Monday, 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જબરજસ્ત મોનોપોલી છતાં લાભને બદલે સેવા પર ધ્યાન (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જબરજસ્ત મોનોપોલી છતાં લાભને બદલે સેવા પર ધ્યાન!
વાત વિશેષ:- પરવેઝ મલેક

 


દેશના સૌથી મોટા અને મોનોપોલી ધરાવતા આ તંત્રનું નામ છે ઇન્ડિયન રેલવે. દેશમાં ઈન્ડિયન રેલવેનો કોઈ વિકલ્પ નથી છતાં તેનું ભાડું અન્ય પ્રવાસના વિકલ્પો કરતાં સસ્તું છે. ભાડું ઓછું હોવાથી આવક ઓછી છે અને આવક ઓછી હોવાથી રેલવે તંત્ર જોઈએ એવી સુવિધાઓ અને સુરક્ષા આપી શકતું નથી એવું કહેવાય છે, પરંતુ શું એ સાચું છે?


ઇન્ડિયન રેલવેનો મૂળ મંત્ર જ સુરક્ષા, સંરક્ષણ અને સમય પાલન છે. ૧૮૪૫થી ચાલતી આ સેવાનું નેટવર્ક દેશના ખૂણેખૂણા સુધી વિસ્તર્યું છે. ગામે ગામ પહોંચવા માટે રેલવે ટ્રેક લગભગ ૬૭૩૬૮ કિ.મી.માં પથરાયેલું છે. દેશના મુસાફરો ટ્રેનમાં બેસી અને પહોંચી શકે એ માટે લગભગ ૭૩૦૦ જેટલા રેલવે સ્ટેશન છે. દરેક સ્ટેશન પર રોજ અનેક ટ્રેન આવતી-જતી રહે છે. પણ મહત્ત્વની વાત એ છે કે આ સુવિધા કેટલી સુરક્ષિત છે? આંકડાઓ કહે છે કે ૨૦૦૯થી ૨૦૧૫ સુધી લગભગ ૮૦૩ જેટલા અકસ્માતમાં ૬૨૦ લોકો મુત્યુ પામ્યા છે અને ૧૮૫૫ નાગરિકો ઘાયલ થયા છે. રેલવેનો સૌથી ગોઝારો અકસ્માત છેલ્લે નવેમ્બર ૨૦૧૬માં કાનપુરની પાસે ઇન્દોર પટના એક્સપ્રેસનો થયો હતો. જેમાં લગભગ ૧૫૦ નાગરિકો મૃત્યુ પામ્યાં હતાં.


રેલવેના સૌથી વધારે ( આશરે ૪૭%) અકસ્માત ટ્રેક પરથી ટ્રેઈન ઉતરી જવાના કારણે થાય છે. વર્ષે ૧૦૯ નાગરિકો રેલવેથી સંકળાયેલી એક યા બીજી દુર્ઘટનામાં મૃત્યુ પામે છે. આ હકીકતના જોરે સતત ચર્ચા ચાલે છે કે રેલવેમાં સલામતીની કોઈ ગેરન્ટી નથી. એની સામેે રોડ અકસ્માતમાં દર વર્ષે ૧,૫૦,૦૦૦ લોકો મૃત્યુ પામે છે અને આ આંકડો દર વર્ષે ૩.૨ % જેટલો વધતો જાય છે. છતાં રોડ અકસ્માત માટે રેલ અકસ્માત જેટલો હોબાળો થતો નથી. કારણ કદાચ એ છે કે રોડ અકસ્માત માટે હાઈ-વે ઓથોરિટીને જવાબદાર માનવામાં આવતી નથી. રેલવે અકસ્માત માટે રેલવેને જવાબદાર ગણવામાં આવે છે.


રેલવે ડ્રાઈવરની જવાબદારીઓ નક્કી કરતી વખતે એક વાત નજરઅંદાજ કરવામાં આવી છે કે એણે રેલવેના ટ્રેક ઉપર નિયમ પ્રમાણે ગાડી હંકારવાની છે. કોઈને ઓવરટેક કરવાના નથી. ટ્રેકથી જરાય જમણે કે ડાબે જવાનું નથી. સતત રેલવેના સિગ્નલ જોતા રહીને ટ્રેનની સ્પીડ વધારવાની કે ઘટાડવાની છે. રેલવે ડ્રાઇવર એન્જિનની ડયુટી સ્વીકારી લે એ પછી તે એન્જિનની નીચે ઓફ ડયુટી થયા વગર ઉતરી શકતો નથી. ટ્રેનના ડ્રાઇવરને પાયલટ કહેવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે તેની ડ્રાઈવર કેબિનમાં વોશરૂમની સુવિધા હોતી નથી. વોશરૂમ જાય તો ટ્રેનનું શું? એ સવાલ ઉઠાવીને આ સગવડ અપાઈ નથી.


અન્ય વાહનો ગમે તે સમયે ત્વરિત બ્રેક લગાવી રોકી શકાય છે, પણ ટ્રેનને રોકવા માટે ક્રમશઃ બ્રેેક જ લગાવવી પડે. વેક્યુમથી કામ કરતી બ્રેક ૧૦૦% ક્ષમતાથી કાર્ય કરતી હોય અને ડ્રાઇવર પૂરેપૂરી બ્રેક લગાવવા ધારે તો પણ ટ્રેઈન ૫૦૦થી ૧૦૦૦ મીટર પહેલાં રોકી શકાય નહીં. એવી બ્રેક પણ અનુભવી ડ્રાઇવર જ લગાવી શકે. રેલવેના તમામ ડ્રાઇવર ખૂબ જ કાર્યક્ષમ અને અનુભવી છે, તેથી જ રેલવે અકસ્માતો અન્ય કોઈ વાહન કરતાં નગણ્ય થાય છે. અકસ્માતમાં મોટેભાગે ખરાબ ટ્રેક અને નાગરિકોની બેજવાબદારી વધારે ગરબડ કરે છે.


રેલવે ટ્રેક ચેક કરવા માટે દર બે સ્ટેશન વચ્ચે એક ટ્રોલી રોજેરોજ અવરજવર કરે છે. એમાં એક અધિકારી અને છ કર્મચારી હોય છે. આ લોકો રેલવેના પાટા પર ટ્રોલી ચલાવીને તમામ સાંધા ચેક કરતા રહે છે. જો ગરબડ જણાય તો કર્મચારીઓ રીપેર કરી દે છે.
 

મોટી ગરબડ હોય તો બંને દિશાના સ્ટેશનોને તથા કેન્દ્રિક કાર્યાલયને જાણ કરીને રીપેરિંગની ભલામણ કરે છે. રેલવે ટ્રેક અને તેની બંને બાજુ ૨૫૦ મીટર વિસ્તારમાં કોઈપણ નાગરિક કે પ્રાણી પ્રવેશી શકે નહીં. રેલવેએ બનાવેલા ક્રોસિંગ સિવાય રેલવે ટ્રેક ક્રોસ કરવાની પણ મનાઈ હોય છે. કોઈપણ પ્રવેશ કરે તો ગેરકાયદે ગણાય અને ટ્રેન સાથે અકસ્માત થાય તો રેલવે જવાબદાર રહેતી નથી. અકસ્માતમાં જો રેલવેને મોટું નુકસાન થાય તો રેલવે ગેરકાયદે ટ્રેક પર આવનાર પાસેથી વસૂલ કરી શકે.


હવે પછી રેલવેલાઈન ક્રોસ કરતી વખતે આ કાયદો યાદ કરજો. રેલવે કોઈ જાતના ભય વગર દોડી શકે એ માટે જ તેના ટ્રેકની બંને બાજુ ૨૫૦ મીટર જમીન રેલવે ખરીદી લે છે. પહેલાં તો આખી રેલવેલાઈનની સમાંતર બંને બાજુ તારની વાડ કરવામાં આવતી હતી. આપણે આ નિયમોની ગંભીરતા સમજતા નથી એને કારણે જ મોટાભાગના રેલવે અકસ્માત સર્જાય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtQvOC-MfS6CQ64sjrdcqO6-MMHR%2Bwtsf7JMYscM7X_KA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment