Sunday, 25 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ડંખ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડંખ!
માવજી મહેશ્વરી

 


    
અનિલે સ્ટુડિયોનું શટર ઉંચું કરી સૌથી પહેલાં એ.સી. ચાલુ કરી નાખ્યું. સોલ્ડર બેગ ટેબલ ઉપર મૂકી થોડીવાર આંખો બંધ કરી સોફા પર બેસી રહ્યો. બહાર વૈશાખ તપ્યો હતો. તેનું ટી શર્ટ પરસેવે રેબઝેબ થઈ ગયું હતું અને પીઠને કરકરો સ્પર્શ થતો હતો. એસી ઠંડી લહેરખીઓ ફેંકતું હતું. તેણે ધીમેથી આંખો ખોલી. પગમાં કળતર થતું હોય તેવું લાગ્યું. પેટ સાવ ખાલી હતું. સવારે નીકળ્યો ત્યારે ફક્ત ચા પીધી હતી. આટલા વર્ષોમાં પહેલી વાર એવું બન્યું હતું કે તે વર્ધીમાં ગયો હોય અને ભુખ્યો આવ્યો હોય. તેને જમી લેવાનો વિચાર આવ્યો હતો. પણ મનમાં ચીડ વધતી જતી હતી. જોકે એ ગયો ત્યારે જ સમજી ગયો હતો કે આજે ધૈર્યની કસોટી થવાની છે. વિનયભાઈએ બે દિવસ પહેલા જ્યારે સ્થળનું કહ્યું ત્યારે ખબર ન હતી કે કોની વર્ધી છે ! જોકે ખબર પડી હોત તો તેમને ના કઈ રીતે પાડી શકાત કે આ વર્ધીમાં હું નહીં જાઉં. તેમાંય ધંધાની સીઝનમાં ક્યારેય વિનયભાઈને નારાજ કર્યા નથી. સખત ભુખ લાગી હતી તે છતાં તે જમ્યો નહીં. અઢી વાગ્યે બીજા છોકરાને બોલાવી તેમને બધું સમજાવી તે સ્ટુડિયે આવી ગયો.   

તેનો કમ્પ્યુટર રૂમ હવે ઠરી ગયો હતો. મગજમાં ભરાયેલી ચીડ જરા ઓછી થઈ. તેને ચા પીવાની ઈચ્છા થઈ. બપોરે નજીકની લારીવાળો બંધ કરી ગયો હશે. છેક બસ સ્ટેશન પાસે જવું પડશે તેવી અવઢવમાં તે ઊભો થયો ત્યાં જ તેના ફોનની રીંગ વાગી. તેણે થાકેલી આંખે સ્ક્રીન સામે જોયું. વિનયભાઈનો ફોન હતો. તેણે ફોન રીસીવ કર્યો.

અનિલ આવી ગયો ભાઈ. સવારની કેસેટ્સ લઈ આવ્યો છો ને ? કામ ચાલુ કરી દેજે હોં. પાર્ટી ઓળખીતી છે અને એડવાંસ પણ મળી ગયું છે. સાંજે બાકીની ફિલ્મ આવી જાય ત્યારે હું જોઈ લઈશ. તારી પાસે જેટલું છે તે જોઈ લે. સ્ટીલ પોઝ એમને હમણાં નહીં જોઈએ.

અનિલ બેસી ગયો. ચા પીવાની ઈચ્છા મરી ગઈ. આજે તેને થાક લાગ્યો હતો. કારણ તે એકલો જ જાણતો હતો. તેણે પાણી પીધું અને કમ્પ્યુટર ચાલુ કર્યું.

અનિલ ચોવીસેક વર્ષનો પ્રોફેશનલ ફોટોગ્રાફર. શહેરમાં એની ઉંમરના કેટલાય છોકરા કામ કરતા હતા, પણ જાણે ફોટોગ્રાફી માટે જ જન્મ્યો હોય તેમ તે પોતાની કલામાં અન્યોથી અલગ પડી જતો હતો. તેણે લીધેલા  સ્નેપમાં પાંપણના વાળ ગણવા હોય તોય ગણી શકાય. જોકે સ્ટુડિયો એનો પોતાનો ન હતો. અનિલ સોમ સ્ટુડિયોનો સૌથી જુનો પગારદાર માણસ હતો. જોકે એ જે સ્ટુડિયો પણ જૂનો અને જાણીતો હતો. સ્ટુડિયોના માલિક વિનયભાઈ અનુભવી જૂના ફોટોગ્રાફર હતા. તેઓ હવે ઝાઝું કામ કરતા નહીં. મોટાભાગનું અનિલ જ સંભાળતો હતો. જોકે અનિલને આ કલા કંઈ વારસામાં મળી ન હતી. જાત અનુભવથી જ તે શીખ્યો હતો. ભણતર અધુરુ છોડવા પાછળ બહુ મોટુ કારણ હતું. તેના પિતાજીને લકવો પડ્યો ત્યારે તે સાતમાં ધોરણમાં ભણતો હતો. પિતાજીને લકવો પડવાનો દિવસ એજ અનિલનો નિશાળનો છેલ્લો દિવસ. શરુઆતની દોડધામ પુરી થઈ ગઈ. ડોક્ટરે હાથ ઊંચા કરી દીધાં. પૂછા કરવા આવનાર  સગા સંબંધીઓ વિખેરાઈ ગયા. સહાનુભૂતિ અને દિલાસાઓ પણ દૂર દૂર ચાલ્યા ગયા. ઘરમાં રોકડ રકમ હતી તે વપરાઈ ગઈ. માં આમેય માંદી જ રહેતી. નાનપણમાં જ અનિલને ઘણું બધું સમજાઈ ગયું. તે પછી મા એ શેઠના ઘેરના ધક્કા ખાવા લાગી જેની પાસે તેના પિતાજી કામ કરતા હતા. અનિલ પણ પોતાની મા સાથે શેઠના ઘેર જતો. શરુઆતમાં શેઠે મીઠી વાતો કરી હતી. પણ તે પછી કોઈ આવીને કહી જતું શેઠ નથી. કાલે આવજો. અઠવાડિયામાં બે ત્રણ વાર મા શેઠના આંગણે દયામણું મોં કરીને ઊભી રહેતી. શેઠની મોટી હવેલી જેવું ઘર. ગેટ પાસે બાંધેલો ડાઘિયો કૂતરો જાણે આવનારને બીવડાવવા જ ઊભો હોય તેમ જોતાં જ ભસવા લાગે. રાંક સ્વભાવની મા કોઈ બહાર બાહાર આવે તેની વાટ ઊભી જોઈ રહે. કૂતરાનું વારંવાર ભસવું સાંભળી ડાઘિયા જેવો જ શેઠ બહાર આવે. અનિલને એ કરડા ચહેરાવાળા શેઠની બીક લાગે. તે માનો હાથ પકડી લે.

માને જોતાં જ પેલા કદાવર કરડા માણસની આંખો વધુ કરડી બની જાય. તે પોર્ચમાં જ  ઊભો રહીને જવાબ આપે

મેં કહ્યું છે ને હું કંઈક કરી દઈશ. તમે આમ રોજ હાલ્યા આવો તે ન પોષાય. અમને કેટલાય કામો હોય.

માની આંખોમાં આંસુ તગતગી રહે. તે રડમસ અવાજે કહે.

શેઠ મારે હજુ કેટલા ધક્કા ખાવા ? હવે કંઈક કરી આપો તો સારું. એ ખાટલે પડ્યા છે. ઘરની કોઈ આવક રહી નથી. મારે નાના છોકરાં છે. એમની દવાનો ખર્ચો તો આપો. મારા ઘરવાળાએ રાત દિવસ જોયા વગર તમારે ત્યાં કામ કર્યું છે.

પેલો કરડો માણસ આ સાંભળી એક દિવસ ચિડાઈ ગયો. તેણે કહી દીધું.

કામ કર્યું છે તે પગારેય લીધો છે ને ? કંઈ મેરબાની નથી કરી. અને અમારે પાસે કંઈ ધનના ઢગલા નથી પડ્યા કે તમને આપી દઉં.

મા તે દિવસે રડીને એ કરડા ચહેરાવાળા માણસના ઘેરથી પાછી વળી આવી. અનિલ ચૂપચાપ માનો હાથ પકડી ચાલ્યો આવતો હતો. એને એવું લાગ્યું હતું કે મા આખા રસ્તે રડતી હતી. ઘેર આવીને મા જોરથી રડી પડી હતી. ખાટલામાં પડેલા અનિલના પિતાજી કંઈ બોલી શકતા ન હતા. તેમની જીભ બંધ થઈ ગઈ હતી. તે પોતાની પત્નીને રડતી જોઈ રહ્યા. અનિલ મા – બાપ બેયને જોઈ રહેલો. અનિલને એ દિવસ કાયમ યાદ રહ્યો છે. તેને એ પણ યાદ રહ્યું કે તે દિવસે માએ ખાધું પણ ન હતું.

તે દિવસથી અનિલની મા કામે જવા લાગી. ક્યારેક અનિલ પણ પોતાની મા સાથે જતો. મા બીજાના ઘરના કપડાં ધુએ. વાસણ માંજે, ઘરમાં પોતાં કરે. પિતાજીની લકવાએ પાડી દીધા પછી જાણે માની બધી બિમારીઓ ચાલી ગઈ. તે પછી મા બિમાર પડી હોય એવું અનિલને યાદ નથી. મા ઝપાટાબંધ કામ કરતી. બપોર સુધીમાં ત્રણેક ઘરનું કામ કરી લેતી. છેલ્લું ઘર વિનયભાઈનું.

એક દિવસ વિનયભાઈએ જ મા ને કહેલું – આને મારી પાસે મોકલી દો ને. બે - પાંચ વર્ષમાં શીખી  જશે.

વિનયભાઈના શબ્દો સાચા પડવા હોય તેમ અનિલ સાચે જ પાંચેક વર્ષમાં ફોટોગ્રાફીનું કામ બરાબર શીખી ગયો. ત્યારે સ્ટુડિયોમાં કમ્યુટર ન્હોતા. ડીઝીટલ કેમેરા પણ ન હતા. પણ બદલાતી ટેક્નોલોજી વિનયભાઈ સમજે તે પહેલા અનિલ જાણી લેતો. શરુઆતમાં મામુલી પગારથી કામ કરતો અનિલ ધીમે ધીમે વિનયભાઈનો સોમ સ્ટુડિયો સંભાળતો થઈ ગયો. વિનયભાઈએ સ્ટુડિયો જ અનિલને હવાલે કરી દીધો. દર વખતે નવા શિખાઉ છોકરા આવતા અને જતા રહેતા. અનિલ ત્યાંનો ત્યાં જ રહ્યો.

તેના લકવાગ્રસ્ત પિતાજી વધુ જીવ્યા ન હતા. પણ એ દિવસથી અનિલ પોતાની ઉંમર કરતાં વધુ મોટો થઈ ગયો.

આજે અનિલને ફરી બધું યાદ આવ્યું.

પોતાના હાંફતા લકવાગ્રસ્ત પિતાજી, માનો ઓશિયાળો ચહેરો, ઘરમાં રાતે છવાઈ રહેતી ચુપકિદી, ક્યારેક ભુખ્યા પેટે નિશાળે જતા ભાઈ બહેન, બંગલાના ગેટ પાસે ભસતો ડાઘિયો કૂતરો અને કદી ન ભુલાય તેવો એક કરડો ચહેરો. !  

હવે રૂમ બરાબરનો ઠંડો થઈ ગયો હતો. અનિલે પરાણે બધું ભૂલી બેગમાંથી કેસેટ કાઢી મટીરીયલ ડાઉનલોડ કરવા માંડ્યું. થોડી જ વારમાં સ્ક્રીન પર રંગોનો મેળો ભરાયો. જાણે આ શુટીંગ કોઈ બીજાએ કર્યું હોય તેમ અનિલ એક એક દશ્યને જોઈ રહ્યો.

પહેલું જ દશ્ય આવ્યું. શમિયાણાના કલાત્મક ગેટ ઉપર મહેમાનોને આવકારતું બેનર દેખાયું. એ બેનર ઉપર યજમાન પરિવારનું નામ લખેલું હતું. અનિલે દશ્ય પોઝ કર્યું. બેનર પરનું લખાણ જોયે રાખ્યું. પછી ક્લીક કર્યું. ફિલ્મ વહેવા લાગી. કલાત્મક મંડપ, ભારેખમ વસ્ત્રોમાં ફરતી સ્ત્રીઓ, પૂજાવિધિમાં વ્યસ્ત ગોર મહારાજ, જાનમાં આવેલી સ્ત્રીઓના મોં દેખાતા મેકઅપના થથેડા, જાત જાતના લોકો ! કોઈ ગોરા, કોઈ કાળા. કોઈ હસતા કોઈ રોતલ. કોઈ જાડા, કોઈ પાતળા.

અનિલ ક્યાંક ફાસ્ટ ફોરવર્ડ કરી ફિલ્મને આગળ દોડાવતો રહ્યો.

અનિલ પ્રોફેશનલ હતો. તેને પોતાના વ્યવસાય ધર્મની બરાબર ખબર હતી. તે જાણતો હતો કે આ વ્યવસાયમાં પાણીમાંથી પસાર થઈને કોરા બહાર નીકળવાનું હોય છે. આજકાલ કરતા તેને આ વ્યવસાયમાં એક દાયકો થઈ ગયો હતો. પોતે ટેકનીશીયન છે. પોતાને ટેકનીક સાથે કામ છે. કેમેરા શું જોઈ રહ્યો છે એટલું જ જોવાનું છે. દશ્યની સાથે વણાઈ જવાનું નથી. તેને આ વ્યવસાયમાં અનેક જાતના અનુભવો થઈ ગયા છે. તેમ છતાં ક્યારેય કોઈ દશ્યો સાથે તે વણાયો નથી. દશ્યો જોઈને કંટાળો જાગ્યો નથી. પણ આજે પહેલીવાર તે દશ્યો સાથે અનાયાસે જોડાઈ જતો હોય તેવું લાગતું હતું. તે કેમરાની પાછળ હતો, છતાં કેમેરાની આગળ આવી જતો હતો.

ગૃહશાંતિના દશ્યો પસાર થઈ ગયાં. નવવધૂને શણગારી રહેલી બ્યુટીશીયને જુદા જુદા એંગલ સમજાવ્યા. અનિલને તે વખતે દલિલ કરવાનું મન થયેલું પણ તે ચૂપ રહેલો. તેને ખબર હતી કે કેમેરામાં શું શૂટ થાય છે. નવવધૂનો ચહેરો સામે આવ્યો. અનિલે અચાનક દશ્ય પોઝ કર્યું. નવવધૂ ગોરી હતી જ. બ્યુટીશીયને તેને ઈન્ડિયનમાંથી યુરોપીયન બનાવી નાખી હતી. અનિલે ઝૂમ કર્યું. નવવધૂની આંખો અનિલને તાકી રહી. અનિલે આંખોમાં જોયા કર્યું. એની આંખો બિલકુલ એના બાપ જેવી હતી. અનિલને પોતાની માનો રડતી આંખો દેખાઈ. એકાએક એવું લાગ્યું જાણે નવવધૂની જગ્યાએ એક કરડો ચહેરો ગોઠવાઈ ગયો છે. અનિલે ફિલ્ટર માર્યું.ચામડીનો રંગ બદલાવા લાગ્યો. તેણે નવવધૂને એકદમ કાળી બનાવીને તાક્યા કયું. તેને ગમ્મત પડતી હતી. અચાનક એક વિચાર આવ્યો. તેણે ફિલ્મ રીવાઈન્ડ કરી. ગૃહશાંતિના દશ્યોમાં લેંઘા ઝભ્ભામાં બેઠેલો કરડા ચહેરાવાળો એક માણસ દેખાયો. તેના પડખે બેઠેલી સ્ત્રી સાથે તે પૂજા કરી રહ્યો હતો. તેણે  દશ્ય પોઝ કર્યું. કરડા ચહેરાને ઝૂમ કરી જોયા કર્યું. તેને ખાટલામાં પડી રહેલા લકવાગ્રસ્ત પિતાજી યાદ આવ્યા. ડાબી બાજુ વાંકું વળી ગયેલું શરીર, મોઢામાંથી સતત ટપકતી લાળ, અને કેટલુંય બોલવા માગતી જીભ. મા કહેતી હતી, શેઠ બાપુજી પાસેથી વધારે પડતું કામ લેતા હતા. શિયાળામાં પણ બાપુજી મોડી રાતે ઘેર આવતા. અને એટલે જ તેમને શેઠના કામ ઉપર જ લકવાએ હૂમલો કર્યો. તે વખતે પિતાજી એકલા જ હતા. એ કલાકો સુધી એકલા પડી રહેલા. સાંજે આવેલા ચોકીદારે શેઠને ફોન કર્યો ત્યારે શેઠ પોતે ન આવ્યા. ચોકીદાર જ પિતાજીને દવાખાને લઈ ગયેલો.

અચાનક અનિલે સર્ચ કરી ડીસ્ટોરશન ઓકે કયું. પેલા કરડા ચહેરાવાળા માણસના વિકૃત ચહેરા સ્ક્રીન ઉપર ઉપસવા લાગ્યા. તેણે જાતા જાતના વિકૃત ચહેરા જોયા કર્યા. જાણે એ કદાવર માણસને લકવો થયો હતો અને તેનો ચહેરો વિકૃત બની ગયો હતો. અનિલનું શરીર કંપવા લાગ્યું. તેને આંખો મીંચી દીધી. દબાયેલા અવાજમાં બોલાયેલા માના શબ્દો યાદ આવી ગયા.

જો બેટા, વિનયભાઈ ન હોત તો આ કામ તને કોણે શીખવાડ્યું હોત. ? એ માણસનો ગુણ કદી ભુલતો નહીં. એમણે તારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. લાખોની મિલકત તારા હવાલે કરી બેઠા છે. તારા કામમાં કદી કચાશ રાખતો નહીં.

અનિલે આંખો બંધ કરી દીધી. થોડીવાર પહેલા આવેલો ચોરીના ચાર ફેરામાંથી એક ફેરો ડીલીટ કરી દેવાના વિચાર ઉપર તેને જ હસવું આવ્યું. તેણે  બેક જઈ ઓરીજીનલ ઓકે કરી નાખ્યું. લેંઘા ઝભ્ભાવાળો માણસ પાછો હતો એવો ને એવો થઈ ગયો.

તેણે આખી ફિલ્મ જોઈ નાખી. ક્યાં શું શું કરેક્શન કરવાના છે તે મનોમન નોંધી લીધું. સ્ટુડિયામાં કાઉન્ટર બેસતો મહેશ આવ્યો. અનિલે ઊભા થઈને મસ્તીથી આળસ મરડીને ખીસ્સામાંથી પચાસની નોટ કાઢી મહેશને આપતાં કહ્યું

જા બે ડબલરોટી લઈ આવ. ભૂખ લાગી છે. ચા પણ લેતો આવજે.

મહેશે અનિલ સામે જોઈ રહેતા પૂછ્યું, તું તો લગ્નની વર્ધીમાં ગયો હતો ને ? ત્યાં જમ્યો નથી ?

ત્યાં કન્યાના બાપને લકવો મારી ગયો એટલે હું જમ્યો નહીં. તુ જા રોટી લઈ આવ.

હેં ? તો તો હવે પછીના કન્યા વિદાયના શુટીંગનું શું થશે ? મહેશ અનિલને તાકી રહ્યો.

કન્યા જાતે સાસરે હાલી જશે. તું જાને ભાઈ !

મહેશ ચાલ્યો ગયો. અનિલને લાગ્યું જાણે કન્યા વિદાય પહેલા જ પેલા કરડા ચહેરાવાળા માણસને લકવાનો હૂમલો થાય છે. તે લગ્ન મંડપ વચ્ચે જ ઢળી પડે છે. તેનું ડાબું અંગ વાંકું વળી જાય છે. તેના પગ ઝાટકા મારે છે. નવવધૂના પોષાકમાં ઉભેલી પોતાની દીકરીને કશુંક કહેવા માગે છે પણ જીભ ઝલાઈ ગઈ છે. તે અસહાય આંખે બધાને જોઈ રહે છે. કોઈ તેને ઊંચકીને દવાખાને લઈ જાય છે. સ્ટુડિયાનો માણસ એ દશ્યો પણ ફિલ્માવે છે. પોતાની પાસે એ કેસેટસ આવે છે. શુટ થયેલા  એ બધાં દશ્યો પોતે જુવે છે. જોયા જ કરે છે. તેને કશોક આનંદ મળે છે. પણ અચાનક આંખો વહેવા માંડે છે. અને પછી એ તમામ દશ્યો તે ડીલીટ કરી નાખે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os88uX6NsWzJuuVaNbk5nV1Fk2c_k_S5ZwtWhHDFRRvyg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment