એટલે જો પરિવારમાં બે વ્યક્તિઓને આ કૅન્સર હોય તો એ વ્યક્તિઓનાં ભાઈ-બહેન અને પુત્ર-પુત્રી કે પૌત્ર-પૌત્રીએ પણ આ બકલ મ્યુકોસા નામની જિનેટિક ટેસ્ટ કરાવવી જોઈએ જેનાથી ખબર પડી શકે છે કે તેમને આ કૅન્સર થવાની કેટલી શક્યતા છે. જો રિસ્ક હોય તો પ્રિવેન્ટિવ સર્જરી કરાવીને આ કૅન્સરથી બચી શકાય છે કૅન્સર એક એવી બીમારી છે, જે વારસાગત આવી શકે છે. ઘણાં જુદાં-જુદાં કારણો છે કૅન્સર થવા પાછળ. પરંતુ તમારા કુટુંબમાં કૅન્સર છે તો એ તમને પણ થઈ શકે છે, કારણ કે આ એક જિનેટિક બીમારી પણ છે. હાલમાં રાયગઢ જિલ્લાના પેણમાં રહેતા એક કુટુંબમાં પિતાને આંતરડાનું કૅન્સર હતું અને તેમનું પચાસ વર્ષે ઑપરેશન કરવામાં આવ્યું અને તેમને બચાવવામાં આવ્યા એના દોઢ વર્ષ પછી તેમના જ દીકરાને ૧૯ વર્ષે આંતરડાનું કૅન્સર આવ્યું હતું. તેનું હાલમાં એક મહિના પહેલાં જ ઑપરેશન કરીને તેને બચાવવામાં આવ્યો. ૧૯ વર્ષ જેટલી નાની ઉંમરે એક છોકરાને કૅન્સર આવી શકે એ કલ્પના જ અઘરી છે. ડૉક્ટરો પણ આ ઉંમરના દરદી આવે તો તેનાં ચિહ્નો જોઈને બીજા પ્રૉબ્લેમ્સની સંભાવના ચકાસતા હોય છે અને જાતજાતની ટેસ્ટ કરવામાં સમય વેડફાય ત્યાં સુધીમાં કૅન્સર ઘણું વધી જાય છે. પરંતુ આ છોકરામાં કદાચ નિદાન જલદી એટલે શક્ય બન્યું, કારણ કે તેના પિતાને પણ આ કૅન્સર હતું. નવાઈની વાત એ છે કે તેના પિતાને આંતરડાના જે ભાગમાં કૅન્સર હતું એ જ ચોક્કસ ભાગમાં આ છોકરાને પણ હતું. જીન્સ કેટલી હદે અને કઈ રીતે કામ કરતા હોય છે એ આ ઉદાહરણ પરથી સમજી શકાય.
નિદાન મુશ્કેલ આંતરડાના કૅન્સરને કોલન કે કોલોરેક્ટલ કૅન્સર કહે છે. વ્યવસ્થિત સમજીએ તો કોલોરેક્ટલ કૅન્સર એ કૅન્સરની એવી ગાંઠ છે જે મોટા આંતરડાની દીવાલની અંદર ઉદ્ભવે છે. અમેરિકામાં આ કૅન્સરને પુરુષોમાં થતું ત્રીજા નંબરનું અને સ્ત્રીઓમાં થતું ચોથા નંબરનું કૅન્સર ગણવામાં આવે છે. આંતરડાનું કૅન્સર પેટમાં ઉદ્ભવતાં અલગ-અલગ અંગોમાંનાં કૅન્સરમાંથી એક છે, જેનું જલદી નિદાન કરવું મુશ્કેલ છે; કારણ કે એનાં ચિહ્નો પહેલા સ્ટેજમાં બહાર દેખાતાં નથી. જોકે અમુક સામાન્ય ચિહ્નોને જો સમયસર ઓળખી કાઢીએ તો બચવું શક્ય છે. બીજાં કૅન્સરની જેમ જ આ કૅન્સરને પણ જો જલદી શરૂઆતી સ્ટેજમાં ઓળખી લેવાય તો દરદીને ચોક્કસ બચાવી શકાય છે.
ખાસ ચિહ્નો એ માટે અમુક ચિહ્નો પણ ઓળખવાં જરૂરી છે. એ વિશે જણાવતાં ઝેન હૉસ્પિટલ, ચેમ્બુરના ફાઉન્ડર ડિરેક્ટર, ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સજ્ર્યન ડૉ. રૉય પાટણકર કહે છે, 'ખાસ કરીને આ રોગ વંશાનુગત હોઈ શકે છે એ યાદ રાખવું. જો વ્યક્તિનું અચાનક જ વજન ઊતરી જાય તો પણ તાત્કાલિક ડૉક્ટરને મળીને જરૂરી ટેસ્ટ કરાવવી જોઈએ. આ કૅન્સરને કારણે લોકોનું વજન ઊતરી જાય છે. આ સિવાય જેને કોઈ પણ દવા લીધા વગર જ ડાયેરિયા અને કબજિયાત બન્ને વારાફરતી રહેતાં હોય તેમણે પણ ડૉક્ટરને મળીને ટેસ્ટ કરાવી લેવી. કોઈ વ્યક્તિ રેચક પદાર્થ લેતી હોય તો તેને આ તકલીફ થાય એ જુદું, પરંતુ કોઈ પણ રેચક પદાર્થ લીધા વગર જ એક અઠવાડિયું ડાયેરિયા હોય અને બીજા અઠવાડિયે કબજિયાત હોય તો આ કૅન્સર હોવાની શક્યતા છે. આ સિવાય મળમાં લોહી પડવું કે કાળા રંગનો મળ થઈ જવો, થાક, નબળાઈ, ટૂંકા શ્વાસ, પાચન પ્રક્રિયા નબળી પડવી, પેટમાં દુખાવો વગેરે ચિહ્નો પણ મહત્વનાં છે. આ ચિહ્નો બીજા રોગોનાં પણ હોઈ શકે છે, પરંતુ એવી ગફલતમાં ન રહેવું અને નિષ્ણાત ડૉક્ટરને મળીને તપાસ ચોક્કસ કરાવી લેવી.'
ઇલાજ આ રોગમાં જોકે ચિહ્નો જલદી બહાર આવતાં નથી. એટલે સ્ક્રીનિંગ પ્રોગ્રામ ખૂબ જ મહત્વના છે. આ કૅન્સરનું નિદાન કોલનોસ્કોપી સાથે ગાંઠની બાયોપ્સી કરીને કરવામાં આવે છે. એ કર્યા પછી ખબર પડે છે કે વ્યક્તિને કોલન કૅન્સર છે કે નહીં. એ પછીના ઇલાજ વિશે સમજાવતાં ડૉ. રૉય પાટણકર કહે છે, 'આ કૅન્સરનો ઇલાજ ગાંઠ કઈ જગ્યાએ ઉદ્ભવી છે, એની સાઇઝ શું છે અને એ કેટલી હદે ફેલાયેલું છે એના પર રહેલો છે. આ કૅન્સરના મુખ્ય ઇલાજરૂપે સર્જરી કરવામાં આવે છે. એના પછી જરૂરી કીમોથેરાપી આપવામાં આવે છે. આ કૅન્સર લીવર કે ફેફસાં સુધી પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં મોટા ભાગે દરદીનું મૃત્યુ નિશ્ચિત હોય છે, પરંતુ આ અવસ્થામાં પણ એક જિનેટિક ટેસ્ટ થાય છે. એ મુજબ દરદીના શરીરમાં બાયોલૉજિકલ એજન્ટ્સ હોય તો મૉનોક્લોનલ ઍન્ટિબૉડીઝ દવારૂપે આપવાથી વ્યક્તિ ૪-૫ વર્ષનું જીવન વધુ જીવી શકે છે. આ ઍડ્વાન્સ્ડ ઇલાજ છે, જે ત્રીજા કે ચોથા સ્ટેજમાં પણ દરદીને જિવાડવામાં મદદ કરે છે.'
પ્રિવેન્શન આ કૅન્સર જિનેટિક હોઈ શકે છે એ તો વિજ્ઞાન જાણતું જ હતું. પરંતુ હવે આપણી પાસે એક જિનેટિક ટેસ્ટ છે, જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે વ્યક્તિને આ કૅન્સર આવવાની શક્યતા છે કે નહીં. આ ટેસ્ટ વિશે વાત કરતાં ડૉ. રૉય પાટણકર કહે છે, 'આ ટેસ્ટને બકલ મ્યુકોસા ટેસ્ટ કહે છે, જેમાં મોઢાની અંદરથી ગાલનાં ગલોફાં પાસેથી કોષોનું એક સૅમ્પલ લેવામાં આવે છે અને આ કૅન્સરના જીન્સનું મ્યુટેશન એ વ્યક્તિમાં થઈ રહ્યું છે કે નહીં એ તપાસવામાં આવે છે. એના દ્વારા ખબર પડે છે કે આ વ્યક્તિ પર આંતરડાનું કૅન્સર થવાનું રિસ્ક કેટલું છે. જે વ્યક્તિના ઘરમાં આ કૅન્સર હોય, એક નહીં; પરંતુ બે જણને આ કૅન્સર હોય તો તેમના ઘરમાં ખાસ કરીને તેમનાં ભાઈ, બહેન અને નેક્સ્ટ જનરેશન એટલે કે તેમના પુત્ર કે પુત્રીએ તો ખાસ આ ટેસ્ટ કરાવવી જ જોઈએ; કારણ કે જો આ દ્વારા જાણી શકાય કે આ વ્યક્તિ પર આંતરડાના કૅન્સરનું રિસ્ક છે તો ચોક્કસપણે સાવધાની રાખીને તેને બચાવી શકાય છે.'
પ્રિવેન્ટિવ સર્જરી બ્રેસ્ટ--કૅન્સરમાં એવું હોય છે કે જિનેટિક ટેસ્ટ દ્વારા પહેલેથી જ જાણી લેવામાં આવે કે વ્યક્તિને કૅન્સર થવાનું રિસ્ક છે કે નહીં અને જો રિસ્ક હોય તો સર્જરી વડે બ્રેસ્ટ અને ઓવરી કાઢી નાખવામાં આવે, જેથી કૅન્સરનું રિસ્ક જતું રહે છે. આ પ્રકારની સર્જરીને પ્રિવેન્ટિવ સર્જરી કહે છે. આવી જ સર્જરી કોલોરેક્ટલ કૅન્સરમાં પણ થાય છે. એના વિશે જણાવતાં ડૉ. રૉય પાટણકર કહે છે, 'જિનેટિક ટેસ્ટ દ્વારા એ જાણી શકાય છે કે કઈ વ્યક્તિ પર આ કૅન્સરનું રિસ્ક વધારે છે. જો રિસ્ક હોય તો કૅન્સર થયા પહેલાં જ વ્યક્તિનું સર્જરી દ્વારા મોટું આંતરડું લગભગ આખું જ કાઢી લેવામાં આવે છે અને નાના આંતરડાને સીધું ગુદા સાથે જોડી દેવામાં આવે છે. આ રીતે દરદી હેલ્ધી લાઇફ જીવી શકે છે અને તેને કોલોરેક્ટલ કૅન્સર આવતું નથી. હાલમાં પવઈમાં રહેતા એક પરિવારમાં મમ્મી અને માસી બન્ને આ કૅન્સરનો ભોગ બની હતી એવી ૧૯ વર્ષની છોકરીએ અમારા સૂચન મુજબ જિનેટિક ટેસ્ટ કરાવી અને એ પૉઝિટિવ આવી. હાલમાં તેની એક્ઝામ ચાલી રહી છે. એક્ઝામ પતે પછી તે સર્જરી કરાવવા તૈયાર છે, જેને લીધે તે પોતે આ કૅન્સરથી બચી શકે છે.'
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtcyN0oU8-favbN6QrAPAd5UGvYZtf2-nmsCouQ%2BT7o6w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment