દેશ 'મી ટુ'ની મજા માણી રહ્યો હતો ત્યારે ગંગાની જાળવણીની માંગણી માટે ગંગાની ભૂમિ પર જ જળત્યાગ કરીને ડો. જી. ડી. અગ્રવાલે દેહત્યાગ કર્યો. 'બિગ બોસ'ના આ હપ્તામાં કઈ સેલિબ્રિટીની 'એક્ઝિટ' થાય છે તે જાણકારી હોવી ફેશન મનાય છે પણ કોઈ વિભૂતિ આપણા ભાવિ માટે આ દુનિયામાંથી 'એક્ઝિટ' લઈ લે છે તેની આપણને પરવા નથી. ભારતના તેઓ સૌ પ્રથમ ટેકનિકલ જ્ઞાાન ધરાવતા પર્યાવરણવિદ હતા. ડો. જી. ડી. અગ્રવાલે આઇઆઇટી- રૂરકીમાંથી ડીગ્રી મેળવી તેમજ એમ.એસ. અને પીએચડી પર્યાવરણ એન્જિનિયરિંગમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી કર્યું હતું. છે લ્લા અઠવાડિયામાં તમે એમ.જે. અકબર, આલોકનાથ, કૈલાસ ખેર, સાજીદ ખાન અને સુભાષ ઘાઈ જેવા એક જમાનામાં કઈ હદે વિકૃતિના વમળમાં ડૂબકી લગાવતા હતા તેની રજેરજ 'મી ટુ'ની મિજબાની માણીને લગભગ એવી જ પ્રતિક્રિયા આપી હશે કે ''આમાં કંઈ નવું નથી. આવુ બધુ ફિલ્મ, કોર્પોરેટ અને રાજકારણની દુનિયામાં ચાલ્યા કરે.'' આપણે રફાલ વિમાનના સોદાની રાજનીતિથી માંડી ટ્રમ્પ કયા દેશને કેટલી સબસીડી આપશે અને આંતરરાષ્ટ્રીય હવામાનની બીજા ૫૦ વર્ષની આગાહી પરના અહેવાલો પણ જાણી વિશ્વ નાગરિક હોવાનું ગૌરવ અનુભવતા હોઇએ છીએ. અનુપ જલોટા તેની પુત્રી જેવડી છોકરી જોડે 'લિવ ઈન' સંબંધોમાં હતો તે સંસ્કૃતિને શોભારૂપ છે? તેવી આઠ-આઠ પેનલિસ્ટો જાણે તે આપણો રાષ્ટ્રીય પ્રાણપ્રશ્ન હોય તેમ ન્યૂઝ ચેનલ પર ચર્ચા કરી શકે છે. 'બિગ બોસ'ના હાઉસમાંથી છેલ્લે કોની 'એક્ઝિટ' થઈ તે જો ખબર ના હોય તો તે વ્યક્તિ જાણે સમાજના મુખ્ય પ્રવાહમાંથી બહાર હોય તેવી શરમિંદગી અનુભવે છે પણ આપણી સંસ્કૃતિની રક્તવાહિનિ સમાન ગંગા નદીની સફાઈ તેમજ તેની અસ્મિતાનું જે હદે બેરોકટોક ધોવાણ થાય છે તેની સામે ઉપવાસ પર ઉતરી અને છેલ્લા ત્રણ દિવસ જળત્યાગ કરવા સાથે પ્રાણ પણ ત્યાગી અદ્વિતીય ગંગાંજલિ અર્પનાર પૂજ્ય ડો. જી.ડી. અગ્રવાલે આ સ્વાર્થી દુનિયામાંથી 'એક્ઝિટ' લીધી તેની કેટલા ભારતીયોએ નોંધ લીધી? માહિતિ યુગના જમાનામાં ડો. જી.ડી. અગ્રવાલના નિધનની હેડલાઈન વાંચી હોય તો પણ આપણા લાગણીના તેમને મનોમન સલામ કરતા તાર ઝણઝણ્યા ખરા? ફિલ્મસ્ટારોની પત્નીના નિધનને કે પછી કોહલી-અનુષ્કાની લેટેસ્ટ નાઈટ આઉટની ગતિવિધીના અપડેટ જેટલું કવરેજ પણ ડૉ. જી.ડી. અગ્રવાલ કે જેઓએ સંન્યાસ લીધો હોઈ સ્વામી સાનંદના નામથી ઓળખાતા હતા તેમની શહાદતને ના મળ્યું. જી હા, સરહદે દેશની સુરક્ષા માટે જ જાન ન્યોછાવર કરે તેને જ માત્ર શહીદ ના કહેવાય. દેશ અને સંસ્કૃતિ એકબીજાના પર્યાય છે. આપણે ખુદ આપણી સંસ્કૃતિ પ્રત્યે વિમુખ રહીએ કે અવગણના સાથે દ્રોહ કરીએ તો તે ગદ્દારી જ કહી શકાય. તેની સામે અવાજ ઉઠાવવા ડો. જી.ડી. અગ્રવાલે જે બલિદાન આપ્યું તે શહાદત તરીકે જ સર આંખો પર ચઢાવવું રહ્યું. આપણે ગઈ સદીમાં અને આ સદીમાં કોઈ ધ્યેયની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા મહામાનવથી માંડી તકલાદી તકસાધુઓની હારમાળાઓ જોઈ છે તે તમામમાં એક તકેદારી ખાસ રખાતી કે ઉપવાસ કરનારનું મૃત્યુ ના થઈ જવું જોઈએ. મોટાભાગના અન્નનો ત્યાગ કરે પણ જળનો નહીં. જળનો ત્યાગ કરે તો સમર્થકો પારણા કરાવવાનો પ્યાલો લઈને તૈયાર જ હોય. હવે ડૉ. જી.ડી. અગ્રવાલનો મિજાજ જાણીએ. આપણે સૌ જાણીએ જ છીએ કે વડાપ્રધાન મોદીએ ૨૦૧૪માં ચૂંટણી પ્રચાર દરમ્યાન ''ગંગા માં મુઝે બુલા રહી હૈ'' જેવા નારા સાથે વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાની તો જાહેરાત કરી જ હતી પણ આઝાદ ભારતમાં આપણી સંસ્કૃતિની ધરોહર એવી ગંગાની સ્વચ્છતા, સફાઈની રીતે સદંતર અવગણના થઈ ચૂકી છે અને તેની સરકાર વિશ્વની કોઈ નદીનું હાથ ના ધરાયું હોય તેવું ગંગા સફાઈ અભિયાન હાથ ધરશે તેમ પણ તેમણે મહત્વકાંક્ષા વ્યક્ત કરી હતી. તેનાથી પણ આગળ જઈને સૌપ્રથમ વખત એક અલાયદું મંત્રાલય, બજેટ સાથે ગંગા શુધ્ધિ માટે ખડું કરાયુ હતું. પણ છેલ્લા ચાર વર્ષમાં ''હર હર ગંગે'નો લોટો સ્નાન કરતી વખતે માથા પર રેડીને ગંગા નાહ્યા તેવો આપણે બાથરૂમમાં સંતોષ મેળવીએ તેમ કેન્દ્ર સરકારે પ્રોજેક્ટના નામે બે-ચાર આવા લોટા માથા પર ઠાલવવાથી વિશેષ કાંઈ ઉકાળ્યું નથી. નારેશ્વર સ્થિત બ્રહ્મલીન શ્રીરંગ અવધૂત કહેતા કે ગંગા, ગાય અને ગાયત્રી (મંત્ર, માતાજી)નું ગૌરવ અને ગરિમા જાળવીશું તો હિન્દુ સંસ્કૃતિ ટકી રહેશે. ગંગાને આથી જ શ્રધ્ધાળુઓ જાણે તેમના રક્તસંચાર જેમ પૂજે છે અને પાવન થાય છે તો પર્યાવરણ અને નદીને ઉપયોગિતાની રીતે જ તેને જોનારો વર્ગ પણ કહે છે કે ગંગા શુધ્ધિ માત્ર ભાવાત્મક રીતે જ નહીં પણ દેશના અર્થતંત્ર માટે પણ હાર્દ સમાન છે. ખરેખર ભારતના મહત્તમ નાગરિકો કાયર અને દંભી છે. શ્રૂંગાર અને શ્રવણ રસમાં અફીણની જેમ ડૂબેલા છે. ખરેખર તેઓને સંવેદના કે ગુણવત્તાસભર જીવન એટલે શું તે અનુભૂતિનો જ અભાવ છે. ગંગા નદી કાલે સવારે સૂકાઈ જાય કે લુપ્ત થઈ જાય તો પણ ''જેવી મહાદેવની ઈચ્છા, આ તો ભાઈ ઋણાનુબંધની વાત છે'' તેમ બોલી ભજન ગાવા માંડશે. ખરેખર તો પૂરી નિષ્ઠા સાથે કર્મ કર્યા પછી નિષ્ફળતા મળે તો આવું આશ્વાસન મેળવવાનું હોય છે. આપણે તો નજર સામે જ કથળતું જોઈએ, જર્જરિત થતું જોઈએ... અને તે નાશ પામે એટલે 'જેવી હરિ ઈચ્છા'નું સ્વઆશ્વાસન હાજર જ રાખીએ છીએ. જો ખરા હૃદયથી ગંગા માટે દેશવાસીઓને આદર હોય તો કેમ ડો. જી. ડી. અગ્રવાલના બલિદાન બાદ 'મી ટુ'ના દસમા ભાગની ટ્વિટ કે સોશિયલ મીડિયામાં પોસ્ટ જોવા ના મળી. કેમ દેશભરના નાગરિકો રસ્તા પર મીણબત્તી લઈને ના ઉતરી આવ્યા? ભારત તો ઠીક પણ જે ડો. જી. ડી. અગ્રવાલનું હેડક્વાર્ટર રહ્યું છે તે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ કોઈ શોકની લહેર ના જોઈ શકાઈ.તેની આગળ આ ગંગા બલિદાન કઈ હદે એળે ગયું તેનો પ્રવાહ જોઈએ તો કેમ દેશભરના સંતો, સન્યાસીઓ, આશ્રમના ગોડમેનો, કથાકારો, ગંગાના શહીદ પુત્ર માટે રોષ નહી તો કમ સે કમ તેમને અંજલિ આપવા તેમના મૃત્યુ સ્થળ ઋષિકેશ કે નવી દિલ્હીમાં એકત્રિત ના થયા ? લુખ્ખી એકાદ લાઇનની અંજલિ ના ચાલે. ગંગા સફાઈ મુદ્દે શાસક પક્ષ જોડે શિંગડા ભરાવવાની ઉશ્કેરણી નથી પણ ઉત્તર તો માંગી જ શકાય ?દેશના નાગરિકોમાં હકારાત્મક ઊર્જા ભરવાના નામે યુ ટયુબ, વ્હોટ્સએપ પર પ્રસંગો સાથેની બડી બડી શીખ આપતા મોટિવેટર ગુરુઓ તેમના આશ્રમનો ફેલાવો થતો રહે તેવા પ્રલોભનો હેઠળ ગંગા કે ડો. જી. ડી. અગ્રવાલના શહાદત મુદ્દે મૌન છે. શું પાકિસ્તાનની કોઈ અન્ય નદી કે અન્ય ધર્મની શ્રદ્ધા ધરાવતી નદી ગંગા જોડે સમાંતર વહેતી હોય તો જ ભારતના નાગરિકોની દુઃખતી નસ દબાય ? કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશની સરકાર ભાજપની જ હોવા છતાં એવું કયું પરિબળ છે કે જે ગંગા સફાઈમાં ચાર વર્ષમાં અપેક્ષિત આગેકૂચ નથી કરી શક્યું. ફંડ તો શૌચાલય, સ્વચ્છ અભિયાન, ડિજીટલ ઇન્ડિયાથી માંડી પડોશી દેશોને જંગી સહાય, જમ્મુ કાશ્મીર, આંધ્ર પેકેજ માટે ફાળવાય જ છે. કમ સે કમ નિખાલસતાથી મોદી ગંગા પ્રોજેક્ટમાં થયેલું કાર્ય અને મંદતા માટેના નક્કર કારણો 'મન કી બાત' જેવા પ્લેટફોર્મ પરથી જણાવે તો નાગરિકો ચોક્કસ તેનો ખેલદિલીથી સ્વીકાર કરે જ. સ્વર્ગસ્થ ડો. જી. ડી. અગ્રવાલ કેવી વિરલ હસ્તી હતા તે પણ જાણી લો. તેઓએ ૨૦૧૧માં સ્વયં સંન્યાસ લીધો હતો અને સ્વામી સાનંદ નામ ધારણ કર્યું હતું. તેઓ હંમેશ માટે ભગવાધારી નહિ પણ શ્વેત વેશ પરિધાન સાથે ખાદીધારી હતા. ગંગાને તેઓ માત્ર સંસ્કૃતિ, હિંદુ કે વેદ-પુરાણોના સંદર્ભે જ આદર નહોતા આપતા પણ પોતે અસાધારણ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા પર્યાવરણવિદ હતા. ઉત્તર પ્રદેશમાં જે પણ ભારતની શ્રેષ્ઠ સિંચાઈ યોજનાઓ છે તેમના પ્રણેતા કહી શકાય કેમ કે, ૧૯૫૦ના દાયકાથી તેઓ સિંચાઈ વિભાગમાં અધિકારી હતા તે પછી ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજી આઇઆઇટી- કાનપુરમાં પર્યાવરણ એન્જિનિયરિંગ વિષયના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રહ્યા. તેઓ દેશના ટોચના આવા શિક્ષણ અને વિષય નિષ્ણાત હોઈ ભારત સરકારે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ બનાવ્યું તેના સૌ પ્રથમ મેમ્બર સેક્રેટરી તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. વિદેશની યોજનાઓ જોઈ ભારતની નદીઓ, સિંચાઈ યોજનાઓનું મોડેલ તેમણે આપેલું. આ માટેની તમામ કમિટીમાં તેઓનું અગ્રસ્થાન રહેતું. દેશની પર્યાવરણ નીતિ ઘડવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. છેલ્લા ૨૫ વર્ષથી તેઓ ચિત્રકૂટ સ્થિત મહાત્મા ગાંધી ગ્રામીણ વિશ્વ વિદ્યાલયમા પ્રોફેસર તરીકે માનદ સેવા આપતા હતા. આવા વિજ્ઞાાની તેમના ૨૦૦ ચોરસ ફૂટના એક ઓરડામાં રહેતા હતા જાતે પોતુ કરતા અને કપડા ધોતા હતા. તેઓ સાયકલ પર જ જોઈ શકાતા હતા. શિક્ષણના પ્રવાસમાં જાય તો સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ કે સેકન્ડ ક્લાસ ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરતા હતા. આઇઆઇટી કાનપુરના દેશ- વિદેશમાં ઉચ્ચ સ્થાન શોભાવતા તેમના ભૂતકાળના વિદ્યાર્થીઓએ તેમના નિધન બાદ આઘાત અનુભવતા અંજલિ આપી હતી કે, 'ભારતના તેઓ સૌ પ્રથમ ટેકનિકલ જ્ઞાાન ધરાવતા પર્યાવરણવિદ હતા. ડો. જી. ડી. અગ્રવાલે પોતે આઇઆઇટી- રૂરકીમાંથી ડીગ્રી મેળવી તેમજ એમ.એસ. અને પીએચડી પર્યાવરણ એન્જિનિયરિંગમાં તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાંથી કર્યું હતું. વોટરમેનના હુલામણા નામથી જાણીતા અને મેગેસેસે એવોર્ડ વિજેતા રાજેન્દ્રસિંઘ જેવા વર્તમાન ભારતના પર્યાવરણ અને સિંચાઈ એન્જિનિયરોને તેમણે તૈયાર કર્યા હતા. સ્વ. ડો. જી. ડી. અગ્રવાલ તેમના અગાધ જ્ઞાાનના આધારે ગંગોત્રી અને માનેરી, ભાલી વચ્ચેના ચાર ડેમ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. તેઓકહેતા ગંગા આગળ જતા વધુ પ્રદૂષિત, ભયજનક અને તેના મૂળસ્ત્રોત શક્તિ ગુમાવી દેશે. ગંગા માટેના જે પણ જાળવણી પ્રોજેક્ટસ અત્યાર સુધીમાં નિર્માણ પામ્યા છે તેનો અમલ કરાવવા પણ ભૂતકાળમાં તેઓ ઉપવાસ પર ઉતરીને સફળ પરિણામ મેળવી ચુક્યા હતા. તેમની દ્રષ્ટિ યોગ્ય હતી તેવા ફળ તે પછી આપણે ગંગામાંથી મેળવ્યા હતા. ખરેખર તો ગંગા સફાઇ પ્રોજેક્ટમાં તેમને અગ્ર સ્થાન આપવું જોઇતું હતું. ગત ૧૨ જુનથી તેઓ ગંગા સફાઈ, હાઇડ્રો ઇલેક્ટ્રીક પ્રોજેક્ટ યોજના પર પાબંદી, રેતી માફિયા પર પ્રતિબંધ, ગંગા સફાઈ તેમજ જાળવણી અને બિનસરકારી સ્વાયત કમિટીની માંગણી સાથે ઉપવાસ પર ઉતર્યા હતા. કેન્દ્ર સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ના સાંપડયો. ના તો તેમની જોડે કોઈ દેશભરના કે ઉત્તર પ્રદેશ અને ઋષિકેશના સાધુઓ ઉપવાસ પર તેમના જેવા મક્કમ મનોબળ સાથે બેઠા. તેમણે ૯ ઓક્ટોબરથી જળત્યાગ કરવાની જાહેરાત કરી હતી. 'મરતા હોય તો ભલે મરે' તેવી નિર્દયતા ધારણ થઈ. ૧૩ ઓક્ટોબરે નવરાત્રિના પાવન દિવસોમાં જ આપણે એક વિજ્ઞાાની, તપસ્વીને ગુમાવ્યા. તેમને મનાવવા કેટલાક નેતાઓ જરૂર ગયા હતા પણ તેમાં લુખ્ખી સરકારી ખાતરીઓ અને વાયદાઓ જ તેમને જણાવ્યા હતા. સંતો, ઋષિઓ, સંન્યાસીઓ ગંગામાં પરોઢે ડૂબકી લગાવી દિવસનો પ્રારંભ કરતા હોય છે. જ્યારે ડો. અગ્રવાલે ગંગા કિનારે જ ગંગા માટેની માંગણીઓ ના સંતોષાતા દેહ છોડવાનું પસંદ કર્યું. આપણી સંસ્કૃતિમાં વ્યક્તિના મૃત્યુની વેળાએ તેના મોમાં ગંગાજળની ચમચી મૂકાય છે અસ્થિનું વિસર્જન પણ આત્માની શાંતિ અર્થે ગંગામાં વહેવડાવાય છે પણ ડો. જી. ડી. અગ્રવાલે ગંગા માટે મૃત્યુની વેળાએ ગંગાજળનું એક ટીપું પણ તેમની જીભ પરસ્પર્શ ન પામે તેવી તકેદારી સાથે બદિલાન આપ્યું. આવા ગંગા પુત્રને યાદ કરીશું તો પણ ગંગામાં સ્નાન કર્યા જેવું પુણ્યુ પ્રાપ્ત થઇ શકે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvFTkUc99u1V5DxTUHam6g_wqLE41ynyOsrr2TaPWCTPw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment