Monday 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હવે ગુરુ દુશાસન બનશે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હવે ગુરુ દુશાસન બનશે?
વિનોદ ભટ્ટ
 

 

 

 

ગુરુની છાપ આમ તો સજ્જનની છે. આ કારણે પોતાની આબરૂ બગડે એવાં ખોટાં કામ સહન કરવાનું એને પસંદ નથી.

 

શાળામાં અમે ભણતા ત્યારે વાર્તાકાર 'ધૂમકેતુ'નું આ સુવાક્ય પરીક્ષામાં પૂર્વાપર સંબંધમાં અચૂક પુછાતું: 'પડે છે ત્યારે સઘળું પડે છે.' વગર પરીક્ષાએ આ વાક્ય બસ, એમ જ યાદ આવી ગયું. સરકારને તેમજ પ્રજાને વર્ષોથી મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, ચીન, પાકિસ્તાન, વિરોધપક્ષો, પોતાનો પક્ષ, આતંકવાદ, બ્લેકમની વગરે પજવી રહ્યાં છે. આટલું જાણે ઓછું હોય તેમ ગુરુ પણ વક્રી થવા લાગ્યો છે. આ ઉપરાંત મંગળ, શનિ અને રાહુ-કેતુ જેવા ગ્રહોમાંથી જે કોઇને મનમાં આવશે એ ગ્રહો આપણને અડફેટે લેવા યથાશક્તિ પ્રયાસ કરશે.
 


જુઓ, આપણે ચંદ્રની શક્તિ-અશક્તિ વગેરેનો ક્યાસ કાઢી લીધો. મંગળ જેવા મંગળમાંય છીંડું પાડી દીધું. હવે ગમે ત્યારે એમાં ઘૂસી શકાશે. જોકે આપણે આપણી હોટ સેન્સ (દાઝી જવાની બીક) છુપાવવા સૂર્યને ગ્રહ માનવા તૈયાર નથી. જેની આંખમાં આંખ પરોવવાની જેમની હિંમત નથી એવા રેશનાલિસ્ટો કહે છે કે સૂર્ય નામનો કોઇ ગ્રહ છે જ નહીં, પણ જ્યોતિષીઓએ તેને ગ્રહનો દરજ્જો એટલા માટે આપ્યો છે કે આ સૂર્ય એમનો બળતો જઠરાગ્નિ ઠારે છે. એ રેશનાલિસ્ટોના મતે સૂરજ તો એક તારાથી વધારે કશું જ નથી. એ જ રીતે બુદ્ધિજીવીઓના મતે બુધ પણ બુદ્ધિનો, મગજનો ગ્રહ છે એટલે તો તેઓ પણ એ અંગે બહુ મગજમારી કરતા નથી.
 


અને ગુરુ નામનો આ ગ્રહ વાંકો ન થયો, વંકાયો નહીં ત્યાં સુધી તો આપણેય એની સામે જોતા ન હતા. 2014ની આઠમી ડિસેમ્બરથી ગુરુ વક્રી થયો છે એની જ્યોતિષીઓને તો હજી ખબર જ નથી, પરંતુ ગુરુ જોડે જેને નહાવા-નિચોવવાનો પણ સંબંધ નથી એવા એક જૈન મુનિએ આગાહી કરી છે કે સાવધાન! આ વાંકો થયેલો ગુરુ દેશ અને દુનિયાના (કહેવાતા) નામાંકિત લોકોનાં લૂગડાં ઉતારી લેનારો બનશે. આ લોકો માટે લૂગડાં ઉતારીને વાંચવા જેવા સમાચાર હશે. આ ગુરુ, ગુરુ મટી, મામા શકુનિ બની વિશ્વભરના પ્રતિષ્ઠિત (!) મહાપુરુષોનાં કુકર્મો, કાૈભાંડો અને ભ્રષ્ટ આચરણો પ્રજા આગળ ખુલ્લાં મૂકશે. ગ્રહોનાં બજારમાં ગુરુની છાપ આમ તો સજ્જનની છે. આ કારણે પોતાની આબરૂ બગડે એવાં ખોટાં કામ સહન કરવાનું એને પસંદ નથી. આ ઉપરાંત સત્તાની ખુરસી પર બેઠેલાઓની પેઠે પોતાના પક્ષના બદમાશોને છાવરવાનો ગુરુનો સ્વભાવ નથી. અત્યારે તો ગુરુની પાસે ગણીને ચાર મહિના છે. (8મી ડિસેમ્બર 2014થી માંડીને તે 8 મી એપ્રિલ 2015 સુધીનો સમય છે.) બસ, આ ગાળામાં C.B.I., વિજિલન્સ અને ઇન્કમટેક્સ જેવાં ખાતાઓની મદદથી ગુરુ પોતાના આસન પર બેઠો બેઠો બધાનાં દુષ્કૃત્યો ઉઘાડાં પાડશે.
આગાહીમાં આગળ કહેવાયું છે કે વિદ્યાર્થી એટલે કે વિદ્યાની અર્થી કાઢનાર જ નહીં, પણ અભ્યાસ તરફ પૂરતું ધ્યાન આપતા વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં જોઇએ એવી સફળતા નહીં મેળવી શકે. એ અંગે વિદ્યાર્થીઓ સિવાય બીજા કયાં કયાં તત્ત્વો જવાબદાર હશે એની ચોખવટ ગુરુ અથવા તો જૈન મુનિશ્રી પાસે માગવી નહીં.

 


પ્રજા, વેપારીઓ તેમજ નેતાઓ વિશે પણ ઘણી બધી ન ગમે તેવી અપ્રિય આગાહીઓ કરવામાં આવી છે, પરંતુ એની વિગતે વાત કરવા જતાં આ બધાના મૂળમાં જે છે તે ગુરુ અડવાણીજીની પેઠે હાંસિયામાં ધકેલાઇ ન જાય એ વાસ્તે આપણે એ ગુરુ તેમજ એનાથી પ્રભાવિત જાતકોની વાત અહીં કરીશું.
 


આ તો બાપુ ગુરુ નીકળ્યો કહી આપણે ગુરુની મજાક યા નિંદા કરીએ છીએ, પણ વાસ્તવમાં તે સાત્ત્વિક છે. આપણને ભલે આ હકીકતની જાણ નથી, પણ ગુરુ અર્થાત્ બૃહસ્પતિને દેવોના આચાર્ય ગણવામાં આવેલ છે. દેવો પાસેથી ગુરુએ આચાર્યપદ કોઇ ઘાલમેલ કે બદમાશી કરીને નહીં પણ પ્રેમથી મેળવ્યું છે. સ્વર્ગમાં મોટામાં મોટું સુખ એ હોય છે કે એકવાર કોઇને આપવામાં આવેલું આચાર્યપદ પડાવી લેવામાં આવતું નથી. ત્યાંનું ટ્રસ્ટી મંડળ કોઇને આચાર્યપદેથી મનસ્વી રીતે સસ્પેન્ડ કે ડિસમિસ કરતું નથી. આચાર્યપદ યાવચ્ચંદ્રદિવાકરો રહે છે. એમાં નિવૃત્તિ હોતી નથી. જ્યારે આપણે ત્યાં તો આચાર્ય તો શું, કુલપતિપદ પણ બાંધી મુદતનું હોય છે. ઉપરાંત વિદ્યાર્થીઓ ધારે તો કુલપતિની ટાંગાટોળી કરી તેને બાંધી મુદત કરતાંય પહેલાં યુનિવર્સિટી કેમ્પસની બહાર ફેંકી આવી શકે છે. આપણે ત્યાં છે એવી લોકશાહી સ્વર્ગમાં નથી. જુઓને, ઇન્દ્ર સિંહાસન પર સદીઓથી કેવા ચીટકી રહ્યા છે!
 


આ ગ્રહ ગુરુ, 1400 પૃથ્વીઓ તેમાં નિરાંતે સમાઇ શકે એટલો મોટો છે, વિશાળ છે. ગુરુમાં જો 1400 પૃથ્વીઓ રહી શકે એટલી મોકળાશ હોય તો ત્યાં જમીનના ભાવ કેટલા બધા નીચા હશે! અમે તો ત્યાં ગયા નથી પણ એમને એવું અનુમાન કરવાનું મન થાય છે કે ત્યાં ડાઉન પેમેન્ટમાં કદાચ નાખી દેવાના ભાવે જમીન મળી શકે ખરી. બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરો અહીંની માફક વગર ભૂકંપે તૂટી પડે એવાં બાંધકામ કરીને તગડો નફો રળી શકે.
લગભગ બધા જ ગ્રહોને સૂર્યની આસપાસ એક ફરજ લેખે ઘૂમવું પડે છે એ રીતે ગુરુ પણ સૂર્યની પ્રદક્ષિણા 11.86 વર્ષમાં કરે છે, 11.86 એટલે લગભગ બાર વરસ જ સમજોને! તો પણ ત્યાં 'બાર વર્ષે બાવો બોલ્યો' જેવી કહેવત, બાવાઓની વસતી હશે છતાં ચલણમાં નહીં હોય.

 


ગુરુ પર એક નહીં, ચાર ચાર ચંદ્ર વસેલા છે. આટલા બધા ચાંદામામાઓની ગુરુને કેમ જરૂર પડી હશે એ સંશોધનનો વિષય થઇ શકે. ત્યાં ભલે ચાર ચાર ચંદ્ર આવેલા છે તો પણ આપણે ત્યાં અમાસની રાતે જ ચાંદો ગાયબ થઇ જાય છે એમ ત્યાં પણ ચારમાંનો કેલિસ્તે નામનો ચંદ્ર વગર અમાસે કાયમ અદૃશ્ય હોય છે, કેમ કે તે વાયુનો બનેલો છે. ટૂંકમાં વાયુની મુશ્કેલી-ગેસ ટ્રબલ ત્યાં પણ છે.


અને આપણે જાણીએ છીએ કે પાગલપણાને ચંદ્ર સાથે પહેલેથી જ ઘરોબો હોય છે. આ કારણે અહીંના કરતાં ઓછામાં ઓછા ત્રણેક ગણા વધુ પાગલો ત્યાં હોવા જોઇએ. જો ખરેખર એવું હશે તો ત્યાં પાગલો સંખ્યાની દૃષ્ટિએ બહુમતીમાં હશે. આવા સંજોગોમાં સમાજમાં છૂટા ફરતા બેફામ પાગલો ડાહ્યા માણસો પર હુમલો ન કરી બેસે એ માટે ડાહ્યાઓ કાજે અલગ સલામત જગ્યા કરવી પડે. આથી પણ આગળ વધીને આપણે ત્યાં સર્ટિફાઇડ પાગલોને આપવામાં આવે છે એવાં પ્રમાણપત્રો શાણાઓને આપવા પડે.
 


હવે આ ગુરુથી પ્રભાવિત જાતકોની લાક્ષણિકતાઓ જોઇએ. જેનો ગુરુ બળવાન હોય એ જાતક પર (રાજકારણમાં ન પડ્યો હોય ત્યાં સુધી) આદર્શવાદી, ને પરોપકારી હોય છે. તે કોઇને (તક મળે નહીં ત્યાં સુધી તેમજ તેને નુકસાન થતું ન હોય ત્યાં લગણ) કોઇને છેતરતો નથી, ખપથી વધારે ખોટું બોલતો નથી.
 


ગુરુથી પ્રભાવિત વ્યક્તિ શેખીખોર હોય છે. સાથે સાથે તે પ્રોફેસર ન હોવા છતાં ભૂલકણો પણ હોય છે. આ કારણે તેણે મારેલી બડાશ વિશે ભૂલી જાય છે ને એટલે તે પકડાઇ જાય છે. તેને ઓળખતા લોકો તેની વાતમાંની 45થી 50 ટકા બાદ કરીને બાકી રહેલી સિલકને જ સાચી માને છે. જોકે એમાંય ફાયદો તો એને જ થતો હોય છે-વીસથી પચીસ ટકા જેટલો નફો છૂટે છે.
ગુરુ જો જાતકને બીજે સ્થાને હોય તો તે બચત સારી કરી શકે અને પોતાની (તેમજ અન્યની) અર્થવ્યવસ્થા સંભાળી શકે. આમ જેને પોતાનાં ને પારકાં ધન બાબતે સમાનભાવ હોય તેને નાણાંની તકલીફ જીવનભર રહેતી નથી અને જો પૈસાને જ સુખ ગણવામાં આવતું હોય તો તે શ્રેષ્ઠ સુખનો સ્વામી ગણાય છે. સ્વગૃહી ગુરુ પ્રખર બુદ્ધિશક્તિ આપે છે ને વાણીસ્થાને રહેલો સ્વગૃહી બુધ ઠઠ્ઠા-મશ્કરીવાળો હોય છે જે બીજાઓની રમૂજો પોતાના નામે રજૂ કરી સાંભળનારાઓની દાદ મેળવે છે.



આ ઉપરાંત સભાઓમાં તે વિદ્વાન હોવાની છાપ ઊભી કરી શકે છે-વિદ્વાન હોવા કરતાં વિદ્વાન હોવાની છાપ ઊભી કરવી કેટલી અઘરી છે એની આપણને ખબર છે. આવા જાતકના કુળ વિશે લોકો ભલે ગમે તે માનતા હોય, પણ ખુદનો મત ઘણો ઊંચો હોય છે. સહેજ ફૂલણજી પણ હોય છે, એટલે કોઇ તેના જરાતરા ખરાં-ખોટાં વખાણ કરે તો તે માગનારને દાન પણ આપી દે છે. માગણહારાઓ આગળ દાનવીર કહેવડાવવાનું તેને વિશેષ ગમતું હોય છે. જોકે દાન માગવા આવનારાઓને સલાહ શિખામણ અને બોધવચન સંભળાવવાનો તેને શોખ હોય છે. અને દાન મેળવવા ઇચ્છુકો પણ તેને હસતા મોઢે પરાણે સાંભળતા હોય છે અથવા તો પોતાનો કંટાળો છુપાવીને સાંભળતા હોવાનો દેખાવ કરે છે ને મનોમન એ દાનને કંટાળવાનું વળતર ગણી સંતોષ માને છે.



 

આગળ વર્ણવેલ ગુણધર્મો જાતકના નહીં, આમ તો ગુરુના જ માનવા પડે. આ ગુરુનો મોટામાં મોટો સદગુણ એ છે કે તે બીજું ગમે તે હશે, પણ જરાય લાંચિયો નથી. એટલે ગુરુને રીઝવવા, સંસ્કૃતમાં જેને પુષ્પરાગ, ગુજરાતીમાં પોખરાજ અને અંગ્રેજીમાં ટોપાઝ કહેવામાં આવે છે એવું કોઇપણ નંગ પહેરવું નહીં, કેમ કે ખુદ ગુરુને જ ખબર નથી કે એના નામે પૃથ્વી પર શું શું ચાલી રહ્યું છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvG-PWdmwEGWPC97G6Nvy97ExmW1wchWrC1vveG0%2BWRvg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment