Thursday 1 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ડાયાબિટીસ ઈઝ ગુડ ફૉર યૂ… (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ડાયાબિટીસ ઈઝ ગુડ ફૉર યૂ…
વિનોદ ભટ્ટ
 

 

પોતે ઉંદર નહીં હોવા બદલ માણસને ક્યારેક વસવસોય થતો હોવો જોઈએ. અને કોઈક વાર તેને ઉંદરની અદેખાઈ પણ આવતી હશે. એક જૂની રમૂજમાં આવે છે એમ એક માણસ તેના મિત્ર જોડે વાતવાતમાં અર્થ વગરની દલીલો કરતો હતો. મિત્રે તેના પર ગુસ્સે થઈ જતાં પૂછ્યું : 'તું માણસ છે કે ઉંદર ?'


'હું ઉંદર તો નથી જ; કારણ એ કે મારી પત્ની ઉંદરથી બહુ ડરે છે….' એ માણસે જવાબ આપ્યો. માનવજાતને ઉંદરોની ઈર્ષ્યા આવે એવા બીજા પણ એક સમાચાર છે. ફલોરિડાની એક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઉંદરોને થયેલ ડાયાબિટીસ મટાડી દીધો, અને તે પણ ઉંદરો પાસેથી ફી પેટે એક પૈસોય લીધા વગર. વૈજ્ઞાનિકોએ ઉંદરના પેન્ક્રિયાસમાંથી આદિકોષ શોધી કાઢ્યો, પછી લૅબોરેટરીમાં તેની વૃદ્ધિ કરી અને ફરીથી ડાયાબિટીસવાળા ઉંદરમાં મૂક્યો. એ કોષોએ ઈન્સ્યુલિન બનાવવાનું શરૂ કર્યું અને ડાયાબિટીસ મટી ગયો. ઉંદરો ન્યાલ થઈ ગયા, હવે તે યથાશક્તિ ગળી ચીજવસ્તુઓ બિન્ધાસ્તપણે ખાઈ શકશે – ડાયાબિટીસ કી ઐસીતૈસી.

 

કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે 'દગાબાજી' કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.

 

ઈશ્વર જો કોઈ માણસ પર ગુસ્સે થઈને શાપ આપતાં જણાવે કે, મારે તને ત્રણમાંનો એક રોગ અવશ્યપણે આપવાનો છે, પણ તારા પર થોડી દયા આવવાથી એ રોગની પસંદગી હું તારા પર છોડું છું. એ ત્રણ રોગના નામ આ પ્રમાણે છે : (1) હૃદયરોગ (2) કૅન્સર અને (3) ડાયાબિટીસ – જા, સારું એ તારું…. અને આ શાપિત માણસ મને પૂછી બેસે કે ભાઈ, મારે આ ત્રણમાંના ક્યા રોગ પર કળશ ઢોળવો જોઈએ ? તો તેને હું તત્કાળ જણાવી દઉં કે પેલા બે કરતાં ડાયાબિટીસ વધારે ઈચ્છનીય મને લાગે છે. નસીબદાર હોય તેને જ ડાયાબિટીસ થાય છે, માટે પસંદગી કરવા માટેનો આ ઉત્તમ રોગ છે. બીજા બે રોગો કાયમ માટે આપણને તેમના કાબૂમાં રાખતા હોય છે, જ્યારે રાજરોગની સંજ્ઞા ને પ્રતિષ્ઠા પામેલ આ રોગને સમજાવી – પટાવીને તાબામાં રાખી શકાય છે, જ્યારે હૃદયરોગમાં તો એવું છે કે હૃદય ગમે તે ક્ષણે દગો દે છે. મોઢે ચડાવેલ યુનિયનના કામદારોની પેઠે કોઈ પણ ક્ષણે તે હડતાળ પર ઊતરી જાય છે, ધબકવાની કામગીરી છોડી દે છે.

 

એ રીતે જોવા જઈએ તો અન્ય રોગોના મુકાબલે ડાયાબિટીસ ઓછો ખર્ચાળ છે, ઈન્ટેન્સિવ કેર યુનિટમાં તે ભાગ્યે જ લઈ જાય છે. તમે તેને સાચવો, તેની ઈજ્જત કરો, તો તે પણ તમને સાચવે છે. રાખરખાપતમાં તે માને છે. તમે એને છંછેડો તો ગુસ્સે થઈને તમને થોડા રિબાવે ખરો, પોતાની તાકાતનો પરચો બતાવે, પણ પછી હસીને માફેય કરી દે. ડાયેટિંગ એટલે શું એનું પ્રશિક્ષણ ડાયાબિટીસ આપે છે – આ ડાયેટિંગનો કેટલાક લોકો 'ડાઈ વિધાઉટ ઈટિંગ' જેવો અર્થ પણ કરે છે. વિશ્વમાં દર પાંચમી વ્યક્તિએ એકને ડાયાબિટીસ મેળવવાનું સદનસીબ સાંપડે છે. જ્યારે ભારતમાં આ પ્રમાણ બે તૃતીયાંશ જેટલું જણાયું છે. શ્રીમંત લોકો ડાયાબિટીસને કૂતરાની જેમ પાળે છે, વહાલ કરે છે – તેને સ્ટેટસ સિમ્બૉલ ગણે છે. આ ડાયાબિટીસ તો ડૉક્ટરો શોધાયા ત્યાર પહેલાંનો, પાંચમા સૈકામાં શોધાયો હતો. આયુર્વેદાચાર્ય મહર્ષિ સુશ્રુતે તે શોધવાનું કોલમ્બસ-કાર્ય કર્યું. તે વખતે 'મધ જેવા પેશાબ' તરીકે તે ઓળખાતો. ત્યાર પછી બારસો વર્ષ બાદ થૉમસ વિલિએ આ રોગને અંગ્રેજીમાં શોધી કાઢ્યો; નામ તેનું ડાયાબિટીસ પાડ્યું. આ રોગ વારસાગત પણ હોય છે. માત્ર ખાંડ જ નહીં, ટેન્શન પણ ડાયાબિટીસની લહાણી કરી શકે છે.

 

ડાયાબિટીસ ધરાવનારે ભોજન બે વખતને બદલે છ વખત લેવું. સવારે ઊઠીને સાત વાગ્યે તે પહેલાં નાસ્તા માટે ટેબલ પર હાજર થઈ જવાનું. પછી અગિયાર વાગ્યે અલ્પાહાર લેવો. અલ્પાહાર અને નાસ્તામાં ફેર એટલો જ કે નાસ્તામાં લીધી હોય એ વાનગીઓ અલ્પાહારમાં નહીં લેવાની. ત્યાર બાદ ભૂખ હોય કે ન હોય, બપોરે એકથી બેની વચ્ચે જમવું. ચાર વાગ્યે ફરી પાછો બ્રેકફાસ્ટ. આઠ વાગ્યે વાળું કરવું. રાત્રે અગિયાર વાગ્યે નાસ્તો કરવો, ને ઊંઘમાંથી અડધી રાતે જાગી જવાય તો હાથમાં આવે તે ખાઈ લેવાનું. કોઈ જિજ્ઞાસુ આત્માને પૂછવાનું મન થાય કે આટલો બધો વખત ખા-ખા કરીશું તો પછી નોકરી-ધંધે ક્યારે જવાનું ! જુઓ ભાઈ, શું, ક્યારે ને કેટલું ખાવું એ કહેવાની અમારી ફરજ. બાકી એ માટે તમારે ક્યારે ને કેટલું કમાવું એ જણાવવાનું કામ અમારું નથી. ઠીક છે, વચ્ચે અડધો-પોણો કલાકની અનુકૂળતા ઉપરાંત મૂડ હોય તો ઑફિસે આંટો મારી આવવાનો.

 

આ ડાયાબિટીસની સારવાર કેમ કરશો ? સૌ પ્રથમ તમે તમારું વજન અને ઊંચાઈ માપી એક આદર્શ વજન નક્કી કરી નાખો. તમે વજન ચોક્કસ ઘટાડી શકશો, પરંતુ ઊંચાઈ ઘટાડવાનું મન થાય તો તેને માટેય ઉપાય છે, બિરબલની મદદ લેવી. તમારાથી વધારે ઊંચાઈવાળા માણસો સાથે ફર્યા કરવાથી ઊંચાઈ આપોઆપ ઓછી થઈ જશે. શું આરોગવું એની જ વાત કરીએ તો પાલક, સવા, તાંદળજો, મૂળા, મોગરી, કારેલાં, કંકોડાં, કાકડી અને લીલાં શાકભાજી વધારે પ્રમાણમાં ખાવાં. આ બધું ડાયાબિટીસ પર અકસીર છે. ( ઉ.ત. હાથી લીલોતરી ખાય છે તેથી તેને ડાયાબિટીસ થતો નથી.)

 

મહર્ષિ સુશ્રુતે લખ્યું છે કે મધુપ્રમેહના દરદીએ વનમાં ખોવાયેલી ગાયોને શોધવા જવું. આજે આપણી પાસે સુશ્રુત નથી, વનો નથી, ને એવી ગાયો પણ નથી જે જંગલોમાં ખોવાઈ જાય. આજકાલની ગાયો તો શહેરની પોળોમાં અને સોસાયટીઓમાં છાપાંની પસ્તી, પ્લાસ્ટિકની કોથળીઓ અને એંઠવાડ વાગોળતી બેઠી હોય છે જે તેમના માલિકોને દોહવા ટાણે અનાયાસે જડી જતી હોય છે, એટલે ગાયોની અવેજીમાં સ્કૂટરનો ઉપયોગ ડાયાબિટીસની દવા લેખે કરી શકાય. સ્કૂટર જે દિશામાં પાર્ક કર્યું હોય એની વિરુદ્ધ દિશામાં, પોલીસની મદદ લીધા વગર, શોધવા માટે ઘાંઘા થઈને દોડાદોડ કરવી. એકાદ કલાક આ રીતે દોડધામ કર્યા પછી સ્કૂટર જ્યાં પાર્ક કર્યું હોય ત્યાં પહોંચી જવું. સ્કૂટર તદ્દન નવુંનકોર હશે ને કોઈકની આંખમાં તે વસી ગયું હશે ને આર્થિક નુકશાન થવાનો યોગ ભાગ્યમાં લખાયો હશે તો કદાચ કોઈ મોરલો કળા કરી ગયો હશે, પણ એ વાત અહીં ખાસ મહત્વની નથી. મૂળ વાત તો ડાયાબિટીસને કાબૂમાં લેવાની છે. ડૉ. પોલ ડડલી વ્હાઈટના જણાવ્યા અનુસાર દરેક વ્યક્તિ પાસે બે ડૉક્ટરો છે. જમણો પગ અને ડાબો પગ. રાજી થવા જેવી વાત એ છે કે આ બન્ને માનદ દાકતરો મહેનતાણું લીધા વગર ડાયાબિટીસની દવા કરવા સદાય તત્પર હોય છે. તેમને સાથે રાખવા, બન્ને એકબીજાથી રિસાઈને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ન જાય તેની તકેદારી રાખવી.

 

રવિવારના દિવસે પૈડાં વગરની સાઈકલનો કસરત માટે ઉપયોગ કરો, એથી ડાયાબિટીસમાં રાહત જણાશે. ઉપરાંત સાઈકલ ઘણાં કિલોમીટર ચલાવ્યા છતાં તમે ઘરમાં જ હશો. ઘરમાં રહ્યાનો આનંદ તમે માણી શકશો, શક્ય છે કે તમારા કુટુંબના અન્ય સભ્યો તમારી ઘરમાં હાજરીથી એટલો આનંદ નહીં પામી શકે, ભોગ એમના. વહેલી સવારે ચાલવું, કૂતરાં પાછળ પડે તો દોડવું, હોજમાં પાણી હોય અને તરતાં આવડતું હોય તો તરવું. વગેરે કસરતોથી કદાચ અન્ય કોઈ શારીરિક ગરબડો ઊભી થશે, કિન્તુ ડાયાબિટીસમાં ફાયદો જણાશે.

 

સ્કૂલે જતાં નાનાં ભૂલકાંઓનાં ખિસ્સામાં ઓળખપત્રો મૂકવામાં આવે છે જેથી તે ખોવાઈ ન જાય. એ રીતે ડાયાબિટીસ તમને ખોઈ ન કાઢે એ માટે પોતાનું ઓળખપત્ર શર્ટ-બુશર્ટના ઉપરના ખિસ્સામાં, દેખાય એ રીતે રાખવું, જેમાં ઉકેલી શકાય એવા સ્પષ્ટ અક્ષરે લખવું, 'મને ડાયાબિટીસ છે. ……યુનિટ ઈન્સ્યુલિન લઉં છું. રોજની કેટાપ્રસની બે ટીકડી લઉં છું. હું મારી મેળે બેભાન થઈ જાઉં – કોઈ ગઠિયાએ મને બેહોશ કરી નાખ્યો ન હોય તો / અથવા તો મારું વર્તન કુદરતી ન જણાય તો માની લેવું કે મારા લોહીમાં સાકરનું પ્રમાણ ઘટી ગયું છે… એટલે જો હું ગળી શકતો હોઉં તો કોઈ પણ ગળ્યું પ્રવાહી મને પીવડાવી દો. તે લેવા છતાં મારામાં કોઈ સુધારો ના જણાય તો મને કોઈ ડૉક્ટરને હવાલે કરી દેવો. નામ-સરનામું-ફોનનંબર, વગેરે….

 

અહીં અટકી જવું પડશે; કેમ કે આટલું લખતાં મારી સાકર ઘટી ગઈ હોય એવું લાગે છે – હું પણ ડાયાબિટીસનો દરદી છું….

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot4RKCYytsR_%3D-vN0BgsYP2e%3Dr_Fzv3N6tza-8c3fic7w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment