સનાતન ભાવોની ભાવપૂર્ણની અભિવ્યક્તિ: દુહા! દુહાની દુનિયા-બળવંત જાની દુહાસર્જન, કથન કે પ્રસ્તુતિકરણ માત્ર મનોરંજન ખાતર કે સમય પસાર નહીં પણ કરવા ખાતર સમાજને કશુંક કહેવા-સમજાવવા માટે એનું સર્જન થતું હતું. બોધ ઉપદેશ કરતા પણ ડહાપણના બે શબ્દો ભાવક ચિત્તમાં રોપાય, ચિત્તમાં ચમકારો થાય અને માનવમન વિચારતું થાય, અમલ પછી આપમેળે જ આરંભાય. દુહા રચયિતા કંઈ એવો પંડિત નથી હોતો કે એને તરત પરિણામની - પ્રાપ્તિની કંઈ અપેક્ષ્ાા હોય. એને પોતાને સમજાયેલુંં સત્ય, જીવનમાંથી-અનુભવમાંથી પ્રાપ્ત થયેલી સમજણ કે જ્ઞાન અન્યમાં સંક્રાંત કરવાની ઊંડી ઈચ્છામાંથી રચાઈ જતા હોય છે, કે સરી પડતા હોય છે દુહા.
દુહા રચયિતા એમ નથી કહેતો કે પરિસ્થિતિ હોય એને સ્વીકારી લેવી. એ એમ પણ નથી કહેતો કે સંતોષ્ાી બનો. એ તો સીધે સીધું જેવા આપણાં નસીબ. જેવા આપણાં ભાગ્ય, એમ સરળ વાત સમજાવી દે છે. આવું સત્ય સમજાવવા માટે એ સરળ દૃષ્ટાંતથી કહે છે બિભીષ્ાણને લંકા દિયે, દિયે હનમેંકું તેલ; ક્યા કરે રઘુનાથજી, ખરા નસીબકા ખેલ. દુહારચયિતાનું કહેવું એવું છે કે રામને ખરી-પૂરી મદદ કરવાવાળા હનુમાન. વિભીષ્ાણ પણ થોડા સહાયભૂત થયેલા. છતાં રઘુનાથજી-રામે હનુમાનને માત્ર એક પાવળું તેલ આપ્યું અને વિભીષ્ાણને સોનાની લંકા આપી દીધી. આમાં દેવાવાળા રઘુનાથ-રામનો પક્ષ્ાપાત કામે ન લાગ્યો. મદદેય ન થઈ શકી એની પાછળ ખરું કારણ તો ભાગ્ય છે. નિયતિ અને નસીબ છે. દુહા દ્વારા એ હકીક્ત સમજાય છે કે ખુદ ઈશ્ર્વર પણ ભાગ્યમાં હોય એનાથી વધુ આપી કે અપાવી શકતા નથી. જે કંઈ ભાગ્યમાં હોય અને નસીબમાં હોય એ જ પ્રાપ્ત થતું હોય છે. દુહારચયિતાએ જે વિવેકપૂર્ણ માગણી કરી છે એ પણ દુહાના માધ્યમથી અવલોકીએ. સમજણ દે તો સંપદ દે, ન કર સમજણ પાછી લે; સમજણ ને સંપત નંઈ, એ બે ધકા તું મ દે. દુહામાં ઈશ્ર્વર પાસે સંપતિની માગણી કરે છે પણ એની સાથે સમજણ - અંડરસ્ટેન્ડિંગ - માગી છે. અન્યથા સમજણ પાછી લેવાનું કહ્યું છે. સમજણ હોય ને સંપત્તિ ન હોય એનો પણ કશો અર્થ નથી. સંપત્તિ વગરની સમજણ નકામી અને સમજણ વગરની સંપત્તિનો પણ કશો અર્થ નથી. સંપતિનો ખોટો વ્યય ન થાય. જો સમજણ હોય તો સદાચારી અને સદ્વ્યવહારથી સંપત્તિનો સદ્કાર્યમાં વિનિયોગ થઈ શકે. અને સમજણ હોય પણ સંપત્તિ ન હોય તો એક પ્રકારનું દુ:ખ અને ડંખ રહે કે કરવા જેવા કામ કરી શકાતા નથી. અર્થ અભાવને કારણે સદ્પ્રવૃત્તિમાં ન જોડાઈ શકાય એથી દુ:ખ રહે. એટલે એના કરતા સમજણ અને સંપત્તિ કંઈ ન હોય તો સારું એમ આલેખીને દુહાગીરે આખરે તો સંપત્તિની સાથે સમજણનો મહિમા ગાયો છે. બીજા એક દુહામાં પણ જે સમજણપૂર્વકની માગણી કરાઈ છે તે જુઓ. લાજ રખ તો જીવ રખ, લાજ વિણ જીવ ન રખ; સાંયા માંગું ઈતરો, રખ તો ભેળા રખ. લાજ-શરમનો વિશેષ્ા મહિમા છે. આપણી લાજ રહે અર્થાત્ આપણી આબરૂ રહે. કંઈ દુષ્કાર્યનો ડાઘ-ચારિત્ર્ય પર ન લાગે એ વાત અહીં નિહિત છે. જો ભગવાન તમારે મને જીવતો રાખવો હોય-જીવાડવો હોય તો મને કોઈ રીતે આબરૂને ધબ્બો લાગે એવું ન થાય એ શરતે જીવતો રાખો, અને જો મારી લાજ-આબરૂ જવાની હોય તો જીવવાની કશી ઈચ્છા નથી. હે ઈશ્ર્વર હું એટલું જ માગું છું કે જો જીવતર અને આબરૂ એમ મારા બન્ને સચવાય- સાથે રહે. આમ દુહાના રચયિતાએ જે ઈચ્છ્યું છે એમાંથી એની વિવેક દૃષ્ટિનો પરિચય મળી રહે છે. દુહાના રચયિતાએ આવી માગણી કરીને આખરે તો સમાજ પ્રબોધન ર્ક્યું છે. સમાજને દિશા નિર્દેશ ર્ક્યો છે. બીજા એક દુહામાં પણ આ પ્રકારના સનાતન સત્યને ઉદ્ઘાટિત ર્ક્યું છે તેનો આસ્વાદ લઈએ. કાજલ તજે ન શ્યામતા, મુક્તા તજે ન શ્ર્વેત; દુરિજન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત. શાશ્ર્વત તથ્ય અને સત્ય પરત્વે અંગુલિનિર્દેશ કરતા દુહાકવિ કહે છે કે કાજલ અર્થાત્ આંજણ એની કાળાશને છોડતું નથી. મુક્તા અર્થાત્ મોતી એની શ્ર્વેતતા સફેદીને છોડતું નથી. દુરિજન અર્થાત્ દુર્જન માણસ એની કુટિલતા-ખરાબપણાને-છોડતા નથી. સજ્જન-સદ્ પુરૂષ્ા ક્યારેય સ્નેહ-હેત-લાગણીને છોડતા નથી. આમ મૂળભૂત પ્રકૃતિ, રંગ-રૂપ-સ્વભાવ કોઈપણ પરિસ્થિતિમાં એના સ્થાનથી ચ્યૂત થતા નથી. આમ કહીને આખરે તો સમાજને એક પ્રકારના ભાવબોધથી દીક્ષ્ાિત કરીને, એ યુગસત્યને દુહાની બે પંક્તિમાં ધારદાર રીતે સમાવિષ્ટ કરી દીધું છે. તિમિર ગયા રવિ દેખતે, કુમતિ ગઈ ગુરુજ્ઞાન; સુમતિ ગઈ અતિ લોભ સે, ભક્તિ ગઈ અભિમાન. દુહા દ્વારા આખરે તો સદ્બોધ-ઉપદેશને અભિવ્યક્તિ પ્રાપ્ત થતી હોય છે. આ બોધ પણ આખરે તો શાશ્ર્વત સત્યને ઉદ્ઘાટિત કરતો હોય છે. અહીં દુહાકવિ કહે છે કે સૂર્યદર્શનથી અંધકારનો નાશ થાય છે. ગુરુના ઉપદેશથી કુમતિ-ખરાબ વિચારનો નાશ થાય છે. વધારે પડતી લોભીવૃત્તિથી-કંજુસાઈથી-સુમતિ અર્થાત્ સદ્વૃત્તિ લય પામે છે અને અભિમાન ભાવથી ભક્તિભાવ નાશ પામે છે. શેના દ્વારા શું પ્રાપ્ત થાય અને શેના કારણે શેનો નાશ થાય એ સમજણ-દર્શન-સત્ય અહીં ભારે લાઘવતાથી કહેવાયુંં છે. દુહામાં યુગસત્ય, શાશ્ર્વત-સનાતન મૂલ્યો સ્થાન પામતા હોઈને એનો અપાર મહિમા સમાજમાં રહ્યો છે. નસીબ-ભાગ્યનો પ્રભાવ, સમજણ-ડહાપણ- જીવનસૂઝનો મહિમા, આબરૂની અનિવાર્યતા અને નરી ખરી વાસ્તવિક અવસ્થિતિથી આપણને અવગત કરાવતા દુહા આવા કારણથી આજ સુધી પરંપરામાં જીવંત રહીને જળવાઈ રહ્યા છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsfWwyzj4u-xqm5Di9p175opNrJFjPr14VhFOQ6BmJFXQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment