Thursday 1 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કરવાચોથ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કરવાચોથ!
ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ

 


નંદિની આમ તો કોઇ ઉપવાસ કે વ્રત કરતી નહોતી એટલે માલવને ઘણીવાર ગુસ્સો આવતો. માલવને જ નહી પણ તેના મમ્મી પણ ઘણીવાર કહેતી કે ભણેલી વહુ છે તે સારું પણ આપણા રીત રિવાજોને પણ ન સમજે તે વહુ શું કામની?

 

નંદિનીને દરેક તહેવાર કે વ્રત આવે એટલે અવશ્ય સાંભળવું પડતું કે જો મારા પેલા ફ્રેન્ડની  કે પેલા સબંધીના દિકરાની વહુ ઘરના બધા લોકોની સલામતી કે પતિના દીર્ધાયુષ્ય માટે કેવા અઘરા વ્રતો કે ઉપવાસ રાખે છે.
અને ખરેખર મોટાભાગના ઘરોમાં સ્ત્રીઓ મહિનામાં બે ઉપવાસ અને એકાદ વ્રત કે નાનકડી બાધા ઘરના બીજા સભ્ય માટે અચૂક કરતી જ હોય છે. આ ઉપવાસ અને વ્રત પાછળનું લોજિક પોતાના પતિ કે અન્ય સભ્યોના હિત માટેનું જ હોય છે.

 

માલવે સવારમાં જ ડાઇનિંગ ટેબલ પર બ્રેડ પર બટર લગાવતી નંદિનીને જોઇને કહી દીધું, ' આજે કરવાચોથ છે, તારે ઉપવાસ કરવો પડે.'

 

આ તો નંદિની જે એક કંપનીની માર્કેટિંગ મેનેજર હતી તેને આ વ્રતની વાત સહેજેય ગમતી નહોતી એટલે બોલી, ' જો માલવ તું વર્ષમાં કોઇ એક આખો દિવસ મારા માટે ભૂખ્યો રહીને મારા દીર્ધાયુષ્ય માટે વ્રત કરવાનું વચન આપતો હોય તો આજથી મારુ કરવાચોથનું વ્રત શરુ.'

 

માલવ તો નંદિનીનો આ રીતે જવાબ સાંભળી ધૂંઆપૂંઆ થઇ ગયો અને બોલ્યો, 'તને કોઇ ફિકર જ નથી આપણાં ધર્મની અને આપણાં ધર્મોમાં કહેલાં વ્રતોની....તું જો આજે મારા કેટલા ફ્રેન્ડસના મેસેજ આવી ગયા કે તેમની પત્નીએ આજે ઉપવાસ કર્યા છે.'

 

'એટલે તારે પણ તેવો મેસેજ મુકવો છે? ડીપીમાં પેલો ટીપીકલ ફોટો મુકવો છે જેમાં હું  આખો દિવસ ભૂખી રહી, લાલ સાડીમાં ધાબા પર ચંદ્રની સાક્ષીએ તને ચારણીમાં જોઇ રહી હોય અને તું ઓફિસેથી આવીને સીધો ચારણીની પેલી બાજુ ઉભો રહીને મલકાતો હોય, મારી ધર્મપરાયણ પત્નીનું ગૌરવ લઇ રહ્યો હોય...અને તું એક બટકું મારા મોઢામાં મુકે એટલે મારું વ્રત પુરુ થાય અને મને સંતોષ થાય કે મારો પતિ પણ કહ્યાગરો છે.' નંદિનીએ કરવાચોથ એ કોઇ પિક્ચરનો સીન હોય તે રીતે પ્રસંગ કહ્યો.

 

'જો નંદિની આ તો પ્રેમ, સમજણ અને પત્નીનું પતિ માટે કેટલું સમર્પણ છે તેની પ્રતિતી કરાવતું વ્રત છે, કોઇ સીન કે ખાલી ખાલી ગપગોળાં નથી.' માલવે કહ્યું.

 

'તો પછી તું પણ એક દિવસ આ રીતે વ્રત કરવાનું વચન આપ...!' નંદિની માર્કેટિંગની વ્યક્તિ હતી એટલે જેમ પોતાના કસ્ટમર સાથે ડીલ કરતી હોય તેમ માલવ સાથે વાત કરવા લાગી.

 

'તને સમજાવવી એટલે લોઢાના ચણા ચાવવા...!' આખરે માલવે હાર કબૂલી લીધી.

 

'માલવ... મને કરવાચોથની એક વાત ખૂબ ગમે છે કે જે સ્ત્રીએ પહેલું કરવાચોથનું વ્રત કર્યુ હશે તેને એમ જ લાગ્યું હશે લે તે મોબાઇલમાં પોતાના પતિનો ફોટો લઇ રહી છે. જો કે ચારણી વડે સેલ્ફીની શોધ પણ ત્યારે જ થઇ હશે હોં..!' અને તે હસવા લાગી.

 

માલવ તેની આ કોમેન્ટ પર સહેજે'ય ખુશ ન થયો અને તે નાસ્તો કરી ઓફીસે જવા રવાના થયો.

 

અને નંદિની પણ તેની પાછળ પાછળ ઓફિસે ચાલી.

 

બપોરે માલવને કોઇ હેલ્થ કંપનીમાંથી કોલ આવ્યો કે તેના એક્ઝ્યુકેટિવ તેને મળવા માંગે છે. પહેલા તો માલવે ના કહી પણ તે તેમને કેટલીક ગિફ્ટ આપવાના છે તેમ કહ્યું એટલે માલવ લલચાયો અને લંચ સમયે તેમને મળવાનું કહ્યું.

 

લંચ બ્રેકમાં સુટ બુટમાં વ્યવસ્થિત લાગતો એક એકઝ્યુકેટીવ વ્યક્તિ આવ્યો અને પોતાનો પરિચય આપ્યો.


અને પછી તરત જ  માલવના હાથમાં એક અલગ જ લાગતી ઘડિયાળ પહેરાવી દીધી અને તેની વાત સમજાવવા લાગ્યો,

'આ અમારી કંપનીની એક સ્પેશ્યલ હેલ્થ વોચ છે જેને તમે હેલ્થ મોનિટર પણ કહી શકો. તે તમારા શરીરની દરેક ગતિવિધિ સાથે તમારા આરોગ્યની બધી જાણકારી આપશે જેમકે તમારું દિવસનું સરેરાશ ટેમ્પરેચર, બ્લડપ્રેશર, હૃદયના ધબકારા અને તેની નિયમિત ગતિ, તમારી ચયાપચય અને કેલરીનું માપ અને તમે આજે કેટલું ચાલ્યા અને શરીરમાં કેટલી કેલેરી વાપરી વગેરે તમને જણાવશે... એમ જ સમજો કે આ તમારા આરોગ્યની બધી તપાસ કરતું રહેશે... જો તમે વધુ ટેન્શનમાં કે ગુસ્સામાં હશો કે શરીર-આરોગ્યના માપદંડમાં ખામી હશે તો તે તમને એલાર્મ અને રેડ લાઇટ દ્વારા વોર્ન કરશે.. અને આ ગ્રીન લાઇટ એટલે તમારું આરોગ્ય અને જરુરી બધા રીપોર્ટ્સ નોર્મલ છે તે સૂચવે છે. વળી જો તમારે મેડિટેશન કરવું છે તો તેનું મ્યુઝીક પણ તેમાં ઇનબિલ્ટ છે. આ બેલ્ટમાં રહેલા સેન્સર તમારા પરસેવા દ્વારા થતા અનેક રીપોર્ટ કહી શકે છે. સરેરાશ સુગર અને ચરબીની જાણકારી પણ તમને ઓટોમેટિક મળતી જશે. વળી તમે તેની પ્રિન્ટ કાઢી શકો છો અથવા તેને તમે અમારા ડોક્ટર ટીમને મેલ કરી શકો છો.. તે રીપોર્ટ પરથી અમારી ડોક્ટર પેનલ પણ તમને તમારી આરોગ્યની જાણકારી આપશે અને તે પણ વિનામૂલ્યે...' માલવ તો આ એક ગજબનું હેલ્થ મોનિટર જોઇને ચકાચૌંધ થઇ ગયો.

 

'મારે કોઇ પોલિસી લેવી પડશે...? અને તેનું પ્રિમિયમ...?' માલવના મનમાં શંકા લાગી એટલે પુછી લીધું.

 

'હા... આ સ્પેશ્યલ પોલિસી છે અને તેનું પ્રિમિયમ છે.....!!' પેલા વ્યક્તિએ તેના અલગ અલગ ભાવ જણાવ્યાં.

 

અને ત્યાં જ માલવના હાર્ટબીટ વધી ગયા અને પેલી ઘડિયાળમાં તરત જ હાર્ટબીટ પર રેડ સાઇન થવા લાગ્યુ અને તેમાં મેસેજ આવ્યો... રીલેક્ષ....! તે મોનિટર અસરકારક હતું પણ પ્રિમિયમ પણ સાવ નાનાસૂના તો નહોતા જ.

 

પેલા વ્યક્તિએ તો માલવ સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, 'તમે ચિંતા ન કરો આ પોલિસીનું પ્રિમિયમ ચુકવાઇ ગયું છે... તમારું આરોગ્ય અને ઉંમર લાંબી રહે તેની ચિંતા બીજુ કોઇ પણ કરે છે.'

 

'શું અમારી કંપની આ રીતની પોલિસી આપે છે..??' માલવે પુછ્યું.

 

'અરે ના... આ તો આપની પત્ની નંદિનીએ તમારા ઘરમાં ત્રણ વ્યક્તિ માટે આ પોલિસી કરાવી છે.. જેમાં તમે અને તમારા મમ્મી-પપ્પાનું પ્રિમિયમ ભરાઇ ચુક્યું છે. તેમની પોલિસીઓ થોડા દિવસોમાં જ તમારા ઘરે પહોંચી જશે.'અને પેલા વ્યક્તિએ કેટલાક કાગળો પર સાઇન કરાવી અને તેવી ત્રણ હેલ્થ મોનિટર્સ ગિફ્ટ કર્યા.

 

'પણ તેમાં નંદિનીનું નામ નથી...?'


'નો ... સર...!'

 

અને પછી બન્નેએ કેટલીક ચર્ચા કરી.

 

માલવ રાત્રે ઘરે આવ્યો... તે જલ્દીથી નંદિનીને મળવા માંગતો હતો... તે આજે વહેલા ઘરે આવી હતી અને તે અગાસી પર ગઇ હતી.

 

માલવ ત્યાં પહોંચ્યો.... લાલ સાડી અને હાથમાં આરતીની થાળી લઈ તે ઉભી હતી. નંદિની જે સવારે વ્રતની ના કહી રહી હતી તે અત્યારે સાવ જુદી લાગી રહી હતી.

 

તેને માલવને જોઇ ચૂપ રહેવા ઇશારો કર્યો... તેને માલવની આરતી ઉતારી અને ચોથના ચંદ્રમાંની સાક્ષીએ નીચી નજરે ચારણીમાંથી માલવને જોઇ રહી.

 

માલવ તેની ઘડિયાળ જોઇ રહ્યો હતો.


થોડીવાર પછી નંદિનીએ કહ્યું, 'સવારની ભૂખી છું... કંઇક તો ખવડાવ..!'

 

અને માલવે હસીને તેના મોંઢામાં મીઠાઈનું એક બટકું મુક્યું અને બન્નેના હાથ એકમેકમાં પરોવાઇ ગયા...

 

ત્યારે તે હેલ્થ મોનિટરમાંથી  એક સરસ મેજેસ આવ્યો, 'યોર હેલ્થ ઇઝ ઇબ્સ્યુલેટલી નોર્મલ' અને તેનો ખરો અર્થ જોઇએ તો એમ હતો  કે 'તમારી જિંદગી ખરેખર તંદુરસ્ત છે.'

 

માલવે પણ નંદિની માટે તેવી જ ઘડિયાળ આપી અને કહ્યું, 'તારી તંદુરસ્તીની પણ મારે ચિંતા કરવી પડે.'

 

અને નંદિની તરત જ બોલી, 'તો તારે ઉપવાસ ક્યારે કરવાનો છે તે કહી દે....!' અને બન્ને ખડખડાટ હસી પડ્યાં.

 

 

સ્ટેટસ
પ્રેમ તો એકમેકના સમર્પણ અને સંવેદનાનો સેતુ છે.
પારિવારિક સમજ કેળવાય તે જ દરેક વ્રતનો હેતુ છે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov5ghwhiJM-2Pr7M6oQ9a2Kt-ubiyLnGOdxWTH-G_gRtg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment