Monday, 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ફરજ + જવાબદારી= અર્ચના જયંત (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફરજ + જવાબદારી= અર્ચના જયંત!
કવર સ્ટોરી-દર્શના વિસરીયા

 

 


એક સ્ત્રી પહેલાં એક દીકરી, પછી એક પત્ની, એક માતા અને અંતમાં દાદી સહિતના કંઈ કેટલાય રૉલ એક જ જીવનમાં જીવી નાખે છે અને પાછું એવું નહીં માત્ર જીવી જવાનું જ. દરેક રૉલને નિભાવવા માટે તે દિલોજાનથી મહેનત કરે છે. આજે આપણે વાત કરીશું એક રિયલ લાઈફ મર્દાનીની કે જે પોતાની છ મહિનાની બાળકીને સામેના ટેબલ પર સુવડાવીને પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે.


ઝાંસીની રાણીના જ શહેરમાં વસે છે મહિલા કૉન્સ્ટેબલ અર્ચના જયંત. અર્ચનાની આ કર્તવ્યનિષ્ઠાનું ઈનામ પણ તેમને મળી ગયું છે અને એ પણ ટ્રાન્સફરના રૂપમાં. ઉત્તર પ્રદેશના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)એ અર્ચનાને તેના પિયરના શહેરની નજીક ટ્રાન્સફર કરી દીધી છે.


પોતાની એક માતાથી એક પોલીસ સુધીના સફરની વાત કરતાં ત્રીસ વર્ષની અર્ચના કહે છે કે 'માસ્ટર્સની ડિગ્રી મેળવ્યા બાદ બે વર્ષ પહેલાં એટલે કે 2016માં મેં પોલીસ ફોર્સ જોઈન કરી હતી. મને બે સંતાન છે એક દસ વર્ષની દીકરી કનક અને બીજી છ મહિનાની દીકરી અનિકા. મારી દીકરી કનકની સાર-સંભાળ તેના નાના-નાની આગ્રામાં કરી રહ્યા છે.'


'ખૂબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી...' કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણની આ પંક્તિઓનું જીવંત ઉદાહરણ છે અર્ચના જયંત. ઝાંસી એ ઉત્તર પ્રદેશનો એ જિલ્લો છે કે જ્યાં રાણી લક્ષ્મીબાઈએ પોતાના દીકરાને પીઠ પર બાંધીને અંગ્રેજો સામે જીવસટોસટની ટક્કર આપી હતી. અર્ચના પણ એ જ રાણી લક્ષ્મીબાઈના ઝાંસીના એક પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે.


સોશિયલ મીડિયા પર અર્ચનાનો તેની દીકરી અનિકાને સામેના ટેબલ પર સુવડાવીને કામ કરતો ફોટો વાઈરલ થતાં જ ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે આ બાબતની નોંધ લઈને અર્ચનાની ટ્રાન્સફર તેના પિયરના શહેર આગ્રા નજીક કરવાનો ઓર્ડર આપી દીધો. એટલું જ નહીં ટ્વિટર પર તેમણે અર્ચનાની ફરજ પ્રત્યેની ગંભીરતા, કર્તવ્ય પરાયણતાના વખાણ કરીને પોલીસ ફોર્સને આવા જ ઈમાનદાર અને મહેનતુ કર્મચારીની આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે 'મળો 21મી સદીની મહિલાને કે જે કોઈ પણ ફરજને પૂરી ઈમાનદારીથી નિભાવી શકે છે. અર્ચના સાથે મારી વાત-ચીત થઈ અને મેં એમની ટ્રાન્સફર એમના ઘર નજીક કરવાનો ઓર્ડર આપી દીધો છે.'


અર્ચનાનો પતિ ગુરુગ્રામ (હરિયાણા)ની એક કારની ફૅક્ટરીમાં નોકરી કરે છે. અર્ચનાની સરખામણીએ લક્ષ્મીબાઈના શૌર્ય અને કુરબાની સાથે તો નહીં કરી શકાય પણ તેમ છતાં જે રીતે તે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહી છે એ જોઈને એક સામાન્ય મહિલા પોલીસ કર્મચારી કરતાં તેમની છબિ અલગ છે એવું ચોક્કસ જ અને ખાતરીપૂર્વક કહી શકાય.


'એક દિવસ મારી ડ્યૂટી પોલીસ ભરતી પરીક્ષાના સેન્ટર પર હતી. જ્યારે હું કોતવાલીથી મારી ડ્યૂટી પર રવાના થઈ રહી હતી એ જ વખતે મને જાણ કરવામાં આવી કે મારી ડ્યૂટી પરીક્ષા કેન્દ્રના બદલે હવે કોતવાલીના રિસેપ્શન પર છે. બસ હું અનિકાને લઈને રિસેપ્શન પર જ મારી ડ્યૂટી કરવા લાગી. અનિકાને સામેના ટેબલ પર સુવડાવી દીધી અને મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ.' કહે છે અર્ચના. વાંચવા કે સાંભળવામાં આ બાબત જેટલી સામાન્ય લાગે છે તેટલી બાબત સામાન્ય નથી. આવું કરવા માટે હિંમત હોવી જોઈએ.


ભારતની પોલીસ ફોર્સમાં એક તરફ જ્યાં અર્ચના જયંત જેવી કર્તવ્યપરાયણ મહિલાઓ છે ત્યાં દેશની અલગ અલગ રાજ્ય સરકારે મહિલા સુરક્ષા માટે માત્ર મોટી મોટી વાતો અને દાવાઓ કરી જાણે છે. ભારતમાં મહિલાઓ અને તેમની સાથે આચરવામાં આવતા ગુનાઓના આંકડા જોઈએ તો સાચી હકીકતનો અંદાજો આવે છે.


ખૅર આપણે પાછા બૅક ટુ ટ્રેક આવીએ. અર્ચના ફરજ બજાવતી વખતે પોતાના વરિષ્ઠ અધિકારીઓના સપોર્ટ અંગે વાત કરતાં જણાવે છે કે 'મારા બધા જ વરિષ્ઠ અધિકારીઓ ખૂબ જ કૉ-ઓપરેટિવ છે. જ્યારે પણ હું ડ્યૂટી પર હોઉં છું ત્યારે ઘણી વખત મારા અન્ય સહકર્મચારીઓ મારી દીકરીની દેખભાળ કરે છે અને તેનું ધ્યાન રાખે છે.'


બાળકીનું ધ્યાન રાખવું અને કોઈ પણ પ્રકારની કચાશ રાખ્યા વગર ડ્યૂટી નિભાવતી વખતે કોઈ મુશ્કેલી પડે છે કે એવું પૂછતાં જ અર્ચના કહે છે કે 'ઘણી વખત આવું થાય છે. દીકરીનો ઉછેર અને તેની સાથે સાથે ડ્યૂટી પણ કરવી એ ખૂબ જ અઘરું પડી જાય છે. આવા સમયે મનમાં કોઈક વખત વિચાર આવી જાય કે કાશ મારી ટ્રાન્સફર આગ્રા થઈ જાય. આગળ કહ્યું એ જ રીતે આગ્રામાં મારા મમ્મી પપ્પા રહે છે અને મારી મોટી દીકરીનું ધ્યાન પણ તેઓ જ રાખે છે. એટલે અનિકાનું ધ્યાન પણ જો તેઓ રાખે તો હું મારી ડ્યૂટી વધુ ધ્યાનપૂર્વક કરી શકીશ.'


વાતને આગળ વધારતાં તે કહે છે કે 'એવું કહેવાય છે ને કે કોઈ વાત માટે દિલથી પ્રાર્થના કરો તો ભગવાન ચોક્કસ જ તમારી એ પ્રાર્થના પૂરી કરે છે. સોશિયલ મીડિયા પર ફોટો વાઈરલ થયો, અનેક પોલીસ ઓફિસરોએ ફોટો રિટ્વીટ પણ કર્યો અને અમારા ડીજીપીસાહેબે પણ એ ફોટો જોયો અને એમણે તાત્કાલિક જ મારી ટ્રાન્સફરનો ઑર્ડર આપ્યો. જો આવો સહકાર પોલીસ વિભાગ તરફથી નહીં મળત તો મને નથી લાગતું કે હું આટલી સારી રીતે મારી ડ્યૂટીને પૂરી કરી શકી હોત.'


સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટા બાદ દેશના ખૂણેખૂણેથી અર્ચનાને અભિનંદનના સંદેશ આવી રહ્યા છે. કેટલાક લોકોએ તો સોશિયલ મીડિયા પર પોલીસ ફોર્સમાં કામ કરતી મહિલાઓ અને તેમાં પણ ખાસ કરીને જે મહિલાઓ હાલમાં જ માતા બની હોય એવી મહિલા કર્મચારીઓને વધુમાં વધુ સુવિધા આપવી જોઈએ, કારણ કે પોલીસ વિભાગમાં મહિલાઓની સંખ્યા ઓછી છે અને જો એમની સુવિધાઓનું ધ્યાન નહીં રાખવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ મહિલા પોલીસમાં ભરતી થતાં પહેલાં 100 વખત વિચાર કરશે.


યુપીના જ અન્ય એક વરિષ્ઠ અધિકારીએ અર્ચનાના કિસ્સા પરથી જ ટ્વિટર પર એવી ભલામણ પણ કરી હતી કે દરેક વખતે શક્ય નથી હોતું કે તમે મહિલા કર્મચારીની ટ્રાન્સફર કરી આપો. આવા સંજોગોમાં પોલીસ સ્ટેશનમાં ક્રેચ (માતા-પિતા કામ પર જાય એ વખતે પોતાના નાના બાળકોને રાખી શકે)ની સુવિધા પૂરી પાડવાનો વિચાર કરવાનો સમય થઈ ગયો છે.


એક માતા અને એક પોલીસ તરીકેની બેવડી ભૂમિકા ભજવી રહેલી અર્ચનાની હિંમત અને ઉત્સાહને સલામ!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsACBjvp%3DCemXatxouZ9t5k002TLRpFDeJMM5tGg8CREA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment