Monday, 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પાર્ટીઓનું કલ્ચર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પાર્ટીઓનું કલ્ચર : કારણ વિનાના લોકો, કારણ વિનાની વાતો!
મિજાજ મસ્તી-સંજય છેલ

ટાઇટલ્સ: લોકો ઉપવાસ પર બકવાસ કરે છે પણ બકવાસનો ઉપવાસ નથી કરતા(છેલવાણી)

 

 

 

જેમ જેમ દિવાળીની મોસમ નજીક આવશે એમ શહેરમાં પાર્ટીઓનો દૌર શરૂ થશે. અમારી ફિલ્મ લાઇનમાં પંજાબીઓનો પ્રભાવ વધારે હોવાથી ઠેર ઠેર એક્ટરો કે નિર્માતાઓને ત્યાં દિવાળીની પાર્ટીઓમાં પત્તાનો જુગાર બહુ રમાતો હોય છે. પાર્ટીઓનું અલગ જ કલ્ચર હોય છે. મુંબઇની પાર્ટીઓ જિંદાદિલ અને મસ્તીભરી હોય છે અને દિલ્હીની પાર્ટીમાં સત્તા અને શો-ઓફફના ઠઠારા હોય છે. હમણા દિલ્હીની એક મીડિયા પાર્ટીમાં નેશનલ લેવલના ન્યૂઝપેપરના એડિટરને મળવાનું થયું. મને એમ કે દેશ કે સમાજ વિશે એ એડિટર પાસેથી બે નવી વાતો જાણવા મળશે પણ ઊલટાનું એમણે મને ગંભીરતાથી પૂછયું કે ટી.વી.ના ફલાણા રિઆલિટી શોમાં ઢીંકણો સિંગર જીતવો જોઇતો હતો ને? કે બિગ બોસમાં પેલી છોકરી સારી હતી ને? ફિલ્મોની હીરોઇન કોઇ અમીરની સાથે દુબઇ ટ્રીપ કરવા માટે કેટલાં રૂપિયા લે? વગેરે વેલ, આખા દેશમાં સૌથી વધારે જે છાપાની અસર પડી શકે એ માણસને આવી વાતમાં રસ પડતો હતો? અને એ પણ સતત..પાર્ટીમાં બે કલાક સુધી! એ ભાઇની આસપાસનાં લોકો પણ એટલી જ ગંભીરતાથી આવી વાતોમાં મશગૂલ હતાં. કારણ વિનાના લોકો અને કારણ વિનાની વાતો.

 

એક જાતક કથા વાંચેલી. બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મના સંઘર્ષનો સમય હતો. બૌદ્ધ ધર્મ આગની જેમ ફેલાઇ રહ્યો હતો. એવામાં એક નીચલી જાતિની બૌદ્ધ ક્ધયાને ઊંચી જાતિના હિંદુ છોકરા સાથે પ્રેમ થઇ ગયો. બંનેનાં ઘરોમાંથી વિરોધ થયો. ઊંચી જાતિના છોકરાના હિંદુ બાપે શરત મૂકી કે જો પરણ્યા પછી છોકરી, અમારું કે અમારા ધર્મનું અપમાન કરશે તો અમે એને કાઢી મૂકશું. છોકરીવાળાઓએ વાત માની લીધી. ક્ધયા પરણીને બૌદ્ધ ધર્મ વિસરીને સંપૂર્ણ રીતે હિંદુ પત્ની બની ગઇ. પણ એક દિવસ ઝરુખામાંથી એણે જોયું કે રસ્તા પર બૌદ્ધ ભિક્ષુકોનું ટોળું, "બુદ્ધં શરણં ગચ્છામિના જાપ કરતાં કરતાં ભિક્ષા માંગી રહ્યું છે. છોકરી, ભિક્ષુકોને ખાવાનું આપવા માટે નીચે દોડી. સસરાને એ ના ગમ્યું કે ઘરની વહુ, બીજા ધર્મના ભિક્ષુકોને ખાવાનું આપવા માથે ઓઢયા વિના નીચે દોડી ગઇ! સસરાએ ગુસ્સામાં બૂમ પાડીને ભિક્ષુકોને કહ્યું, "ભાગો અહિથી..કોઇ બૌદ્ધ ભિક્ષુકે અમારે ત્યાં ભીખ માગવા આવવું નહીં, અમે પાક્કા હિંદુ છીએ. ભિક્ષુકોએ પેલી પુત્રવધૂ સામે જોયું. ત્યારે એ બોલી પડી, "જાવ બાબા, આમેય અહિયાનું ખાવાનું તમને નહીં પચે... આ ઘરનાં ગરીબ લોકો બિચારા વાસી ભાત ખાય છે!

 

આ સાંભળતાં જ સસરાનો પિત્તો ગયો. વહુને ઘરમાંથી કાઢી મૂકી. મામલો પંચ પાસે ગયો. સસરાએ કહ્યું કે વહુએ અજાણ્યા ભિક્ષુકો સામે ઘરનું અપમાન કર્યું છે. પંચે પેલી સ્ત્રીને પૂછયું કે તેં આમ શા માટે કહ્યું? ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો: "જે ઘરમાં જૂની પરંપરા, જૂની માન્યતા બીજાના ધર્મને માન ના આપવાની જૂની પ્રથા ચાલતી હોય ત્યાંનું અન્ન તો વાસી જ કહેવાયને? એ ઘર, ગરીબ જ કહેવાયને!

 

પંચે સ્ત્રીને માફ કરી અને સસરાને હુકમ કર્યો કે એનો પુત્રવધૂ તરીકે ફરી સ્વીકાર કરવામાં આવે, પણ પેલી સ્ત્રી, ઘર છોડીને જતી રહી અને બૌદ્ધ સંઘમાં જોડાઇ ગઇ.

 

આ વાર્તા તો બહુ સીધીસાદી છે પણ એનો અર્થ બહુ ઊંડો છે. આ વાત માત્ર ધર્મ પૂરતી નથી. વાત 'વાસી-પણાં'ની છે. આપણી ચારેબાજુ વાસી વાતોનાં ઢગલે ઢગલાં ઠલવાય છે. જૂના વિચારો, દકિયાનુસી દલીલો અને પરંપરાને વળગીને અમે અને અમારો દેશ-અમારો ધર્મ અમારી સંસ્કૃતિ જ સારી એની બાલિશ બકવાસો કાને પડે છે.

 

ઇન્ટરવલ:

હમ બોલેગા તો બોલોગે કી બોલતા હૈ !

તો હમ કુછ નહીં બોલેગા !(આનંદ બક્ષી)

જો તમે ટ્રેન કે બસમાં પ્રવાસ કરશો તો લોકો એની એ વાત કરતા હશે: શું ચાલે છે ? શું નવાજૂની? અમારા શહેરમાં/રાજ્યમાં રસ્તાઓ કેવા સારાં છે.. બીજા રાજ્યમાં કેવા દુ:ખડાં પડે છે! બીજા બધા ખરાબ, અમે જ સારા! જેવો કયાંક બૉમ્બ બ્લાસ્ટ થાય કે આતંકવાદની વાત આવે એટલે એક ધર્મવાળા બીજાને ગુનેગાર ચીતરે અને બીજા ધર્મવાળા, પહેલાં ધર્મવાળાને.. અમે સારા, બીજા બધા ખારા-એ જ વાસી વિચારો. એ જ વાસી ફોર્મ્યુલા.

 

કોઇ પણ પાર્ટીમાં જાવ તો એ જ વાસી વાતો કે "હવે કોંગ્રેસ ખતમ છે, પાછી કદી નહીં આવે, "હવે ધોનીએ રિટાયર થવું જોઇએ, "હું નહોતો કહેતો કે વિરાટ કોહલી જ બેસ્ટ છે!, "આર.ડી બર્મન શું મ્યુઝિક આપતાં? આજનાં ગીતોમાં પહેલા જેવી વાત નથી.. ચારેકોર એનાં એ જોક્સ કે એની એ વાતો કે જે છાપામાં, ઇન્ટરનેટ પર ઓલરેડી છે એની ઉત્સાહભેર ઊલટીઓ કરીને લોકો પોરસાય છે. પાર્ટીમાં પાસેથી પસાર થતી સ્ત્રીના ફિગરને નીરખતાં નીરખતાં પચાસ વર્ષનો ભદ્દો પુરૂષ કહેશે, "દિલ્હીમાં સ્ત્રીઓની સલામતી જ નથી. આપણે ત્યાં તો શાંતિ છે!, "બધાં અંગ્રેજી છાપાવાળાં દેશદ્રોહી છે! જોકે ધંધા માટે વાંચવાયે પડે અને પછી ઉછીના આંકડા કે માહિતી બોલીને સામાજિક ચિંતા દેખાડશે. સ્કોચ વ્હિસ્કીની ચૂસકી લેતાં લેતાં, પંદર વરસના વેઇટરની પ્લેટમાંથી કબાબ ઉપાડતાં ઉપાડતાં દેશના ભાવિની ચિંતા કરીને બે મિનિટ માટે "જાગૃત થવાની વાતો કરશે તો કોઇ પાછું ભૂતકાળમાં કેટલા મહાન પુરાણો હતાં અને ભારતીયો કેવા વીર હતા એનું વાસી લિસ્ટ ગણાવશે.

 

બીજા ખૂણામાં ચાલીસી વટાવી ગયેલા માણસો, લાલ પીળાં ટીશર્ટ પહેરીને જુવાન દેખાવા હવાતિયાં મારશે. વેલેન્ટાઇન્સ ડે પર ચબરાકિયાં જોક કે રોમેન્ટિક સુવાકયો બોલીને ખભા ઉલાળશે. એના એ જૂના, બમ્પર સ્ટીકર પરના સુવિચારોને સંભળાવે રાખશે. જેમકે, "વિજેતા કયારેય મેદાન છોડતો નથી..મેદાન છોડનાર કયારેય વિજેતા બનતો નથી! સાંભળીને ટોળાંમાંનાં બીજા અજ્ઞાનીઓ પણ ભભરાવશે. "યુ નો, "યુ સી, "રીઅલીનાં ખોટા ઉપયોગો કરીને ગુગલગંગાની વાસી માહિતીઓ બધાના કાનમાં નાખશે.

 

સ્ત્રીઓનાં ટોળાંમાં પણ એ જ વાસી વાતો કે ફલાણી સિરીયલમાં કોણ કોને ચાહે છે, કયાં કોણ ભાગી ગયું..અને મોટા ભાગની સ્ત્રીઓ જે જુએ કે જીવે એની જ વાતો કરેને? આમ પણ આપણી ટી.વી.સિરીયલો તો વાસી કથાઓનું વૃંદાવન છે. જૂની ફિલ્મોનાં દૃશ્યો વાર્તાઓની એની એજ રજૂઆત અને એના એ શોટ્સ. સાંજે ૭ થી રાત્રે ૧૧ સુધી વાસી વાર્તાઓનો જાણે પ્રાઇમ ટાઇમ ચાલી રહ્યો છે. પણ સૌને વાસી વાર્તાઓ માણવાની આદત પડી ગઇ છે..ટાઇમપાસ માટે જુવે ત્યાં સુધી પણ ઠીક છે પણ એની ચર્ચાઓ પણ કરે.

 

જૂની હિંદી ફિલ્મો પરથી નવી ફિલ્મોનાં સિકવલ-પાર્ટ ટુ-થ્રી બન્યાં કરે..જૂનાં ગીતોનાં રિમિકસો થયાં કરે..નેતાઓ ગાય, ગોડસે અને ગંગા પર ગાણાં ગાયે રાખે છે..વાસી મનોરંજનનો અને વિચારોનો મહાકુંભ મેળો દેશમાં ચાલે છે..પ્રજાને પણ ટી.વી. કે ફિલ્મમાં કે રાજકારણમાં એને જોતાં જોતાં જો જૂનું જોવા મળે તો એક પ્રકારની સલામતી મળે છે. છૂપી શાંતિ મળે છે. હવે આગળ શું થશે એ ખબર હોય તો તરત કહેશે "મેં નહોતું કહ્યુ? સાહિત્યના પ્રોગ્રામોમાંયે એની એ વાસી ક્વૉટેબલ કવિતાઓ. એનાં એ ગળચટ્ટાં વાકયો અને શ્યુગર કોટેડ સંચાલનો..જો કોઇ આની ટીકા કરે તો બધાં ભેગાં મળીને પેલાને એમ જોવા માંડે જાણે બોલનારે કોઇ પાપ ના કર્યું હોય.

 

વાસી પ્રદેશનાં વાસીઓને બહારનો પ્રવાસ ના ગમે. બધું જાણે જૈસે થે-ની પોઝિશનમાં!

 

આપણા બંધારણની એની એ જૂની કાયદાની કલમોનાં એ અર્થઘટનો..જરાક એમાં કોઇ ફેરફાર કરવા જાય તો સંસદમાં હોહલ્લા થઇ જાય. શહેરમાં, ગામમાં, સંસદમાં, પાર્ટીઓમાં, ટ્રેનમાં, પ્લેનમાં સૌ કારણ વગરનાં લોકો હોય એમ કારણ વિનાની વાતો કરે. "આજકાલ મી ટૂ-વાળા કિસ્સા ફિલ્મ લાઇનમાં બહુ સંભળાય છે ને?, "જોજો ૨૦૧૯માં પણ મોદી જ આવશે !, "આજે ટ્રેન લેઇટ છે..વલસાડ ૧૨ વાગે આવશે, "ઠંડીમાં આપણને ભૂખ બહુ લાગે, "સ્ત્રીને કોઇ સમજી નથી શકયું, "પરણ્યાં એટલે આઝાદી ખતમ..બાપુ!!, "શું છે કે વેપારી તો વેચતો જ ભલો..શું?, "કાંઇપણ કહો પણ બોસ ઇંડિયા, ઇંડિયા છે, ગમે તે હોય!!, "લેટેસ્ટ હોલીવૂડ ફિલ્મ હું પહેલાં જ શોમાં જોઉં, "એમ? અમારા મિસિસને ના ગમે એટલે હું ના જોઉં!!, "દિવસમાં અડધો કલાક ચાલો તો રોગ ના આવે, મારાં દાદા હજુયે ચાલે છે., "તમારા દાદા પોસ્ટમેન છે?

 

"હા-હા-હા.

 

તમને થશે કે આવી સાદીસીધી સરળ રોજિંદી વાતોમાં ખોટું શું છે? આમ જુઓ તો કંઇ જ ખોટું નથી. તમે પોતે વિચારશો તો સમજાશે કે આપણે સૌ રોજ કેટલી કારણ વિનાની વાતો કરતા હોઇએ છીએ.. બસ તો પછી પેલી દિલ્હીની પાર્ટીમાં મેં પણ વેઇટરની ટ્રેનમાંથી વાસી આઇટેમ ઉઠાવી અને હું પણ એમાં જોડાઇ ગયો!!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvLghJTHJzBiHQTYW2eHfm3g1YPZ10GMo7MAxcyrTte-A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment