Saturday, 3 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શનિને કોણ નડતું હશે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શનિને કોણ નડતું હશે?
વિનોદ ભટ્ટ

 


 

આપણા નાટ્યકાર ચન્દ્રવદન મહેતાને ગુજરાત સાહિત્ય અકાદમી સન્માનવા ઈચ્છતી હતી, પણ ચન્દ્રવદન જેનું નામ, એમ કંઈ જલદી કોઈને હાથ ન મૂકવા દે, એટલે અમે કેટલાક મિત્રો તેમને સમજાવવા વડોદરા ગયા. ઘણી લાંબી ચર્ચાને અંતે તેમણે જણાવ્યું : 'હમણાં મારો શનિ ખાડામાં છે… તે ખાડામાંથી બહાર આવે પછી તમને હું જણાવીશ.'


'તમારા શનિને ખાડામાંથી બહાર નીકળતાં કેટલો સમય લાગશે?' અમે જાણવા માગ્યું.


'આજે કઈ તારીખ થઈ?' તેમણે પ્રશ્ન કર્યો.


'પાંચમી….' અમે તારીખ કહી. પોતાની આંગળીના વેઢા ગણી ચન્દ્રવદન બોલ્યા : 'બસ, આ એકવીસમીએ શનિ સુધરે છે….' તેમણે માહિતી આપી, ને બાવીસમીએ તેમણે અમને લખી દીધું કે જાવ, સન્માન હું લઈશ, પણ રકમ નહીં સ્વીકારું…..' અમને એમ લાગ્યું કે કોઈનીય સાડાબારી ન રાખે, કોઈથી ગાંજ્યા ન જાય એવા આ ચન્દ્રવદન પૃથ્વીથી એક અબજ પાંત્રીસ કરોડ કિલોમીટર દૂર રહેલા શનિથી ડરે છે!

 

પણ પછી શનિ વિશે જેમ જેમ અમે જાણતા ગયા તેમ તેમ અમને ખબર પડવા માંડી કે માથાફરેલ આ ગ્રહથી સામાન્ય માણસ જ નહીં, દેવો પણ ગભરાયા હતા. આમ તો શનિને ભગવાન સૂર્યનો પુત્ર ગણવામાં આવે છે, પણ ખુદ પોતાના પરમ પૂજ્ય પિતાશ્રીને પણ તે ગાંઠ્યો નથી.

 

કહે છે કે ભલભલાની ખબર લઈ નાખનાર ને પોતાની ત્રીજી-સ્પેર આંખ વડે સામેની વ્યક્તિને ભસ્મ કરી દેવાની શક્તિ ધરાવનાર ભગવાન શંકરને તેણે સંદેશો મોકલ્યો કે સાવધાન, હવે તમારી ખેર નથી, મારી દશા તમારા પર નાખું છું અને શિવજી શનિની મહાદશાથી, આમ તો પોતાની અવદશાથી, બચવા હાથીમાં રૂપાંતર પામી જંગલમાં ચાલ્યા ગયા. અત્યારે ભૂગર્ભમાં ઊતરી જવાનો રિવાજ છે એ રીતે તે સમયમાં જંગલમાં જતા રહેવાનો રિવાજ હતો. જંગલની જેલમાં લાંબો સમય રહેતાં કંટાળો આવવાથી તે પોતાના અસલ નિવાસ "કૈલાસધામ"માં પાછા ફર્યા. ને શનિને બોલાવીને હળવાશથી કહ્યું કે બોલ, તું મને સહેજ પણ નુકશાન કરી શક્યો? મારો વાળ પણ વાંકો કરી શક્યો? જવાબમાં શનિએ હસીને જણાવ્યું કે સંહારના દેવતા ગણાતા આપને હાથી બનીને જંગલમાં સંતાઈ જવું પડ્યું એ ઓછી દશા કહેવાય! આ જ તો મારો પ્રભાવ હતો.

 

ભગવાન રામચન્દ્રએ સિંહાસન પર બેસવાની તમામ તૈયારીઓ કરી નાખી હતી. તેમના માથાના માપનો મુગટ પણ મહેલમાં આવી ગયો હશે, ત્યાં જ શનિએ પોતાનો પરચો બતાવ્યો. રામચન્દ્રજીએ સત્તાવિહોણા કરવા પાછળ કૈકયીનો નહીં, શનિનો હાથ (કે પછી પગ) હતો, રાજા થવાનું તો એક બાજુ રહ્યું, તેમને ચૌદ વર્ષ વનમાં ભટકવું પડ્યું. અને ભગવાન શ્રીકૃષ્ણ, નાનપણમાં તે માખણ ચોરીને ખાવાની નિર્દોષ પ્રવૃત્તિઓ કરતા, પણ શનિના કારસ્તાનને કારણે એકવાર તેમના પર મણિ ચોરવાનો આરોપ મુકાયો હતો. વિશ્વની સૌ પ્રથમ કુરિયર સર્વિસ આપનાર નળને પણ શનિએ રસ્તે રઝળતો કરી મૂક્યો હતો. અને હરિશ્ચંદ્ર માત્ર સત્યવાદી હોવાને કારણે નહીં, પણ શનિના સતાવ્યાથી ધાનધાન ને પાનપાન થઈ ગયો હતો. શનિમાં 'સૅન્સ ઑફ હ્યુમર' કહેતાં વિનોદવૃત્તિ અતિ અલ્પ પ્રમાણમાં હોઈ શામળ ભટ્ટની સિંહાસન બત્રીસીમાં આવતી એક વાર્તા પ્રમાણે પરદુ:ખભંજન રાજા વિક્રમે શનિની ટીખળ કરવાને કારણે વીર અટકધારી આ વિક્રમને પણ હેરાન-પરેશાન કર્યો હતો.

 

આ પરથી લાગે છે કે શનિની હૉબી ચમરબંધીઓને જ સતાવવાની છે. ગરીબોને તે પજવતો નથી, પડેલા પર પાટુ કોણ મારે એવી જ દયાની વૃત્તિ તેનામાં ઊંડે ઊંડે પડી હશે. સિંહ રાશી ધરાવતા અમારા એક મિત્ર મહેશને, એ જ રાશિધારી તેના ભાઈ મયૂરે એક વાર કહ્યું: 'મહેશિયા, આપણો શનિ સુધરી રહ્યો છે….' જેના પ્રત્યુત્તરમાં મહેશ બોલ્યો: 'આપણો શનિ સુધરવાથી બીજું તો શું થશે, આપણને ઉધાર ધીરવાવાળા બે જણ વધારે મળશે….'

 

આ શનિ સગપણમાં યમનો મોટો ભાઈ હોવાનું મનાય છે. યમ માણસને એક ઝાટકે પતાવી દે છે, આ શનિ ટી.વી. પરની લાંબી સિરિયલની જેમ રિબાવી રિબાવીને મારે છે…. હિન્દી ફિલ્મોમાં કેટલાંક પાત્રો વિલન તરીકે જ શોભતાં હોય છે, એ રીતે આકાશમાં વિહરતા નવ ગ્રહોમાં એક તગડા ખલનાયક તરીકે શનિ રીમોટ કન્ટ્રોલથી માણસોનાં સુખો પર નિયંત્રણ કરે છે. જોકે શનિનું નંગ વીંટીમાં જડી દેનાર સોનીઓ એવી ફરિયાદ ક્યારેય નથી કરતા કે અમને શનિ નડે છે. હા, આ ગ્રહની વીંટી પોતાના માટે બનાવનારને કેટલીક વાર શનિ તેમજ સોની એક સાથે નડે છે, પણ એ પાછી જુદી વાત થઈ.

 

આ શનિ કેટલીક વ્યક્તિઓને તો છત્રીસ વર્ષ સુધી કુંવારા રાખીને સુખનો અનુભવ કરાવે છે, પણ એ મૂર્ખ લોકોને સુખની વ્યાખ્યાની ખબર નહીં હોવાને લીધે એ લોકો એવું માનવા પ્રેરાતા હોય છે કે શનિના નડતરને કારણે અમારું ચોકઠું બેસતું નથી. બેઠાં પહેલાં ઊખડી જાય છે. પોતાનું લગ્ન નહીં થવાનો દોષ તે શનિ પર ઢોળી દે છે. જ્યોતિષીઓ પણ આવા લોકોને દિલાસો આપતા કહેતા હોય છે કે જન્મકુંડલીમાં જો સ્વગ્રહી, ઉચ્ચનો યોગકર્તા કે શુભદ્રષ્ટિ વગરનો શનિ બીજે, ચોથે, છઠ્ઠે, સાતમે, આઠમે, બારમે અને લગ્નમાં પડ્યો હોય તો આવા જાતકોનાં લગ્ન 36 વર્ષ સુધી લંબાઈ જાય છે, અને જો કોઈ જાતક શનિની ઐસી તૈસી કરી આ ઉંમર પહેલાં કોઈને પરણી બેસે તો આ લગ્નને શનિ અર્થહીન બનાવી દે છે, જાતક પણ 'અર્થ' હીન બની જાય છે ને 36 વર્ષ પૂરાં થતાં પહેલાં લગ્ન પૂરાં થઈ જાય છે.

 

જેને ભવિષ્યની ચિંતા ન હોય ને જ્યોતિષમાં શ્રદ્ધા ન હોય એવા લોકો માટેય શનિ અભ્યાસલાયક ગ્રહ છે. આ શનિ નામનો ગ્રહ ઑફિસે નોકરી કરવા જતા સરકારી કર્મચારી જેવો અત્યંત ધીમો છે. તેની ચાલ ગજગામિનીને ઝડપી કહેવડાવે તેવી હોવા છતાં તેનું વાહન ગજને બદલે કાગડો છે. તે સૂર્યથી 88 કરોડ 60 લાખ માઈલ દૂર છે. સ્વભાવે તે ચીકણો ને ચોંટું હોવાને લીધે દરેક રાશિમાં તે અઢી વરસ સુધી રહી જાય છે. ને 30 વર્ષે આખી રાશિમાળા પૂરી કરે છે. ભાડવાતની જેમ જે ઘરમાં રહે છે તેમાં નુકશાન કરે છે, સાથે પાસ-પડોશના ગ્રહોને પણ પજવે છે. તે રીઝે તેને ન્યાલ કરે છે ને જેના પર ખીજે તેની ખાલ ખેંચી નાખે છે. જ્યોતિષની દષ્ટિએ સૂર્ય એક રાશિ પર એક મહિનો નિવાસ કરે છે, ચન્દ્ર કોઈ હૉટલમાં ઊતરતો હોય એ રીતે એક રાશિ પર માત્ર સવા બે દિવસ રહે છે. મંગળનો મુકામ દોઢ મહિનો હોય છે. પણ આ શનિ સૌથી વધારે 30 મહિના – અઢી વરસ સુધી એક જ ઘરમાં વસે છે. એનું એક કારણ કદાચ એ હશે કે સ્વભાવે ધીમો ને આળસુ હોવાને લીધે જલદી ઘર બદલતાં કંટાળતો હશે. આપણે ત્યાં લીવ ઍન્ડ લાઈસન્સ અગિયાર માસ ને અમુક દિવસોનું હોય છે એ રીતે શનિ અન્ય રાશિઓ પર અઢી વર્ષના કરારથી રહેતો હોવો જોઈએ.

 

એમ કહેવાય છે કે માણસ અમુક ઉંમરે થોડો ઘણોય સુધરતો હોય છે, પણ શનિની ઉંમર લાખો વર્ષની હોવા છતાં તે એવો ને એવો જ છે. વેદ ને પુરાણોમાં તેનો ઉલ્લેખ છે એટલે એમના કરતાં તો ઘણો પુરાણો તે હશે. છે તેની છાપ પોલીસ જેવી, લાગમાં આવે તો સગા બાપનેય ન છોડે. પોતાનામાં પડેલા શનિના પ્રભાવને કારણે જ પોલીસો પણ આ રીતે વર્તતા હોવા જોઈએ. શનિને લોખંડનો સ્વામી ગણવામાં આવ્યો છે, એટલે જીવનમાં લોઢાના ચણા ચાવવા ન પડે એ વાસ્તે શનિથી પીડિત લોકો પોતાના ઘરની બાર સાખ પર ઘોડાની નાળ જડાવે છે. કેટલાક શેખચલ્લીઓ ઘોડાની નાળ પોતાના પાટલૂનના ખિસ્સામાં એટલા માટે રાખે છે કે પછી તો એક ઘોડો ને ત્રણ નાળ જ લાવવાનાં રહે!

 

શનિથી ડરીને ચાલનારાં, તેને રીઝવવા માટે કાળા રંગની વસ્તુ ને કાળું વસ્ત્ર વગેરે ભેટ તરીકે ચડાવે છે. કાળાં નાણાંથી તેને રીઝવી શકાય કે કેમ એ સંશોધનનો વિષય છે. આપણે આગળ જોયું તેમ શનિનું વાહન કાગડો છે. કાગડાનો રંગ કાળો હોવાને લીધે જ તેના પર શનિએ પસંદગી ઉતારી હોય એવું જણાય છે. આમ શનિને વિહાર કરવા તેમજ ઈસપના શિયાળને લુચ્ચાઈથી પૂરી પડાવવા માટે કાગડાએ જન્મ ધર્યો છે. આ શનિને પહેલી વાર 1610ની સાલમાં ગેલિલિયોએ તેના નાના દૂરબીનથી જોયો હતો ને પછી તો શનિએ પણ ગેલિલિયોને જોઈ લીધો હતો – તે કરુણ રીતે ગુજરી ગયો હતો એ આપણે જાણીએ છીએ. શનિના ગોળાની બન્ને બાજુએ તેણે નાના નાના ધબ્બા જોયા એટલે તેને થયું હતું કે શનિને પણ આપણી જેમ બે કાન છે કે શું! દીવાલને પણ કાન હોય છે એ કહેવતની ખબર આપણને દીવાલો ચણ્યા પછી પડી, પરંતુ શનિને પણ કાન હોય છે એ વાત પહેલવહેલી આપણને ગેલિલિયોએ કહી.

 

શનિનો વ્યાસ 1,20,000 કિલોમીટર છે. શનિમાં ધીમી અણુભઠ્ઠી બળી રહી છે. ભવિષ્યમાં પ્રજા ત્યાં વસવાટ કરશે તો તેને ગૅસના બાટલાનો ભાવ ચૂકવે છે એ કરતાં ઓછો ચૂકવવો પડશે, સિવાય કે આ અણુભઠ્ઠી તેમજ તમામ પ્રકારના વાયુ સરકાર પોતાના હસ્તક લઈ લે. આ શનિ પાસે પોતાની માલિકીના કહી શકાય એવા 23 ઉપગ્રહો છે. કોઈ ઈન્કમટૅક્ષ અધિકારીને થશે કે શનિએ તેના આ ઉપગ્રહો વેલ્થટૅક્ષના રીટર્નમાં બતાવ્યા હશે! સૂર્યમાળા કરતાં પણ વધારે સભ્યો તે ધરાવે છે. 'ઓછા બાળ જય ગોપાળ' વાળું સૂત્ર ત્યાં પહોંચ્યું નહીં હોવાથી શનિનો પરિવાર ખાસ્સો બહોળો છે. શનિની ધરી લગભગ 27 અંશે ઝૂકેલી છે અને પૃથ્વીની ધરી 23.5 અંશે ઝૂકેલી છે. આ પરથી એવું અનુમાન કરી શકાય કે જરૂર જણાય ત્યાં શનિને ઝૂકી પડતાંય આવડે છે.

 

આપણે ત્યાં ઋતુઓ ચાર મહિના ચાલે છે, જ્યારે શનિ પર એક જ ઋતુ લગભગ દસ વર્ષ ચાલે છે. ત્યાં પાનખર દસ વર્ષ જેટલી લાંબી હોય છે ને વસંત પણ દસ વર્ષ જેટલી ટકાઉ હોય છે. આપણા કોઈ કવિએ કહ્યું છે કે મુંબઈમાં તો કેલેન્ડર જોવાથી જ ખબર પડે છે કે વસંત આવી છે, શનિ પર કેલેન્ડર બનાવવાના ધંધાને ખાસ વેગ મળી શકે કે નહીં એ માટે કોઈ વૈજ્ઞાનિક કે પછી જ્યોતિષીને પૂછવું પડે. શનિ વજનમાં એટલો બધો હલકો છે કે જો તેને ઊંચકીને પાણીની ભરેલી એક ડૉલમાં નાખવામાં આવે તો તે તરે. તે ઘણા લોકોને ડુબાડે છે, પણ પોતે તરી શકે એટલો હલકો છે. શનિનો પ્રભાવ દાહક છે, પણ તેની પ્રકૃતિ ઘણી ઠંડી છે. શનિ પર ઉષ્ણતામાન 327 અંશ સેલ્સિયસ છે. આપણે હવે એ શોધવાનું રહે છે કે ઘણા બધાને રંજાડનાર, નડનાર આ ગ્રહ શનિને કોઈ નડે છે ખરું!!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OujZRkx--Q%2BSUn2NsQWBNrq3VMGzqw1mtGTWTN2RxE3oQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment