સોળ વર્ષે પણ ઈશશશશશ માર ડાલા! રામ મોરી દેવદાસ. આ નામ કાને પડતાની સાથે જ યાદ આવશે મોટી મોટી હવેલીઓના સેટ, વરસતા ધોધમાર વરસાદમાં પણ હાથમાં દીવો લઈને દોડતી પારો, ચિક્કાર દારૂના નશામાં પોતાનું તર્પણ કરતો દેવદાસ, દેવદાસ પર જેની રાતો ઉધાર રહી એવી જોગણ બનેલી વારાંગના ચંદ્રમુખી, ચ સે ચુન્નીબાબુ,પારો અને ચંદ્રમુખીનું ડોલા રે ડોલા અને અંતમાં હચમચાવી દે એવો ક્લાયમેક્સ કે જેમાં દેવા.......એવી બૂમ પાડતી પારો લાંબા લહેરાતી લાલ બોર્ડરની સફેદ સાડીના પલ્લુને અવગણતી, હવેલીની મોટી વહુ હોવાની મર્યાદાઓ ઓળંગતી એના ઘરના મુખ્ય દરવાજા સામે દમ તોડી રહેલા દેવદાસને મળવા દોડે છે અને મોટા તોતીંગ દરવાજાઓ બંધ થઈ જાય છે. આ સંજય લીલા ભણસાલીનું વિશ્વ છે. હા, આજે હવે જ્યારે દેવદાસની વાત નીકળે તો બહુ ઓછા એવા લોકો હશે જે મૂળ બંગાળી મહાન સર્જક શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયને નામથી ઓળખતા હશે. દેવદાસ નવલકથા મૂળે તો શરદબાબુએ બંગાળીમાં લખી. એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં ભારતની સોળ જેટલી પ્રાદેશિક ભાષામાં દેવદાસ બની ચૂકી છે. બંગાળીમાં પાંચ વખત અને ભણસાલીએ બનાવી ત્યારે હિન્દીમાં બીજી વાર. આ બધાની વચ્ચે આપણને યાદ છે સંજય લીલા ભણસાલીની દેવદાસ. દેવદાસ ફિલ્મે સોળ વર્ષ પૂરા કર્યા છે પણ હજુ જાણે કે હજુ હમણાં જ આવી હોય એવી તાજગી એ ફિલ્મમાં અકબંધ છે. ઘણા ફિલ્મ વિવેચકોનું તો એવું માનવું છે કે દેવદાસ ફિલ્મ ખુદ સંજય લીલા ભણસાલી પર એટલી પ્રભાવક રહી છે કે એમની એ પછીની દરેક ફિલ્મમાં દેવદાસની અસર વત્તા ઓછા અંશે દેખાતી રહે છે. દેવદાસ ફિલ્મની વાત કરીએ તો શાહરૂખ, ઐશ્વર્યા રાય બચ્ચન અને માધુરી દીક્ષીત આ ત્રણેય નજરની સામે તાદ્રશ્ય થઈ જાય. હીન્દીમાં સૌથી પહેલા દેવદાસ 1955 માં બની હતી. વિમલ રોયે બનાવેલી એ ફિલ્મમાં દિલીપ કુમારે દેવદાસનો રોલ કરેલો. સુચિત્રા સેનએ પારો અને વૈજયંતી માલાએ ચંદ્રમુખીનો રોલ કરેલો. અહીં જ્યારે 2002 માં સંજય લીલા ભણસાલી દેવદાસ બનાવી રહ્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે શાહરૂખની સીધી સરખામણી દિલીપસાબ સાથે થવાની હતી અને થઈ પણ ખરી. દિલીપ કુમારના એક બહુ મોટા બહોળા ચાહકવર્ગએ શાહરુખને દેવદાસ તરીકે આજ દિન સુધી સ્વીકાર્યો નથી પણ એનાથી મોટો એક એવો વર્ગ હતો જેમણે દશે આંગળિયે ટચાકા ફોડીને શાહરૂખને દેવદાસ તરીકે વધાવી લીધો. ઐશ્વર્યાને હંમેશા કાચની પૂતળી કહેવામાં આવી છે એ ઐશ્વર્યા પાસે સંજય લીલા ભણસાલીએ પારોનો એવો તો અભિનય કરાવ્યો કે લોકો સમજી ગયા કે આ કાચની પૂતળીમાં બધું ધબકતું કરી શકવાની ક્ષમતા છે. દેવદાસ ફિલ્મનો મોટો ચાહક વર્ગ છે એમાં તમે પૂછો કે આખી ફિલ્મમાં તમારું સૌથી ફેવરીટ કોણ તો બધા એક જ જવાબ આપશે કે ચંદ્રમુખી. માધુરી દીક્ષીતે ચંદ્રમુખીના પાત્રમાં જીવ રેડી દીધો અને દેવદાસ ફિલ્મની છાતી પર એણે પોતાના અભિનયના કંકુથાપા અમર કરી દીધા. દર્શકોને પારોની માનો અભિનય કરતી કિરણ ખેર અને ચુન્નીબાબુ બનેલા જેકી શ્રોફ પણ એટલા જ પસંદ પડ્યા. માધુરીના શબ્દોમાં કહીએ તો દેવદાસ ફિલ્મનો દરેક સીન એ કોઈ ગ્રેટ પેઈન્ટીંગ્સની ફીંલીગ આપે છે. દેવદાસ ફિલ્મ સાથે ઘણી રસપ્રદ વાતો જોડાયેલી છે. આ એ જ ફિલ્મ છે જેના મેકીંગ દરમિયાન સંજય લીલા ભણસાલી અને કંપોઝર ઈસ્માઈલ દરબારના ઝઘડા ચરમસીમા પર પહોંચ્યા હતા. બે ક્રિએટીવ લોકો એક પ્રોજેક્ટ પર કામ કરતા હોય ત્યારે મતભેદ સર્જાય જ એમાં કોઈ મોટી વાત નથી પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો કે જેઓ ફિલ્મ દેવદાસ સાથે જોડાયેલા છે એમની મોઢે અનેક વખત સાંભળ્યું છે કે બંને સર્જકો દરેક વાતને ઈગો પર લઈ લેતા અને દિવસો સુધી કામ ઠપ્પ થઈ જતું. દેવદાસનું ડોલા રે ડોલા ગીત તો આજે પણ બધાનું ફેવરીટ છે. આ ગીત વખતની વાત બહુ રસપ્રદ છે. હવે વાત એમ છે કે ગીતનું કંપોઝીશન ચાલતું હતુ પણ ભણસાલીને કશુંક ખૂટતું લાગતું હતું. આખરે ઈસ્માઈલ દરબાર અને ભણસાલી વચ્ચે ફરી વાદવિવાદ થયો અને એ ઝઘડા પછી ગીતમાં ઈસ્માઈલ દરબારને ખૂટતી કડી મળી એ છે સોંગમાં સતત સંભળાતું '' ચકુમ્મા ચકુમ્મા ચકુમ્મા રે''. આ ફિલ્મનું મ્યુઝિક બનાવતા ઈસ્માઈલ દરબાર અને ભણસાલીને દોઢ વર્ષ જેટલો સમયગાળો લાગ્યો. આજે લાખો કરોડોની ફેવરીટ એવી શ્રેયા ઘોષાલ માટે દેવદાસ ફિલ્મ ડેબ્યુ ફિલ્મ હતી. સોળ વર્ષની શ્રેયા ઘોષાલે પોતાની ફિલ્મી કરિયરનું પહેલું ગીત '' બૈરી પિયા બડા બેદર્દી'' ગીત આ ફિલ્મ માટે ગાયું અને આ રીતે ઈન્ડસ્ટ્રીને શ્રેયા ધોષાલ મળી. સંજય લીલા ભણસાલી શ્રેયાને પોતાની લકી ચાર્મ માને છે એટલે દેવદાસ પછીની દરેક ફિલ્મમાં શ્રેયાનું એક ગીત તો ભણસાલી રાખે જ છે. 50 કરોડના ખર્ચે બનેલી દેવદાસમાં 20 કરોડ રૂપિયા તો 6 સેટ બનાવવામાં જ વપરાઈ ચૂક્યા હતા. 700 લાઈટ મેન અને 42 જનરેટરનો ઉપયોગ થયો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ બતાવાઈ અને ઓસ્કર માટે નોમિનેટ પણ કરાઈ. બહું રસપ્રદ વાત એ છે કે દેવદાસનું શૂટીંગ જે સમયગાળામાં ચાલતું હતું ત્યારે મુંબઈમાં લગ્નની સીઝન હતી પણ લગ્ન માટે લાઈટીંગ અને ડેકોરેશનની વસ્તુઓની તાતી જરૂરિયાત ઉભી થઈ ગઈ કેમકે મોટા ભાગની લાઈટ્સ અને ડેકોરેશન તો દેવદાસના સેટ પર વપરાઈ ચૂકી હતી. ફિલ્મમાં પારોનું ઘર બતાવાયું છે જે આખું કાચનું બનેલું છે. પરદા પર જોવા મળતા એ ગ્લાસ પેઈન્ટીંગ દ્રશ્યની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેતા પણ તમને નવાઈ લાગશે કે એ ગ્લાસનું ઘર ઉભું કરવામાં ગ્લાસનો ખર્ચ જ 1 લાખ અને 22 હજારનો હતો. સૌથી મહત્વની વાત ''સીલસીલા યે ચાહત કા''દિયાસોંગમાં ભણસાલી જેટલી પણ વખત વરસાદ વરસાવતા એટલી વખત ગ્લાસ પર થયેલું પેઈન્ટીંગ ખરાબ થઈ જતું એટલે બીજો શોટ લેતા પહેલાં ગ્લાસ નવેસરથી પેઈન્ટ કરવામાં આવતા. આ ઉપરાંત અહીં ચંદ્રમુખીનો કોઠો પણ 12 કરોડના અધધધ ખર્ચા સાથે બનેલો હતો. ફિલ્મના મેકીંગની બહુ બધી વાતો બહુ જ ઈન્ટેરેસ્ટીંગ છે જેમકે ''ડોલા રે ડોલા'' ગીતના શૂટીંગ વખતે તો હેવી જ્વેલરીના કારણે ઐશ્વર્યાના કાનમાંથી લોહી નીકળી આવેલું પણ ડ્રેસીંગ કરીને શૂટીંગ ઐશ્વર્યાએ કન્ટીન્યુ કરેલું. ''કાહે છેડ મોહે'' સોંગ માટેનો માધુરીનો લહેંગો 30 કિલો જેટલા વજનનો હતો. આ ફિલ્મ માટે શાહરુખ સેટ પર સમયાંતરે દારૂ પીતો હતો જેથી એ દેવદાસના ટલ્લી દ્રશ્યોને ન્યાય આપી શકે. દેવદાસ ફિલ્મ જોયા પછી આંખો બંધ કરીને વિચારીએ તો સમજાશે કે અહીં દરેક કલાકારોને પોતાનું કૌવત બતાવવાનો ચાન્સ મળ્યો છે. કિરણ ખેરના લાંબા મોનોલોગ, દેવદાસની મા બનેલી સ્મિતા જયકર અને દેવની ભાભી બનેલી અનન્યા ખરેના સીન્સ, ચુન્નીબાબુના ઈમોશન્સના શેડ્સ. આ ફિલ્મમાં કલાકારોના કાસ્ટિંગ વીશેની વિગતો પણ બહુ જ રસપ્રદ છે.જેકી શ્રોફે કરેલો ચુન્નીબાબુનો રોલ સૌથી પહેલાં સૈફ અલી ખાનને એ પછી ગોવિંદા અને અંતે મનોજ બાજપાઈને ઓફર થયેલો. એ ત્રણેય અભિનેતાઓએ આ રોલ ઠુકરાવ્યો એ પછી જેકીદાદાનું કાસ્ટિંગ ફાઈનલ થયું. પારોના રોલ માટે પણ ભણસાલીની પહેલી પસંદ ઐશ્વર્યા નહીં પણ કરીના કપૂર હતી પણ એવું કહેવાય છે કે કરીના કપૂરની મા બબિતાએ એમ કહીને ના પાડેલી કે કરિના પારો જેવા રોલ માટે હજું બહુ નાની છે. આ એક વિચિત્ર સંયોગ છે કે ભણસાલીએ કરીનાને પોતાની એક પછી એક ત્રણ ફિલ્મો માટે ફાઈનલ કરી પણ કરીના તરફથી ત્રણેય વખત એ ત્રણ ફિલ્મો ઠુકરાવાઈ, તમને નવાઈ લાગશે એ ત્રણ ફિલ્મો અને પાત્રો હતા 1. દેવદાસની પારો 2. રામલીલાની લીલા અને 3. બાજીરાવ મસ્તાનીની મસ્તાની. મૂળ બંગાળીમાં બનેલી દેવદાસ ( 1935)માં પારો અને ચંદ્રમુખી ક્યારેય એકબીજાને મળતા નથી. 19955 માં વિમલ રોયે જ્યારે દેવદાસ બનાવી ત્યારે પારો અને ચંદ્રમુખીનું જોડે એક દ્રશ્ય મુક્યું જેમાં ચંદ્રમુખી રસ્તા વચ્ચે ઉભી છે અને પારો ગાડામાં બેસીને જઈ રહી છે. બંને સ્ત્રીઓ એકબીજાને ઓળખતી નથી પણ એકબીજા સામે જોઈ રહે છે જાણે એકબીજાનો અગમ્ય અકળ સંબંધ સમજવા મથતી હોય. કહેવાય છે કે વિમલ રોયે આટલી સીનેમેટિક લીબર્ટી લીધી તો પણ એમના પર એ બાબતે માછલા ધોવાયા હતા જ્યારે આપણા ભણસાલી સાહેબે તો પારો ચંદ્રમુખી પાસે ડોલા રે ડોલા ડાન્સ પણ કરાવી દીધો અને એકબીજીને કંગન પણ પહેરાવી દીધું. બદલાતા સમય સાથેનું સિનેમાનું બદલાતું આ સ્વરૂપ. એવું કહેવાય છે કે મૂળે દેવદાસ નવલકથા પરથી જ્યારે દિલીપ કુમારની ફિલ્મ આવી ત્યારે આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણી ખફા થયેલા અને એમણે આકરા શબ્દોમાં ટીકા કરી હતી કે એક અમીર બાપનો નબીરો રાતદિવસ દારૂ ઢીંચ્યા કરે અને કોઠામાં પડ્યો રહે એ નાયક કેવી રીતે હોઈ શકે? 2002 માં ભણસાલીએ બનાવેલી ફિલ્મ દેવદાસને અનેક એવોર્ડથી નવાઝવામાં આવી. બોક્સઓફિસ પર પણ એણે 100 કરોડની બિઝનેસ કરેલો. ભારતની શ્રેષ્ઠ ફિલ્મોમાં આ ફિલ્મે પોતાની જગ્યા કાયમ બનાવી લીધી અને સોળમાં વર્ષે પણ એ જ બ્યુટી સાચવીને ઉભેલી ફિલ્મ આપણને કહી રહી છે કે હું ખરા અર્થમાં ટાઈમલેસ લવસ્ટોરી છું! |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuhZE_%3DXL9pY%3Dw9-YSmPfOXX6iRONaF%2B3QY657p4dQcRQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment