Monday, 1 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ યુવાન વ્યક્તિને ડિસેબલ્ડ બનાવી શકતો રોગ મલ્ટિપલ સ્ક્લેરોસિસ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



યુવાન વ્યક્તિને ડિસેબલ્ડ બનાવી શકતો રોગ મલ્ટિપલ સ્ક્લેરોસિસ!
જિગીષા જૈન

 


યુવાન વયે જો કોઈ વ્યક્તિને અચાનક જ ન્યુરોલૉજિકલ પ્રૉબ્લેમ આવે તો તે મોટા ભાગે મલ્ટિપલ સ્ક્લેરોસિસ જ નીકળે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરતો આ પ્રૉબ્લેમ એવો છે કે દવાઓ દ્વારા એની અસર દૂર કરી શકાય છે અથવા કહીએ કે ઓછી કરી શકાય છે, પરંતુ આ રોગના સમયાંતરે આવતા અટૅક વ્યક્તિને ડિસેબલ્ડ બનાવે છે.

 

કેસ-૧ : પચીસ વર્ષનો યુવાન છોકરો ૧૮ વર્ષની ઉંમરથી એક ઍરલાઇન્સ સાથે કામ કરતો હતો. આટલાં વર્ષોના અનુભવ પછી તેની પાસે એક વ્યવસ્થિત જૉબ હતી અને એમાં જ તે આગળ વધવા માગતો હતો. પરંતુ પ્રૉબ્લેમ ત્યારે આવ્યો જ્યારે એક દિવસ તે ઘરેથી કામે જવા નીકળતો જ હતો કે તેની આંખ સામે અંધારું છવાઈ ગયું. બે મિનિટ તો તેને સમજ જ ન પડી, પરંતુ એકદમ જ દેખાવાનું ઓછું થઈ ગયું એટલે તે ગભરાઈ ગયો. તાત્કાલિક તેને તેના ઘરના લોકો એક મોટી હૉસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં જાતજાતની ટેસ્ટ પછી નિદાન આવ્યું કે આ છોકરાને મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે. તાત્કાલિક ઇલાજ મળ્યો એટલે તેની આંખ તો પછી ઠીક થઈ ગઈ, પરંતુ આ રોગ સાથે હવે તેને ફરીથી આ પ્રકારનો અટૅક ભવિષ્યમાં ગમે ત્યારે આવી શકે છે જે એક ઍરલાઇન્સની જૉબ કરતી વ્યક્તિ માટે બિલકુલ યોગ્ય નથી. આ કારણે તેની જૉબ જતી રહી. જૉબની સાથે એ યુવાન છોકરાનાં ઘણાં સપનાંઓ પણ ભાંગી ગયાં.

 

કેસ-૨ : ૩૫ વર્ષનાં બે બાળકોના પિતા એક કંપનીમાં મૅનેજર તરીકે કાર્યરત છે. આજથી ત્રણ વર્ષ પહેલાં તેમને મલ્ટિપલ સ્ક્લેરોસિસનું નિદાન થયું હતું. એ વખતે તેમને જમણા અંગમાં પૅરૅલિસિસ જેવી અસર આવેલી. આ અસર થોડો સમય રહેલી, પછી દવાઓ દ્વારા એને રિવર્સ કરી શકાઈ; પરંતુ થયાનાં બે વર્ષ પછી તેમને ફરી એ જ જગ્યાએ અટૅક આવ્યો જેને લીધે તેમના જમણા હાથ પર થોડી પૅરૅલિટિક અસર રહી છે જેને લીધે તેમને લખવામાં અને કામ કરવામાં થોડી તકલીફ પડવા લાગી છે. કદાચ આ જ કમીને કારણે તે છેલ્લાં બે વર્ષથી પ્રમોશન ખોઈ રહ્યા છે. વળી અટૅકના સમયે આવતો હૉસ્પિટલનો ખર્ચો અને એટલા દિવસ કામ પરથી લેવાતી રજાઓ પણ આર્થિક પ્રશ્નો ઊભા કરી રહી છે. નાની ઉંમરે જમણા હાથમાં આવેલી પૅરૅલિટિક અસરે તેમને ડિપ્રેશનમાં ધકેલી દીધા છે અને તેમને સમજાતું નથી કે હવે બાકીનું જીવન આ રોગ સાથે હજી કેટલું અઘરું બનતું જશે.

 

ઉપરના જે બે કેસની વાત કરી છે એ બન્ને કેસ મલ્ટિપલ સ્ક્લેરોસિસના છે. આ રોગ આમ તો કોઈ પણ વ્યક્તિને અસર કરી શકે છે, પરંતુ મોટા ભાગે એ ૨૦-૪૦ વર્ષની ઉંમરની વ્યક્તિમાં વધુ જોવા મળે છે. યુવાન વયે સેન્ટ્રલ નવર્‍સ સિસ્ટમમાં પ્રૉબ્લેમ કરતો આ રોગ વ્યક્તિ માટે જિંદગીભરની ડિસેબિલિટી એટલે કે ખોડખાંપણ લઈને આવી શકે છે.

 

આવતી કાલે ઇન્ટરનૅશનલ ડે ઑફ પર્સન્સ વિથ ડિસેબિલિટી છે ત્યારે આવો આજે સમજીએ આ રોગને જે માણસને થોડા-થોડા સમયે જુદા-જુદા પ્રકારના અટૅક દ્વારા શારીરિક અને માનસિક રીતે અક્ષમ બનાવતી હોય છે.

 

રોગ

સેન્ટ્રલ નવર્‍સ સિસ્ટમને અસર કરતો આ રોગ મુખ્યત્વે ૨૦-૪૦ વર્ષના લોકોને વધારે અસર કરે છે. જોકે કોઈ પણ ઉંમરની વ્યક્તિને આ રોગ થઈ શકે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ રોગ વધુ જોવા મળે છે. આ રોગ એક ઑટોઇમ્યુન ડિસીઝ છે. એ વિશે સમજાવતા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના કૉગ્નિટિવ અને બિહેવ્યરલ ન્યુરોલૉજીનાં સ્પેશ્યલિસ્ટ કન્સલ્ટન્ટ ન્યુરોલૉજિસ્ટ ડૉ. અનુ અગ્રવાલ કહે છે, 'શરીરમાં રહેલા નર્વ ફાઇબર્સની કાળજી રાખતા એના પ્રોટેક્ટિવ આવરણ પર વ્યક્તિની પોતાની ઇમ્યુન સિસ્ટમ જ અટૅક કરે છે જેને કારણે સમગ્ર શરીર અને મગજ વચ્ચેના કમ્યુનિકેશનમાં ભંગાણ પડે છે. મોટા ભાગે મલ્ટિપલ સ્ક્લેરોસિસ ઇમ્યુન સિસ્ટમનો રોગ હોવાને કારણે આ જે અસર થઈ છે એ દવાઓ થકી કે ક્યારેક એની મેળે પણ ઓછી થઈ જાય છે. પરંતુ એ ઇમ્યુન સિસ્ટમનો રોગ હોવાને લીધે જ ફરી પાછો પણ આવી શકે છે. આ રોગના ઘણા દરદીઓને દર બે-ત્રણ વર્ષે અટૅક આવતા જોવા મળે છે. એટલે કે માંડ હજી દરદી બેઠો થયો હોય રોગમાંથી અને ઠીક થાય ત્યાં ફરી તેની હાલત ખરાબ થઈ શકે છે. વળી આ રોગનો ઇલાજ તો છે, પરંતુ સંપૂર્ણ ક્યૉર શક્ય નથી. એટલે કે એક વખત જો આ રોગ થયો તો એ જીવનભર રહે જ છે.'

 

ડિસેબિલિટી ક્યારે?

મોટા ભાગના લોકોને સીધી ડિસેબિલિટી આવતી નથી, કારણ કે જેવાં તેમને કોઈ ચિહ્નો દેખાય કે તેઓ તરત જ ડૉક્ટર પાસે પહોંચી જાય તો દવાઓ દ્વારા જેમાં ખાસ કરીને સ્ટેરૉઇડ્સ વાપરવામાં આવે છે; વ્યક્તિને જલદી ઠીક થઈ શકે છે. આ સિવાય એ વ્યક્તિને ફરી અટૅક ન આવે એ માટેની દવાઓ પણ આવે છે જે અમુક ખાસ કેસમાં ચોક્કસ આપવામાં આવે છે. તો પછી મલ્ટિપલ સ્ક્લેરોસિસ ધરાવતી વ્યક્તિ ડિસેબલ્ડ ક્યારે બને? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. અનુ અગ્રવાલ કહે છે, 'સમજો કે એ જ અંગ પર ફરી-ફરીને અટૅક આવ્યા કરે અને એ અટૅકની તીવ્રતા જો વધુ હોય તો ચોક્કસ એ ભાગને કાયમી નુકસાન પહોંચી શકે છે અને કાયમી ખોડખાંપણ આવી શકે છે. આપણા સમાજમાં એવી વ્યક્તિઓ છે જેમને મલ્ટિપલ સ્ક્લેરોસિસ થયો છે એને લીધે તે સર્પોટ વગર કે પછી સર્પોટ સાથે પણ ચાલી શકતી નથી તો એની સાથે-સાથે એવા દરદીઓ પણ હોય છે જેમને એક વાર અટૅક આવ્યો હતો અને એમાંથી બહાર નીકળ્યા પછી વર્ષો વીતી ગયાં હોવા છતાં તે સ્વસ્થ જીવન જીવી રહ્યા હોય. આ રોગ એવો છે જેની સાથે ઘણીબધી અનિશ્ચિતતાઓ સંકળાયેલી છે. એટલે ઇલાજ હોવા છતાં ડિસેબિલિટી આવી શકે છે.

 

ચિહ્નો

મલ્ટિપલ સ્ક્લેરોસિસમાં મહત્વની બાબત એ છે કે એનાં ચિહ્નો દરદીએ-દરદીએ જુદાં હોઈ શકે છે. જરૂરી નથી કે દરેક દરદીમાં એક જ સરખાં ચિહ્નો હોય. વળી જ્યારે અટૅક ફરી-ફરીને આવે ત્યારે પણ જુદી-જુદી જગ્યાએ જુદાં ચિહ્નો દેખાડે એ શક્ય છે.

૧. શરૂઆતી લક્ષણોમાં મોટા ભાગે બે લક્ષણો સામાન્ય છે, જેમાં આંખના વિઝન પર અસર થવી અને શરીરની એક બાજુના અંગમાં લકવાની અસર હોય એવું લાગવું એ બન્નેનો સમાવેશ થાય છે.

૨. એમાં આંખના વિઝનની વાત કરીએ તો ઘણી વાર આ અટૅકમાં થોડું કે સંપૂર્ણ વિઝન જતું રહેવાની શક્યતા રહે છે. મોટા ભાગે એક આંખમાં એવું બનતું હોય છે અને એ આંખ હલાવો એટલે દુખાવો થાય. લાંબા સમય માટે ડબલ વિઝન થઈ જાય એમ પણ બને.

૩. આ સિવાય સ્ટ્રોકનાં લક્ષણો દેખાય કે શરીરના એક તરફના ભાગમાં ખાલી ચડી ગઈ હોય એમ લાગે કે નબળાઈ આવી ગઈ છે કે હાથથી કંઈ પકડાય નહીં કે પગથી ચલાય નહીં અથવા તો ખૂબ જ પેઇન ઉદ્ભવે એવું લાગે.

૪. ગળામાં એકદમ ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હોય એવા ઝટકા આવે. ખાસ કરીને જ્યારે ગળું આગળની તરફ ઝૂકે ત્યારે.

૫. શરીરમાં ધ્રુજારી જેવું લાગે અને શરીરમાં કો-ઑર્ડિનેશન નથી એવું લાગે.

૬. બોલવામાં ગોટા થઈ જાય. વ્યવસ્થિત બોલી ન શકાય.

૭. થાક ખૂબ જ લાગે.

 

આ પ્રકારનાં કોઈ પણ ચિહ્નો દેખાય તો એ જરૂરી છે કે માણસ તાત્કાલિક હૉસ્પિટલ પહોંચે, કારણ કે જેટલો જલદી આ દરદીઓનો ઇલાજ શરૂ થાય એટલું સારું રિઝલ્ટ તેમને મળી શકે છે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtMSEj_CnzdbSeENZrDQ%3DoyJ9VeRZDG-tKFT9B4n-%2BhgA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment