Monday, 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોણ સહી છે અને કોણ ગલત છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોણ સહી છે અને કોણ ગલત છે!
તડકભડક  :- સૌરભ શાહ

 

 

 

વાત વણસી જાય એ હદ સુધીની ચર્ચા કોઈની સાથે કરવાની નહીં. ખાસ કરીને પોતાનાંઓ સાથે. વાદવિવાદ, દલીલબાજી અને અભિપ્રાયોની ફેંકાફેંક કરવાની એક વિકૃત મઝા હોય છે. આપણો ઈગો સંતોષાય. બીજાને નીચા દેખાડવાની તક મળે. બાકીનાઓ આગળ આપણે મુઠ્ઠી ઊંચેરા છીએ એવું સાબિત કરવાની હોંશ પૂરી થાય.

 

ટીવી પરની મચ્છીબજાર જેવી ડિબેટ્સ પૂરતું આ બધું બરાબર છે કારણ કે ત્યાં તમાશો એ જ હેતુ માટે હોય છે. વિષય પર પ્રકાશ પાથરવાને બદલે ઘોંઘાટ ઊભો કરવાનો જ હેતુ હોય છે. ટીઆરપીનો ખેલ હોય છે. વધતા ટીઆરપી થકી એડ રેવન્યુ વધારવાની રમત હોય છે. પૈસા કમાવવાની આવી રમત આપણી અંગત વાતચીતમાં પ્રવેશી જાય છે ત્યારે ક્યાં અટકવું એની જેમને ખબર નથી હોતી એમની આસપાસના લોકો ક્રમશઃ એમનાથી દૂર થતા જાય છે.

 

કુટુંબીઓ, મિત્રો, નજીકના પરિચિતો કે જે લોકો સાથે આપણી નિયમિત ઊઠબેસ હોય ત્યાં કઈ હદ સુધીની દલીલબાજીમાં ઊતરવું? અજાણ્યા કે ઓછા પરિચિતો સાથે તો ક્યારેય જીભાજોડી કરવી જ ન જોઈએ એવું હું પર્સનલી માનું છું અને નજીકના મિત્રોને એવી સલાહ સામેથી આપતો ફરું છું. અજાણ્યાઓ કે ઓછા પરિચિતો આગળ તમારો કક્કો ખરો પુરવાર કરીને શું ફાયદો? એમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય કે ના થાય, એમનામાં ડહાપણ-સમજદારી આવે કે ના આવે આપણા બાપના કેટલા ટકા? એટલે. આ બાબતમાં (કે ફોર ધેટ મેટર કોઈપણ બાબતમાં) એમનાથી દૂર જ રહેવું.

 

અને જ્યાં નજીકના પરિચિતોનો સવાલ છે, મિત્રો જેવા કુટુંબીજનો તેમ જ કુટુંબીજનો જેવા મિત્રોની વાત આવે છે ત્યાં સ્વાભાવિક રીતે આપણે આપણો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવાની કોશિશ કરવાના અને સામે એ લોકો એમનો મત આપણા ગળે ઊતારવાની કોશિશ કરવાના. આવી ચર્ચાઓમાંથી ઘણી વખત બેઉ પક્ષે નવું શીખવાનું મળતું હોય છે, જૂના વિચારો છોડીને નવા વિચારો અપનાવવાની તક પ્રાપ્ત થતી હોય છે.

 

પણ ચર્ચા ક્યારે વાદવિવાદમાં પલટાઈ જાય તે કંઈ કહેવાય નહીં. બહેતર તો એ છે કે ચર્ચામાં તણખા ઝરવા લાગ્યા છે એવું દેખાય કે તરત વાતને વાળીને બીજે લઈ જવી જોઈએ નહીં તો થશે શું કે બેઉ પક્ષો જીદ પર ઊતરી જશે ને એક તબક્કે મૂળ મુદને બદલે વાત તુ-તારી સુધી પહોંચી જશે, અંગત આક્ષેપબાજી સુધી નીચી ઊતરી જશે. આવું થાય છે ત્યારે બેઉ પક્ષનું નુકસાન થતું હોય છે. કોઈ સારું કરે છે કે ખોટું કરે છે એ મુદ પર કંઈ તમારી રિલેશનશિપ બંધાઈ નથી, ટકેલી નથી કે આગળ વધવાની નથી.

 

આ કે આવા બીજા પચાસ મુદઓ વિશેની ચર્ચા, દલીલો કે જીભાજોડી જો તમારા સંબંધો પર જરા સરખો ઘસરકો કરવાના હોય તો તમારે એવી ગરમાગરમીથી તાત્કાલિક દૂર થઈ જવું જોઈએ.

 

ધારો કે, તમે કંટ્રોલ ન કરી શક્યા, વાત વણસી ગઈ અને ચર્ચા એ હદ સુધી વકરી ગઈ કે તમે બંને એકબીજાનું અપમાન થઈ જાય એવી દલીલો સામસામે કરી બેઠા તો?

 

આવું થતું હોય છે. અણસમજમાં ક્યારેક આવું થઈ જતું હોય છે. મારી લાઈફમાં તો વારંવાર થઈ ગયું છે. પણ અત્યાર સુધી એનું સોલ્યુશન મને નહોતું મળતું. હવે મળી ગયું છે.

 

સંબંધ અગત્યનો છે કે વાતનો મુદે? સંબંધ. તો પછી ચર્ચા દરમિયાન જો મન ઊંચાં થઈ ગયાં હોય તો માફી માગીને તૂટેલી લાગણીનો દોર સાંધી લેવાનો. માફી માગી લેવાની. તમે કહેશો કે પણ માફી માગી લઈશ તો પુરવાર થઈ જશે કે હું ખોટો હતો, ખોટી દલીલો કરતો રહ્યો અને એ સાચા હતા.

 

નજીકના સંબંધોમાં કોણ સહી છે અને કોણ ગલત છે એ જોવાનું ન હોય. દીકરો ખોટો હોય તોય મા એને પ્રેમ કરવાનું છોડતી નથી. વાઈફની આર્ગ્યુમેન્ટ ગળે ન ઊતરે એવી હોય તોય પતિ જીભાજોડી કરવાને બદલે શાંતિ કાયમ રાખવાની કોશિશ કરતો હોય છે. બે દોસ્તો વચ્ચેનો આપસનો મનમેળાપ મહત્ત્વનો હોય છે. કારણ કે એ દુર્લભ હોય છે જીવનમાં, બધાની સાથે એવો મનમેળાપ થતો નથી હોતો. એને સાચવી રાખવા માટે કોઈ સારું કામ કરે છે કે ખોટું એવા મુદનો તમારે સેક્રિફાઈસ આપવો પડે તો આપી દેવાનો. આટલું બલિદાન મૈત્રીને બચાવી લેવા માટે જરૂરી છે. કારણ કે આમેય દલીલબાજીમાં એ જીતી ગયા તો એને કારણે કંઈ કોઈ ખરાબ કામ કરતા થઈ જવાના નથી. તો પછી તમારે શું ચિંતા કે કોઈ એમના કામ વિશે સારો અભિપ્રાય આપે કે ખરાબ.

 

અંગત વાતચીતમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે એનો ન્યાય તોળવાનો જ ન હોય. અને ભૂલેચૂકે જો તમે ન્યાય તોળીને સામેની વ્યક્તિ ખોટી છે એવો ચુકાદો આપીને એને છંછેડી કે અપમાનિત કરી હોય તો ઝાઝી રાહ જોયા વિના, તાબડતોબ તમારે એક જ કામ કરવાનું હોય. એમની માફી માગી લેવાની હોય. આવી માફી મગાય કે ન મગાય એ વિશે વિચારવાનું પણ ના હોય. ક્યારે આવી માફી માગું એની રાહ પણ ના જોવાની હોય. મિચ્છામિ દુક્કડમ કહેવા માટે વરસનો કોઈપણ દિવસ ઉત્તમ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsKiNTPNb_5-0AZ4JCJP-HDkUMpgYGDMSJdcMdO7UO3OA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment