Monday 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બેશુમાર દોલત કોઈના ઉડાવે હોશ, કોઈને કરે બેહોશ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બેશુમાર દોલત કોઈના ઉડાવે હોશ,કોઈને કરે બેહોશ!
વિશેષ-એન. કે. અરોડા

 

 

 

અમેરિકાનાં ૪૪ રાજ્યોમાં ૨૩ ઑક્ટોબર, ૨૦૧૮ના દિવસે અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો. કારણ એ હતું કે ૩૦ કરોડથી વધુ વેચાયેલી લોટરીની ટિકિટોમાંથી ફક્ત ૬ ટિકિટો માટે જેકપૉટ અને બાકીની ટિકિટોના આશ્ર્વાસન ઇનામોની જાહેરાત એ જ રાતે કરવાની હતી.


ઘડિયાળમાં કાંટો ૧૨ ઉપર પહોંચ્યો એ સાથે જ ગણતરીની પળો બાદ વર્ષ ૨૦૧૮ના એ છ ભાગ્યશાળી લોકોની ટિકિટોના નંબરોની જાહેરાત કરી દેવામાં આવી જેમણે મેગા મિલિયન્સ પાવરબૉલ લોટરીના જેકપૉટ જીત્યા હતા. વિજેતાઓ પોતાનો નંબર લઈને લોટરીના કાર્યાલય પર પહોંચશે ત્યારે ખબર પડવાની હતી કે આ ભાગ્યશાળીઓ છે કોણ?


કોઈ શખ્સને ૧.૫ અબજ ડૉલરનું ઇનામ મળ્યું હોય એવું અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર બન્યું હતું. અમેરિકાના ઇતિહાસમાં લોટરી દ્વારા જીતવામાં આવેલી અત્યાર સુધીની આ સૌથી મોટી ઇનામી રકમ હતી. વર્ષ ૨૦૧૬માં ૧.૫૮૬ અબજ ડૉલરનો જેકપૉટ નીકળ્યો હતો જેને ત્રણ ટિકિટોમાં વહેંચવામાં આવ્યો હતો. આ વખતે આ આખી રકમનું ઇનામ જે એક વ્યક્તિને મળવાનું હતું તેના ખાતામાં ૧૨૦૦ કરોડ રૂપિયા જવાના હતા.


અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલું તોતિંગ ઇનામ જીતનાર વિજેતા વ્યક્તિ શું સહજ અને પૂર્ણપણે સ્વસ્થ રહી શકે ખરી? ડૉક્ટરો અને મનોવૈજ્ઞાનિકોને ચિંતા એ વાતની છે કે આવી સહજતા અને સ્વસ્થતા ન જોવા મળે, કારણકે છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન જેટલા પણ લોકોના જેકપૉટ નીકળ્યા છે તેમના તરફથી એના પ્રત્યેની (ઇનામી રકમ વિશેની) ખૂબ જ અટપટી પ્રતિક્રિયાઓ વ્યક્ત થઈ છે. સૌથી મોટી વાત એ છે કે સામાન્ય રીતે અબજોનાં ઇનામો જીત્યા પછી વિજેતા વ્યક્તિનું માનસિક સંતુલન થોડા દિવસો માટે બગડી જતું હોય છે.


શેખચિલ્લીની જેમ મોટાં-મોટાં સપનાં જોવા ભલે આસાન હશે, પણ જો કોઈ મોટું સપનું સાચું પડી જાય તો એકાએક એ સત્યને સ્વીકારવું બહુ મુશ્કેલ બની જતું હોય છે. ખાસ કરીને એ સપનું જો અગણિત ધન સાથે જોડાયેલું હોય અને એ પૂરું થયું હોય તો આવું અચૂક બને છે. હા! આ એકદમ સાચી વાત છે. આવું ઘણા લોકો સાથે બન્યું છે. અમેરિકામાં એક સજ્જન છે જેનું નામ છે, બી. રેમન્ડ બક્સટન. ચાર વર્ષ પહેલાં (વર્ષ ૨૦૧૪માં) તેમને પાવરબૉલ લોટરી લાગી હતી. એમાં તેમને ૪૨.૫ કરોડ અમેરિકી ડૉલર એટલે કે ૨૫ અબજ ૩૪ કરોડ ૭૦ લાખ રૂપિયા મળવાના હતા. આ એટલી બધી મોટી રકમ છે કે એ સાંભળીને કોઈને પણ ચક્કર આવી જાય. રેમન્ડસાહેબ સાથે પણ એવું જ બન્યું. જ્યારે લોટરીનાં પરિણામો જાહેર થયા તો તેમણે પણ સામાન્ય વ્યક્તિની માફક પોતાના કમ્પ્યુટરમાં પરિણામોના આંકડા સાથે પોતાની જેકપૉટવાળી ટિકિટનો નંબર વારંવાર મેળવી જોયો હતો.


પોતે જે કંઈ જોઈ રહ્યા છે એ ખરેખર સત્ય છે એ તેમના માનવામાં જ નહોતું આવતું. તેમણે અનેકવાર પોતાની આંખો પટપટાવી હતી. એટલું જ નહીં, વૉશ બેઝિન પાસે જઈને ચહેરા પર ઠંડા પાણીની છાલક પણ ઘણી વાર મારી હતી અને છેક ત્યારે તેમના માનવામાં આવ્યું કે પોતાની લોટરીનો નંબર અને જેકપૉટનો નંબર એક જ હતો. એ નંબર તો એક હતો, પરંતુ એ નંબર પોતાની લોટરીનો હોવા વિશે પણ તેઓ સુખદ આશ્ર્ચર્યની અભૂતપૂર્વ સ્થિતિમાં ગરકાવ હતા.


બક્સટન આ હકીકત જાણ્યા પછી થોડી મિનિટો સુધી દંગ રહી ગયા હતા. શું પ્રતિભાવ આપવો એની જ તેમને ભાન નહોતી. ન તેઓ હસી શક્તા હતા અને ન રડી શકતા હતા. ઘણી વાર સુધી તેઓ કંઈ પણ પ્રતિક્રિયા વિના શૂન્ય બનીને ખુરસીમાં બેઠા રહ્યા હતા. તેમણે અનેક વાર નંબર જોયો હતો અને એક-એક આંકડો મેળવી જોયો હતો અને એકસરખું પરિણામ જોવા મળ્યું છેક ત્યારે તેમને ખાતરી થઈ હતી કે તેમને લોટરી લાગી જ છે.


જોકે, આ સચ્ચાઈના આનંદે તેમને એટલા બધા અચંબામાં મૂકી દીધા હતા કે જાણે તેઓ પોતાનો સ્વર જ ગુમાવી બેઠા હતા. તેઓ થોડા કલાકો તો ઠીક, અમુક દિવસો સુધી તદ્ન ચૂપ રહ્યા હતા. છેક મીડિયા સાથેની વાતચીત કરવાનો સમય આવ્યો ત્યારે તેમણે ચૂપકીદી તોડી હતી અને પોતાની મનોદશા વ્યક્ત કરતા કહ્યું હતું કે આટલી તોતિંગ રકમના માલિક હોવા બદલ પોતાને મનમાં બહુ ડર મહેસૂસ થઈ રહ્યો છે. બક્સટને કહ્યું હતું કે તેમની આ હાલત ઘણા દિવસથી છે. તેઓ ઘણા દિવસોથી રાતે સરખી ઊંઘ નથી કરી શક્યા. ઊંઘ તો ઠીક, તેમની દૈનિક ક્રિયા પણ ખોરવાઈ ગઈ હતી. તેમણે પત્રકારોને ક્હ્યું, 'હું જાજરૂ માટે જાઉં છું તો સરખી રીતે જઈ જ નથી શક્તો. અગાઉ મારું પેટ સાધારણ રીતે સાફ થઈ જતું હતું, પણ થોડા દિવસથી એવું થતું જ નથી. હૃદયમાં અને મનમાં એક અજબ પ્રકારનો ભય છવાઈ ગયો છે.'


મધ્યમ વર્ગના અમેરિકી નાગરિક બક્સટન લગભગ એક મહિના સુધી ભાગ્યે જ કંઈ બોલ્યા હતા. એ સમયગાળા દરમિયાન તેઓ આંગળીને વેઢે ગણાય એટલા જ લોકોને મળ્યા હતા અને બાકીના લોકોથી તેઓ મોં છુપાવતા હતા. તેમને ડર હતો કે ક્યાંક કોઈને મળીશ અને તે તેમને લોટરી વિશે પૂછશે તો?


તમે નહીં માનો, પણ તેઓ એક મહિના સુધી ચૂપકીદી સેવ્યા બાદ કૅલિફોર્નિયા-સ્થિત લોટરીના મુખ્યાલય સેક્રામિંટો ખાતે પહોંચ્યા હતા. જોકે, આશ્ર્ચર્યની વાત એ છે કે ત્યારે પણ તેમણે પોતાનો ચહેરો છુપાવી રાખ્યો હતો. તેમનો ફોટો લેવામાં આવ્યો એમાં પણ તેમણે પોતાનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો. તેમના હાથમાં જ્યારે ૪૨.૫ કરોડ ડૉલરના ચેકની રેપલિકા પકડાવવામાં આવી ત્યારે સુધ્ધાં તેમણે રૂમાલથી ચહેરો ઢાંકી રાખીને ફોટો પડાવ્યો હતો. પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું કે કેમ તેઓ એક મહિના સુધી લોટરીના કાર્યાલયમાં નહોતા આવ્યા? ત્યારે તેમણે કહ્યું કે તેઓ આ હકીકતનો સ્વીકાર કરવાની સ્થિતિમાં જ નહોતા અને એમાં વ્યસ્ત હતા એટલે કાર્યાલય પર નહોતા આવી શક્યા. પોતે આટલું મોટું ઇનામ જીત્યા છે એ વાસ્તવિકતા તેઓ માનવા જ તૈયાર નહોતા. એટલું જ નહીં, આટલી મોટી રકમ મળી રહી હતી એટલે એમાં કરવેરો કેટલો લાગે અને ક્યારે ભરવાનો હોય એ સમજતાં પણ તેમને સમય લાગ્યો હતો. એ દરમિયાન બક્સટને એક વકીલની અને એક આર્થિક સલાહકારની મદદ પણ લીધી હતી.


મનપસંદ જિંદગી જીવવાની હંમેશાં ઇચ્છા રાખતા બક્સટને લોટરીથી જીતેલી રકમનો ઉપયોગ કેવી રીતે કરશે એની તેમણે પછીથી મીડિયાને જાણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ રકમનો મોટો હિસ્સો તેઓ ચૅરિટી માટે વાપરશે. એમાં ખાસ કરીને તેમણે બાળકોના શિક્ષણ પાછળ તેમ જ ભૂખમરાથી પીડાતા લોકોની મદદ માટે અને સામાન્ય જનતાના સ્વાસ્થ્ય માટે વાપરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બક્સટને તો પછીથી પોતાને માનસિક રીતે સ્વસ્થ હાલતમાં લાવી દીધા હતા, પરંતુ ૨૦૧૩ની સાલમાં એક મહિલા કે જે આટલી તોતિંગ રકમ જીતી હતી તે આ સફળતા પચાવી ન શક્તાં પાગલ થઈ ગઈ હતી. જે લોકો જેકપૉટ જીત્યા પછી પણ ખુશમિજાજમાં રહ્યા તેઓ એવા લોકો હતા જેમણે આ ઇનામ પર બહુ વિચાર જ નહોતો કર્યો અને વિચાર આવતો ત્યારે હર્ષના અતિરેકમાં આવવાનું ટાળવામાં સફળ થયા હતા.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvqcTRcmnSyn9Ne8DwQV5i%3D1nPa3u8%2BEP6U6Wmehhg%3Dfg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment