Monday, 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પડછાયો પણ ના પડે તેવી એકલતા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પડછાયો પણ ના પડે તેવી એકલતા!
ભવેન કચ્છી

 

 

અન્નપૂર્ણાને વધુ તાળીઓ અને વિવેચકોની કદર મળતી હતી તે રવિશંકરથી જોવાતુ નહતુંઅન્નપૂર્ણાને વધુ તાળીઓ અને વિવેચકોની કદર મળતી હતી તે રવિશંકરથી જોવાતુ નહતું

સ્વ. પંડિત રવિશંકરના પ્રથમ પત્ની અન્નપૂર્ણા દેવીના સ્વાર્પણ અને બલિદાનની પરાકાષ્ટાનું અજાણ્યું પ્રકરણ

'તમે રવિશંકર, પન્નાલાલ ઘોષ અને મને (ઉસ્તાદ અલી અકબર ખાન) એક ત્રાજવાના પલ્લામાં મૂકો અને બીજી તરફ અન્નપૂર્ણાને મૂકો તો પણ તે અમને ત્રણેયને વામણા પૂરવાર કરે'

ભા રતીય શાસ્ત્રીય સંગીતના જૂની પેઢીના વિવેચકોને પુછો તો કહેશે કે જો અન્નપૂર્ણાદેવીએ સિતાર વાદનનું પરફોરમન્સ જારી રાખ્યું હોત તો લેજન્ડ તરીકે પંડિત રવિ શંકરનું બીજા ક્રમનું સ્થાન હોત.

પંડિત રવિશંકરના પ્રથમ પત્ની અન્નપૂર્ણા દેવીનું ગયા મહિને ૯૧ વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું ત્યારે તેમની નજીક તેમના વિશ્વાસુ મદદનીશ જેવા બે-ત્રણનો સ્ટાફ હતો.

અન્નપૂર્ણા દેવીના નિધનના કવરેજ વાંચવા દરમ્યાન કુતૂહલ જગાવે તેવી ખાસ વિગત એ હતી કે અન્નપૂર્ણા દેવી છેલ્લા ૬૨ વર્ષથી એકાંતમાં જ જીવન વ્યતિત કરતા હતા. તેમાં પણ છેલ્લા ૩૫ વર્ષથી તો કદાચ ઘરની બહાર જ નહોતા નિકળ્યા.

કદાચ 'અભિમાન' જેવી અમિતાભ-જયા ભાદુરીને ચમકાવતી ઋષિકેશ મુખર્જીની ફિલ્મની પ્રેરણા ટેલેન્ટેડ સેલિબ્રીટી દંપતિના આવા કિસ્સાઓમાંથી જ પ્રેરિત થઈ હશે.

અન્નપૂર્ણા દેવીના પિતા સરોદ વાદનના ઈતિહાસના લેજન્ડ અને પ્રણેતા સમાન ઉસ્તાદ અલ્લાઉદ્દીનનો ૨૦મી સદીમાં ડંકો વાગતો હતો. વર્તમાન મધ્યપ્રદેશના માઈહરમાં જ રહેતા અને શિષ્યો દેશ-વિદેશથી તાલીમ લેવા આવતા. પુત્રી અન્નપૂર્ણા તો સ્વાભાવિક તેમની શિષ્યા હોય જ. રવિશંકર પણ ૧૮ વર્ષની વયે ત્યાં તાલીમ લેવા સ્થાયી થયા.

રવિશંકરના ભાઈ ઉદયશંકર કે જેઓ ભારત અને પશ્ચિમના શાસ્ત્રીય નૃત્યના ફ્યુઝનથી જગવિખ્યાત શાસ્ત્રીય નૃત્યકાર હતા તેમણે ઉસ્તાદ અલ્લાઉદ્દીન સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે રવિશંકર અને અન્નપૂર્ણા લગ્ન કરે તો વિશ્વને શ્રેષ્ઠ સંગીત દંપતિ આપણે ભેટ ધરી શકીશું. અન્નપુર્ણા દેવી પણ રવિશંકરને દિલથી ચાહતા હતા. ૧૯૪૨માં બંનેના લગ્ન થયા.

પંડિત રવિશંકર અને અન્નપૂર્ણાદેવી સ્ટેજ પર સાથે પરફોર્મ કરવા માંડયા પણ અન્નપૂર્ણા દેવી પરફેક્ટ ટેન હતા તો રવિશંકર તેમની તુલનામાં ૧૦માંથી ૭ માર્ક આપી શકાય તે સ્તરના હતા.

શ્રોતાઓની તાળીઓ, મીડિયા કવરેજ અને વિવેચકોની નજરે અન્નપૂર્ણા દેવી 'જીનિયસ' હતા તો પંડિત રવિશંકર 'ભાવિ સિતારા' તરીકેની દાદ મેળવતા. અન્નપૂર્ણા દેવીએ ૧૯૫૬ પછી અચાનક જાહેરમાં પરફોર્મ નહીં કરવાનો નિર્ણય લીધો.

મીડિયાએ તેનો ઈન્ટરવ્યુ લેવાનો અને તે પછી તો તેના સગડ શોધવાનો પ્રયત્ન કર્યો પણ અન્નપૂર્ણા દેવીનો ચહેરો જોવા મળવો તે જ દુર્લભ બનતુ ગયું. અચાનક છેક ૧૯૮૮માં અન્નપૂર્ણાએ 'ઈન્ડિયા ટુડે'ને ઈન્ટરવ્યુ આપ્યો તેમાં ચોંકાવનારી બાબતો બહાર આવી હતી.

અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે આજે પણ રવિશંકર માટે મને એટલો જ પ્રેમ અને આદર છે અને એટલે જ તેમની જે ઈચ્છા હતી તેને માન આપવા કાયમ માટે જાહેરમાં પરફોર્મ કરવાનું જ માત્ર ૨૯ વર્ષની વય પછી છોડી દીધું.

બન્યું હતું એવું કે ૧૯૫૦ના દાયકામાં અન્નપૂર્ણા દેવીના સૂરબહાર વાદનના શ્રોતાઓ જાણે તેમના આસન પર સમાધી સાથે ચોંટી ગયા હોય તેમ ચૂંબકિય મંત્રમુગ્ધતા અનુભવતા. પંડિત રવિશંકર જોડે લગ્નજીવન ૧૯૪૧થી માત્ર ૧૪ વર્ષથી પ્રારંભ થઈ ચૂકેલુ. પતિ રવિશંકરનું વર્તન મનોબીમાર જેવું થતુ ગયું.

તેમને લાગ્યું કે પત્ની અન્નપૂર્ણા દેવી સામે તેની કારકિર્દી અને કૂનેહ ફીક્કી લાગશે. હા, પંડિત રવિશંકર પછી ભારતમાં ત્રીજા ક્રમનો તેમના સ્તરનો સિતાર વાદક કોઈ દુર સુધી જોવા ન હોતો મળતો. પોતાને 'વન એન્ડ ઓન્લી' થવું હોય તો અન્નપૂર્ણા દેવી જેવી યુવા વયની જીનિયસ કલાકાર સિતાર અને સૂરબહારને કાયમ માટે અભરાઈએ ચઢાવી દે તો જ તે શક્ય બને તેમ હતું.

પંડિત રવિશંકરે અન્નપૂર્ણા દેવીને પરફોર્મ કરવાની સ્પષ્ટ મનાઈ તો નહતી ફરમાવી પણ તેમના વર્તન પરથી એવો અણસાર આવી જાય તેમ હતો કે કાં તો આપણુ દામ્પત્ય  જીવન અથવા તારી કારકિર્દીમાં તું સ્વતંત્ર. અન્નપૂર્ણા દેવીએ કહ્યું હતું કે રવિશંકર જોડે દામ્પત્ય જીવનના તેણે સોનેરી ખ્વાબો જોયા હતા. તે રવિશંકરને અનહદ ચાહતા હતા.

અન્નપૂર્ણા દેવી તો તે વખતે જ લેજન્ડ બની ચૂકેલા. વિચારો કેટલુ મોટું સ્વાર્પણ એક જ ઝાટકે તેમણે તેની કારકિર્દી કે જે તેને ભારતવર્ષના મહાન વાદ્યકારોમાં સ્થાન આપી શકે તે નિશ્ચિત હતું તેના પર પૂર્ણ વિરામ મૂકી દીધું. અન્નપૂર્ણા દેવી કહેતા કે મારા માટે દામ્પત્ય જીવન ટકાવવુ વધુ સંતોષપ્રેરક અને સુખદ હતું.

તેઓને સુભો નામનો પુત્ર પણ હતો. અન્નપૂર્ણાના આ હદે સ્વાર્પણ છતા તે તેનું દામ્પત્યજીવન ટકાવી ના શક્યા કેમકે પંડિત રવિશંકરે સુકન્યા નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા.

અન્નપૂર્ણા દેવી આવા ભગ્ન હૃદય સાથે પંડિત રવિશંકરનો પણ વળતો બદલો લેતા ફરી સ્ટેજ તરફ વળ્યા હોત તો વિશ્વસ્તરે છવાઈ જાત. કેમ કે તેમને ઘેર ભારતના વર્તમાન દિગ્ગજો તાલીમ અને ટિપ્સ મેળવતા જતા અને તેઓ કહેતા કે અન્નપૂર્ણા દેવી હજુ પણ બેમિસાલ છે.

પણ, અન્નપૂર્ણા દેવીને તેમના ભૂતપૂર્વ પતિ રવિશંકર કે જે હવે પંડિત અને 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવા સિતારવાદક મનાતા હતા તેમના બિરૂદ, દરજ્જા અને આંતરરાષ્ટ્રીય ખ્યાત બની ગયા હતા તેની 'લેજન્ડ' ઇમેજને ઝાંખી નહતી પડવા દેવી.

તેમને ફરી સ્ટેજ પર લાવવા દેશ-વિદેશના ટોચના આયોજકો, મહોત્ત્સવોનું આમંત્રણ અપાતું પણ ના એટલે ના...! એટલે સુધી કે તત્કાલિન વડાપ્રધાન સ્વ. ઇંદિરા ગાંધીના પરફોર્મ કરવા માટેના આગ્રહ અને આમંત્રણે પણ તેમણે નમ્રતાથી ઠુકરાવી દીધું.

દાયકાઓ સુધી ઘરની બહાર જ ના નિકળ્યા. ૧૯૭૭માં તેમને પદ્મભૂષણ જાહેર થયો તો તે માટેના વિતરણ સમારંભમાં પણ તેઓ હાજર ના રહ્યા. ૧૯૯૯માં સંગીતનો 'ભારત રત્ન' જેવો 'દેશીકોટ્ટમ' ૨૦૦૪માં સંગીત નાટક અકાદમીની ફેલોશીપ સમારંભમાં પણ હાજરી ના આપી.

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત નિત્યાનંદ હલદીપુર, સરોદ વાદક ઉસ્તાદ આશિષ ખાન, પંડિત બસંત કાબરા, પંડિત પ્રદિપ બારોટ અને પંડિત સુરેશ વ્યાસ તેમને મહામહેનતે ભારે આજીજી બાદ સંગીતની ટિપ્સ માટે મળી શક્તા હતા.

પિતા ઉસ્તાદ અલ્લાઉદ્દીનના અચાનક નિધન પછી અલ્લાઉદ્દીનના શિષ્યો જેવા કે ભત્રીજા ઉસ્તાદ બહાદુરખાન, પૌત્ર ઉસ્તાદ આશિષ ખાન અને પંડિત નિખિલ બેનર્જીની તાલીમ પૂર્ણ કરાવી પિતાનું ઋણ પણ અન્નપૂર્ણાએ ચૂક્તુ કર્યું.

૧૯૮૨માં ૨૧ વર્ષની એકલતા બાદ તેણે તેના જ વિદ્યાર્થી ઋષિકુમાર પંડયા જોડે લગ્ન કર્યા હતા. ૨૦૧૩માં ઋષિકુમારનું નિધન થયું. અન્નપૂર્ણાની ઋષિકુમાર કાળજી લેતા પણ અન્નપૂર્ણા દેવી એક ઓરડામાં એકલા જ રહેતા. બહારની હવા પણ વર્ષો સુધી નહોતી લીધી.

પંડિત રવિશંકરે અન્નપૂર્ણા દેવીને મળવાનો કે તેની ખબરઅંતર પૂછવાનો પ્રયત્ન સુધ્ધા નહતો કર્યો. એટલે સુધી કે બંનેના દામ્પત્યજીવનની ભેટ સમાન પુત્ર સુભોનું અમેરિકામાં ૫૦ વર્ષની વયે ચેરિટેબલ હોસ્પિટલમાં નિધન થયું તે પછી પણ પંડિત રવિશંકર અન્નપૂર્ણાને આશ્વાસન આપવાની કે સુભોની અંતિમ વિધી બાબત કોઈ ઉલ્લેખ સુધ્ધા નહોતો કર્યો. રવિશંકરે આ અંગે કહ્યુ હતુ કે મારે પત્નિ સુકન્યા અને પુત્રી અનુષ્કા સિવાય કોઈના માટે સમય નથી.

હલદીપુર અને સુરેશ વ્યાસ આ બે જ શિષ્યો અન્નપૂર્ણા દેવીની સુશ્રુષા કરતા રહ્યા. અન્નપૂર્ણા દેવીને છેલ્લા વર્ષોમાં પાર્કિન્સનની પણ બીમારી હતી.બે મદદગાર નર્સિંગ સ્ટાફ રાખવામાં આવ્યા હતા.

જેઓ અન્નપૂર્ણા દેવી માટે તેમના બ્રીચ કેન્ડી વિસ્તાર સ્થિત એપાર્ટમેન્ટમાં શાસ્ત્રીય ગાયન વાદનની રેકોર્ડ નિયમિત સાંભળી શકે તેવી તકેદરી રાખતા હતા. અંગ્રેજીમાં આવી એકલતા સાથે જીવન સંકેલનાર માટે 'જીબનેગીગ' શબ્દ છે અને સદંતર એકાંતમાં ધકેલાઈ જાય તેવી વ્યક્તિ માટે 'ઇીબનેજી' દેશ-વિદેશની આવી તો કેટલીયે જાતે જ અંધકારને ઓઢી લેતી પ્રતિભાઓ છે. જેની વાત કોઈ વખત.

અન્નપૂર્ણા દેવીના જીવન કારકિર્દી અને અંત પર રોચક ફિલ્મ બની શકે. કોઈ વ્યક્તિ ૧૫-૨૦ વર્ષથી ઘરની બહાર ના નીકળે, કોઈ મુલાકાતી કે બહારની દુનિયના તમામ સંબંધો-સંપર્કો પણ તોડી નાંખે. આ પોતાની જાત સાથે બદલો, પ્રેમ સ્વાર્પણની પરાકષ્ટા કે સામી વ્યક્તિ સામેનો બંડ, જીદ, ઝૂનુન કે મનોબીમારી શું કહેવાય?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsL686Q2V5NOMQFWSpYGe%2BLewGwqQ-7rO_gb4zPyoF_jg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment