહિત્યમાં ટકવા માટે કોઈ ચોક્કસ છાવણીના હોવું નિહાયત જરૂરી છે... ''હું તારા વખાણ કરૂં, તું મારા કર...'' એ જીવનશૈલી ન અપનાવો તો તમારા ચણા ય ના આવે...


અને છતાંય, તમે ટકી ગયા હો, તો બેશક મોટા માણસ કહેવાઓ !


લોકો કેમ આવું કરતા હશે ? આઈ મીન, મનમાં ઝેર સાથે બીજાને મોટા માણસ કહીને અથવા હાસ્યાસ્પદ નમ્રતા બતાવીને પોતાને ''બહુ નાનો માણસ'' કહેવડાવવાની પોતાની વાસના સંતોષવાનું એમનું કારણ શું હશે ?


રાજેશ ખન્નાની ફિલ્મ 'સફર'માં છાતી ચીરી નાંખતો એક સંવાદ આવે છે, કે લોકો હૉસ્પિટલમાં બિમારની ખબર પૂછવા કેમ આવે છે, ખબર છે ? એ એટલા માટે કે, બિમારને જોઈને પોતે ખુશ થાય છે કે, પોતે આના જેવા લાચાર નથી, બિમાર નથી.


કંઈક આવું જ હશે આ નાના-મોટા માણસોનું. પોતાને નાનો માણસ કહેવડાવનારો પીડાતો હશે પોતાના ખતમ થઈ રહેલા સામ્રાજ્યથી. કર્યા એટલા વખાણ એને પૂરતા ન લાગ્યા હોય એટલે તમે હજી વધારે એના માનમાં કાંઈ બોલો ત્યારે એની આ નમ્રતા છલકવા માંડે છે. ખાસ કરીને, જ્ઞાતિ-સંમેલનોમાં સ્ટેજ પરથી આ સંવાદ હરકોઈ બોલે છે... ખાસ કરીને, મોટું પરાણે ડોનેશન લઈને, બોકડો બનાવીને જેને સમારંભનો પ્રમુખ કે ચીફ ગૅસ્ટ બનાવાયો હોય, એ આવા-પોતે નાના માણસ હોવાના લવારા બહુ કરે, ''સ્નેહીઓ, આપણી જ્ઞાતિની કારોબારીની સભ્યશ્રીઓ મારા છ બેડરૂમના નાનકડા બંગલામાં આજના કાર્યક્રમનું આમંત્રણ આપવા રીક્ષા કરીને આવ્યા, ત્યારે મારી મર્સીડીઝ-બૅન્ઝ બગડી હોવાથી ન છુટકે મારા ડ્રાયવરને મારી 'આઉડી' કાઢવી પડી, એમાં વાર થઈ એટલે હું સહુને મળી શક્યો. ઘેર આવેલા મહેમાનો તો જ્ઞાતિજનો હતા, એટલે મેં બહુ ડરી ડરીને પૂછ્‌યું, ''સાહેબો, જ્ઞાતિના ફંડ માટે હું ફક્ત રૂા. ૧૦-લાખ આપી શકું એમ છું, તો ચલાવી લેશો ? હું બહુ નાનો માણસ છું... ભવિષ્યમાં તક મળશે તો રૂા. ૧૦-કરોડ આપવાની પણ મહાપ્રભુજી મને શક્તિ આપે...!''


યે તો અંદર કી બાત હૈ... કે ડોહા દસ હજાર આપવા ય માનતા જ નહોતા ને બીજા આવા ડોહા મળતા ય નહોતા, માટે આને એની શરતે બોકડો બનાવીને સ્ટેજ પર બેહાડી દીધા કે, હું ફક્ત પચ્ચી હજાર આલીશ... પણ જાહેરાત દસ લાખની કરવાની, તો આલું...! દેખિતું છે કે, જ્ઞાતિજનોને તો વકરો એટલો નફો એટલે ના પાડીને પચ્ચી હજાર કોઈ ગૂમાવે નહિ ! જે લોકો જે કોઈ જ્ઞાતિના આવા મંડળો ચલાવતા હશે એમને ખબર હશે કે, જ્ઞાતિના કહેવાતા શેઠીયાઓ ય પબ્લિસિટીના ભૂખ્યા હોય છે. આવું તો દરેકને બનવા માંડ્યું છે કે, સ્ટેજ પરથી જાહેર કરેલી રકમ કોઈ આપતું નથી અને કેટલાકે તો જાહેર કરેલી રકમ લેવા જાઓ તો... બ'ઈની ઝાલરે ય મળતી નથી... (શું નથી મળતી...? જવાબ : બ'ઈની ઝાલર : જવાબ પૂરો)


સિક્સર
- ચૂંટણીમાં હારેલાઓ માટે મુનવ્વર રાણાનો એક તગડો શે'ર...
- બિછી રહતી થી ઢાબે પર કઈ દર્જન પલંગે ભી, ઉન્હીં પર હમ જવાની કા જમાના છોડ આયે હૈં,
ન જાને ક્યું હમેં રહરહ કે યે મેહસૂસ હોતા હૈ, કફન હમે લેકે આયે હૈ, જનાઝા છોડ આયે હૈં


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuUEmMxmnwCQF_SGfn%3DU%2B55UW4ur-Fzu2wvVbqe13n3qA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment