દિવાળી પૂરી થતા જ ધોકા વગરનું નવું વર્ષ આવે એટલે મને તો જરા પણ ન ગમે કેમ કે એક દિવસ તો માણસને રાહતનો શ્ર્વાસ લેવાનો મળવો જોઈએ કે નહીં? મેં કેટલી મહેનત કરી હોય પછી ઘરવાળાને મનાવ્યા હોય કે ફટાકડા વગરની દિવાળી ઉજવવાની છે, હું પર્યાવરણ પ્રેમી છું, ધુમાડો પર્યાવરણને કેટલો નુકસાન કરે વિગેરે વિગેરે. જો કે મારો વિરોધ દરેક તહેવારો ઉપર હોય જ. જેમ કે હોળી આવે ત્યારે રંગ વગરની હોળી રમવા માટે સહમત કરુ, સંક્રાત વખતે દોરી વગરની પતંગ ઉડાડવા માટે મનાવવાના હોય, ઇકો ફ્રેન્ડલી ગણપતિની વાતો કરીને દિવસો કાઢી ગણપતિ જ ઘેર ન લાવવાના હોય, આ ઘોંઘાટ નુકસાન કરે કહીને નવરાત્રીમાં ડિસ્કો દાંડિયાના પાસ ન લઈ દેવાના હોય અને આ પાછળ મારી ભાવના માત્ર અને માત્ર એટલી જ હોય કે ખર્ચ ન થાય. મારી આ વાત સામે મારી પત્ની એક જ વાક્યમાં વિરોધ કરે અને કહે કે 'તમને તો મૂછો વાળી પત્ની આપી દેવાની જરૂર હતી, એટલે ખબર પડે કે રંગ વગરની હોળી અને પાણી વગરની પીચકારી, દોરી વગરની પતંગ અને ફટાકડા વગરની દિવાળી કેવી લાગે એ સમજાય જાય' પણ મારી સહારે દરેક વખતે સોશિયલ મીડિયા ઊભું જ રહ્યું છે. જેવા તહેવારો આવે કે રાહ જોવાતી હોય કઈ વાતનો વિરોધ નોંધાવવાનો છે! ફેસબૂકમાં આવા વિરોધિયા મિત્રોને હું આવા સમયે ક્લોઝ ફ્રેન્ડમાં રાખી દઉં એટલે એમના નોટિફિકેશન ફ્રંટ પેઇજ પર દેખાઇ આવે અને મારા પત્ની શંકાના લીધે મારો મોબાઇલ રેગ્યુલર ચેક કરે જ છે તો એ બહાને વાંચી લે. દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતા દિવસને અમારે ત્યાં ધોકો કહેવામાં આવે છે. આ શબ્દ શોધકને કોણ સમજાવે કે અમારે તો રોજ ધોકા જ ઉડતા હોય છે! મારી આ ધોકા પાછળની એક ભાવના એવી પણ ખરી કે જો આ દિવસે જેટલાં ખવાઇ એટલાં ધોકા ખાઇ લઇએ તો આવતા વર્ષમાં કદાચ રાહત મળે. મને નવા વર્ષનો બહુ ઉત્સાહ હોય અને કેમ ન હોય રંગબેરંગી રંગોળીઓ, નવા કપડા, મીઠાઇઓ, નાસ્તાઓ, તૈયાર થયેલી અને માથામાં તાજો કલર કરાવેલી સ્ત્રીઓ અને જાણે બધું જ નવું નવું. જૂના વર્ષને વાગોળી જુઓ એટલે તમને ખબર પડશે કે કેટલું કેટલું કર્યું તો પણ ભેગું ન થયું એ ન જ થયું. જૂનો ભંગાર, કચરો, થયેલા અનુભવો બધાની ઝોળી આ નવા વર્ષમાં જ ખાલી થાય કેમ કે નવા નાકે દિવાળી કરવાની હોય. નવા વર્ષે નવી આશાઓ હોય. એમ થાય કે ઇશ્ર્વર આ નવું વર્ષ તો એવું આપશે કે આપણે કંઈક કરી બતાવીશું. આજ દિવસ સુધીનો દાખલો નથી બેઠો કે ગયા વર્ષ કરતાં નવું વર્ષ સારુ ગયું હોય! પણ માણસ છીએ એટલે આશા તો રહેવાની જ. નવા વર્ષે નવા પ્લાનિંગ હોય. આ વર્ષમાં ઓછામાં ઓછા સ્ટેન્ડ અપ કોમેડીના ૧૦૦ શો તો કરવા જ છે અને ભાવમાં પણ ૧૦૦૦૦ રૂપિયાનો વધારો કરવો છે. આમ મારી પાસે ૧૦૦૦૦૦૦ રૂપિયા તો સાવ વધારાના આવશે. આ રૂપિયામાંથી સૌથી પહેલા તો ૪ જોડી કપડા સિવડાવવા છે એટલે રિપીટ પ્રોગ્રામ થાય તો એમ ન કહે કે એકને એક ઝભ્ભો અને કોટી પહેરીને પ્રોગ્રામ આપે છે. કારના સ્પેર વ્હીલ સહિતના ટાયર બદલી નાખવા છે. ઘરનું કોમ્પ્યુટર બદલીને આઇ મેક જ લઈ લેવું છે. પલંગને હવે વર્ષો થઈ ગયા છે અને મારી તેમજ પત્ની બંનેની સાઇઝમાં વધારો આવ્યો છે તો સહેજ મોટી સાઇઝનો બનાવવો છે. તમે જ વિચારો કે જો ગયા વર્ષમાં આવું કંઈ કરી શક્યો? સપનામાં તો સપનામાં પણ નવા વર્ષમાં સારુ થવાની આશા તો જાગી. હવે તમે જ કહો નવું વર્ષ મને કેમ ન ગમે??? મને યાદ છે અમારા સમયે દિવાળીના બે દિવસ અગાઉથી જ એક વાત માટે સક્રિય થઈ જતા. આઠ દસ મિત્રો મળીને તપાસ આદરી દઇએ કે કોના ઘરમાં શું બનવાનું છે. આઇ.બી. કરતા પણ અમારી ટોળકી વધુ સારી રીતે માહિતી મેળવી લેતા. ભણવાની નોટ ક્યારેય બનાવવાનો દાખલો નથી પણ કોના ઘેર શું બનવાનું છે એ નોંધ ટપકાવવામાં આવતી અને જેવું બેસતું વર્ષ આવે એટલે કોના ઘેર ક્યા નાસ્તા માટે ધાડ પાડવાની છે તેની વ્યવસ્થા થઈ જ ગઈ હોય. એ સમયે નાસ્તો બનાવવાનો ઘરની સ્ત્રીઓને એક ઉત્સાહ રહેતો. ઘારી, રાતડા, ખારા મીઠા શક્કરપારા, ઘૂઘરા, મઠિયા, સેવ, ગાંઠિયા જેવા નાસ્તાઓની ભરમાર થતી. ટોળામાં નાસ્તો કરવા જઈએ એટલે પ્રેમિલામાસી અડધું મઠિયું, બે શક્કરપારા અને ચપટીક ચવાણું આપે પણ આપણે બંદા બીજા મહેમાન આવે તેની રાહ જોઈને બેસીએ એટલે ફરી નાસ્તો મળે અને એ બચારા શરમના માર્યા આપી પણ દે. જાગૃતિ માસીના ઘૂઘરા એટલે ખાવા માટે અંદરો અંદર બથ્થમબથી આવ્યાના દાખલા બેઠાં છે. અમારી જ્ઞાતિના નવા વર્ષના મેળાવડામાં ગરમા ગરમ જલેબી ખવડાવવામાં આવતી. આ વખતે બાજુમાં બાસુંદી પણ ઢાંકેલી એટલે અમે બીજા ચાલુ કરે એ પહેલા મેં અને ચૂનિયાએ બે બે વાટકા ભરીને બાસુંદી લીધી અને એમાં જલેબી પણ નાખી. જેવા ખાવાનું શરૂ કર્યું એવો ચૂનિયો જ્ઞાતિના વડાઓ સાથે ઝગડો કરવા ગયો કે 'જો ફંડ ઘટતું હોય તો અમે ફાળો કરી આવીશુ પણ આવી ખાટી બાસુંદી કેમ રાખી?' પણ તપાસના અંતે ખબર પડી કે એ સફેદ કલરનું ઘટ્ટ પ્રવાહી બાસુંદી નહોતી પણ જલેબીનું ખીરુ હતું! ચૂનિયાએ તો પછી ખાંડ ખાઈ લીધી, ઘી પી લીધું અને તડકામાં ઊભો રહી ગયો કે અંદર તો જલેબી બનશે જ ને! અમારા પાડોશી સંગીતા બહેન તો લાભ પાંચમે અમારી ટોળકીને ખાસ ભેળ ખવડાવવા બોલાવતા પણ આટલા વર્ષે ખબર પડી કે વધેલા નાસ્તામાં આંબલીનું પાણી નાખીને અમને આપી દેવામાં આવતું. લોકો ૧લી જાન્યુઆરીએ નવા સંકલ્પો કરે પણ હું વર્ષમાં બે વાર સંકલ્પો કરુ. આ નવા વર્ષે મેં સંકલ્પ કર્યો છે કે કોઈને ઉછીના ન આપવા. ઉછીના આપ્યા પછી સંબંધો બગડે છે. આ એક માત્ર સંકલ્પ એવો છે કે જેને હું કોઈ પણ સંજોગોમાં વળગી રહીશ કેમ કે મેં માત્ર ઉછીના લીધાં જ છે કેમ કે ઉછીના આપવા માટે મારી પાસે ક્યારેય રૂપિયા ક્યારેય હોતા જ નથી. બાકી હું ૧લી જાન્યુઆરીએ બે જ પેગ પીવા એવો સંકલ્પ કર્યો હોય એ દિવાળી સુધીમાં પાંચ પેગે પહોંચી જ જાય છે એટલે દર નવા વર્ષે ફરી એ સંકલ્પ કરુ કે બે જ પેગ પીવા. જો નવું વર્ષ બે વાર ન આવતું હોત તો હું કેટલાં પેગે પહોંચત? એક સંકલ્પ તો ખાસ કર્યો છે કે જેવો પેટ્રોલનો ભાવ ૩૫ રૂપિયા થઈ જાય એટલે ગામમાં કોઈના ઘેર ચૂલો સળગવા નથી દેવો, આખું ગામ ધુમાડાબંધ જમાડવું છે. સરકાર આટલું બધું કરે તો જનતા તરીકે મારી ફરજમાં પણ કંઈ આવે કે નહીં? તમે પણ નવા નવા સંકલ્પો કરી લો એટલે નવું વર્ષ જીવવાની મજા આવે કેમ કે દુ:ખી તો બધા જ છે, જે જીવન છે એ માત્ર આવી બે ત્રણ ક્ષણનો આનંદ છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuDJVVj8UZovPKcV-fY9byG5Q%2BPGZo%3DCjFCz1cEQ8OhYw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment