Monday 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મીલે હો તુમ હમકો બડે નસીબ સે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સોશિયલ મીડિયા અને સંબંધો - મીલે હો તુમ હમકો બડે નસીબ સે!
રામ મોરી
 

 

 

       
એક ઉંડો શ્વાસ લઈને વિચારો કે સોશિયલ મીડિયા પર તમને એવા કેટલા મિત્રો મળ્યા છે જેમને તમે ક્યારેય મળ્યા નથી પણ તમારી વચ્ચે કલાકો વાતો થતી રહે છે. તમે આપસમાં પોતપોતાની અંગત જીંદગી, પ્રશ્નો, પીડા અને ડિપ્રેશન વહેંચતા હશો. એ વ્યક્તિનો મેસેજ કે કમેન્ટ આવે ત્યારે ચહેરા પર આપોઆપ સ્માઈલ આવી જાય છે. એકબીજાના જીવનમાં બનતી દરેક ઘટનાઓ વિશે જાણવાની જીજ્ઞાસા સતત રહેતી હોય,સતત એકબીજાની સાથે હોવાનું અનુભવતા રહો અને એમ છતાં તમે લોકો એકબીજાને ક્યારેય મળ્યા નથી. જરા વિચારો આવા લોકો તમારા લીસ્ટમાં હશે જ.

 

અચ્છા હવે એવા વ્યક્તિઓ યાદ કરો જે અત્યારે તમારી સાથે મેસેજ ઉપરાંત ફોન કોલ્સમાં પણ સંપર્કમાં રહેતા હોય, જ્યારે જ્યારે મળો ત્યારે આપો+આપ અંદરથી ઉમળકો થઈ આવતો હોય, જેની સાથે ગમ્મે ત્યારે મળવાનું થાય એ સમયે કલાકો ગપાટા મારી શકાતા હોય પણ પણ પણ એ વ્યક્તિ તમને તમારી સ્કૂલ, કોલેજ કે  કોમન મિત્રોના વર્તુળ દ્વારા નહીં પણ સોશિયલ મિડિયા થકી મળી હોય.


સાથોસાથ એવા અનુભવ પણ થયા હશે કે સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ પસંદ પડી હોય અને તમારા બંનેનું જામી પડ્યું હોય. તમને એ વ્યક્તિ બહુ જ પસંદ પડે, તમારી વચ્ચે બહુ બધું કમ્ફર્ટ રચાઈ જાય અને એ પછી જ્યારે તમારે રૂબરુમાં મળવાનું થાય ત્યારે ખબર પડે કે સાલુ આ વાસ્તવ કરતાં પેલું વર્ચ્યુઅલ વર્ચ્યુઅલ સારું હતું. એકાએક તમને ખબર પડે કે પેલો જે તમારા સ્વપ્ન જગતનો સથવારો હતો એનો તો ભાંગીને ભૂક્કો થઈ ગયો. આપણે નહોતું મળવું જોઈતું ક્યારેય એવો પસ્તાવો પણ થયો જ હશે. આવો અનુભવ પણ તમારી પાસે હશે જ.

 

ટુંકમાં આ બધા છે સોશિયલ મીડિયાની સાક્ષીએ રચાયેલા સંબંધો. આજે તમે યાદ કરવા બેસો ત્યારે સમજાય કે આપણા સોશિયલ મીડિયામાં એવા કેટલાય લોકો હોય છે જેની સાથે આપણે કંફર્ટેબલ ફીલ કરતા હોઈએ છીએ. જરૂરી નથી કે સર્વ મંગલ માંગલ્યે જ થાય. સોશિયલ મીડિયામાં ઘણા એવા લોકો પણ હોય છે જેમની નિયત હંમેશા ગંધાતી રહેતી હોય છે. છોકરીઓના ડીપી ઉઠાવીને એ જ ડીપીને પોતાના ફેક આઈડીમાં યુઝ કરીને મજા લેનારાઓની સંખ્યા પણ અહીં ઓછી નથી. ફેક આઈડી ખરા અર્થમાં જાસુસી પૂરતું સીમીત રહે ત્યાં સુધી બરાબર છે પણ બીજાની જીંદગીઓ સાથે રમત કરે ત્યારે વાત વણસી જાય. એવું કહેવાય છે કે તમારા સોશિયલ મીડિયા પર તમારી અપડેટ જે પ્રકારની હોય એના આધારે તમારું વ્યક્તિત્વ નક્કી થતું હોય છે. આજે સગાઈ પહેલાં પણ અજાણ્યા છોકરો છોકરી એકબીજાના સોશિયલ મીડિયા પરના અકાઉન્ટસ પરથી એકબીજાનો સ્વભાવ જાણવાનો પ્રયત્ન કરતાં હોય છે. સોશિયલ મીડિયા પર મનફાવે એવી પોસ્ટ, વાત, મુદ્દો કે શબ્દો પોસ્ટ કરતા પહેલાં એકવાર વિચારવું જોઈએ કે આ રીતે તમે તમારા વ્યક્તિત્વની ઓળખ બધાને આપી રહ્યા છો.

 

સોશિયલ મીડિયા પર એક નવી વાત શરું થઈ છે એ છે શરમના માર્યા બધું કરવું પડે એવો વણલખ્યો નિયમ. અમુક લોકોની પોસ્ટ તમે ન જુઓ કે એમાં કમેન્ટ ન કરો તો એ લોકોને આ વાતનું સાચ્ચે સાચ ખોટું લાગી આવે. મળે ત્યારે કલાકો ડિબેટ થાય કે તેં મારી ફલાણી પોસ્ટ પર લાઈક નહોતી કરી કે તે મારી ફલાણી પોસ્ટ પર કમેન્ટ નથી કરી. બે લોકો એકબીજા સાથે વાત કરવાનું સુધ્ધાં છોડી દે. આમ જુઓ તો બિલકુલ માન્યામાં ન આવે એવી વાત છે પણ હકીકત છે. પોસ્ટ પર રીએક્ટ લવ કર્યું, રીએક્ટ હાહાહા કર્યું કે રીએક્ટ એંગ્રી કર્યુ એ વાત પર લાંબા લાંબા વિવાદ થતા હોય છે. સૌથી વધુ એકળાવતી બાબત હોય તો એ છે કે આંખની શરમ ભરીને લાઈક કમેન્ટ કરવું. સોશિયલ મીડિયા એ કોઈ લગ્ન પ્રસંગ નથી કે જ્યાં તમારે વ્યવહાર સાચવવા જવું જ પડે. એણે મારી બધી પોસ્ટ લાઈક કમેન્ટ કરી છે એટલે મારે પણ એની દરેક પોસ્ટ પર લાઈક કરવી જ જોઈએ એ કોઈ વણલખ્યો નિયમ નથી. ઘણા લોકો તો પોસ્ટ સરખી રીતે પૂરી વાંચ્યા વગર જ અભિનંદન અને લાઈક્સ ઠપકારતા હોય છે.  સોશિયલ મીડિયા પર એક વિચિત્ર દેખાતી વાત હોય તો એ છે કે લોકો ભૂલી જાય છે કે એ જેની વિરુદ્ધ લખી રહ્યા છે એમાં એ કેટલી હદ સુધી પર્સનલ થઈ રહ્યા છે. જગતમાં આપણને બધા જ લોકો પસંદ પડે એવું જરૂર નથી. એવા સંજોગોમાં આપણને ન ગમતી વ્યક્તિનું બધું કામ ખરાબ જ હોય એ માની લેવું પણ વધારે પડતું હોય છે. સોશિયલ મીડિયા પર આપણે જ્યારે કોઈ વ્યક્તિના અમુક તમુક પ્રકારના કામની વિરુધ્ધ લખી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે અહીં તમારી માન્યતા એ માન્યતા કરતા આરોપ વધારે બની રહ્યો છે. વ્યક્તિના ડ્રોઈંગરૂમ અને બેડરૂમ અલગ છે અને એને અલગ જ રાખવા જોઈએ. સોશિયલ મીડિયા પર વ્યક્તિ કદાચ આ ભેદરેખાને ભૂલી ગયો છે. સોશિયલ મીડિયા પોતાના અભિપ્રાયો પોસ્ટ કરતી વખતે એ બાબત પણ યાદ રાખવી જોઈએ કે તમે જે પોસ્ટ કરી રહ્યા છો એ તમારી માન્યતા છે કોઈ સનાતન સત્ય નહીં કે જેની સાથે બધાએ ફરજિયાત સહમત થવું જ પડે.

 

નકારાત્મક વાતોને કોરાણે મુકીએ તો પણ સોશિયલ મીડિયા પર જાણવા લાયક વાતોનો ભંડાર પણ હોય છે. સોશિયલ મીડિયા થકી જ આપણને અમુક એટલા સુંદર સંબંધો મળે છે જે કદાચ સોશિયલ મીડિયા  ન હોત તો કેવી રીતે મળત એ પ્રશ્ન થાય જ. માણસ માણસ વચ્ચેનું  ભૌગોલિક અંતર સોશિયલ મીડિયાએ ગૌણ બનાવી દીધું છે. સોશિયલ મીડિયા પર મળ્યો હોય અને પ્રેમ થયો હોય ને અંતે લગ્નગ્રંથીથી જોડાયા હોય એવા કિસ્સાઓ આજકાલ ઓછા નથી. જૂના જૂના સ્કૂલ હાઈસ્કૂલના  મિત્રો પણ આપણને સોશિયલ મીડિયાના સરનામે મળી જતાં હોય છે. સોશિયલ મીડિયા પર આપણને જૂની જૂની તસવીરો, વીતેલો સમય, ભૂલી ગયેલાં સંબંધો અને પ્રસંગો અકબંધ પડેલાં જોવા મળે છે. રીવર્સમાં સમય લઈ જઈએ અને પાછળ જીવી ચૂકેલી જીંદગી આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરી જીવી શકીએ છીએ.

 

સોશિયલ મીડિયા અને સંબંધો રસપ્રદ હતા છે અને રહેશે જ.  આ બધાની વચ્ચે એ વાત ન ભૂલાઈ જાય કે સોશિયલ મીડિયાના સંબંધો સાચવતા સાચવતા ક્યાંક તમારી આસપાસ ધબકતા સંબંધો ટલ્લે ન ચડે. એવું ન બને કે તમારા પોતાનાઓ તમારું અટેન્શન મેળવવા તમારી સામે મીટ માંડીને બેઠા હોય અને તમે જગતને ખૂશ કરવા માટે હાથમાં મોબાઈલ લઈને કલાકો ચીપકી રહીએ. સોશિયલ મીડિયાના સંબંધો સાચવવામાં જેટલો પ્રયત્ન કરો છો એટલો આસપાસ ધબકતા સંબંધોમાં પણ ધ્યાન આપજો બાકી બેટરી લો થશે કે નેટ નહીં હોય ત્યારે આસપાસના સંબંધો જ તમને અટેન્શન આપશે. એ તો પાપા ધરમેંદર અને સન્ની બોબી કહી જ ચૂક્યા છે કે અપને તો અપને હોતે હૈ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OttFQEym72_dvAsxidF1RObZkEfbMgRm1U0AVrAhTaS9Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment