દર વરસે દિવાળી આવે છે, નવું વરસ ધામધૂમથી રંગે ચંગે ઊજવાય છે. સાલ મુબારક અને શુભેચ્છાઓનો ધોધમાર પ્રવાહ એકમેક પર ઠલવાય છે. અને આખરે ખાસ કશું નવું થયાના કોઇ અહેસાસ , કોઇ અનુભૂતિ સિવાય નવા નહીં પણ આગલા વરસમાં પ્રવેશીએ છીએ. સમયના વહેતા પ્રવાહની સાથે વરસો બદલાતા રહે છે. પણ આપણે તો ઠેરના ઠેર જ રહી જતા હોઇએ એવું નથી લાગતું? હા, ભૌતિક રીતે સાધન સગવડો વધતા રહે છે. નવી નવી ટેકનોલોજી જીવનમાં પ્રવેશતી રહે છે પણ માનવીની ભીતરમાં, એનો માંહ્યલો કયાં બદલાઈ શક્યો છે? અને એ ન બદલાય ત્યાં સુધી કોઇ ઝાઝો શકરવાર કયાંથી વળે? નવું વરસ તો દરેક દેશમાં આવે છે અને દરેક જગ્યાએ પોતપોતાની રીતે એની ઉજવણી પણ થાય છે. સામાન્ય રીતે આ ઉજવણીમાં રોશનીથી ઝળાહળા થવાનું, સારું સારું ખાવા, પીવાનું, નવા વસ્ત્રો, મંદિરનો શણગાર, ભીડ, ઘોંઘાટ, ધમાલ, ધામધૂમ વગેરેનો સમાવેશ થાય... આખું વાતાવરણ ધમધમી રહે. બધા દોડતા દેખાય.. તહેવારની ઉજવણી માટે. અનેક દિવસો અગાઉથી તૈયારી ચાલતી હોય છે. તહેવારને દિવસે કોઇ પાસે શાંતિનો સમય નથી રહેતો. ઘણીવાર વહેવાર નિભાવવાની ફરજનો ભાર અનુભવાતો હોય છે.થાકથી લોથપોથ થવાતું હોય છે. મોટે ભાગે હળવા મળવામાં દિલની ઉષ્માનો અભાવ વરતાતો હોય છે. " હાશ ! એક કામ પત્યું" ની લાગણી જો અંતરમાં થતી હોય તો કશુંક બદલાવી કેમ ન શકાય? બદલાવવાનો અર્થ હરગિઝ એવો ન હોઇ શકે કે એનાથી ભાગવું. ભાગીને બધાથી દૂર ચાલ્યા જવું. આજકાલ અનેક લોકો આ બધી ધમાલ અને વહેવારની ઔપચારિકતાથી કંટાળીને ફરવા, બહારગામ ઉપડી જાય છે. ફરવા જાય એનો વાંધો નહીં પણ આ માનસિકતાથી શા માટે? જે રિવાજો, જે પ્રથા ન ગમતી હોય, ન સ્વીકાર્ય ન હોય એને બદલે કોઇ વૈકલ્પિક પ્રથા સૌ સાથે મળીને ન વિચારી શકાય? તહેવારની ઉજવણીની પ્રથા ન બદલાવી શકાય? અપનાવો, અથવા બદલાવો, જે પણ થાય તે દિલથી થવું જોઇએ એવું નથી લાગતું? આજે અત્તરકયારીમાં બાલી ટાપુ પર થતી નવા વરસની ઉજવણીની આગવી પ્રથાની વાતથી મહેકીએ. ઇન્ડોનેશિયાનો બાલી ટાપુ એટલે હજાર હિંદુ મંદિરોનો દેશ.બાલી એટલે તેજોમય સ્વર્ગ, વિશ્વનુ પ્રભાત... પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિ હિંદી મહાસાગરમાં શ્રીલંકા, મલાયા, જાવા, સુમાત્રા, બાલી વગેરે દેશો સુધી ફેલાયેલી હતી. બાલી શબ્દ રામાયણમાં આવતા સુગ્રીવના ભાઇ વાલી પરથી આવ્યો હોવાની માન્યતા છે.ચારે તરફ સમુદ્ર,વચ્ચે પર્વતો, જવાળામુખી ,ડાંગરના ખેતરો,નદીઓ,બારે માસ હરિયાળી વગેરેને લીધે બાલીનું નૈસર્ગિક સૌન્દર્ય નયનરમ્ય છે. આવા બાલીમાં નવું વરસ ઉજવવાની આગવી પ્રથા છે. જે મને બહું સ્પર્શી ગઇ, ગમી ગઇ..અને ગમતાનો ગુલાલ કરવાનું તો મને હમેશા ગમ્યું છે. અહી નવા વરસને " ન્યેપિ " કહે છે.હરિ રાયા એટલે મોટો ઉત્સવ." હરિ રાયા ન્યેપિ " આવા બોર્ડ આ સમય દરમ્યાન અહીં ઠેર ઠેર જોવા મળે.બાલીમાં શક સંવત, ચૈત્રી પંચાગ ચાલે છે. એ મુજબ ચૈત્ર શુદ એકમથી નવું વરસ ચાલુ થાય છે.ચૈત્રી પડવાનો દિવસ એટલે બાલી લોકોનું નવું વરસ. ન્યેપિના આગલા દિવસે આખા શહેરમાં, ચોકમાં અનેક જગ્યાએ " ઓગોહ " ગોઠવવામાં આવે છે.ઓગોહ એટલે અનિષ્ટ તત્વના પ્રતીક રૂપે અસૂરની મોટી પ્રતિમા.આપણે ત્યાં જેમ દશેરાને દિવસે રાવણ દહન થાય છે. કંઇક તેવી જ રીતે અહીં આઠથી દસ ફૂટના બિહામણા પૂતળા રાખવામાં આવે છે.શહેરો વચ્ચે ઓગોહની સ્પર્ધા પણ રખાય છે અને સારા ઓગોહને ઇનામ અપાય છે. નવા વરસના આગમન પહેલા અનિષ્ટ તત્વને વિદાય આપવાના,ભગાડવાના પ્રતીક તરીકે સેંકડો ઓગોહને બાળવામાં આવે છે. હવે મને સ્પર્શી ગયેલી ખાસ વાત. ન્યેપિના ઉત્સવ માટે આખા દેશમાં મુખ્ય ચાર નિયમો પાળવામાં આવે છે. 1 આમાટી લેલુંગાન… અર્થાત ઘરની બહાર ન જવું 2 આમાટી કાર્યા.. અર્થાત તે દિવસે કોઇ જ કાર્ય કરવું નહીં.નોકરી ધંધો પણ નહીં.કોઇને હળવા મળવાનું પણ નહીં, ઘરમાં પણ બહું અનિવાર્ય હોય તેટલું જ હલનચલન કરવાનું. મંદિરે પણ નહી જવાનું.ઘરમાં જ પ્રાર્થના વગેરે કરવાનું. 3..આમાટી અગેનિ.. અર્થાત અગ્નિ પેટાવવો નહીં. તે દિવસે રસોઇ માટે પણ અગ્નિ પેટાવવો નહી, અર્થાત નો જમવાનું. મીણબત્તી, દીવો , ટોર્ચ, લાઇટ કે વીજળીથી ચાલતા કોઇ સાધનો વાપરવાના નહીં.નાના બાળકો, કોઇ અશકત વૃધ્ધો કે બીમાર વ્યક્તિ..જે ભૂખ્યા રહી શકે તેમ ન જ હોય તેમને માટે આગલે દિવસે ખાવાનું બનાવી લેવું. શકય હોય ત્યાં સુધી ઉપવાસ કરવો. 4 આમાટી લાલાંગવાન.. અર્થાત આનંદ પ્રમોદની કોઇ પ્રવૃતિ નહી કરવાની. ટી.વી. ચાલુ નહીં કરવાનું, પાના ન રમાય, ગીત,સંગીત કશું નહીં,બ્રમ્ભર્યનું પાલન ચુસ્તપણે કરવાનું. અને આ બધા નિયમોનું પાલન લોકો ચુસ્તપણે સ્વેચ્છાએ કરે છે.મોટે ભાગે લોકો છત્રીસ કલાક સુધી ખાય નહીં, પાણી પણ ન પીવે.એરપોર્ટ, બંદરો, હોટેલો, ઓફિસો, દુકાનો બધું જ સદંતર બંધ રહે. આખો દેશ, દરેક લોકો ઘરમાં પૂરાઇ રહે, સંપૂર્ણ મૌન પાળે, ઇશ્વરની મૌન પ્રાર્થના કરે,ચિંતન, મનન કરે, પોતાના દોષોનું અવલોકન કરે, વિના કારણ ઘરમાં પણ હલનચલન ન કરે. બહું અનિવાર્ય હોય તો જ ઇશારાથી વાત કરે. લોકો પૂરી શ્રધ્ધાથી દરેક નિયમનું પાલન કરે છે.મનથી તૈયાર હોય ત્યારે કોઇ કામ અઘરું ન લાગે. એક પ્રણાલિકા પડી ગઇ છે. એમાં એમને કશું નવું કે અસ્વાભાવિક નથી લાગતું. નવા વરસનું સ્વાગત બિલકુલ નિઃશબ્દ બનીને કરવાનું. વાતાવરણમાં સઘન નીરવતા વ્યાપી રહે. દરેક ગામ , દરેક શહેર શાંત બની જાય, ત્રીસ લાખ લોકો સ્વેચ્છાએ મૌન પાળે, ભીતરથી શાંત બનવાનો પ્રયાસ કરે, પોતાની જાત સાથે રહેવાનો આ એક આગવો પ્રયોગ નથી? સ્વની અનુભૂતિ પામી શકાય કે નહીં, પણ એ તરફ જવાનું એક પગલું તો ચોક્કસ ભરાતું હશે. દર વરસે ચૈત્રી પ્રતિપદાની અંધકારમય, નિશબ્દ રાત્રિનું પર્વ આટલા સંયમ, શિષ્ત, નિષ્ઠા અને શ્રધ્ધાથી ઉજવાય એ એક વિરલ, અદ્વિતીય ઘટના ન ગણાય?
ન્યેપિ પછીનો બીજો દિવસ " લબુહ વ્રત" તરીકે ઓળખાય છે. એ દિવસે લોકો પરસ્પર એકબીજાનું અભિવાદન કરે છે, આપણે નવા વરસે સાલ મુબારક કરીએ છીએ તે જ રીતે. બાલીનો નવા વરસનો આ ઉત્સવ સૌ માટે પ્રેરક અને અનુકરણીય નથી? જે ઉત્સવ જાત સાથે જોડી શકે, ઇશ્વર સાથે અનુસંધાન કરાવી શકે એનાથી વધારે ઉત્તમ બીજું શું હોઇ શકે?
આપણે ઘણી વાર અનેક રિવાજોની ટિકા કરતા હોઇએ છીએ પરંતુ એને બદલાવવાની શરૂઆત કેમ નથી કરી શકતા? આખરે કોઇ પણ તહેવારનો ઉદ્દેશ આનંદ મેળવવાનો, રૂટિનથી કંઇક હટકે કરવાનો, કંઇક નવું કરવાનો, જીવનમાં ઉત્સાહ ભરવાનો, એકધારાપણું દૂર કરવાનો જ હોય છે ને? હવે જો તહેવારમાં જ એકધારાપણું લાગતું હોય તો એને પણ બદલાવી ન શકાય? સ્વીકારો કે અપનાવો તો દિલથી સ્વીકારો અથવા બદલાવો. શું કહો છો દોસ્તો? |
\
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvnM%3Ddt71F52jrqf%2BrW4x6V1RYdiBbdoh36ijDA5Fr0uA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment