જન્મ પછી બાળકમાં અમુક ખાસ લક્ષણો વડે બાળકને સેરિબ્રલ પૉલ્ઝી છે કે નહીં એની ઓળખ થઈ શકે છે. આ ઓળખ કરવામાં મોડું ન કરતાં લક્ષણો દેખાય એવો તરત જ એનો ઇલાજ શરૂ કરી દેવો ખૂબ જરૂરી છે. આજે વર્લ્ડ સેરિબ્રલ પૉલ્ઝી ડે નિમિત્તે જાણીએ કે જો એવું થાય તો બાળકમાં સેરિબ્રલ પૉલ્ઝીને કારણે આવતી અક્ષમતાને આપણે ઓછી કરી શકીએ છીએ. બાળકને સ્વનર્ભિર બનાવવાના બધા પ્રયત્નો કરી શકીએ છીએ. કાલે આપણે જાણ્યું કે સેરિબ્રલ એટલે મગજ અને પૉલ્ઝી એટલે લકવો. મગજના કોઈ પણ ભાગમાં કોઈ પ્રકારની ખામી હોવાને કારણે કે ડૅમેજ થયું હોવાને કારણે બાળકના પૉશ્ચર, હલનચલન અને તેના સ્નાયુમાં રહેલો ટોન અસરગ્રસ્ત થાય છે જેને લીધે તે હાલવા-ચાલવામાં, ઊઠવા-બેસવામાં, પકડવામાં, ફેંકવામાં અને એવાં બીજાં રોજિંદાં કામો કરવામાં અક્ષમતા અનુભવે છે. બાળકોને થતો આ રોગ બાળકમાં જીવનભર માટે અક્ષમતા લાવે છે. કાલે આપણે એ પણ જોયું કે કયા કારણસર બાળક એનો ભોગ બની શકે છે. આજે વર્લ્ડ સેરિબ્રલ પૉલ્ઝી ડે નિમિત્તે જાણીએ કઈ રીતે એ ખબર પડે કે બાળકને આ રોગ થયો છે, અને એનો ઇલાજ શું છે. લક્ષણો નવજાત બાળક થોડું મોટું થાય એટલે સૌપ્રથમ તે પડખું ફરવાનું શરૂ કરે છે, પછી ધીમે- ધીમે બેસવાનું, ચાર પગે ભાખોડિયાં ભરવાનું, હસવાનું, પોતાના પગ પર ઊભા થવાનું અને પછી ચાલવાનું શરૂ કરે છે. એક રીતે જોઈએ તો આ બધી ઍક્ટિવિટી સ્નાયુઓ સંબંધિત છે. મોટા ભાગે જો બાળક સેરિબ્રલ પૉલ્ઝી ધરાવતું હોય તો આ ઍક્ટિવિટી મોડી શરૂ કરે અથવા ન કરી શકે એવું બને એ સમજાવતાં કાંદિવલીની આસ્થા હૉસ્પિટલનાં ફિઝિયોથેરપિસ્ટ અમી જોશી કહે છે, 'સેરિબ્રલ પૉલ્ઝી ધરાવતાં બાળકોમાં ફાઇન મોટર સ્કિલ્સ અને ગ્રોસ મોટર સ્કિલ્સ ઓછી વિકસેલી હોય છે. ગ્રોસ મોટર સ્કિલ્સ એટલે શરીરના મોટા મસલ્સનો ઉપયોગ કરીને કરવામાં આવતી ઍક્ટિવિટી જેમ કે કૂદવું, ચાર પગે ચાલવું વગેરે અને ફાઇન મોટર સ્કિલ્સ એટલે જ્યારે બાળક શરીરના નાના મસલ્સ જેમ કે હાથ કે આંગળીના નાના મસલ્સ કે કાંડું વગેરેનો ઉપયોગ કરતાં શીખી જાય તો એ કોઈ પણ વસ્તુને પકડતાં શીખી શકે, જાતે ખાઈ શકે વગેરે. સેરિબ્રલ પૉલ્ઝીનાં બાળકોમાં આ બન્ને સ્કિલ્સ ડેવલપ કરવી પડે છે. આ પ્રકારનાં અમુક બાળકોનાં પૉશ્ચર અલગ હોય છે, કારણ કે તેમનું શરીર સ્ટિફ થયેલું હોય છે. કેટલાક કેસમાં એક તરફ ઝૂકેલું હોય છે.'
ઓળખ જન્મ વખતે કે જન્મ પછી કોઈ પ્રકારની તકલીફ પડી હોય અને બાળક નીઓનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં રહ્યું હોય અને થોડા સમય પછી સ્ટેબલ થઈ જતાં ઘરે જાય ત્યારે મોટા ભાગનાં મમ્મી-પપ્પાને લાગે કે હવે તો તે એકદમ સાજું થઈ ગયું, પરંતુ અમુક બાળકોમાં એવું બનતું નથી. જેમ-જેમ મહિને-મહિને બાળકની શારીરિક અને માનસિક પ્રગતિ દેખાવી જોઈએ એ ન દેખાય કે મોડી દેખાય ત્યારે સમજવું કે કંઈક પ્રૉબ્લેમ છે. આ બાબતને વ્યવસ્થિત સમજાવતાં અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલનાં પીડિયાટ્રિક ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રજ્ઞા ગાડગીળ કહે છે, 'નિષ્ણાતના મતે જો તમારું બાળક સ્તનપાન બરાબર નથી કરી શકતું, ખાસ કરીને ચૂસવામાં તેને પ્રૉબ્લેમ થાય છે; તેને પડખું ફરવામાં, બેસવામાં કે ચાલવામાં તકલીફ થાય છે; તેના સ્નાયુઓ સામાન્ય કરતાં વધુ કડક કે સ્ટિફ છે; બાળકનું પૉશ્ચર એક તરફ ઝૂકેલું કે કંઈક અલગ દેખાય છે તો સમજવું કે તેને સેરિબ્રલ પૉલ્ઝી હોઈ શકે છે. આ પ્રૉબ્લેમ વળી સેરિબ્રલ પૉલ્ઝી જ છે એનું નિદાન કરતાં વાર લાગે છે, કારણ કે એના નિદાન માટે ખાસ કોઈ ટેસ્ટ નથી; પરંતુ બાળકનાં લક્ષણો અને તેની મેડિકલ-હિસ્ટરી દ્વારા કહી શકાય કે બાળકને સેરિબ્રલ પૉલ્ઝી છે કે નહીં. મોટા ભાગે લક્ષણો વધારે હોય તો જલદી નિદાન થાય છે, બાકી માઇલ્ડ લક્ષણો હોય તો મોડું.'
ફિઝિયોથેરપી સેરિબ્રલ પૉલ્ઝી ધરાવતું બાળક સાવ નાનું હોય ત્યારથી તેને માટે જે ટ્રીટમેન્ટ શરૂ કરવી અત્યંત જરૂરી છે એ છે ફિઝિયોથેરપી. ફિઝિયોથેરપીથી સેરિબ્રલ પૉલ્ઝીના બાળકને કઈ રીતે ફાયદો થાય છે એ સમજાવતાં અમી જોશી કહે છે, 'શરૂઆતથી અમે એક્સરસાઇઝ અને બીજી ટેãક્નક વડે બાળકમાં ગ્રોસ મોટર અને ફાઇન મોટર સ્કિલ્સ ડેવલપ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે બાળકોની સેન્સિસ પર પણ કામ કરીએ છીએ. એ ઉપરાંત પૉશ્ચર વ્યવસ્થિત કરવા માટે પણ બાળકોને એક્સરસાઇઝ કરાવીએ છીએ. આ થેરપીની અસર દરેક બાળક પર જુદી-જુદી હોય છે. સામાન્ય રીતે જ્યાં સુધી બાળક તેનાં રોજિંદાં કામ કરી શકે એટલું ડેવલપ થાય ત્યાં સુધી તેની આ થેરપી અમે ચલાવીએ છીએ. બાકી ઘરે પણ બાળકોએ કસરત કરવી જરૂરી છે.'
ઇલાજ સેરિબ્રલ પૉલ્ઝીમાં ક્યારેય સંપૂર્ણ ક્યૉર સંભવ નથી, પરંતુ ઇલાજ દ્વારા આપણે બાળકનું જીવન સરળ બનાવી શકીએ છીએ. ખાસ કરીને તેને સ્વનર્ભિર બનાવવાના પ્રયત્ન કરી શકીએ છીએ. ફિઝિયોથેરપી સિવાય બીજા કયા ઇલાજની સેરિબ્રલ પૉલ્ઝી બાળકોમાં જરૂર પડે છે એ સમજાવતાં ડૉ. પ્રજ્ઞા ગાડગીળ કહે છે, 'સેરિબ્રલ પૉલ્ઝીમાં બાળક જુદી-જુદી રીતે અસર પામે છે. દરેક બાળકની તકલીફ વ્યક્તિગત હોય છે એમ એનો ઇલાજ પણ વ્યક્તિગત જ હોય છે. વળી ફક્ત દવાથી એનો ઇલાજ શક્ય નથી. મસલ્સ અને હાડકાંની સર્જરી, બાળકને આંચકી ન આવ્યા કરે એની દવાઓ, તેની રૂટીન ઍક્ટિવિટી કરી શકે એ માટે ઑક્યુપેશનલ થેરપી, બોલવામાં તકલીફ પડતી હોય તો સ્પીચ-થેરપી, અમુક પ્રકારના મસલ્સને ખેંચી રાખી શકે એવાં સાધનો, તેમને માટે સ્પેશ્યલ ડિઝાઇન થયેલા એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ, કાઉન્સેલિંગ બધી બાબતોને ઇલાજ જ ગણવામાં આવે છે અને સેરિબ્રલ પૉલ્ઝી બાળકોને જેની જરૂર હોય એ મુજબ તેમનો ઇલાજ કરવામાં આવે છે.'
બચાવ બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે, તેનો જન્મ થાય ત્યારે કે પછી જન્મ પછીના અમુક મહિનામાં કોઈ પણ રીતે જો તેના મગજને ક્ષતિ પહોંચે તો બાળકને સેરિબ્રલ પૉલ્ઝી થઈ શકે છે. આ રોગથી બચવા માટે પ્રેગ્નન્સી દરમ્યાન આપણે અમુક પગલાં લઈ શકીએ છીએ. એ જાણીએ ડૉ. પ્રજ્ઞા ગાડગીળ પાસેથી.
૧. પ્રેગ્નન્સી દરમ્યાન દર મહિને ચેક-અપ કરાવતા રહેવું, જેથી કોઈ પ્રકારના કૉમ્પ્લીકેશન વિશે પહેલેથી જાણી શકાય અને બને ત્યાં સુધી એનો ઇલાજ કરી શકાય.
૨. એ દરમ્યાન કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનથી સ્ત્રીએ બચવું ખૂબ જરૂરી છે. એ માટે સ્ત્રીએ પ્રેગ્નન્સી પહેલાં જ રુબેલાની રસી લઈ લેવી.
૩. પ્રેગ્નન્સી દરમ્યાન બાળક અને માની બ્લડ-ટેસ્ટ કરાવવી. જો બન્નેમાં Rh ફૅક્ટર એટલે કે બ્લડ-ગ્રુપમાં એક પૉઝિટિવ અને બીજું નેગેટિવ હોય તો પહેલેથી જાણી લેવું જરૂરી છે. સામાન્ય રીતે પહેલી પ્રેગ્નન્સીમાં આવું હોય તો બાળકને તકલીફ થવાની શક્યતા ઘણી ઓછી રહે છે અને ડિલિવરી થઈ જાય પછી એની રસી લઈ લેવાથી બીજા બાળકમાં આ પ્રૉબ્લેમ આવતો નથી.
૪. જન્મ પછી બાળકને કમળો થાય કે તરત એનો ઇલાજ કરાવવો. ગફલતમાં ન રહેવું.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os-3oANM-pTDOVi5UrvZWfNgmPcMEVicFTVACTzur_6pw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment