Sunday, 25 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પ્રજ્ઞાચક્ષુનો નિખાલસ અવાજ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રજ્ઞાચક્ષુનો નિખાલસ અવાજ!
મહેશ યાજ્ઞિક

 

 

 

"ત્રીસ વર્ષની ઉંમરે લગ્ન થયેલાં, જિંદગીમાં જાણે એ એક વર્ષ ઝળહળતું અજવાળું રહ્યું, એ ભાગી ગઈ પછી બધુંય કાળુંધબ્બ!"

 

હજામત કરાવવા ગયો પણ રવિવારને લીધે હેરકટિંગ સલૂનમાં ભીડ હોવાથી ફરજિયાત બેસવાનું હતું.એરકન્ડિશન્ડ સલૂનમાં અખબારો વચ્ચે સમય પસાર કરવાનું કામ બીજાઓ માટે સરળ હતું ; પણ ઘેરથી જ તમામ છાપાની લીટીએ લીટી વાંચીને આવેલો મારા જેવો માણસ શું કરે?બીજા ગ્રાહકો બેઠા હતા ત્યાં સોફા ઉપર ખાલી જગ્યા દેખાઈ ત્યાં ગોઠવાઈ ગયો. બેઠા પછી આજુબાજુ નજર ફેરવી. મારી જોડે બેઠેલો માણસ આ ભીડમાં બધાથી અલગ તરી આવતો હતો. તેલ નાખીને ઓળેલા ઊભા વાળ, ચહેરા પરથી ઉંમરનો અંદાજ લગાવવાનું કામ અઘરું હતું. પચાસેકની આસપાસની કોઈ પણ ઉંમર હોઈ શકે. ઊંચાઈ સાડા પાંચ ફૂટ જેટલી હશે. અડધી બાંયનું એકદમ ડખળું છીંકણી રંગનું ખમીસ, લેંઘાની સફેદી સાવ ઝાંખી પડી ગઈ હતી. અપૂરતા પોષણને લીધે કે એવા કોઈ કારણથી હાથની ઉપસેલી નસો સ્પષ્ટ દેખાતી હતી. મોકળાશથી બેસવા માટે દેશી ચંપલ કાઢીને એ પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો. જૂના પેન્ટના કાપડમાંથી સીવડાવેલા ભરચક ભરેલા બે થેલા એના પગ પાસે પડ્યા હતા. થેલાની ચેઈનો બંધ હતી એટલે અંદર શું હશે એ સમજાતું નહોતું. એકદમ કાળા કાચનાં ગોગલ્સ એણે અહીં હેરકટિંગ સલૂનમાં પણ પહેરી રાખ્યા હતા એ સહેજ વિચિત્ર લાગતું હતું. એના ખિસ્સામાં રહેલો મોબાઈલ રણક્યો અને એણે એ હાથમાં લીધો ત્યારે એની દશા જોઈને ખબર પડી કે એ ભાઈ સંપૂર્ણ અંધ છે...

 

ચિંતા ના કર. એસ.ટી.માંથી ઊતરીને પહેલા કામ પતાવી દીધું. બાપુનગર જઈને ત્રીસ કિલો માલ થેલામાં ભરાવી દીધા પછી નવરો થઈ ગયો. મારો ભાઈબંધ ગોવિંદ નવરંગપુરા સલૂનમાં નોકરી કરે છે એ તો ખબર છેને? એને મળવા આવ્યો એટલે એણે પ્રેમથી હુકમ કર્યો કે અનિલ,આજે જમ્યા વગર નથી જવાનું. એ ફ્રી થાય ત્યારે હોટલમાં જમાડીને ગીતામંદિર મૂકી જશે. ચાર વાગ્યાની બસ મળી જશે એટલે આઠ વાગ્યે ભિલોડા પહોંચી જઈશ."એક સાથે આટલી માહિતી આપીને એણે ધરપત આપી. "દર મહિને માલ લેવા અમદાવાદ આવું છું એટલે હવે તો ભોમિયો થઈ ગયો છું. ખોટી ચિંતા નહીં કરવાની.".

 

વાત પૂરી કરીને એણે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો ત્યારે મેં હળવે રહીને પૂછ્યું. "આટલો બધો માલ ઊંચકીને છેક ભિલોડા સુધી એકલા આવવા-જવામાં તકલીફ નથી પડતી?" થેલા સામે નજર કરીને મેં પૂછ્યું. "શેનો બિઝનેસ કરો છો?".

 

"બિઝનેસ?" ફિક્કું હસીને આટલું કહ્યા પછી એણે તરત સાશંક અવાજે પૂછ્યું."તમારી ઓળખાણ ના પડી, ભાઈ,કોણ છો તમે?".

 

"હું તો હજામત કરાવવા આવ્યો છું. લખવાનો થોડોઘણો શોખ છે. તમને જોયા અને તમારી વાત સાંભળી એટલે જિજ્ઞાસા થઈ.".

 

એ હસી પડ્યો."મારી લાઈફ ઉપરથી તો પિક્ચર બને એવી કહાણી છે, સાહેબ, જન્મથી અંધ છું. બાવન વર્ષથી સાવ અંધારામાં જીવું છું. હવે તો અંધકારની આદત પડી ગઈ છે. આમ તાલુકા લેવલનું છતાં આદિવાસી વસ્તીવાળું અંતરિયાળ મારું ગામ. ત્યાં અંધારું હોય કે અજવાળું કોઈ ફેર નથી પડતો.".

 

એની ભાષા અને ઉચ્ચાર ઉપરથી તો એ આદિવાસી કે અભણ જેવો નહોતો લાગતો. એ વાતોડિયો લાગ્યો એટલે એને ખોતરવા માટે મેં હળવેથી પૂછ્યું. "ફોન તમારાં મિસિસનો હતો? ".

 

એ હસી પડ્યો. "ત્રીસ વર્ષની ઉંમરે લગ્ન થયેલાં. જિંદગીમાં જાણે એ એક વર્ષ ઝળહળતું અજવાળું રહ્યું. એ ભાગી ગઈ એ પછી બધુંય ફરીથી કાળુંધબ્બ!".

 

નિઃસાસો નાખીને એ બબડ્યો. "એ આખુંય કારસ્તાન મારી બાનું. જ્યારે મારી મિસિસે જુદા થવાનું કહ્યું ત્યારે એણે ચોખ્ખી ના પાડી દીધી. પેલીને ધધડાવીને કહી દીધું કે તારી આ ઈચ્છા કોઈ કાળે પૂરી નહીં થાય. મારા બાપા ત્યાં હાજર હતા પણ મારી બાની કમાન છટકે ત્યારે એ મોંઢું સીવેલું જ રાખે.".

 

લગીર અટકીને અનિલે કથા આગળ વધારી..

 

"અમે લોકો બારોટ. બાપા મૂળ તો પ્રાથમિક શાળામાં શિક્ષક, પણ એમની માસ્ટરી કડિયા કામની. દાદાની ગામમાં દુકાન હતી. એ સમયે આખા ગામમાં અમારી એ એક માત્ર દુકાન. બટાકા-ડુંગળીથી માંડીને મગની દાળ, ચોખા ને સાબુ પણ મળે. દુકાન તો ઠીક, દાદાની કમાણી વ્યાજની. આખો આદિવાસી વિસ્તાર. બૅન્ક એટલે શું એની પણ એ પ્રજાને ખબર નહીં. આજુબાજુના પાંચ-છ ગામના લોકો માટે મારા દાદાની દુકાન એ જ સંકટ સમયનો આશરો. દાદાના અવસાન પછી એમનો ધીરધારનો ધંધો મારા બાપાએ સંભાળી લીધેલો. ગામની પાસે રામટેકરી અને એ ટેકરી ઉપર પ્રાચીન મંદિર. એ મંદિરમાં એક ગુરુમા રહેતાં હતાં. એ સાધ્વી રોજ ગામમાં આવીને બધાના ખબર-અંતર પૂછે. અમારું ઘર સૌથી સુખી એટલે કંઈ મદદની જરૂર હોય તોય દુકાને જઈને બાપાને મળે. એ ગુરુમા પહેલાં તો સંસારી હતાં. એક પુત્ર પણ હતો. પતિના દેહાંત પછી ભેખ લીધો અને દીકરાને લઈને રામટેકરીના મંદિરે આવી ગયાં હતાં. એમનો દીકરોય મારી ઉંમરનો હતો. એનેય ભગવાં પહેરાવી દીધેલાં. ગામની સ્ત્રીઓ પાસે ગુરુમા જ્ઞાન-ધર્મની કથા કરે, સામાજિક પ્રશ્નોમાં માર્ગદર્શન આપે ".

 

એણે નિખાલસતાથી કબૂલાત કરી. "મારા જનમ પછી ગુરુમાએ સમજાવ્યું એટલે બાપાએ ધીરધારનો ધંધો બંધ કર્યો. વ્યાજ ચૂકવતી વખતે લોકોની આંતરડી કકળતી હોય એવા કોઈ દુ:ખી આત્માની હાય તને લાગી અને આ છોકરો આંધળો જન્મ્યો. આટલાથી સમજી જા અને વ્યાજ ખાવાનું બંધ કર. લોકોના નિઃસાસા તારું ધનોતપનોત કાઢી નાખશે. ગુરુમાએ આવું કહ્યું એ પછી બાપાએ ધીરધારનો ધંધો સંકેલી લીધો અને નાના પાયે કન્સ્ટ્રક્શનનો કારોબાર શરૂ કર્યો. જમીન તો હતી જ એમાં પ્લોટ પાડીને જાતે મકાન ઊભા કર્યાં. નવી માના ત્રાસથી કંટાળીને એક છોકરી ગુરુમાના આશરે આવેલી. ભગવા પહેર્યા વગર એ આખો દિવસ મંદિરની અને ગુરુમાની સેવા કરતી. ગુરુમાએ એને સમજાવીને મારી સાથે લગ્ન કરાવ્યાં.".

 

ફરી વાર નિઃસાસો નાખીને એણે બળાપો કાઢ્યો. "એ પરણીને આવી પછી જુદા રહીને ઘરસંસાર સજાવવાની એ બાપડીને હોંશ હતી, ત્યારે તો અમારાં ત્રણ નવાં મકાન પણ ખાલી હતાં, તોય બાએ ના પાડી એટલે એ ભાગી ગઈ! ".

 

એ દુ:ખી આત્માની પીડા હળવી કરવા વાત બદલીને મેં એને અભ્યાસ વિષે પૂછ્યું..

 

"આંખોના અભાવની ખોટ ઈશ્વરે અભ્યાસમાં ભરપાઈ કરી આપેલી." ગર્વ સાથે એણે કહ્યું. "ગુજરાતી સાથે એમ.એ. માં હાયર સેકન્ડ ક્લાસ આવ્યો. એ પછી બી.એડ્માં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. બાપાના અવસાન પછી દુકાન ખાલી પડી હતી. મોટા ભાઈ અને ભાભીને મારા માટે ખરા હ્રદયની લાગણી. મોટા ભાઈને તો તાલુકા પંચાયતમાં નોકરી મળી ચૂકી હતી. એમણે કીધું કે નોકરી ના મળે ત્યાં સુધી આ દુકાનમાં એસ.ટી.ડી./ પી.સી.ઓ. શરૂ કર. એમાં તને વાંધો નહીં આવે. એ સમયે ગામમાં ક્યાંય આ સવલત નહોતી એટલે સાહસ કર્યું અને કમાણી ચાલુ થઈ ગઈ. એ દરમિયાન શિક્ષકની નોકરી માટેના પ્રયત્નો તો ચાલુ જ હતા. વીસેક સ્કૂલમાં ઈન્ટરવ્યુ આપ્યા પછી વરવી વાસ્તવિકતા સમજાઈ ગઈ કે આ આંધળાને કોઈ નોકરી નહીં આપે. મોબાઈલ આવ્યા પછી પી.સી.ઓ.નું પાટિયું ઊતારીને અગરબત્તીનો ધંધો શરૂ કર્યો.".

 

થેલા ઉપર હાથ ફેરવીને એણે ઉમેર્યું. "બાપુનગરમાંથી કિલોના ભાવે માલ ખરીદીને સો સો ગ્રામનાં પેકેટ બનાવીને આખા તાલુકામાં વેચું છું. મહિને સિત્તેર-એંશી કિલો અગરબત્તી આરામથી વેચાય છે. ભાઈ-ભાભીની સાથે રહું છું. પૈસાની કોઈ ભૂખ નથી. મારો સમય પસાર થાય છે અને એમને ટેકો થાય છે.".

 

એક સાથે આટલું બોલીને એ અટક્યો. "સાહેબ,વાર્તા લખવાનો વિચાર મનમાં હોય તો છેલ્લે એક સ્પષ્ટતા કરવાની છે." મારા અવાજની દિશા એણે પારખી લીધી હતી. એના આધારે મારી સામે જોઈને એણે હાથ જોડ્યા. "લગ્ન કરીને ઘરમાં બૈરું લાવ્યો ત્યાર પછી ચપટિક સુખ આ અંધને મળેલું, પણ મારી બાની જીદને લીધે એ ઘર છોડીને ભાગી ગઈ ને સુખનું સત્યાનાશ વળી ગયું." હાથ ફંફોળીને એણે મારો હાથ એના હાથમાં જકડી લીધો. "આવું મેં કહેલું, એ વાત સાવ સાચી, પણ એને લીધે મારી બા વિશે કોઈ ગેરસમજ ના કરતા. વાર્તા લખો તો પ્લીઝ, એ પાત્રને અન્યાય ના કરતા. મારી બા તો સાક્ષાત દેવી હતી. મહેરબાની કરીને એને ખરાબ ના ચિતરતા.".

 

હું આશ્ચર્યથી એની સામે તાકી રહ્યો...

 

"મારાં લગ્ન થયાં ને પેલી ભાગી ગઈ એ આખી કથામાં સૂત્રધાર તરીકે દુષ્ટતા દેવીમાની! દેવીમાનો મારા જેવડો દીકરો હતો એણે ભગવાં તો પહેરેલાં, પણ એ ભીતરથી ભુખાળવો હતો. માત્ર નામનો જ એ નાલાયક સાધુ પેલી જોડે ઈલુ-ઈલુ કરતો હતો એનો દેવીમાને ખ્યાલ આવી ગયેલો. ખાટી છાશ ઉકરડે નાખતી હોય એમ એ સાધુડીએ એ કન્યા મને વળગાડી દીધી. બા-બાપાને એમ થયું કે અમારા અંધ દીકરાની જિંદગીમાં દેવીમાએ અજવાળું કર્યું, પણ એ પછી અમારા ઘેર પેલાના આંટાફેરા વધી ગયા ત્યારે દાળમાં કંઈક કાળું છે એવી બાને શંકા પડી. પેલીએ જુદા રહેવાની જીદ કરી ત્યારે બાને ખાતરી થઈ ગઈ કે મારા આંધળા દીકરાની પીઠ પાછળ એ બંનેની રમત ચાલુ રહેશે અને ક્યારેક એ બાપડાને સૂતો મૂકીને પેલી ભાગી જશે. બાએ એને જુદા રહેવાની ના પાડેલી એનું સાચું કારણ આ. બા સાથે હોય ત્યાં સુધી એ બંને કંઈ કરી ના શકે.".

 

મારી સામે જોઈને એણે આગળની કથા કહી. "મારાથી છેડો ફાડીને એ પાછી દેવીમા પાસે પહોંચી ગઈ અને ત્યાં બે મહિના રહ્યા પછી મંદિરના અને દેવીમાના બધા પૈસા ને દાગીના લઈને એ પ્રેમીપંખીડાં ઊડી ગયાં! દેવીમાના બે ભગવા સાડલા સિવાય બધુંય તળિયાઝાટક કરીને એ બંને ક્યાં ભાગી ગયાં એની આજ સુધી કોઈનેય ખબર નથી! ".

 

લગીર અટકીને એ ફિક્કું હસ્યો."સાચું કહું? કોઈ દિવસ ભાળ્યું નહોતું એવું સુખ એ એક વર્ષમાં અનુભવેલું એટલે બાએ જુદા રહેવાની પેલીને ના પાડી ત્યારે તો બા ઉપર ગુસ્સો આવતો હતો. એ બાપડીએ જે કરેલું એ મારી ભલાઈ માટે જ કરેલું એનું ભાન તો પાછળથી થયું.".

 

એણે ફરીથી હાથ જોડ્યા."વાર્તા લખો તો એટલું ખાસ લખજો કે જનેતા જ્યારે નિર્ણય કરે ત્યારે એમાં સંતાનનું હિત જ હમેશાં એના હૈયામાં હોય છે.".

 

પોતાની ખુરશીનો હવાલો બીજાને સોંપીને એનો ભાઈબંધ ગોવિંદ ત્યાં આવ્યો.હાથ પકડીને એણે અનિલને ઊભો કર્યો અને એ બંને બહાર ગયા..

 

અત્યારે આ લખતી વખતે પણ જિંદગીના આટાપાટામાં અટવાયેલા એ પ્રજ્ઞાચક્ષુનો નિખાલસ અવાજ કાનમાં રણકે છે..



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot%2BvnF6%3DbWEmDTSuSR_dbx6tNrDF35KewYfjqpT_5Mxkg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment