રીતભાત એટલે સામેની વ્યક્તિને આદર આપવાની કળા એવું ક્યારેક મેં લખ્યું હતું. ઈનફૅક્ટ ફર્સ્ટ સિઝનમાં રીતભાત, એટિકેટ, મૅનર્સ વિશે બેત્રણ લેખો લખ્યા હતા. કપડાં, વાતચીત, ભોજન વગેરેની બાબતમાં શું કરવું સારું અને શું કરવાથી આપણે અનકલ્ચર્ડ, અનકુથ કે રોંચા જેવા લાગી શું એ વિશે લખ્યું હતું.
આજે ફરી એક વાર એ જ વિષય પર પણ તદ્દન નવી એવી કેટલીક વાતો લખવી છે. એક નામ યાદ રાખજો: ઝ્વેન રાફાયલ શ્નાયડર. જર્મન નામ છે. જેન્ટલમેન્સ ગૅઝેટ નામની એની યુ ટયુબ ચૅનલ છે. જોતાં થાકી જઈએ એટલા વીડિયોઝ એણે અપલોડ કર્યા છે. રીતભાત કે એટિકેટ વિશેની એની બધી વાતો સાથે સંમત ન પણ થઈએ. અને ઘણી બધી વાતો નૉન-યુરોપિયન ક્ધટ્રીઝ માટે લાગુ પડતી પણ નથી. આપણા જેવા દેશમાં આપણા પોતાના ડ્રેસકોડ હોય, પહેરવેશની આગવી પરંપરા હોય. પણ આવી બાબતોમાં અમુક વાતો સનાતન સત્ય હોવાની. શ્નાયડરની ટિપ્સની વીડિયો જોતાં પહેલાં વર્ષોથી અમુક બાબતોમાં મારા ગમા-અણગમા સ્પષ્ટ હતા જેને શ્નાયડરે સમર્થન આપ્યું. દાખલા તરીકે મોટી બ્રાન્ડનું મોટા અક્ષરોમાં નામ લખેલું ટીશર્ટ પહેરનારાઓ મને હંમેશાં દેખાડુઓ લાગ્યા છે. મોંઘી બ્રાન્ડનું પર્સ કે એવી કોઈ એસેસરી કે મોંઘી પેન બીજાઓને દેખાય, બીજાઓનું ધ્યાન આકર્ષિત થાય તે રીતે સાથે રાખવી એ ડેસ્પરેટ લોકોની નિશાની છે. બર્રબરીને ટિપિકલ ચોકડાવાળી ડિઝાઈનનું મફલર કે લુઈ વિતોંની જાણીતી ડિઝાઈનવાળું પર્સ કે પછી મોં બ્લાંની સફેદ ટોપકાવાળી સ્ટાન્ડર્ડ વન ફોર્ટીનાઈન ફાઉન્ટન પેન શર્ટ કે કોટના ઉપલા ખિસ્સામાં રાખવી - આ બધું કે આવું ઘણું બધું કરનારાઓ પોતાની પાસે પૈસા છે કે પોતે આવી દુર્લભ ચીજોને એફોર્ડ કરી શકે છે એવું ચિલ્લાઈ-ચિલ્લાઈને કહેવા માગતા હોય છે. આવા લોકોની મજાક કોઈ એક હિંદી ફિલ્મના ગીતમાં ગોવિંદાએ જબરજસ્ત રીતે ઉડાવેલી - પ્રાઈસ ટૅગ લટકતું હોય એવા સન ગ્લાસીસ પહેરીને. આપણે માત્ર પૈસાના દેખાડાની જ વાત નથી કરવાની. મિડલ ક્લાસ લોકો ક્યાં પોતાની અસંસ્કારી વર્તણૂક છુપાવી નથી શકતા એની પણ વાત કરવાની છે. અસંસ્કારી શબ્દ જરા વધુ પડતો હાર્શ લાગતો હોય તો અસ્વીકાર્ય કે એવો કોઈ મોળો શબ્દ વાપરીએ પણ આ પ્રકારની વાતોમાં ક્યાંક આપણે પોતે પણ અજાણતા અટવાયેલા હોઈએ તો ધ્યાન રાખવું. આમાં કોઈ વન અપ મૅનશિપનો ઈરાદો નથી. આવી ભૂલો બધા કરતા હોય છે. અમે પણ કરી છે અને હજુય કરતા રહ્યા છીએ. શ્નાયડરે કહ્યું એના વર્ષો અગાઉથી મને લાગ્યા કરતું હતું કે બૅગપેક માત્ર સ્કૂલ કે કૉલેજ ગોઈંગ કિડ્સથી જ વપરાય. એ કંઈ રોજ ઑફિસ લઈ જવાની ન હોય. વાપરવી જ હોય તો હાઈક પર જતા હોઈએ ત્યારે વાપરીએ પણ રોજ નહીં. રોજ વાપરવી પડે એમ હોય તો ખભા પર મૂકીને કે પીઠ પર ચડાવીને નહીં પણ નૉર્મલ બૅગ પકડતા હોઈએ એમ હાથમાં પકડી રાખવી. અને ધારો કે પીઠ પર લટકાવવી જ પડે એમ હોય તો કૉફી શૉપમાં, ટ્રેનમાં, પ્લેનમાં કે બીજે ગમે ત્યાં જતીઆવતી વખતે ધ્યાન રાખવાનું, ચોકસાઈ રાખવાની, અટમોસ્ટ કાળજી રાખવાની કે બીજાઓને તમારી એ બૅગપેકનો જરા સરખો પણ સ્પર્શ ન થાય. કોઈ દુકાન કે સ્ટોરમાં પીઠ પર બૅગપેક પહેરીને ફરતા હો તો ડાબે જમણે ઘૂમો ત્યારે શેલ્ફ પરની ચીજવસ્તુઓ તમારી બેકાળજીથી પડી ન જાય એનું ધ્યાન રાખવાનું. બર્મ્યુડા, શોટર્સ, ચડ્ડા કે કાર્ગો પહેરવા માટે સ્થળ-સમયનું ભાન રાખવાનું. ઈન્ફોર્મલ વેરના નામે લોકો આવા અડધિયાં પહેરીને કૉફી શૉપમાં, ફાઈવ સ્ટારમાં, પ્લેનમાં કે શુક્ર-શનિવારે ઑફિસમાં પણ પહોંચી જતા હોય છે. આવાં કપડાં કાં તો તમે ફરવા ગયા હો ત્યારે પહેરવાના કે પછી ઘરમાં પહેરવાનાં હોય, અને તે પણ મહેમાન આવે ત્યારે નહીં. જાતજાતના સ્લોગનો છપાવેલા ટીશટર્સ પહેરવાનો ઘણાને બહુ શોખ હોય છે. તમે સ્કૂલના ઈમ્મેચ્યોર્ડ બાળક હો ત્યાં સુધી ઠીક છે. કૉલેજમાં હો ને પૂરેપૂરી પુખ્તતા ન આવી હોય ત્યાં સુધીય બરાબર છે. પણ ઍડલ્ટ થયા પછી એવાં ટીશર્ટ પહેરીને ફરો તો તમે અધકચરા, છીછરા અને ડેસ્પરેટ લાગો. ટીશર્ટ પર જે લખ્યું છે એમાં તમે ખરેખર માનતા હો એવી રીતે જીવવાનું હોય, ટીશર્ટ પર લખીને બધાને દેખાડવાનું ન હોય એવું શ્નાયડર કહે છે અને એની વાત સાથે હું સો ટકા સહમત થાઉં છું. ફાફડા જેવી ગામના ટાવર જેવું ડાયલ ધરાવતી કાંડા ઘડિયાળ ઈઝ એબ્સોલ્યુશન નો-નો. એ જ રીતે ફ્લિપ-ફ્લોપ એટલે કે હવાઈ ચંપલ કે સ્લિપર્સ પહેરીને ઘરની બહાર નીકળાય નહીં અને ઘરમાં પણ ભીના બાથરૂમમાં લપસી ન પડાય એ માટે જ પહેરાય. બાકી દરિયાકિનારે કે સ્વિમિંગ પુલ પાસે જ એનું સ્થાન છે, બીજે ક્યાંય નહીં. તમે જાહેર સમારંભમાં જતા હો ત્યારે માર્ક કરજો. બહુ ઓછા લોકોમાં સૂઝ હોય છે કે કોટ કે બ્લેઝર કે જેકેટનાં બટન ક્યારે બીડાયેલાં હોવા જોઈએ ને ક્યારે બંધ. બે બટનવાળું બ્લેઝર કે જેકેટ હોય તો એનું ઉપલું જ બટન બંધ કરવાનું, બેઉ નહીં. અને તે પણ તમે ઊભા હો ત્યારે જ. બેસતી વખતે એ બટન ખોલી નાખવાનું. ફરી ઊભા થાઓ ત્યારે ફરી બંધ કરવાનું. આમાં ડિસન્સી કરતાં વધારે તમારી પોતાની અનુકૂળતા છે. બેઠેલા હો ત્યારે એ કોટનું બટન બંધ હશે તો અન્કમ્ફર્ટેબલ લાગશે. તમારું બૉડી સ્લિમ અને ટ્રિમ હશે તો પણ બંધ બટન ગાજને ખેંચ્યા કરશે. ખરાબ લાગશે. ટીશર્ટની એક વાત શ્નાયડરે એકદમ પતાની કરી કે એક જમાનામાં, સો વર્ષ પહેલાં, અમેરિકન સૈન્યમાં સૈનિકોને યુનિફોર્મ નીચે પહેરવા માટે ટીશર્ટ બનાવવામાં આવ્યા. ગરમ પ્રદેશમાં સૈનિકો યુનિફોર્મનું શર્ટ કાઢીને માત્ર અંદરનું ટીશર્ટ (એટલે આમ તો ગંજી જ) પહેરી રાખતા. સૈનિકોનાં શરીર ચુસ્ત-દુરસ્ત હોય પણ બાકી ટીશર્ટમાં આપણા શરીરના દેખાવની બધી જ વિકૃતિઓ ઊડીને આંખે વળગતી હોય તે રીતે બહાર આવતી હોય છે - કમર પરની ચરબીના વાટા, ફાંદ, છાતી પરના મૂબ્સ, બગલ નીચેની ચરબી, ગરદન નીચેની ચરબી - આ બધું જ જે સારી સિલાઈ, સારા કાપડ અને સારા ફિટિંગવાળા શર્ટમાં સરસ રીતે ઢંકાઈ શકે - તેની આપણે ટીશર્ટ પહેરીને નુમાઈશ કરતા હોઈએ છીએ. શાહરૂખ કે સલમાન ટીશર્ટમાં સ્માર્ટ લાગે છે એટલે આપણે પણ એમના જેવા દેખાઈશું એવા વહેમમાંથી બહાર આવી જઈએ. મને પહેરવામાં જે કપડાં કમ્ફર્ટેબલ લાગે છે તે જ હું પહેરીશ એવી દલીલ બધી વખત ન કરીએ. બેડરૂમમાં સૂતી વખતે આપણી મરજી ચાલે. ત્યાં તો કપડાં ન પહેરીએ તોય કોઈ પૂછવા નથી આવવાનું. બાકી યાદ રાખવાનું કે રીતભાત એટલે સામેની વ્યક્તિને આદર આપવાની કળા. કપડાં માત્ર આપણે સારા દેખાઈએ એ માટે જ નથી પહેરતા. જે લોકો આપણને મળે છે, જુએ છે એમના પ્રત્યેનો આદર વ્યક્ત કરવા માટે પણ પ્રોપર ડ્રેસકોડ રાખીએ એ જરૂરી છે. કાલે થોડી વધુ વાત. દરમ્યાન, હું મારું ટીશર્ટ અને સ્લિપર બદલાવી લઉં. ગ્રુમિંગની વાત કરતાં ઝ્વેન રાફાયલ શ્નાયડર યુટ્યુબના જેન્ટલમૅન્સ ગેઝેટમાં કહે છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી બે, ત્રણ કે ચાર, પાંચ બ્લેડવાળા રેઝરની ફૅશન શરૂ થઈ છે તે બીજું કંઈ નહીં પણ કંપનીઓના પૈસા બનાવવાના ધંધા માત્ર છે. આવા રૅઝરની મોંઘી બ્લેડ્સ ઝાઝો વખત સુધી શાર્પ રહેતી નથી અને આપણે મોંઘી છે, આટલી જલદી ક્યાં બદલીએ એમ કહીને બુઠ્ઠી થઈ ગયા પછી પણ એ બ્લેડને બદલતા નથી. આના કરતાં એક જમાનામાં સેવન ઓ'ક્લોક જેવી બ્રાન્ડ્સની સિંગલ બ્લેડની પતરીઓ મળતી તે લાખ દરજ્જે સારી. આવી સિંગલ બ્લેડ ફિટ કરવા માટેનું રેઝર સાવ પ્લાસ્ટિકનું ન હોય કે એકદમ હળવું ન હોય તે જોવાનું. જરાક ભારે હોય તો ગ્રિપ સારી રહે. ઈન્ડિયામાં બનતી સિંગલ બ્લેડ્સને એકાદ વખત વાપરીને ડિસ્કાર્ડ કરી નાખવી. જપાનની ફિધર બ્રાન્ડની ઈન્ટરનૅશનલી ફેમસ બ્લેડ મોંઘી હોય છે અને એની ધાર ચાર-છ શેવ સુધી તેજ રહે છે. શેવિંગ માટે કૅનમાં મળતાં ફોમ કે જેલ સાવ નકામાં એવું શ્નાયડર કહે છે. ટ્યુબરૂપે મળતા શેવિંગ ક્રીમ વિશે એણે કોઈ ટિપ્પણ કરી નથી પણ શ્નાયડર તેમ જ અન્ય ગ્રુમિંગ નિષ્ણાતો શેવિંગ સોપની કેક વાપરવાની ભલામણ કરે છે. ભારતમાં આવા દાઢીના સાબુના લાટા બહુ જુનવાણી અને ચીપ ગણાતા. પણ સારી ક્વૉલિટીનાય મળે છે. બીજું, શેવિંગ કરતાં પહેલાં ગરમ પાણીથી મોઢું નહીં ધોવાનું. ચહેરા પરનાં છિદ્રો ખુલી જાય તો ઈન્ફેક્શન થવાનો ભય રહે. શેવિંગ બ્રશ પર ક્રીમ લઈને ચહેરા પર ઘસી ઘસીને ફીણ બનાવવાની આપણને ટેવ હોય છે. ખોટી આદત છે. એક નાનકડા શેવિંગ બોલમાં ક્રીમ કે શેવિંગ સોપની કેક પર બ્રશ ઘસીને લીધેલા સાબુને ફીણીને એ ફીણ ચહેરા પર લગાડવાનું. અને શેવિંગ કર્યા પછી આલ્કોહોલવાળાં સુગંધી આફ્ટર શેવ નહીં વાપરવાના. કટ્સ થયા હોય તો ફટકડી (ઍલમ)ની સ્ટિક ઘસી નાખવી અને આફ્ટર શેવ લોશનને બદલે નિવિયા જેવી કંપનીના સેન્સિટિવ ક્રીમ આવે છે તે વાપરવાં. દાઢી કરતાં પહેલાં જો જરૂર હોય તો પ્રી-શેવ ઑઈલ પણ નીકળ્યાં છે. ફોરેસ્ટ એસેન્શ્યલવાળા બનાવે છે. મોંઘા હોય છે. કપડાંની વાત આગળ વધારીએ. ઘણા લોકો માતના હોય છે કે અમારે જેવાં કપડાં પહેરવાં હશે એવાં પહેરીશું, તમારે શું, અમને છૂટ છે અમારી મરજી મુજબ ડ્રેસિંગ કરવાની. વાત સાચી છે. એમ તો હવે આપઘાત કરવાની પણ તમને છૂટ છે. પણ કરવાનો ન હોય. કારના એક્ઝોસ્ટ પાઈપમાં નળી નાખીને કાર્બન ડાયોક્સાઈડને મોં વાટે ફેફસાંમાં નાખવાની પણ છૂટ છે. પણ જ્યાં ત્યાં તમારી મનમરજી મુજબ કરવાનું ન હોય, કપડાંની કે એટિકેટ તથા રીતભાત, મૅનર્સની બાબતમાં પણ એવું જ છે. પગમાં ફાફડા જેવા ભદ્દા સેન્ડલ્સ ક્યારેય પહેરવાના નહીં. ઈન્ડિયન ડ્રેસ પહેર્યો હોય તો ડિસન્ટ સેન્ડલ્સ પહેરીએ તે અપવાદ. મોદીજી પહેરે જ છે. શ્નાયડરની સલાહ છે કે સૂટ પહેરો ત્યારે ટાઈની સાથે બરાબર મૅચ થાય એવા કોટમાં મૂકવાના શોભાના રૂમાલને અવૉઈડ કરો. બચ્ચનજી ક્યારેક એવું કરે છે પણ તે ખોટું કહેવાય. ટાઈ અને કોટના રૂમાલની સેમ ડિઝાઈન, સેમ કલર, સેમ ટાઈપનું કપડું હોય તે ખરાબ કહેવાય. બેઉ જુદાં જુદાં હોવાં જોઈએ. બહુ કોન્ટ્રાસ્ટ નહીં (ટાઈ પીળી હોય ને કોટ રૂમાલ લાલ એવું નહીં) પણ સાવ એક તાકામાંથી બનાવ્યા હોય એવો સેટ ક્યારેય ખરીદવાનો નહીં કે કોઈએ ભેટ આપ્યો હોય તો બેઉને એક સાથે વાપરવાનાં નહીં. જોકે, આપણી વેધરમાં સૂટને લગતી આવી બધી વાતો બહુ ઓછા લોકો માટે કામની છે અને જેમના માટે કામની હોય એમણે આવી બધી ટિપ્સ આ કૉલમમાંથી લેવાને બદલે ઑલરેડી કોઈને કોઈ જાણકાર પાસેથી મેળવી લીધી હોવાની. છતાં એકવાત ઉમેરી દઈએ. કોટનો રૂમાલ તૈયાર ગડી કરીને - અમુુક આકારમાં સિલાઈ કરીને પણ મળે છે. એવા તૈયાર રૂમાલ અવૉઈડ કરવાના. સિલ્કના નૉર્મલ ચોરસ અને સ્પેશ્યલ કોટમાં રાખવાના રૂમાલની જાતે ગડી વાળીને ખિસ્સામાં ગોઠવવાના. ટાઈ પણ જાતે જ બાંધવાની. લાંબી ટાઈ જ નહીં, બો ટાઈ પણ જાતે જ બાંધવાની, તૈયાર મળતી બો ટાઈને ક્લિપ કરીને પહેરી લીધી હશે તો બચકાના હરકત લાગશે. ફુલ પૅન્ટ પહેર્યું હોય તો લાંબાં મોજાં જ પહેરવાનાં. બેસતી વખતે પૅન્ટની બૉટમ ઉપર ખેંચાય ત્યારે પગની પીંડીની ત્વચા દેખાય તે અભદ્ર કહેવાય. શોટર્સ પહેરતી વખતે એવા સોક્સ પહેર્યા હોય તે બરાબર. અમુક પ્રકારના શૂઝ તથા અમુક પ્રકારનું પેન્ટ પહેર્યું હોય ત્યારે બિલકુલ ન દેખાય એવા સોક્સ પહેરો તો અપવાદ કહેવાય. પણ અગેન, સૂટ પહેર્યો હોય ત્યારે તો ફુલ સોક્સ જ હોય. ઘણા લોકોને ટાઈ પહેર્યા પછી ગરમી લાગતી હોય તો શર્ટનું સૌથી ઉપલું બટન, કોલરવાળું બંધ બટન ખોલી નાખીને ટાઈની ગાંઠ સહેજ ઢીલી કરીને રિલેક્સ થવાની ટેવ હોય છે. ફિલ્મી હીરોને સ્ક્રીન પર જોઈને આવું શીખવાની જરૂર નથી. ગરમી લાગતી હોય તો પહેલું બટન ખોલતાં પહેલાં ટાઈ કાઢીને ખિસ્સામાં મૂકી દેવી. ટાઈ પહેરવી તો પ્રોપર રીતે પહેરવી, નહીં તો કાઢીને રોલ કરીને ખિસ્સામાં મૂકી દેવી. શૂઝમાં આગળથી રાઉન્ડેડ કે સાંકડા હોય એવા પસંદ કરવાનાં. આગળથી સ્ક્વેર હોય એવા શૂઝની કૃત્રિમ ફૅશન એટલા માટે શરૂ થઈ હતી કે કોઈ ઉત્પાદકે આવા શૂઝ બનાવીને મોંઘી કિંમતે બજારમાં મૂકીને એવી છાપ ઊભી કરી હતી કે આવી ડિઝાઈન પ્રીમિયમ ગણાય. એ પછી ઘણા લોકોએ આંધળૂક્યિાં કરીને સ્કવેર ટો શૂઝ બનાવ્યાં, ભરપૂર વેચ્યા પણ આપણાથી ન પહેરાય. ફોર્મલ શૂઝમાં ઑક્સફર્ડ, ડરબી કે લોફરમાં આગળથી રાઉન્ડેડ હોય એવા જ શૂઝ લેવાના. ફૉર્મલ ડ્રેસિંગમાં કે ઈવન કોઈપણ કલરના પૅન્ટ સાથે વ્હાઈટ સૉક્સ ઈઝ નો નો. સ્પોટર્સ વેર કે જિમ વેર માટે જ સફેદ મોજાં છે. ટાઈ પહેરનારાઓએ ધ્યાન રાખવું કે ટાઈની વિન્ડસર નૉટ જુનવાણી થઈ ગઈ. એવી રીતે ગાંઠ બાંધીને ટાઈ પહેરી હશે તો સેન્કડ હૅન્ડ કારના સેલ્સમૅન હો એવી છાપ પડશે. હાફ વિન્ડસર સહિત બીજી અનેક પ્રકારની નૉટ્સ બાંધતા શીખી લેવાનું - મિત્રો મદદ કરી શકે, અને હવે તો યુટ્યુબ પણ. ઑફિસે જતી વખતે કે કામ પર જતી વખતે પહેરવાનાં બિઝનેસ કેઝયુઅલ્સ વિશે શ્નાયડર કહે છે કે લોચા જેવાં કપડાં પહેરીને ઑફિસે જશો તો તમે લોચા જેવા જ લાગવાના અને તમારા સુપિરિયર્સ કે તમારા ક્લીગ્સ કે તમારા જુનિયર્સમાં પણ તમારી છાપ અણઘડ માણસ તરીકેની જ પડવાની. ઑફિસે જતી વખતે કમ્ફર્ટેબલ કપડાં પહેરવાનો મતબલ એ નથી કે દોસ્તારો સાથે દારૂના બારમાં જતી વખતે જેવાં રંગબેરંગી કપડાં પહેરીએ. ઈન ફેક્ટ તમે ઘરેથી કામ કરતા હોય તો પણ સવારે નહાઈધોઈને બિઝનેસ કેઝયુઅલ્સ પહેરીને કામ કરશો તો તમે પોતે તમારી જાતને લઘરા જેવા નહીં લાગો અને આને કારણે તમારા કામમાં પણ તમારી લઘરી માનસિકતા નહીં પ્રવેશે. ઑફિસમાં બીજા લોકો તમને રિસ્પેક્ટ આપે એવું ચાહતા હો તો પ્રોપરલી ડ્રેસ્ડ થઈને જવાનું. પણ સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું કે તમારા ઉપરી, ઈમિજિયેટ બૉસ કે જેમના હાથ નીચે કામ કરતા હો એના કરતાં વધારે સ્માર્ટ કપડાં પહેરીને જશો તો સાહેબને ખૂંચવાનું જ છે. માટે ધ્યાન રાખવાનું. ઑફિસ ડ્રેસિંગમાં એક સિદ્ધાંત એવો છે કે તમે જે પોસ્ટ પર કામ કરી રહ્યા છો તેને અનુરૂપ નહીં, પરંતુ કરિયરમાં આગળ વધીને જે પોસ્ટ પર કામ કરવા માગો છો તે પ્રકારનાં કપડાં પહેરવાનાં. આ બધી વિરોધાભાસી વાતોમાં તમને જે પ્રેક્ટિકલ લાગે તે સાચું. જમવાની એટિકેટ વિશે અગાઉ ઘણું લખ્યું છે. પીવાની અને મન્ચિંગની રીતભાત વિશે પણ લખી ચૂક્યો છું, હવે એ બાબતમાં આગળ લખવું નથી પણ ભોજનની બાબતમાં જરૂર લખવું છે. કોઈને ત્યાં જમવા જવાનું હોય તો જે ટાઈમે તમને બોલાવ્યા હોય તેના કરતાં વહેલા ન પહોંચી જવું. હોસ્ટ કદાચ છેલ્લી ઘડીની તૈયારી કરતા હોય કે પછી બધી તૈયારી પૂરી કરીને નાનકડો શાવર લઈને ફ્રેશ થવા બાથરૂમમાં હોય તો એમના માટે તમારું આગમન ઍમ્બરેસિંગ પુરવાર થશે. પાંચ-દસ-પંદર મિનિટથી વધુ મોડા પણ ન પહોંચવું. ટ્રાફિક એટલો બધો હતો કે આવતા મોડું થઈ ગયું, સૉરી એવી બહાનાબાજી ગૂગલ મૅપના જમાનામાં નહીં ચાલે. ટ્રાફિક રહેવાનો જ છે. તમારે મૅપમાં ચૅક કરીને ટ્રાફિકની પોઝિશન જાણી લેવાની અને સમયસર પહોંચી જવાનું. હું પોતે જોકે, મારે ત્યાં આવનારા મિત્રો જમવાના સમય કરતાં વહેલા જ આવી જાય એવું ઈન્સિસ્ટ કરતો હોઉં છું જેથી સૂર્યાસ્તની સાથે સાથે વાતોનો દૌર શરૂ થઈ જાય. અને હવે મેં 'ટ્રાફિકને લીધે' મોડા આવતા મહેમાનો વિશે ફિકર કરીને અકળાવાનું છોડી દીધું છે. બધાની બૅડ હૅબિટ્સ સુધારવાનો ઈજારો ભગવાને મને નથી આપ્યો એવું સ્વીકારી લીધા પછી બી.પી. નૉર્મલ રહે છે. મહેમાનની આગતાસ્વાગતાની બધી તૈયારી થઈ ગઈ હોય તો એમની રાહ જોઈને ઘડિયાળ સામે વારંવાર નજર કરવાને બદલે ગમતું પુસ્તક વાંચવા કે ગમતો શો જોવા નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઈમ શરૂ કરી દેવાનું. ટેન્શન નહીં. રેસ્ટોરાંમાં જમવા ગયા હોઈએ તો પહેલેથી છેલ્લે સુધી પ્રસન્ન રહેવાનું. રસ્તામાં બીજા કોઈ મોટરિસ્ટ જોડે, ટૅક્સીવાળા કે રિક્શાવાળા જોડે કે પછી સ્પાઉઝ જોડે માથાકૂટ થઈ ગઈ હોય તો એ ભૂલીને રેસ્ટોરાંમાં દાખલ થાઓ ત્યારે દરવાન તમને વિવેકથી આવકારે તો તમારે પણ સ્માઈલ આપીને (અને વિદાય લેતી વખતે એના હાથમાં સટલ રીતે એક કરન્સી નોટ થમાવીને) તમારો મૂડ બનાવી લેવાનો. સારી રેસ્ટોરાં હોય તો બૉટલ્ડ વૉટર નહીં મગાવો તો ચાલશે. વેઈટર પૂછે તો હસીને પોલાઈટલી ના પાડવી. ઑર્ડર આપતી વખતે બહુ બધી ડિટેલ્સ નહીં લખાવવાની, બહુ સૂચનાઓ નહીં આપવાની. રેસ્ટોરાંના રસોડામાં તમારા એકલા માટે નહીં, અનેક ટેબલો પર બેઠેલા બીજા કેટલાય ગેસ્ટ્સ માટે વાનગીઓ બનતી હોય છે અને ધારો કે તમે આપેલી એકાદ બે નાની સૂચનાઓ પણ પાળવામાં ન આવી તો કાં તો ચલાવી લેવાનું, કાં સ્ટુઅર્ડ સાથે અવાજ ઊંચો કર્યા વિના વાત કરવાની. ક્રિસ્પને બદલે નૉર્મલ બટર નાન આવી હોય તો ચલાવી લેવાનું. બુન્દી રાયતાને બદલે પાઈનેપલ રાયતું આવ્યું તો રિક્વેસ્ટના ટોનમાં પાછું મોકલીને તમને જે જોઈએ છે તે મગાવવાનું. ઈન કેસ સ્ટુઅર્ડ કહે કે સર, તમે પાઈનેપલ રાયતાનો જ ઑર્ડર આપ્યો હતો તો અદાલતમાં વકીલો લડતા હોય એ રીતે પુરાવાઓ માગવાને બદલે કે સામે આક્ષેપ કરવાને બદલે સ્વીકારી લેવાનું: ઓકે, મારી ભૂલ થઈ ગઈ લાગે છે અને તમને જે જોઈએ છે તે મગાવી લેવાનું, જે નથી જોઈતું તેના પૈસા બિલમાં ઉમેરી દેજો એવું સામેથી હસીને કહી દેવાનું. નાઈન્ટી નાઈન પોઈન્ટ નાઈન પર્સેન્ટ પેલો નહીં ઉમેરે. તમારી સાથે કે તમારા ગેસ્ટ સાથે નાના બાળકો હોય તો એમને ક્ધટ્રોલમાં રાખવાં, બગીચામાં રમવાં આવ્યાં હોય એમ છુટ્ટા નહીં મૂકી દેવાના, ચીસાચીસ નહીં કરવા દેવાની, કાચની ડિશ પર સ્ટીલના ચમચાથી સંગીત નહીં વગાડવા દેવાનું, ટેબલ પર પડેલી ચીજવસ્તુઓ સાથે રમવા નહીં દેવાનું. પણ જો આવું જ બધું બાજુના ટેબલ પર થતું હોય તો સહેજ પણ અકળાયા વિના તમારા ભોજનનો આનંદ અખંડ રાખવાનો. બિલમાં સર્વિસ ચાર્જ ઉમેર્યો હોય તો પણ જો તમે રેગ્યુલરલી આ પર્ટિક્યુલર જોઈન્ટમાં જતાઆવતા હો તો બિલના દસ ટકા કે તેથી વધુની ટિપ અચૂક મૂકવી. નેક્સ્ટ ટાઈમ વધુ સારી સર્વિસ મળતી હોય છે. નાની મોટી ડિમાન્ડ્સ પણ પૂરી થતી હોય છે. અમુક સાદી જગ્યાઓએ પ્લેટ ઊંચકનારો તથા પાણીના પ્યાલા લાવવા-લઈ જવાવાળો સ્ટાફ જુદો હોય છે. એ બંનેને અલગ અલગ નાની નાની ટિપ આપીને તમારે રાજી થવું. તમારી મનગમતી જગ્યા હોય, જમવાનું બિલ એસી રેસ્ટોરાં કરતાં ઘણું ઓછું આવતું હોય ત્યાં, ટેન પર્સેન્ટ ટિપને બદલે ગણતરી કર્યા વિના વીસ-પચ્ચીસ-ત્રીસ ટકા જેટલી ટિપ થતી હોય તો ફિકર કર્યા વિના ઉમંગથી આપવાની. આપણા જેવાના કલ્ચરમાં ટેબલ મૅનર્સ માટે કયો કાંટો, કઈ છરી કે કયો પ્યાલો ક્યારે વાપરવો તેની ટિપ્સ કામની નથી, કારણ કે એક જ છરી, એક જ કાંટો ને એક ચમચો ગોઠવેલાં હોય છે. એટલે એક બિલકુલ સાદી વાત. છરી કાંટાથી ખાવું હોય તો છરી હંમેશાં જમણા હાથે પકડવાની. કાંટો ડાબે હાથે. કાંટાને વાનગીમાં ભરાવીને સ્થિર રાખવાનો, છરી હલાવીને ટુકડો કરવાનો. કાંટાથી એ ટુકડો મોઢામાં મૂકવાનો. છરી કે કાંટો-બેમાંથી કશુંય ચાટવું નહીં, વાનગી ગમે એટલી સ્વાદિષ્ટ હોય તોય. પિત્ઝા ખાવા માટે છરી કાંટાની જરૂર નથી, પંજાબી માટે પણ નહીં, ગુજરાતીમાં તો હરગિજ નહીં. ક્યારેક માત્ર એકલા કાંટાથી જ ખાવું હોય જમણા હાથે પકડવાનો. હું સ્કૂલમાં હતો, ટીનેજ પહેલાંની વાત છે, ત્યારે એક દિવસ અમારા શ્રીમંત કુટુંબીના વાલકેશ્ર્વરના બંગલે ડિનરનું આમંત્રણ હતું. કાકાકાકી નવાં નવાં યુ.એસ.થી આવેલાં. છરી કાંટાથી જમવાનું હતું અને હું ડાબા હાથમાં છરી પકડીને જમણા હાથે કાંટો પકડીને સ્ટ્રગલ કરી રહ્યો હતો. મારી ડિશમાં ખેલાઈ રહેલો જીવનમરણનો ખેલ જોઈને મારી રૂપાળી ફોેરેન રિટર્ન્ડ કાકી મારી પાસે આવીને મારા પર ચિડાવાને બદલે કે મારું અપમાન થાય એવું વર્તન કરવાને બદલે પ્રેમપૂર્વક બોલી: 'બેટા, તું ડાબોડી છે?' હું લેફ્ટી નહોતો. મેં કહ્યું, 'ના.' એટલે કાકી કહે, 'તો પછી તું નાઈફ જમણા હાથે પકડીશ તો તને વધારે ફાવશે!' નાના બાળકને ટોકવાને બદલે એને શિખવાડવાની પણ કેવી ખાનદાની, આભિજાત્યભરી રીત. એ વાતને તો દાયકાઓ વીતી ગયા. પણ આજેય કોઈને જાહેરમાં એમની ભૂલ બદલ ટોકવાને બદલે આટલી સલુકાઈથી, સંસ્કારી રીતે પણ સુધારી શકાય એવી એટિકેટની જન્મદાત્રી એવી મા સમાન કાકી મને યાદ છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os6N6ZszCdJOREgcZAMx_%2BFfn89Qmg9HrMs7uia4WsDMQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment