Tuesday, 27 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ રોમેન્ટિક માઉન્ટ આબુ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રોમેન્ટિક માઉન્ટ આબુ!
અશોક દવે

 

 

મુહમ્મદ રફીનુ એક ગીત આપણા બધાનું લાડકું ગીત છે, ''જાગ દિલ-એ-દીવાના, રૂત જાગી, વસલે યાર કી'' (ફિલ્મ 'ઊંચે લોગ' : સંગીત ચિત્રગુપ્ત) આ ગીત મને ગમવાનું કારણ માઉન્ટ આબુ અને એમાં ય આ ઑગસ્ટ મહિનો. સદીઓથી દર વર્ષે ઑગસ્ટમાં હું માઉન્ટ આબુ જવાનો એટલે જવાનો જ. ત્યાં મસ્તીનો ઝીણીયો- ઝીણીયો વરસાદ હોય, ગુજરાતમાં ક્યાંય જોવા ન મળે, એવું આપણા પહેલા ખોળાના સંતાન જેવું ધુમ્મસ (fog) હોય.. એન્ડ ઍબોવ ઑલ, મહાદેવજીના ગળામાં સર્પોની માળા હોય, એવી ત્યાંની પહાડીઓને વીંટળાયેલા ખાલીખમ રસ્તા ઉપર અકળ શાંતિ વચ્ચે, વરસાદની ઝરમર- ઝરમર ફૂહારો પડતી હોય ને ધોળું ધોળું ધૂમ્મસ આપણા તનબદનમાં લખલખાં ફેલાવી દેતું હોય...!


બસ... હવે આગળનું કોઇએ મારા સિવાય ધારી લેવાનું નથી. ચિત્ર આવું બેનમૂન બનાવ્યું હોય, એ પછી પહાડ નીચેની ભીની વરસાદી સડક ઉપરથી આપણા ખભે માથું ઢાળીને કોઇ મંદમંદ ચાલતું હોય, ભીની ભીની ચદરીયા જેવી એ આપણને લપટાયેલી હોય, એ શકુંતલા ને આપણે દુશ્યંત હોવાનું ફીલ કરી રહ્યા હોઇએ, આપણા ચેહરા પરથી વરસાદનું ઠંડુ પાણી એના ચેહરા પર પડતું હોય.. કોઇ જોનારૂં ન હોય ત્યારે જે જે કરી લેવાનું હોય, એ બહુ ભોળાભાવે આપણે કરવા માંડયા હોઇએ, (હું બરોબર જઇ રહ્યો છું ને...?) ત્યારે વાતાવરણમાં રફી સાહેબનું આ 'જાગ દિલ-એ-દીવાના, રૂત જાગી, વસલે યાર કી' દૂર દૂર કોઇ ગાતું હોય. ઓહ... રોમાન્સ ને બસ.. રોમાન્સ.


પ્રેમ અથવા પ્રેમો કરવા માટે આપણા ખભે માથું મૂકીને ચાલનારી, વાછટીયો વરસાદ અને માહૌલ આવા મળવા જોઇએ. આનાથી વિરૂદ્ધ વાતાવરણ હોય તો એક તબક્કે મોટું મન રાખીને પ્રેમો તો જાણે પતાવી દઇએ, પણ પહાડી રસ્તાઓ ઉપર સાથે ચાલવા માટે પાત્ર ગમે તેવું આવી ગયું હોય તો, 'સિઝલર્સ'ની સાથે પાણી-પુરી ખાતા હોઇએ એવું લાગે.. આપણી સાથે પાર્ટી આવી જ ચાલવાની હોય, તો માઉન્ટ આબુને બદલે ઉંઘમાં ચાલી આવવું સારૂં... સુઉં કિયો છો?


પ્રેમને સ્થળ અને પાત્ર સાથે ગહેરો સંબંધ છે. ૪૦- કીલોવાળી પ્રેમિકા ઉઘરાવી લાવ્યા હોય તો આબુ-ફાબુ ન લઇ જવાય.. ભારે પવનમાં એ ઊડી જાય. આવીઓ તો ૫-૧૦ ભેગી કરીને તરણેતરના મેળામાં લઇ જવાય. મેળામાં ખોવઇ જાય તો વાંધો નહિ. (એ ક્યાં આપણી બહેન હોય તે હિંદી ફિલ્મોની માફક ૧૫-૨૦ વર્ષ પછી પાછી મળી આવે!) એથી ઊલટું, સનમ ૯૦- કિલોનો મોટો ગઠ્ઠો હોય તો બેહતર છે, ઘરમાં ને ઘરમાં હિંચકે બેસાડીને ઝુલાવવી. દેરાસરના પગથીયાં ચઢતી વખતે ય પગનો વા નડતો હોય, એવીઓને માઉન્ટ આબુ લઇ જ ના જવાય, ને લઇ જ જવી પડે એમ હોય તો ફાયદો એક જ થાય... મોટું અને કાળું રીંછ સામે આવીને ઊભુ રહી જાય તો પહેલા આને ખાઇ જાય.. આપણે બચી જઇએ. બાકી બધું નુકસાન જ છે! (આ મહેચ્છામાં રીંછોને બીવડાવી મારવાનો કે કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડવાનો અમારો ઇરાદો ન હતો.) હમણાં હમણાંથી કહે છે કે, ત્યાં રીંછોની વસ્તી અને કનડગત બહુ વધી ગઇ છે.


વર્ષો પહેલાં, અમારા હનીમૂન માટે અમારે માઉન્ટ આબુ જવું હતું. મને હનીમૂનની મોટી હૉબી. વારંવાર જવું ગમે. પણ કહે છે કે, એમાં તો લગ્ન કરેલા હોવા જોઇએ. એકલા-એકલા ના મજા આવે. પછી એક્ચ્યુઅલી લગ્ન થયા એટલે આબુ નક્કી કર્યું. કહે છે કે, માઉન્ટ આબુમાં હનીમૂનો સારા થાય છે. બીજા સ્થળો પર તો સ્કૂલના ટીચર બાળકોને શૈક્ષણિક પ્રવાસે લઇ આવ્યા હોય, એવા હનીમૂનો જોવા મળે છે... આપણને કાંઇ નવું શીખવા ન મળે!


આમાં ભરાઇ ક્યાં જવાય છે કે, વાઇફોને હનીમૂનોનો સહેજ બી અનુભવ હોતો નથી. બધું શીખવાડવું પડે. વાસણ કે કપડાં-લત્તા ન આવડતા હોય તો એની માને દોષ દઇએ... પણ હનીમૂનમાં વાઇફ લોચા મારે તો ઝઘડવા નથી બેસાતું કે, તારી મૉમે કંઇ શીખવાડયું - બીખવાડયું નથી? અહીં ખોટા ટાઇમો બગડે છે..''


તાલીમની અછતનો પહેલો ગેરફાયદો એ થયો કે, શરૂઆત શેનાથી કરવી, એની અમારા બેમાંથી કોઇને ખબર નહિ. હનીમૂનોમાં પહેલા બોટિંગ કરવું કે ઘોડેસવારી કરતા ફોટા પડાવવાના હોય, એની બાતમી અમારી પાસે નહોતી. કોઇકે જો કે, ધ્યાન દોર્યું કે, સુદ્રઢ અને સ્વચ્છ હનીમૂનોમાં તો પહેલા કોક સારી હોટેલ બુક કરાવવાની હોય છે.


નોર્મલી, તો આપણા જેવા સારા ઘરની વાઇફોને એમની બાઓ ઘેરથી બધું શીખવાડીને જ મોકલતી હોય છે, જેથી ક્યારે શરમાવું, ક્યારે ઘૂંઘટ ઊંચો કરવો ને ક્યારે નવાનવા વરની સામે જોઇને ઝીણકા સ્માઇલ સાથેનો છણકો કરવો, એ બધું એ લોકોને આવડતું જ હોય. (અહીં એક હકીકતદોષ સમજવોઃ ઘુંઘટો એ લોકો ઊંચા ના કરી આલે... એ આપણે કરવાનો હોય... ને એ પણ, ગુમાસ્તાધારા મુજબ સવારના ૮ વાગે, દુકાનદાર બે હાથે શટર ઊંચુ કરે, એવી રીતે ઘૂંઘટ ન ખોલાય. આમાં તો અત્યંત નાજૂક હાથોએ કામ લેવાનું હોય છે. સાઉથમાં તો કહે છે કે, ઘૂંઘટમાં ભરાવેલી પિનો એ લોકો પહેલા કાઢી નાંખતા હોય છે, જેથી ખરે વખતે વાળમાં ભરાઇ ના જાય.


પહેલીવાર હનીમૂન પર જનારાઓ માટે જાણવા જેવું એ પણ છે કે, ઘુંઘટ ઉઠી-બુઠી ગયા પછી સાજણના નમેલા નયનોને ઊંચા કરવા, આપણા જમણા હાથની પહેલી આંગળી વડે, એની દાઢી નીચે હળવેકથી આંગળી મૂકી ચેહરો ઊંચો કરી આલવાનો હોય છે. એ આપણી સામે પલભર જોઇને મંદમંદ હસે ત્યારે બોલવાનું, ''શરમા રહી હો...?''


બસ. ખતમ હવે પછીની વિધિઓ માટે સ્વાવલંબી બનવાનું. બધું કાંઇ માસ્તર ના શીખવાડે. કોઇ પંખો ચાલુ કરો....!


વિદેશોમાં તો કહે છે કે, ઘુંઘટ- પદ્ધતિ જ નથી હોતી. ત્યાં તો વગર ઘુંઘટે હનીમૂનો થતા હોય છે. અલબત્ત આપણે ત્યાં હનીમૂનોનો મોટો મહિમા કવિઓએ ગાયો છે. અનેક ગઝલો હનીમૂનો પર લખાઇ છે, પણ સમજાઇ નથી કે, આ ગઝલના રદીફ-કાફીયા હનીમૂનને લાગુ પાડવાનો છે કે સાહિત્યને!


માઉન્ટ આબુમાં હનીમૂનો જ થાય છે, એવું ય સાવ નથી. અમથા ય બે જણા આવ્યા હોય તો રાધા-કૃષ્ણ બની શકે છે. કેટલાક ખૌફનાક કીસ્સાઓમાં તો સગ્ગા હસબન્ડ અને વાઇફ પણ અહીં આવીને રોમેન્ટિક બની જાય છે. આવા કેસોમાં વાઇફો માટે બે ઘડી ગમ્મત અને હસબન્ડોઝ માટે મજબુરી હોય છે. અહીંના નખી તળાવ પર કપલ ચાલતું જતું હોય, તો એક જ વાર જોઇને તમને ખ્યાલ આવી જાય કે, આવડો આ વર્ષોથી ભરાઇ ગયો છે. એણે હાથમાં માછલીઓને ખવડાવવાનું ચણાનું પડીકું લઇ રાખ્યું હોય, એટલે જેટલો ટાઇમ આની તરફ જોવાનો બચ્યો એ સાચો. બહુ દુઃખી ગોરધનો તો કહે છે કે, માછલીઓના ચણા પોતે ખાઇ જાય છે.


તો બીજી બાજુ, તદ્દન નવાનવા પરણીને આવેલા યુવાન કપલ્સ આબુમાં મોટી કૉમેડીઓ ઊભી કરતા હોય છે. ચાલતા-ચાલતા ય એકબીજાથી ઉખડે નહિ,એ સમજી શકાય, પણ રેસ્ટોરાંમાં ઢોંસા ખાવા ગયા હોય ત્યાં ચમચી- ચમચી બોળીને સાંભાર પેલીને પીવડાવે. આબુમાં કાશ્મિરી ડ્રેસ પહેરીને હાથમાં માટલું પકડીને પેલી પાછી હસતા મોંઢે ફોટા પડાવે. આ તો એમ કહો કે માઉન્ટ આબુના ઘોડાઓના સંસ્કાર સારા, નહિ તો પેલી ઘોડાના ગાલ ઉપર બચ્ચીઓ ભરતા ફોટા પડાવે, એમાં તો ઘોડાઓમાં અંદરોઅંદર સંબંધો બગડી જાય કે નહિ? અલી, કોઇ ઘોડી તારા વરને બચ્ચી કે બચકું ભરી જાય તો તું સહન કરવાની છો? આપણને એમ થાય કે, આ લોકોની બાઓ ય નહિ ખીજાતી હોય!


અમારે તો હવે આ ૬૦-ની ઉંમરે આબુ જવાનું હતું એટલે નવા તો ક્યા અરમાનો લઇને જઇએ? હજી આપણે તો કોઇ શાનદાર હોટેલના સ્વીટના સપનાં જોતા હોઇએ ને એ મારી હાળી દેલવાડાનાં દેરાના દર્શનની જીદો પકડીને બેઠી હોય. આપણે હજી બોટિંગ કરતા કરતા, બોટવાળો જોતો ન હોય ત્યારે વાઇફને એકાદું અડપલું કરવા માંગતા હોઇએ, એમાં એ આપણી ઉંમર યાદ કરાવે, ''હવે નથી સારા લાગતા આ ઉંમરે.. હખણા રિયો!''


એને બસ... એટલી ખબર ન હોય કે, આપણું સંભવિત અડપલું તો બાજુમાંથી હમણાં જ પસાર થઇ ગયેલી બૉટમાં બેઠેલી કોઇ હંસલીને જોઇને સૂઝ્યું હોય...! પંખો ચાલુ કરવો છેએએએ...???

 

સિક્સર
- મલ્ટીપ્લેક્સ સિનેમાઓમાં પોપ-કોર્નના ભાવમાં ઉઘાડી લૂંટ ચલાવે છે, છતાં કોઇના પેટનું પાણી કેમ હાલતું નથી?
- ખરીદનારા બેવકૂફ હોય એમાં એમને શું વાંધો?


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuhVqL01C%3DmwiOnGhb_XcMBKzUD06Wh%3DOebJoC9sdN3GQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment