Monday, 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મમ્મી એ દીકરી ના ફોન નું મેસેજ બોક્સ ચેક કર્યું ને.... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મમ્મી એ દીકરી ના ફોન નું મેસેજ બોક્સ ચેક કર્યું ને....
દેવેન્દ્ર પટેલ

 

 

એનું નામ મોહિની.


તે પાંત્રીસ વર્ષની થઈ ત્યારે પણ અત્યંત રૂપાળી લાગતી હતી પરંતુ તે ૧૮ વર્ષની હતી ત્યારે જ તેના લગ્ન મનોહર સાથે થઈ ગયાં હતા. સાસરીમાં આવ્યા બાદ મોહિની ખુશ હતી. તેનાં સાસુ-સસરા પણ મોહિનીને વહુની જેમ નહીં પરંતુ દીકરીની જેમ રાખતા હતા. અલબત્ત, મોહિનીને રિસાવાની ટેવ હતી.


લગ્નના એકાદ વર્ષ બાદ તે એક દીકરીની માતા બની. તેની દીકરીને કિંજલ એવું નામ આપવામાં આવ્યું. કિંજલ હવે મોટી થવા લાગી. સમય વીતતાં ઘરનું વાતાવરણ બદલાયું. સાસુ- સસરા અને પતિ તરફથી મધુને જે પ્રેમ મળતો હતો તે ઓછો થવા લાગ્યો. નાની નાની બાબતોમાં પતિ સાથે ઝઘડા થવા લાગ્યા. ત્રણ વર્ષ બાદ મોહિની ફરી એકવાર એક પુત્રની માતા બની. તેને ક્રિશ્ના એવું નામ આપવામાં આવ્યું. પુત્રના આગમન પછી પણ ગમે તે કારણસર પતિ-પત્ની વચ્ચેના ઝઘડા વધતા રહ્યા. વારંવાર રિસાતી મોહિનીને તેનો પતિ મનાવવા પ્રયાસ કરતો.


એક દિવસ મોહિની રિસાઈને તેનાં કિંજલ અને ક્રિશ્નાને લઈ તેના પિયર જતી રહી. કેટલાક દિવસો બાદ પતિ મનોહર તેને મનાવવા ગયો પરંતુ મોહિનીએ સાસરે આવવા સાફ ઈનકાર કરી દીધો.


સમય વીતતો ગયો.


હવે મોહિનીના માતા-પિતાને પણ ઘેર બેઠેલી પુત્રી એક બોજ લાગવા લાગી. બીજી બાજુ મોહિની હજુ યુવાન હતી. પતિની ગેરહાજરીમાં તેને પણ કોઈ ઊણપ સાલી રહી હતી. મોહિની એક સામાન્ય સ્ત્રી હતી. તે કોઈ તપસ્વિની તો હતી નહીં. તેને એક સાથીની જરૂર હતી. મોહિનીને હવે અહેસાસ થયો કે પુુરુષ વિના સ્ત્રીનું જીવન અધૂરું છે. પુરુષ વિના નારીત્વ સાર્થક નથી. વિવશ થયેલી મોહિની હવે કોઈ સાથીની તલાશ કરવા લાગી. તે પતિને છોડી આવી હતી. તે હવે સાસરે તો જવા માગતી નહોતી.


એવામાં તેનો પરિચય મદન નામના એક વ્યક્તિ સાથે થયો. મદન યુવાન પણ હતો અને શરીર સૌષ્ઠવથી પણ સારો હતો. તે બત્રીસ વર્ષની વયનો હતો. એ બંને વચ્ચે પરિચય થયા બાદ બેઉ મિત્રો બની ગયા અને એકબીજાના સાથી પણ બની ગયા. બંને કોઈ ને કોઈ બહાને નજીકના એક શહેરમાં જતાં. પિક્ચર જોતાં, સાથે જમતાં. સાંજ પડે પાછાં આવી જતાં. આ પ્રકારના સંબંધો થોડો સમય સુખદાયી લાગે છે પણ તે ટકાઉ હોતા નથી.


સમય વહેતો ગયો.


મોહિની સાસરે ના ગઈ તે ના જ ગઈ. હવે તેની દીકરી કિંજલ પણ મોટી થવા લાગી હતી. આસપાસના મહોલ્લામાં રહેતાં લોકોને પણ એ વાતનો ખ્યાલ આવી ગયો કે સાસરેથી પાછી આવેલી મોહિની ખોટા માર્ગે છે. તેની દીકરી મોટી થવા આવી હોવા છતાં તે પતિ સિવાયના પરપુરુષ એવા મદન સાથે બહાર ફરવા જાય છે તે ઠીક નથી. આ વાતની જાણ મોહિનીના માતા-પિતાને પણ થઈ. તેમણે મોહિનીને ઠપકો આપ્યો. મોહિનીએ કહ્યું કે, 'મદન મારા માટે નોકરી શોધે છે. તે એક રોડ કોન્ટ્રાક્ટર છે. ફાલતું માણસ નથી. લોકો જે આક્ષેપ કરે છે તે ખોટો છે'.


નોેકરીની વાત આવતાં મોહિનીના માતા-પિતા મૌન થઈ ગયા. તેમને પણ આર્થિક તંગી નડતી હતી. તેઓ પણ ઈચ્છતા હતા કે મદદની મદદથી મોહિનીને નોકરી મળી જતી હોય તો એ ભલે મદન સાથે નોકરી શોધવા બહાર જાય.


આમને આમ વધુ ને વધુ સમય વીત્યો. મદન મોહિનીને નોકરી તો ના અપાવી શક્યો પણ આર્થિક મદદ કરવા લાગ્યો. એ કારણે મોહિનીના માતા-પિતાએ પણ મોહિની પર જે પ્રતિબંધ હતા તે ઉઠાવી લીધા. મદન મોહિનીની પુત્રી કિંજલ અને પુત્ર ક્રિશ્નાની સ્કૂલની ફી પણ ભરી દેતો.


કિંજલ હવે ૧૮ વર્ષની થઈ અને ક્રિષ્ના ૧૬ વર્ષનો. બંને સંતાનો હવે સમજણા થયાં હતા. આર્થિક મદદ કરવાના કારણે મદનને એમના ઘરમાં આવવાની છુટ હતી. કલાકો સુધી બેઉ એક રૂમમાં બેસી વાતો કર્યા કરતાં. કોઈ વાર બારણું બંધ પણ રાખતાં. મોહિનીને એ વાતનો પણ ખ્યાલ રહેતો નહીં કે ઘરમાં પુત્રી મોટી થઈ રહી છે અને બધું સમજી રહી છે.


એક વાર નવરાત્રી દરમિયાન ગરબાનો કાર્યક્રમ હતો. કિંજલ અને ક્રિશ્ના દૂરના મહોલ્લામાં ગરબા રમવા ગયા હતા. વૃદ્ધ થઈ ગયેલા માતા-પિતા તેમના રૂમમાં વહેલા સૂઈ ગયા હતા. મોહિની ગરબા રમવા કે જોવા કદી જતી નહીં એ રાત્રે પણ તે ઘેર જ રહી હતી. કિંજલ રાત્રે ગરબા રમતી હતી અને તેને તરસ લાગતા પાણી પીવા તે ઘેર આવી. એણે જોયું તો મમ્મીના રૂમમાં લાઈટ ચાલુ હતી. તેણે કુતૂહલતાવશ બારણું ધકેલ્યું. બારણું અંદરથી બંધ કરવાનું રહી ગયું હતું. મોડી રાત્રે તેણે મમ્મીના બેડરૂમમાં મદનને જોયો. તે શરમાઈને ચાલી ગઈ. કોણ જાણે કેમ પણ તેને ગુસ્સો ના આવ્યો. એથી ઊલટું એના ચહેરા પર હસવું આવ્યું.


બીજા દિવસે સવારે તેની મમ્મીએ કિંજલને ખખડાવી, રાત્રે અચાનક મારા રૂમમાં આવી જતાં તને શરમ નથી આવતી?


'શરમ તો તમને આવવી જોઈએ' : કિંજલે જવાબ આપ્યો.


' ચૂપ !': મોેહિનીએ કિંજલને ખખડાવી.


કિંજલ હસીને જતી રહી.


પુત્રીને હસતી જોઈ મોહિની પણ મનોમન હસવા લાગી. એને ખ્યાલ આવી ગયો કે કિંજલ હવે સમજદાર થઈ ગઈ છે. એણે અમારા સંબંધો સ્વીકારી લીધા છે.


એક દિવસ કિંજલે કહ્યું : 'મમ્મી, મારે શહેરમાંથી એક મોબાઈલ ખરીદવો છે. મદન અંકલને કહોને કે તેઓ મને શહેરમાં લઈ જાય અને એક સારો મોબાઈલ ખરીદી આપે ?


મોહિની માટે આ સારી વાત હતી કે, પુત્રી કિંજલ પોતાના મદન સાથેના સંબંધોનો હવે જાહેર સ્વીકાર કરી રહી હતી. તેણે હા પાડી અને મદનને કહ્યું : ' તમે મારી દીકરી કિંજલને શહેરમાં લઈ જાવ ને એને એક સારો મોબાઈલ જોઈએ છે'.


મદન બીજા જ દિવસે તેની કારમાં બેસાડી કિંજલને શહેરમાં લઈ ગયો. કિંજલને પસંદ હતો એવો એક મોબાઈલ ફોન પણ લઈ આપ્યો. બપોર સુધીમાં તો તેઓ પાછા આવી ગયા. કિંજલ ખુશખુશાલ હતી. મોહિની પણ ખુશ થઈ ગઈ. આ વાતને કેટલાક દિવસો વીત્યા.


કિંજલ હવે ૧૨માં ધોરણમાં હતી. તે તેનો મોબાઈલ ઘેર મૂકીને જ જતી. એક દિવસ સ્કૂલના સમયે તેનો ઘેર મૂકેલો મોબાઈલ રણકવા લાગ્યો. તેની મમ્મી મોહિનીએ ફોન ઉપાડયો પણ કપાઈ ગયો. એને જોયું તો સામેથી આવેલો નંબર બીજા કોઈનોે નહીં પણ મદનનો હતો. મોહિનીએ કુતૂહલતાવશ કિંજલના મોબાઈલ ફોનનું મેસેજ બોક્સ ચેક કર્યું. તેમાં રોજ રાતના સમયે આવેલા એક ને એક પ્રકારના મેસેજ હતા : ' આઈ લવ યુ, કિંજલ… મદન'.


તેની સામે કિંજલના પણ જવાબો હતાઃ 'આઈ લવ યુ ટુ'.


મોહિની સ્તબ્ધ થઈ ગઈ. તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો. તેને ખ્યાલ આવી ગયો કે 'પતિનું ઘર છોડવું તે ભૂલ હતી. સમાજની મર્યાદાનો ભંગ કરવો તે ભૂલ હતી. મારી પુત્રી મારામાંથી જ ખોટું શીખી, અને તે પણ મારા જ પ્રેમી સાથે'!


બીજા જ દિવસે તે તેની પુત્રી કિંજલ અને પુત્ર ક્રિશ્નાને લઈ ફરી સાસરે ચાલી ગઈ. સાસરીમાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો. પાછલી બધી વાતો, સંબંધો પર એણે પડદો પાડી દીધો.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuGMuYmr7Lzipx4JZ6eg3ngKuNfp7ztvB7T4UgC3NJq1A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment