Friday, 2 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બહુ જલદી મોટા થઈ ગયા નહીં? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બહુ જલદી મોટા થઈ ગયા નહીં?
રવિ ઈલા ભટૃ

 

થોડા દિવસ પહેલાં એક મિત્રના ઘરે રાત્રે રોકાણ કરવાનું થયું. આવા પ્રસંગો ખૂબ જ ઓછા આવતા હોય છે કે, એક જ શહેરમાં રહેનારા બે પરિવારનો નાઈટઆઉટ માટે એકબીજાના ઘરે જાય. રાત્રે ડિનર કર્યા પછી બધા એસીની ઠંડક વચ્ચે વિતેલા સમયની ગરમી મેળવતા હતા. સ્કૂલમાં હતા ત્યારે એમ કરતા હતા, સ્કૂલે જતા ત્યારે તેમ કરતા હતા. વેકેશનમાં ફલાણાના ઘરે જતાં, બર્થ ડેમાં મિત્રની મમ્મીને રસોઈ કરીને થકવી દેતા, ખાવાનું ખૂટાડી દેતા. કોઈની સાથે મારા મારી કરતા તો ક્યારેક કોઈનું સમાધાન કરાવતા, ક્યારેક ક્રિકેટ તો ક્યારેક વરસાદ તો ક્યારેક ગમતી છોકરીના નામે એકબીજાની મજાક ઉડાડવી તો ક્યારેક બીજું કંઈક તોફાન.


આ વાત એટલા માટે યાદ આવી કે હાલમાં આવી કોઈ નિર્દોષ, નિખાલસ કે અલ્લડ મિત્રતા જ જોવા મળતી નથી. હમણાં એક મેસેજ વાંચ્યો હતો કે 1947થી 1997ના વર્ષો વચ્ચે જન્મેલી પેઢી સૌથી નસીબદાર હતી. તેમણે પોતાના જીવનના દરેક તબક્કાને મન મૂકીને માણ્યો છે. આ આનંદ હવે મૌસમ-એ-નોસ્ટાલ્જિયા થઈ ગયો છે. અત્યારની પેઢીને જોઈએ તો તેમની પાસે તમામ સુખ સુવિધાઓ, સાધનો, વસ્તુઓ, વ્યવસ્થાઓ અને બધું જ છે. તેમની ક્યારેક ઈર્ષા થઈ આવે પણ તેના કરતા વધારે તો દયા ઉપજે તેવું જીવન તેઓ જીવતા હોય છે.


ઘરની બહાર પગ મૂકો એટલે ગાડી જોઈએ, ગાડીમાં એસી જોઈએ, પાણીને બોટલ ઘરેથી લઈ લો અથવા તો મિનરલ વોટર જોઈએ. કોઈનું એઠું ખાવું નહીં, કોઈની વસ્તુ અડવી નહીં, કોઈના ઘરે જવું નહીં, પડી જવાય કે વાગે તેવી કોઈ રમત રમવી નહીં, મેનર્સ અને સ્ટેટસ જાળવીને જ જે કામ કરવું હોય તે કરવાનું. ફ્રેન્ડ્સ સાથે શેરિંગ કરવું પડે તેવું મા-બાપે શીખવાડવું પડે. કોઈના ઘરે જઈએ તો એપોઈન્ટમેન્ટ લઈને જવાનું. કોઈને ડિસ્ટર્બ ન થાય એ રીતે રમવાનું. હાઈજેનિક ખાવાનું, મિનરલ વોટર, સિન્થેટિક લાગણીઓ અને પ્રોસ્થેટીક સંબંધો વચ્ચે જીવતી થઈ ગઈ છે આજની આ પેઢી. તેના કારણે જ કદાચ તેમના માતા-પિતા કે તેના સમકાલીનોને પોતાનો સમય વધારે યાદ આવે છે. આજની આ માઈકાંગલી, સ્માર્ટ ટેક્નોલોજીની વચ્ચે જીવતી ડફોળ પેઢીને જોઈને ખરેખર દયા આવે છે. લેપટોપ, ટેબ્લેટ, આઈફોન, આઈપેડ, કમ્પ્યૂટર્સ કે પછી પીએસપી જેવા સાધનોની મદદથી ગેમ્સ રમે છે. ભમરડા, લખોટીઓ, સાતોલિયું, આઈસપાઈસ જેવી રમતો ક્યાંય કાળની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. કદાચ વધી હશે તો ગરીબોની વસતીમાં હશે કારણ કે મધ્યમવર્ગ તેને અપનાવી શકે તેમ નથી અને ધનિકોને તો સ્ટેટસનો સવાલ છે.


આજથી માત્ર વીસ વર્ષ પહેલાંની જિંદગીને યાદ કરો. એસી હજી નવાસવા હતા, ગાડીઓ ઓછી હતી, રસ્તા મોટા હતા અને સાઈકલો વધારે હતી. લોકોની પાસે કામ ઓછા અને સમય વધારે હતો. મિત્રો ગમે ત્યારે ગમેતેના ઘરે કહ્યા વગર ચાલ્યા જતા. ત્યાં રહેતા, રમતા, ખાતા-પીતા અને તોફાનમસ્તી કરી શકતા હતા. બધા મિત્રો ભેગા થાય તો એક જ ડાયલોગ હોય, ચાલો ભેગા થયા છીએ તો કોઈ પ્રોગ્રામ બનાવીએ. અત્યારે ચાલો ભેગા થવાનો પ્રોગ્રામ બનાવીએ. વ્હોટ્સ એપ ઉપર ગ્રૂપ હશે. સ્કૂલ ફ્રેન્ડ્સ, કોલેજ ફ્રેન્ડ્સ, કે પછી જૂના ફ્લેટ કે સોસાયટીના નામે એકાદ બે ગ્રૂપ હોય. આવા ગ્રૂપમાં મેસેજ નાખવાનો આ વિકેન્ડમાં શું કરો છો. કોઈનો જવાબ આવે આઉટિંગમાં છું, કોઈ કહેશે મારા સાસરે જવાનું છે, કોઈ સોશિયલ ફંક્શનનું કહેશે, કોઈક ફલાણું, કોઈ ઢિંકણું કહેશે. એટલે એક વિકેન્ડનો પ્લાન કેન્સલ.


ત્યાર પછીના વિકેન્ડનો પ્લાન બનાવશે. બધા એડજસ્ટમેન્ટ કરીને હા પાડશે અને જગ્યાનું નક્કી કરવાનું આવશે. કોઈ કહેશે પેલી ક્લબમાં જઈએ, કોઈ કહેશે ના યાર મારા ઘરે ભેગા થઈએ, કોઈ વળી કહેશે ઘરે નહીં યાર પછી અમારે સ્ત્રીઓએ રસોડામાંથી જ બહાર નહીં આવવાનું. આ વાતને સમર્થન આપીને આખરે એક જગ્યા નક્કી થશે તો તે ફુલ થઈ ગઈ હશે. બીજી જગ્યા શોધશે તો તેમાં એમેનિટિઝ નહીં હોય, બીજીમાં પૈસા વધારે હશે તો ત્રીજીમાં સમય ફાવે તેવો નહીં હોય. આખરે ફરી એક જગ્યા મળશે અને હવે કેટલા વાગ્યે જવું તેની ચર્ચા ચાલશે. જે દિવસે જવાનું હશે તે દિવસે સવાર સુધી વાતો ચાલશે કે તું કેટલા વાગે આવીશ કે પછી તું ક્યારે આવીશ. એક કહેશે હું સાત વાગે રેડી રહીશ તો બીજો કહેશે ના યાર મારા છોકરા નાના છે મને વહેલું નહીં ફાવે હું બાર વાગે આવીશ. ત્રીજો કહેશે સવારે છ વાગ્યામાં જવું હોય તો જ મજા આવે બાકી મારે નથી આવવું. ચોથે વચલો રસ્તો કાઢશે જેને વહેલું ફાવે તે વહેલાં આવજો બાકીના પોતાની રીતે આવજો. પાંચમો કહેશે યાર આવી રીતે ના મજા આવે. આખરે પ્લાન કેન્સલ થઈ જશે. જેને જેની સાથે સેટિંગ થશે એ બધા ભેગા થશે અને બાકીના પોતાની લાઈફમાં બીઝી થઈ જશે.


હવે વિચારો કે આમાં આપણું બાળપણ, આપણી લાગણીઓ, આપણી માગણીઓ બધું ક્યાંય ખોવાઈ ગયું છે. આપણે જે જીવન જીવ્યા હતા તેના કરતા તદ્દન જૂદું અને વિચિત્ર જીવન અત્યારે નથી જીવી રહ્યા. ઘણી વખત એવી લાગણી થઈ આવે છે કે સાલું બહું વહેલાં મોટા નથી થઈ ગયા. આ લાગણી મારી જ નથી અત્યારે 30 થી 40 વર્ષની વચ્ચે પહોંચેલા દરેક લોકોની છે પણ તેમની પાસે સમય નથી. બાળપણ યાદ છે, યુવાની યાદ છે પણ તેને ફરીથી જીવવાનો હવે સમય નથી. આ સમસ્યાનો ઉકેલ વોટ્સએપના કોપી-પેસ્ટ ગુરુઓ નહીં આપી શકે. આપણે જ તેમાંથી રસ્તો કાઢીને એ સમયને પાછો પકડી લાવવો પડશે. બાકી તો જુનું યાદ કરીને જીવનારી પેઢીઓ વચ્ચે આપણે પણ ક્યાંક એડજસ્ટ થઈ જવાનું.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuNs97RYJMT-8H9KakKokBhgMAxaSYUbQvygrkycV7n9Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment