મુંબઇની લાઇફસ્ટાઇલમાં આપણે બધું જ કામ ઉતાવળમાં કરતા હોઇએ છીએ, આપણા માટે પૈસા પછી જો બીજી કોઈ મહત્ત્વની વસ્તુ હોય તો તે છે સમય. સમય અને પૈસાની રેસમાં આપણે સંબંધોનો તો સાવ છેદ જ ઉડાડી નાખ્યો છે. દરેક કામ સમયસર થવું જરૂરી છે અને મુંબઇની લાઇફ એટલી વ્યસ્ત છે કે બે ઘડી નિરાંતનો શ્ર્વાસ લેવાની ફુરસદ નથી. બાળકો હોય કે કૉલેજ હોય કે નોકરિયાત વર્ગ બધા સવારે ઉઠીનેે તૈયાર થઇને પોતાના કામકાજમાં લાગી જાય છે. આખો દિવસ પછી જ્યારે બાળકો સ્કૂલ, ક્લાસ અને રમીને ઘેર પાછા આવે છે ત્યારે ફોન પકડીને બેસી જાય છે. યુવાનો અને નોકરિયાત વર્ગ પણ રાતના આવીને સીધા સોફા પર પગ લંબાવીને મોબાઇલમાં ઘુસી જાય છે. સાંજના ઘરે પાછા આવ્યા ત્યારથી રાતના સૂતા વખત સુધીના ચાર-પાંચ કલાકમાં, લોકો ફોનમાં ઓછામાં ઓછો બે કલાક તો ટાઇમ પાસ કરે જ છે. હું એમ નહીં કહું કે બધા જ લોકો ફોન પર ટાઇમપાસ કરતા હોય છે, પણ હા મોટાભાગના લોકો ફોન પર રહેતા હોય છે. ટૅક્નોલોજીનો ફાયદો તો ખૂબ જ છે પણ તેની અતિ આપણા મહામૂલા અંગત સમયનો બગાડ કરી રહી છે. કહેવાય છે કે 'અતિની નથી હોતી કોઇ ગતિ'. મુંબઇની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં પરિવારના દરેકે દરેક જણ આખો દિવસ કામકાજમાં લાગેલા હોય છે, પૈસા પાછળ દોડતા માણસો પરિવારને સમય આપવાનું ભૂલી જાય છે અને એમાય હવે સેલફોનનો વધારો થયો છે, તો બાપા હવે લોકો પરિવારને ઓછો અને મોબાઇલને વધુ સમય આપે છે. હવે થોડો વિચાર કરીએ કે લોકો કેમ રાતના પોતાની મીઠી નિંદરનો ત્યાગ કરીને ફોનને સમય આપે છે, આની પાછળ ફક્ત બે પરિબળ છે એક તો એકલતા બીજું મનોરંજનની લત. એકલવાયો માણસ એટલે કે એકલો રહેતો હોય તે નહીં પણ મનથી પરિવાર કે મિત્રોથી દૂર થયેલા લોકો. જે પોતાના મનની વાત કોઇને કહીં શકતા નથી. અમિતાભ બચ્ચનો ડાયલોગ તો યાદ હશેને કે 'મે ઔર મેરી તન્હાઇ અક્સર એસે બાતે કીયા કરતે હે..'. તેવા લોકો મોટા ભાગે સોશિયલ મીડિયાનો વધુ વપરાશ કરતા હોય છે, એમ એક સર્વે દ્વારા જણાયું હતું. સોશિયલ મીડિયાની કાલ્પનિક દુનિયા એટલી માયાવી છે કે લોકો તેની જાળમાં ફસાયા પછી ભાગ્યે જ બહાર નીકળી શકે છે. રાતના ઉજાગરા કરીને આજની યુવા પેઢી પબજી, ક્લૅશ રોયલ, ક્લેશ ઑફ ક્લેન્સ અને કાઉન્ટ સ્ટ્રાઇક જેવી ગેમો રમતી જોવા મળે છે. જ્યારે ઘણાં લોકો નેટફ્લિક્સ કે એમોઝોન પ્રાઇમ પર વૅબ સીરિઝ જોઇને રાત ગુજારતા હોય છે. આજની યુવા પેઢી તેમની અભ્યાસને લગતી કે કારકિર્દીને લગતી કે બીજી કોઇપણ પ્રકારની મુશ્કેલીમાંથી પોતાનું તાત્પૂરતા માટે ધ્યાન ભટકાવા માટે ગેમ, ફિલ્મ, વૅબસિરિઝ અને એનિમે તરફ ધ્યાન દોરે છે. ક્યારેક ક્યારેક આ વળગણ તેમના કામના આડે આવે છે છતાં આદતથી મજબૂર તેઓ વળગણને છોડી શકતા નથી. મુંબઇના નોકરિયાત વર્ગ અને ટીનેજરની વાત કરીએ તો તેમાંથી અડધોઅડધ લોકો ઘરે જઇ જમી પરવારીને મોબાઇલને ચોંટી જતા હોય છે. મોબાઇલની અતિશક્તિયોતિને લીધે લોકો સાતથી આઠ કલાકની નીંદર લેતા નથી અને શરીરને યોગ્ય આરામ ન મળવાથી આખો દિવસ સુસ્તી રહે છે અને સ્વાસ્થ્ય પર આડઅસર થાય છે. એક સર્વે અનુસાર, સોશિયલ મીડિયાના વપરાશથી લોકો ડિપ્રશનમાં આવે છે. મિત્રો કે સગાં-સંબંધીઓની જહોજલાલીની પૉસ્ટ જોઇને ઘણી વારમાં મનમાં થાય કે આપણી પાસે એવી સુખ-સુવિધા કેમ નથી તો એટલે મનમાં થોડો વિષાદ આવે છે અને ધીમે ધીમે એ વાત મનને કોરી ખાય છે. પોતાની લાઇફ વધારે સારી કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે વધુ પૈસા કમાવી શકાય, કેવી રીતે પોતાન અને પોતાના પરિવાર માટે બધી સુખ-સાહ્યબીવાળું જીવન વીતાવી શકે. આ બધી ચિંતાઓ ધીમી ધીમે મન દુ:ખથી ભરી દેછે. એક સર્વે અનુસાર, સોશિયલ મીડિયાના વપરાશને લીધે લોકોમાં અદેખાઇ અને અસંતુષ્ટતા થાય છે. જુવાનિયા કહો કે આધેડ વયના માણસો, ઘરે આવીને રાતભર પોતાના સ્કૂલના કે કૉલેજના જૂના મિત્રો સાથે ઠઠ્ઠા-મશ્કરી કરીને, શાયરી મોકલીને ટાઇમપાસ કરતા હોય છે. આ ટાઇમપાસ સારો છે, પણ એટલો નહીં કે વ્યર્થની વાતો માટે શરીરને જરૂરી ઊંઘનો ભોગ આપીને કરાય. ઘણાંને નવી નવી ફિલ્મો જોવાનો શોખ હોય તો કોઇ અભિનેતા કે અભિનેત્રીના એટલા જબરા ચાહક હોય કે એક ફિલ્મ ૧૦ વાર જોઇ લે તોયે તેમનો જીવ ના ભરાય. છેલ્લાં દસકાથી વિશ્ર્વભરથી એનિમે (જાપાનીઝ કાર્ટૂન) તરફ લોકો વધારે વળી રહ્યા છે. લોકો ટીવી છોડીને એનિમેની દુનિયા કહો કે વૅબસિરિઝ તરફ ઝૂકતા નજરે ચડે છે. ગેમ્સના ચાહકો રાત-રાતભર ઊજાગરાં કરીને નિરર્થક ગેમ રમીને, આંખોને કષ્ટ આપીને અને સમયનો બગાડ કરતા હોય છે. કામેથી થાકી પરવારીને આવ્યા બાદ માતા-પિતા સાથે, બાળકો સાથે કે પાર્ટનર સાથે બે મીઠાં બોલ બોલીને તો જુઓ સાહેબ, ક્યારેક તમે હોસ્ટિપલમાં દાખલ થશો ત્યારે ફોન કે સોશિયલ મીડિયાના મિત્રો તમારા વહારે નહીં આવે, તમારો પરિવાર જેમને તમે ફોન અને ટાઇમપાસના ચકક્રમાં સમય નથી આપતા એ જ તમને કામ આવશે. રાતના ફોનમાં સોશિયલ મીડિયાના જગતમાં ઘૂસતા પહેલા એટલું જાણી લે જો કે તમારી આ આદત બીમારી, ડિપ્રેશન અને અમૂલ્ય સંબંધોના ભંગાણ તરફ લઇ જઇ રહ્યું છે. સોશિયલ મીડિયાનું હેન્ગઑવર બંધ કરીને નીંદરરાણીને માણો. અંતે હું એક જ વાત કહીશ 'લાઇફ ઇઝ નોટ ઇનસાઇડ ધી ફોન, ઇટ્સ આઉટ સાઇડ ધી ફોન'. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov0%2BY3AwrJ6itHmxxdWd4qQ5-K9as%2Bqtx4gCMRvp%2Brq9g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment