Tuesday, 27 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ફેવિકોલ સાસુમા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફેવિકોલ સાસુમા!
મુકેશ સોજીત્રા
 

 

 


આચાર્યે સ્ટાફ મીટીંગ બોલાવી સહુ ખુરશીઓ લઈને ઓફિસમાં બેઠા હતાં. અને આચાર્યે રોજીંદો અને રાષ્ટ્રીય એજન્ડા વાંચવાનો શરુ કર્યો.


"શાળામાં આવીને જરૂર હોય તો જ મોબાઈલ વાપરવો બાકી મોબાઈલ ટેબલના ખાનામાં રાખવાનો છે. સતત ગેરહાજર બાળકોનો વાલી સંપર્ક ફરજીયાત કરવો અને વાલી સંપર્ક રજીસ્ટરમાં એની નોંધ વાલીની સહી સાથે કરવી. પાઠ પૂરો થાય ત્યારે એકમ કસોટી લેવી. ઇન્કમટેકસ ના પત્રકો માટે તમારું જે રોકાણ હોય એ એક મહિનામાં પુરાવા સાથે જમા કરવું. બાળકોને એમની કક્ષા મુજબ વાંચતા લખતા અને ગણતાં આવડવું જોઈએ.  ગુણોતસ્વ આગામી મહિનામાં આવી શકે છે એની તૈયારી કરવી. અને સહુથી અગત્યની બાબત જેને જીલ્લા ફેરબદલીની અરજી કરવી હોય એણે ત્રણ નકલમાં અરજી આગામી દિન સાતમાં કરી દેવી.અરજીનો નમૂનો માતંગી ઝેરોક્ષમાં મળી જશે" બધાએ ધ્યાનથી સાંભળ્યું. જેવી મીટીંગ પૂરી થઇ કે તરત જ સોનાલીએ મનહર ને કહ્યું.

 

"છ ફોર્મ લઇ લેજોને જીલ્લા ફેરબદલીના આપણે આ  વખતે સુરત મ્યુનીસીપાલીટીમાં જીલ્લા ફેરબદલી ની અરજી કરી જ દેવી છે. અત્યારે કરીશું અરજી ત્યારે માંડ ચાર પાંચ વરસે વારો આવશે.તમારે ના કરવી હોય તો હું એકલી અરજી કરી દઈશ. હજુ ચિન્ટુ ૩ વરસનો છે. ચિન્ટુ મોટો થાય ત્યારે વારો આવે કે ના આવે. એક વખત સુરત જતાં રહીએ પછી કોઈ તકલીફ નહિ. આમેય આ ગામમાં તો આઠ ધોરણ સુધી જ ભણવાનું ને પછી ચિન્ટુને આગળ ભણવા માટે એને એકલો થોડો મુકાય અને એ વખતે તાત્કાલિક બદલી ના થઇ તો એટલે જ કહું છું કે આ વખતે જીલ્લા ફેરબદલીના ફોર્મ ભરી જ દેવા છે"


"જી ઓકે સાંજે ફોર્મ લઇ આવીશ" મનહરે ટૂંકમાં જવાબ આપ્યો. આમેય શિક્ષક દંપતીમાં મેં જોયું છે કે પુરુષો લગભગ તમામ બાબતમાં ટૂંકાક્ષરી જવાબો આપતાં હોય છે અને મોટેભાગે મિતભાષી હોય છે ના હોય તો લગ્ન પછી આપોઆપ મિતભાષીનું કૌશલ્ય કેળવી લે છે.


"શું કેતીતી સોનાલી મનહરભાઈ?" મનહરની ભાભી કાન્તાએ મનહરને પૂછ્યું.


"બસ એની પાસે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે સુરત મ્યુનીસીપાલીટી માં જતું રહેવું એટલે ફોર્મ ભરવાનું કહેતી હતી. એને હું સમજાવી દઈશ ભાભી તમે ચિંતા ના કરો હજુ એ છોકરું ગણાય.


"ના સોનાલીને નથી સમજાવવી. એ હવે નહિ સમજે. છોકરા થઇ જાય પછી એ છોકરું ના ગણાય તમારા કરતાં હું એને વધારે ઓળખું છું. તમારા ભાઈ પણ કહેતા હતાં કે મનહર અને સોનાલીને જો મળતું હોય તો સુરત મ્યુનીસીપાલીટીમાં જતું રહેવાય અને એ કહેતા હતાં કે આમેય આપણે બે ય તો આજીવન અહી જ રહેવાના ને એટલે બાની ચિંતા પણ નથી. મનહર ને તું કહી દે જે કે જીલ્લા ફેરના ફોર્મ ભરવા હોય તો ભરી દે મને પૂછવા વાટ ના રાખે" કાન્તાએ મનહરના વર્ગ ખંડની આગળ આવેલી લોબીમાં ઉભા ઉભા કહ્યું. સોનાલીનો ક્લાસ પણ બાજુમાં જ હતો પણ એ મીટીંગ પછી એની ખાસ બહેનપણી શિલ્પાના ક્લાસ રૂમમાં ગઈ હતી. થોડી વાર પછી શિલ્પાના રૂમમાંથી આવીને એણે મનહરને કલાસરૂમમાં જ પૂછ્યું.


 "શું કહેતા હતાં કાન્તા ભાભી તમને?"


"બસ એજ કે ફોર્મ ભરવું હોય તો ભરી દેવું એવું મોટા ભાઈએ કીધું છે એને પૂછવાની જરૂર નથી" મનહરે નીચું મો રાખીને જવાબ આપ્યો.


"કોઈને વાંધો નથી બસ તમને એક ને વાંધો છે, બાની ચિંતા કરો છો એટલી મારી ચિંતા કરોને તો ભગવાન તમારું ભલું કરશે. અને હવે તો બાને ક્યાં તકલીફ છે. ઘરમાં ચાર ચાર સરકારી નોકરિયાત છે .સારી એવી જમીન છે તો ય આવડી ઉમરે દુકાને બેસવાની શી જરૂર? એટલા માટે જ ને કે ગામને દેખાડવા માટે ને કે ઘરે ઘરે બે બે વહુઓ છે તો ય હું કામ કરું છું.. મારે જરાય નિરાંત નથી આ બધું બતાવવા માટે જ એ દિન રાત ઢસરડો કરે છે અને જેને પહેલેથી ઢસરડા જ કરવા હોયને એને ઢસરડા મળી જ રહે. રાતે સંચા પર સીવવું અને દિવસે દુકાને બેસવું. જીવ ને જરાય શાંતિ જ નહીં.કોઈ દિવસ સારું લૂગડું પહેર્યું નથી.હવે ભગવાને સામું જોયું છે તો માણસ હોયને તો બધી જ હાઈ વોય મુકીને ટેસડા ના કરે ટેસડા!! પણ આતો સવારથી સાંજ સુધી દુકાન માથે લઈને ફરે બીજું શું "સોનાલી બોલતી હતી. મનહર સંભાળતો હતો. મનહરે બાળકોને કીધું


"તો ચાલો હવે આપણે એક કવિતા શીખીએ. કવિતાના કવિ એ આપણા જીલ્લા બોટાદના જ હતાં. નામ છે એનું કવિ  બોટાદકર અને કવિતાનું નામ છે "જનનીની જોડ સખી નહિ જડે રે લોલ" આ કાવ્યમાં કવિએ માતાનો મહિમા ખુબ જ ખૂબી પૂર્વક  વર્ણવ્યો છે. કવિ કહે છે કે માતા એ ઈશ્વરનું અજોડ સર્જન છે.અજોડ એટલે એના જેવી બીજી કોઈ જોડ ના હોય એને આપણે અજોડ કહીએ છીએ"


"શાળાની બધી જ શિક્ષિકાઓ સાથે વાતો કરે છે એય ને લળી લળીને બસ એક મારી સાથે સરખી રીતે વાત કરતાં ઘા આવે છે સરખો જવાબ પણ ના આપે અને આપે તો ટૂંકમાં જાણે એમને હું ફાડી ખાવાની ના હોવ, કાઈ વાંધો નહિ ઘરે આવો એટલે તમારી વાત છે "આટલું કહીને સોનાલી બબડતી બબડતી પોતાના રૂમમાં ચાલતી થઇ અને રૂમમાં જઈને એક બે છોકરાને ધીબેડ્યા ને ત્યારે જ એને પરમ શાંતિનો અહેસાસ થયો હોય એવું લાગ્યું.

                  
કરશનભાઈ પટેલ


ગામના ચોકમાં જ એક નાનકડી દુકાન અને દુકાનની પાછળ જ એક સારું કહી શકાય એવું મકાન. દુકાન ઉપરાંત ગામમાંથી મગફળી, કપાસ, તલ ,જીરું ની લે વેચ નો ધંધો કરો.આજુબાજુના ગામમાં કપાસ કે મગફળી લેવા જાય ત્યારે એમની પત્ની વિમળા દુકાને બેસે.પરણ્યા પછી પાંચ વરસે દીકરાનો જન્મ થયો. નામ પાડ્યું અરવિંદ. પાંચ વરસે અરવિંદને ભણવા બેસાડ્યો ત્યારે કરશનભાઈએ ગામના તમામ છોકરાને બટુક ભોજન કરાવ્યું હતું. અરવિંદ પાંચમા ધોરણમાં હતો ત્યારે કરશાનભાઈને ત્યાં એક બીજા દીકરાનો જન્મ થયો નામ પાડ્યું મનહર.!! મનહર ત્રણ વરસનો હતો અને કરશનભાઈનું આકસ્મિક અવસાન થયું. અને વિમળા માથે આભ તુટી પડ્યું. બે નાના છોકરા અને ઘરમાં કમાનાર હવે એક માત્ર વિમળા વધી હતી. કરશનભાઈ ગામના એક કુવા પર મંડાણ માંડતા હતાં અને ઉપરથી ભેખડ પડી અને માથામાં વાગેલી અને ત્યાં ને ત્યાં જ હેમરેજ થઇ ગયેલું. વિમળા હિમંત ના હારી એણે દુકાન શરુ રાખી. રાતે સીવવાના  સંચા પર સીવણકામ પણ કરે. અરવિંદ અને મનહર મોટા થવા લાગ્યા. થોડી ઘણી જમીન હતી એ ફારમ પર આપી દીધી અને વિમળા નું જીવન ઘર દુકાન અને બે સંતાનોની આસપાસ જ રહી ગયું. વિમળાના ભાઈઓએ એને ઘણું કીધું કે તું અમદાવાદ આવતી રહે બહેન બેય ભાણીયા ને પણ સાચવશું અને તનેય કોઈ તકલીફ નહિ પડે. ભગવાને ઘણું આપ્યું છે એક બહેન અને બે ભાણેજડા આવવાથી એ ખૂટી નહિ જાય પણ વિમળા એ કીધેલું.


"ભાઈ પર્વત પરથી નદી નીકળ્યાં પછી એ કદી પર્વત પર પાછી થોડી આવે.? હું મારું ફોડી લઈશ.મારી ચિંતા ના કરો અને હા જરૂર પડશે તો હું હકથી માંગી લઈશ ,પણ ત્યાં નહિ આવું. તમે તમારું સંભાળો હું મારું સંભાળી લઈશ"


અને પછી તો વિમળાએ કોઈ પાસે કશું જ માંગ્યું નહોતું. એ પોતાના સંતાનો માટે પાઈ પાઈ બચાવતી થઇ ગઈ હતી. વિમળાનો આ કરકસરનો ગુણ ગામમાં અમુકને ના ગમ્યો .એટલે એણે વિમળાનું નામ ફેવિકોલ પાડી દીધું. ગામમાં મોટા માં મોટી એક જ દુકાન આ જ હતી. અમુક લોકો એના છોકરાને કહેતા.


"અલ્યા ભરતા ફેવિકોલની દુકાને જઈને એક કિલો ખાંડ, પાંચસો ચાની ભૂકી અને બે બાંધા સાબુના લઇ આવ્ય તો" ગામ આખામાં ધીરે ધીરે વિમળા ફેવિકોલ એવી છાપ પડી ગઈ હતી. પણ વિમળા એ કાઈ ધ્યાને લીધું જ નહિ. આમેય જેનો પતિ અવસાન પામ્યો હોય અને બે સંતાનોના ઉછેરની જેની માથે જવાબદારી હોય એ સ્ત્રીના કાન આવી બાબતો સાંભળવા માટે નવરા પણ નથી હોતા. મોટો દીકરો ધોરણ દસ પછી પીટીસીમાં ગયો. બે વરસ પછી એ ગામમાં જ માસ્તર થઈને આવ્યો અને વિમળા એ શાળાના તમામ બાળકોને બટુકભોજન કરાવ્યું. ગામ આખું એમ કહેતું હતું કે


"કાલે ફેવિકોલ બટુકભોજન કરાવે છે એ ય બરાબર દાબીને ખાજો છોકરા હો વારે વારે આવો મોકો નહિ મળે હો"


અરવિંદ ગામમાં જ નોકરી કરવા લાગ્યો અને એક દિવસ એણે કીધું.


 "મમ્મી હવે તું આ દુકાન બંધ કરી દે, અને આ સીવવાનું પણ બંધ કરી દે,હવે હું નોકરીએ લાગી ગયો છું , તારે હવે કમાવાની કોઈ જ જરૂર નથી. તે ઘણું કર્યું છે  મમ્મી અમારા માટે"


"ના રે ના હજુ તો આ મનહર નાનો છે અને મને કામ વગર ના ગોઠે. તારા પાપા દુકાને બેસતા એ થડા પર હું બેસું છું મને લાગે કે તારા પાપા સાથે જ બેઠી છું દીકરા દુકાન બંધ કરીશને તો હું ખતમ થઇ જઈશ દીકરા ખતમ!!" પછી અરવિંદે ક્યારેય એની માતાને દુકાન બંધ કરવાનું નથી કીધું. થોડા સમય પછી જ ગામમાં એક નવી શિક્ષિકા આવી. નામ એનું કાન્તા. એને વિમળા સાથે સારું એવું ફાવી ગયેલું. આમ તો  કાન્તા વેકેશનમાં પણ ગામમાં જ રોકાઈ જતી. નાનપણમાં જ એના માતા પિતા અવસાન પામેલા તે એ એના મામા ને ત્યાં ઉછરી હતી. એક દિવસ વિમળા એ સીધું જ પૂછી લીધું.


"કાંતુ એક વાત કહું, આમેય તું નિશાળ સિવાયના સમયમાં મારી દુકાને જ બેસે છો તો પછી કાયમ માટે જ આવી જાને." અને કાન્તા શરમાઈને બે દિવસ સુધી દુકાને ના આવી પણ ત્રીજા દિવસે વળી પાછી એ આવી. અને બે મહિનામાં અરવિદ સાથે કાન્તા પરણી ગઈ. લગનમાં ખાસ ખર્ચ ના કર્યો એટલે ગામલોકોએ વળી પાછું જોરશોરથી ચલાવ્યું કે વિમળા તો હવે પૂરે પૂરી ફેવિકોલ થઇ ગઈ છે. ઘરમાં બે બે નોકરિયાત અને એ પણ સરકારી તોય વિમુને પૈસાની અબળખા મટતી નથી. સમય વીતતો ચાલ્યો અરવિંદ ને ત્યાં બે સંતાનો થયાં. સુખ નો સુરજ હવે બરાબર ખીલ્યો હતો. આવક પણ વધી ગઈ. અરવિંદે મકાનનું રીનોવેશન કરાવીને ઉપર બીજો માળ પણ લીધો હતો. મનહર પણ અરવિંદના રસ્તે જ ભણીને શિક્ષક થયો અને સદભાગ્યે એને પણ ગામમાં જ નોકરી મળી ગઈ હતી એટલું જ નહિ પણ ગામે જયારે જાણ્યું કે એની સાથે જ આ ગામની શાળામાં નોકરીએ લાગેલ સોનાલીનું સગપણ મનહર સાથે થયું છે ત્યારે ગામ આખું ગાંડું થઇ ગયું.


"આ તો થોરે કેળા કહેવાય થોરે કેળા!! આમ જો તો ખરી એલ્યા ઉકલા એક ઘરમાં ચાર ચાર સરકારી નોકરિયાત!! આમાં આપણું ગામ ક્યાંથી ઊંચું આવે!?! માસ્તરોને પગાર ચુકવવામાં જ ગામનાં પૈસા વપરાઈ જાય છે"  ઓઘડભાભા બોલ્યાં. ઓઘડભાભાની જેમ ઘણાં ભાભાઓ આજે પણ એવી પ્રબળ માન્યતા ધરાવે છે કે આ માસ્તરોનો જે પગાર થાય એ આપણા ગામની ગ્રામ પંચાયત ચુકવે છે અને એટલે જ આપણી પંચાયત ઊંચી નથી આવતી.


"હા  ભાઈ હા ગમે એટલા પૈસા આવે પણ વિમળાનો સ્વભાવ થોડો જાવાનો છે એતો ફેવિકોલ છે ફેવિકોલ!!" મનજીભાભો પણ પાછો પડે એમ નહોતો.


 "ઉનાળામાં સોનાલી સાથે મનહરના લગ્ન થયાં. અરવિંદે એમની મમ્મી વિમળાને સમજાવી ને ઘણો એવો ખર્ચ કરી નાંખ્યો. ઘરમાં હવે પૈસા પૂરતા આવતાં હતાં. જીવનભર દુઃખ વેઠેલી વિમળા ના ઘરે હવે સુખનો સુરજ બરાબર મધ્યાહને તપ્યો હતો. આમ તો સોનાલી ને ગામની બાયુએ પહેલા જ ચેતવી હતી જયારે એનો સંબંધ થવાની વાતો ચાલતી હતી ને ત્યારે જ.


 "સોનુબેન મનહર તો લાખનો છે અને રૂપાળો પણ ખરો પણ એની મમ્મી એકદમ ચીકણી છે. નકરી ટોક ટોક કરશે અને તમારી જેઠાણી કાંતુ તો સાસુનેય વધે એવી છે અને તમારા જેઠમાં તો કાઈ જ નથી એ તો કાન્તુડી કે એટલું જ પાણી પીવે છે. તમને ફાવશે એના ઘરમાં.. બધું નક્કી કરતાં પહેલા વિચાર કરી લેજો." પણ સોનાલી કોઈનું સાંભળે એમ નહોતું. બધાં બહુ કહે ત્યારે એ એટલું જ કહેતી.


"મારે તો મનહર હારે મેળ છે એટલે બીજા જાય તેલ લેવા!! હું અને મારો મનહર અમારા બેયના જીવ મળી ગયાં છે એટલે પરણવાનું તો એને જ છે. હા તમે કહો એવા સાસુ હશે તો બદલી ક્યાં નથી થતી. અત્યાર સુધી મારા ઘરે મારા બાપને હું કહું એટલું જ કરતાં.અને હું તમને ખાતરી આપું છું કે લગ્ન પછી મારો પતિ પણ હું કહું એટલું જ કરશે" અને સોનાલી ખડખડાટ હસી પડતી. અને બધાને વાત પણ સાચી લાગતી હતી. કારણકે કોઈ જગ્યાએ તાલીમ હોય કે કોઈ શાળામાં ફંકશન સોનાલી ને પૂછીને જ મનહર પાણી પીતો. બને એક સમાન રૂપાળા અને આધુનીક હતાં. લગ્ન પહેલા પણ મનહરને કેવા રંગના મોજા પહેરવા એ પણ સોનાલી જ નક્કી કરતી. આમ તો એ હાઈટમાં થોડી નીચી પણ ભલભલાને પછાડી દે એવી એની મારકણી આંખો હતી.


સોનાલી નાનપણથી જ જીદ્દી હતી. એ પોતાની ગમતી  વસ્તુ મેળવીને જ જમ્પતી હતી. મનહર સાથે એને લવ એટ ફર્સ્ટ સાઈટ થઇ ગયો હતો. મનહરને એ પહેલી વાર મળીને એક જ કલાકમાં એણે મનોમન ફેંસલો કરી લીધો હતો કે પરણીશ તો આને જ!!


શિક્ષકોની ભરતી કેમ્પ હતો ક્રેસન્ટ સર્કલમાં. મનહર પણ સવારના દસ વાગ્યામાં જ પહોંચી ગયો હતો. નોટીસ બોર્ડ પર ઉમેદવારોની યાદી હતી. પોતાનો નંબર ૭૭ મો હતો. એ ઉમેદવારના નામની યાદી વાંચતો હતો. ૭૬ માં નંબર પર એણે એક નામ વાંચ્યું "સોનાલી રમણીકલાલ પટેલ" મનહર ને નામ ગમી ગયું. થોડી વારમાં એક એક્સ્ટ્રા ઓરડીનેરી પરી જેવી દેખાતી ખાસી ફૂટડી અને હસમુખી યુવતી આવી. પિંક કલરના ડ્રેસમાં એ આબેહુબ ક્લિયોપેટ્રા જેવી લાગતી હતી. ઉમેદવારની યાદી જોઈ પોતાનો ગુલાબી ફોન કાઢ્યો અને વાતચીત કરવા લાગી મનહર એની તદન નજીક ઉભો હતો એના શરીરમાંથી પોન્ડ્સ ની સ્મેલ આવી રહી હતી. મનહર એની સુંદરતામાં ડૂબી ગયો હતો એનું તનબદન તરબતર બની ગયું હતું. યુવતીએ વાત શરુ કરી ફોન પર .મનહર સાંભળવા લાગ્યો.


"હેલ્લો પાપા પહોંચી ગઈ છું. ૭૬ મો નંબર છે મારો.લગભગ બે કલાકમાં વારો આવી જશે પછી શાળામાં ક્યારે હાજર થવાનું છે એ સુચના આ લોકો ભરતી પૂરી થઇ ગયાં પછી અહીં જ કહેશે. જે ગામ મળે એ સ્વીકારી લઈશ. ચિંતા ના કરતાં પાપા પછી હું તમને કોલ કરું છું." ફોન કટ કરીને એ યુવતીએ કહ્યું. મનહર સામે નજર નાંખી અને મનહર હસ્યો અને અનાયાસે બોલ્યો.


"શિક્ષકની ભરતી માં આવ્યા છો?"


"હા ભરતી હોય તો જ આવ્યા હોઈને , બાકી અહિયાં કોઈ મલ્ટીપ્લેક્ષ તો છે નહિ કે ફિલ્મ જોવા આવ્યા હોઈએ.?" રૂપાની ઘંટડી જેવા અવાજે એ બોલી.


"તમારી પછી મારો નંબર છે... સત્યોતેર નંબર મારો છે.." મનહર બોલ્યો.


"ઓકે આઈ સી... મનહર કરશનભાઈ પટેલ... નાઈસ ટુ મીટ યુ" કહીને સોનાલીએ હાથ લાંબો કર્યો.. મનહર જીવનમાં પ્રથમ વાર જ કોઈ યુવતીનો સ્પર્શ માણી રહ્યો હતો. એક અદ્રશ્ય પ્રેમની હૂંફ એ અનુભવી રહ્યો હતો.


"સેઈમ ટુ યુ સોનાલી....!!"


અને પછી તો બંને વાતોએ વળગી ગયાં. કલાક સુધી વાતો કરી. વચ્ચે મનહર એના માટે પાણીની બોટલ અને કેડબરી ચોકલેટ લઇ આવ્યો. ગમે તેમ હોય નવી પેઢીની શિક્ષિકાઓને ચોકલેટ ખુબ જ ભાવે એ હકીકત છે.


"મારું ગામ પસંદ કરી લે જો... ગામ સારું... અને હવે તો હું છું એટલે જાણીતું પણ ખરુંને.. તમને રહેવા માટે મકાન પણ મળી જશે..." મનહર બોલ્યે જતો હતો.


"હું તો તમારા મકાનમાં જ રહીશ.. ગામમાં ક્યાં સેટ થાઉં હું? ... તમે ઘરમાં ત્રણ શિક્ષકો છો એટલે હું તો તમારા ઘરે જ રહીશ... રાખશોને મને તમારા ઘરમાં...?? સોનાલીએ કહ્યું.

 

"ઘરનું તો કાઈ કહી ના શકું પણ મારા દિલમાં તો તું વસી જ ગઈ છો સોનાલી?" આખરે મનહરે મરદ થઈને કહી જ દીધું. અને સોનાલીએ પણ કીધું કે આઈ લવ યુ ટુ.. મનહરની ખુશીનો પાર જ નહોતો નોકરી તો મળી સાથોસાથ નોકરી વાળી છોકરી પણ મળી ગઈ હતી. બનેને ઓર્ડર મળી ગયાં પણ એમાં એને કોઈ રસ જ નહોતો. મનહરના ગામમાં જ બને એ ઓર્ડર લીધો હતો.  મનહર એના ભાઈની કાર લઈને આવ્યો હતો. બે વાગ્યે બધાંજ કાગળિયાં લઈને તેઓ બને બહાર આવ્યા.


"શું જમીશ તું? મને તો ભૂખ નથી.. તને જોઇને ધરાઈ ગયો છું.." મનહર હવે પૂરો ખીલ્યો હતો.

 

"કુચ મીઠાં હો જાયે,,, કુચ હટકે.. યાર તારા ભાવનગરની કોઈ સ્પેશ્યલ આઇટેમ ખવડાવ.. બને એ સુપરનો આઈસક્રીમ ખાધો. અને એક જ કારમાં બે ય પોતાના ઘરે આવી ગયાં. રસ્તામાં જ મનહરે ભાભીને ફોન કરી દીધો.

    
"હેલ્લો તમારા દિયરને તમારી સાથે જ નોકરી મળી ગઈ છે અને તમારી દેરાણીને પણ સાથે લાવું છું એ પણ આપણી સાથે જ નોકરી કરશે. તમે આ વાત હમણાં કોઈને કરતાં નહિ પણ એનું રહેવાનું તમારે ક્યાંક ગોઠવી દેવું પડશે.. ભાઈને વાત કરજો કે એની મોટી ઉપાધિ મેં ટાળી દીધી છે." કાંતાની ખુશીનો પાર જ ના રહ્યો. ધીમે ધીમે ગાડી ચલાવતા ચલાવતા બને જણા રાતે દસ વાગ્યે ઘરે પહોંચ્યા. કાન્તાએ બધું સાચવી લીધું એણે એની સાસુમાને કહી દીધું.

 

"આ સોનાલી મારી એક બહેનપણી  શિક્ષિકાની દૂરની સગી થાય અને એને આપણું જ ગામ મળ્યું છે નોકરીમાં એટલે એનો ફોન આવ્યો હતો કે એની વ્યવસ્થા કરી દે જોને એટલે મેં એને કીધું કે મારો દિયર પણ એ ભરતીમાં જ ગયો છે એ કારમાં સાથે લેતો આવશે." પરિસ્થિતિ કેમ સંભાળવી એ સ્ત્રીની એક વિશિષ્ટ આવડત હોય છે. સોનાલી વિમલાબેન પગે લાગી. અને કાંતાને ભેટી પડી. જાણે વરસોથી આ કુટુંબને ના ઓળખતી હોય એમ ભળી ગઈ.. સબંધમાં જ્યારે સ્નેહ ભળેને ત્યારે   અજાણ્યાપણું સદંતર દૂર થાય છે.


"તે તને એકલી મોકલી તારા માં બાપે? તારી સાથે કોઈ નથી""? વિમળાએ આદતવશ પૂછ્યું.

 

"નોકરી પણ એકલી જ કરવાની છે ને? માં બાપ થોડા નિશાળે આવવાના છે રોજ? હવે જમાનો બદલાયો છે બા .. હવે તો એકલા છોકરાને બીક લાગે છે પણ છોકરીને ના લાગે બા" સોનાલીએ તડ અને ફડ જવાબ આપ્યો અને વિમળા તો એની સામું જોઈ જ રહી.. પણ એને આ "બા" શબ્દ બહુ જ ગમ્યો... એ ખાલી હસ્યા!!


બે દિવસ મનહરના ઘરમાં રહી અને પછી સોનાલી બાજુના એક મકાનમાં રહેવા ગઈ.એક જ મહિનાની અંદર કાન્તુએ સોનાલીના માં બાપ સાથે વાત કરીને પાકે પાયે ચાંદલા ગોઠવી દીધા.અને ઉનાળામાં ધામધૂમપૂર્વક લગ્ન કરી દીધા.ગામ પણ દંગ થઇ ગયું કે આણે કહેવાય ભાગ્ય .. ફેવિકોલ છે તોય ચાર ચાર નોકરિયાત એક ઘરમાં અને એ પણ સરકારી!


શરૂઆતમાં તો બરાબર ચાલ્યું પણ પછી થી સોનાલીને સાસુમાનું બ્રહ્મજ્ઞાન બહુ ફાવ્યું નહિ. સાસુમા વારંવાર કરકસરની સલાહ આપતાં એ એને ના ગમ્યું.રસોઈ કરતાં શાક વધે તો પણ સાસુમા કહેતા કે બેટા સોનું માપ સર રાંધો. કપડાં ધોઈને સાબુ પણ જો ચોકડીમાં રહી ગયો હોય તો પણ સાસુમા ટોકે કે સોનું બેટા આ સાબુ ખોટે ખોટો પાણીમાં ગળી ગયો આવો વેડફાટ મને ના ગમે. શરૂઆતમાં મનહર એને કહેતો કે બા એ ગરીબી જોઈ છે.અમને મોટા કરવામાં અને ભણાવવા માટે બાનો સ્વભાવ આવો થઇ ગયો છે તારે માથે ના લેવું તું કાંતુ ભાભીને જ જોઈ લે એ કશું બોલે છે? પણ પછી તો ચિન્ટુ નો જન્મ થયો અને શાળામાં એક બીજી સુરતની શિક્ષિકા આવી અને સોનાલીનું મન સુરત તરફ ખેંચાયું.આહી બાળકોનું શું ભવિષ્ય? બાળકોના ભણતર માટે તો સીટી જ જોઈએ એવી પ્રબળ માન્યતા ઘર કરી ગઈ અને ધીમે ધીમે એનો સ્વભાવ ચીડિયો થઇ ગયો.આમ ઘરમાં શાંતિ!! પણ અંદરથી લાવારસની જેમ ધગધગે. અને એમાય કોઈ શિક્ષિકા જોડે મનહર વાત કરે અને સોનાલી જો ભાળી ગઈ તો મનહરને રીતસરનો ઘઘલાવી નાંખે.મનહર સાંભળી લે એને એટલી ખબર હતી કે સોનાલી ભલેને બોલે પણ એ મનની ચોખ્ખી છે. એમાય આજે તો જીલ્લા ફેરબદલીના ફોર્મની વાત આવી એટલે મનહરને ખબર હતી કે આજે ઘરે જઈશ એટલે રાતે ભારેલો અગ્નિ છે.


રાતે વાળુંપાણી કરીને સહુ ફળિયામાં બેઠા અને પછી મનહર ઉપલા માળે પોતાના રૂમમાં ગયો.રૂમમાં ટીવી શરુ હતી અને મો ચડાવીને સોનાલી બેઠી હતી.

 

"શું કરે છે સ્વીટુ? કેમ છે તને હવે" એમ કહીને સોનાલીના વાંકડિયા વાળમાં મનહરે આંગળીઓ ફેરવી. અને ઝટકો મારીને સોનાલી આઘી ખસી અને બોલી . જેની કલ્પના મનહરે કરી જ હતી.


"એ જાવ તમારી સારીયું હોય એની પાસે...!! હું ક્યાં સારી લાગુ છું હવે તમને.?. મને તો કોઈ આ ઘરમાં ગણતું  જ નથીને ...!! મારી વાત તમે કોઈ દિવસ માની છે?  બધાયની સાથે ખીખીયાટા કરો છો બસ મારી હારે જ વેર છે તમને..!! પણ યાદ રાખજો જરૂર પડશેને ત્યારે હું જ કામમાં આવીશ બીજી કોઈ આવીને કશું જ નહિ બંધાવી જાય..!! એટલું યાદ રાખજો અને પેલા ફોર્મનું શું થયું...? તમારે ના ભરવું હોય તો હું ભરી દેવાની છું..!! હું અને મારો દીકરો ચિન્ટુ એકલા રહેશું સુરતમાં તમે અહી તમારી બા ભેગા રહેજો" ફૂંગરાઈને સોનાલી બોલતી હતી. મનહરે એક કોથળીમાંથી ફોર્મ કાઢ્યા અને કીધું કે                   
"મે અને મોટાભાઈએ આપણા  ફોર્મ ભરી દીધા છે તારે  ફક્ત સહીઓ જ કરવાની જ છે.. બોલ ખુશ.. મોટાભાઈ પણ કહેતા હતાં કે એક ભાઈએ તો હવે શહેરમાં જવું જ જોઈએ.. સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે શહેર જ જોઈએ" આટલું સાંભળતા જ સોનાલી રંગમાં આવી ગઈ. બધાંજ ફોર્મ વાંચીને એણે સહીઓ કરી દીધી. અને મનહરને ગળે વળગાડીને સુરતના સપનામાં ખોવાઈ ગઈ. બીજે દિવસે શનિવાર આવતો હતો અને બને ભાઈઓ એ નક્કી કર્યું કે પરિવાર સાથે રવિવારે પડખે આવેલા એક  નદી કિનારે જઈશું.. હવે તો બંને ભાઈઓ પાસે કાર આવી ગઈ હતી એટલે કોઈ જ વાંધો નહોતો. શનિવારે સોનાલી જ આચાર્યને જીલ્લા ફેરબદલી ના ફોર્મ આપી આવી. અને આચાર્યને કહેતી પણ આવી કે.

 


"ક્લાર્ક માંગે તો ૫૦૦ રૂપિયા ગુડી દેજો અને મારી પાસેથી લઇ લેજો..કાઈ પૂર્તતા કરવી હોય તો ત્યાં કરી નાંખજો પણ આ ફોર્મ પાછા ના આવવા જોઈએ" આચાર્યે ફોર્મ ચેક કર્યા અને બોલ્યાં.કોઈ જ ભૂલ નથી. ફોર્મ પાછા નહિ આવે તમને આ ફોર્મની રસીદ મંગળવારે મળી જશે. હું મંગળવારે તાલુકામાં જઈશ ને ત્યારે ફોર્મ જમા કરાવતો આવીશ.તમને સુરત મળી જાય એની એડવાન્સમાં શુભેચ્છાઓ" સોનાલીએ એને થેન્ક્સ કહ્યું. આજે શનિવાર હતો સોનાલી ખુશ હતી. બાળકોને એને ચોકલેટ ખવડાવી, બાળકો પણ નવાઈ પામી ગયાં કે બહેન ગાંડા તો નથી થઇ ગયાને? ધબ્બાને બદલે ચોકલેટ? પણ સહુ ખુશ હતાં.


રવિવારે સોનાલી વહેલા ઉઠી આજે એ એના જેઠ અને જેઠાણીના પરિવાર સાથે નદી કિનારે પર્યટનમાં જઈ રહ્યા હતા. એ નાહી ધોહીને ઉપલા માળેથી નીચેના માળેથી આવતી હતી.એણે એના સાસુમા અને જેઠ અરવિંદભાઈને એની ગાડીમાં બહાર જતાં જોઈ રહી.. અત્યારમાં મારા સાસુ અને જેઠ ક્યાં જતાં હશે..સાસુના હાથમાં એક લાલ થેલી હતી. આ થેલી સાસુ એના કબાટમાં જ રાખતા કોઈને પણ આપતાં નહિ. એણે પોતાની જેઠાણી કાન્તુને પૂછ્યું.


"મારા જેઠ અને સાસુ અત્યારમાં કયા ગયાં? વહેલી સવારમાં એવું તે શું કામ આવી ગયું? એ તરત પાછા આવી જશે ને? એને ખબર તો છે ને કે આજે આપણે બધાં એ નદીકિનારે જવાનું છે?


"મેં પૂછ્યું તો મને કાઈ ના કીધું.. સાસુએ કીધું કે મનહર અને સોનાલી ભલે જાય ફરવા તું ઘરે રેજે અમે કદાચ સાંજે આવીએ કે ના આવીએ. અને મને ના પાડે એટલે હું વધુ ના પૂછું. તમતમારે તૈયાર થઈને ફરવા જાવ. મારા બેય છોકરાને પણ લેતા જાવ. તમે સાંજે આવશો ત્યારે હું રસોઈ કરી રાખીશ.એમ કહીને એ સાવરણો લઈને વાળવા લાગી. સોનાલી કશુક બબડતી પાછી ઉપર ચાલી ગઈ. મનહર ઉઠયો એણે એની ભાભી સાથે વાત કરી અને પછી ત્રણ નાના ટાબરિય સાથે સોનાલી અને મનહર નદી કિનારે ઉપડ્યા. સોનાલી આજ ચુપ હતી. ગુસ્સો તો હતો પણ કશું ના બોલી. મનમાં માની લીધું કે જ્યાં ગયાં હોય ત્યાં એ માં દીકરો મને શો ફેર પડે છે.. અને હવે ક્યાં કાયમ અહી રહેવાનું છે. એકાદ વરસમાં તો હું તાપીને કાંઠે હઈશ. સોનાલીએ નદી કિનારે બાળકો સાથે ખુબ મજા કરી. સેલ્ફીઓ લીધી. આજે સાસુ અને જેઠ સાથે નહોતા એટલે ટી શર્ટ અને જીન્સ પહેર્યું હતું. સોનાલી એક અલગ જ દુનિયામાં આવી ગઈ હતી. બપોરે ત્યાં જમ્યા.. પાણીમાં નાહ્યા.. અને ચાર વાગ્યે ઘેર પહોંચ્યા ત્યાં એના પાપાનો ફોન આવ્યો.


"બેટા હું હોસ્પીટલમાંથી બોલું છું. તારી મમ્મીને પેડુમાં જે ગાંઠ હતી એનું ઓપરેશન થઇ ગયું છે. આમ તો કાલ રાતે જ દુખાવો ઉપડ્યો હતો. અને રાતે જ એને એડ્મિટ કરી હતી પણ એણે જ ના પાડી હતી. હવે એને સાવ સારું છે. તું તારા ટાઈમે ખબર કાઢી જજે બેટા, લે તારી બા સાથે વાત કર્ય" સોનાલીએ રડતાં રડતાં વાત કરી અને ધોખો કર્યો કે મને કીધું હોતને તો ના આવત. અને તરત જ એણે મનહર ને કીધું કે ચાલો અત્યારેને અત્યારે મારે મારી મમ્મી પાસે જવું છે. એના જેઠ અને સાસુ ઘરે આવી ગયાં હતાં. સોનાલીએ સાસુને કહ્યું.


"મારા મમ્મી હોસ્પીટલમાં છે. ઓપરેશન થઇ ગયું છે હવે એને સારું છે.. હું અને મનહર જઈ આવીએ કાલ સવારે આવતાં રહીશું." સાસુ વિમલાબેને કહ્યું.

 
"જઈ આવો બેટા તમે બેય એવું લાગે ને તો રોકાઈ પણ જજો" અને તરત જ કાર ઉપડી શહેર તરફ.. ચિન્ટુ ખોળામાં સુતો હતો અને સોનાલીની આંખો ચિંતામાં ગરકાવ હતી. સરનામું પૂછીને હોસ્પિટલ શોધી. એકદમ આધુનિક હોસ્પિટલ હતી. પુછપરછના કાઉન્ટર પર નામ લખાવીને એ ચોથા માળે એની મમ્મીના રૂમમાં પહોંચી. મમ્મીને મળીને એની તબિયત પૂછી. ચિન્ટુને તેડીને મનહર બાજુમાં ઉભો હતો. સોનાલીના પાપા બોલ્યાં.


"દુખાવો કાલ રાતે દસ વાગ્યે ઉપડ્યો હતો. રાતે બે વાગ્યે સરકારી દવાખાનામાં દાખલ થયાં. ગાંઠ મોટી હતી એટલે એને કાઢવા માટે ઓપરેશન કરવાનું કહ્યું હતું. પછી તને તો ફોન ના કર્યો પણ સવારમાં ચાર વાગ્યે તારી સાસુને ફોન કર્યો. એણે બધી વિગત જાણી અને કીધું કે હું અને અરવિંદ આવીએ છીએ. સવારમાં સાત વાગ્યે વેવાણ આવી ગયાં. અને અમે ના પાડી તો પણ આ હોસ્પીટલમાં લઇ આવ્યાં. અને ઓપરેશન કરાવી દીધું અને મને કીધું કે તમે ચિંતા ના કરો . સોનાલી મારી દીકરી કરતાં પણ વધુ છે. એને દુઃખ લાગે એ મને ના ગમે હો એમ કહીને તમામ ખર્ચ એ ચૂકવીને ગયાં છે. એમ તો અમારી પાસે થોડા પૈસા હતાં એ પણ ના લીધા અને મને કહ્યું કે તમારી દીકરી કમાય છે એમાં તમારો પણ હક છે. જરૂરના સમયે અને સંકટના સમયે નાણું ના વપરાય તો એ નાણું નથી ધૂળ છે ધૂળ"" બસ બે દિવસ સુધી અહી રહેવાનું છે. એની બધી રકમ એ ચૂકવી ગયાં છે. અને પછી મને કહેતા ગયાં કે હવે હું ઘરે પહોંચું અને સોનું આવે પછી એને ખબર કાઢવા બોલાવજો.." સોનાલી આભી બનીને સાંભળતી રહી... સાંભળતી જ રહી..!!  ચિન્ટુને લઈને સોનાલીના પાપા અને મનહર બહાર ગયાં અને ત્યારે સોનાલીને એની માતાએ કીધું.


"બેટા એક વાત માનીશ...? તું ખરેખર ભાગ્યશાળી છો કે તને આવી સાસુ મળી.. ભવિષ્યમાં હું ના હોવ ને તો તારી સાસુને જ માતા ગણજે બેટા... બાકી અત્યારે દહેજના ખપ્પરમાં હજારો દીકરીઓ હોમાઈ રહી છે ત્યારે તને જે સાસુ મળી એ મુશ્કેલ છે.. હું તો કહું છું કે તને ભવોભવ આવી જ સાસુ મળે...!! સોનાલી જીવનમાં પહેલી વાર બસ સાંભળતી રહી... એ કશુજ ના બોલી શકી....!


અને સોમવારે આચાર્યની ઓફિસમાંથી  જીલ્લા ફેરબદલીની અરજીઓ સોનાલીએ લઇ લીધી અને પોતાના ક્લાસમાં જઈને એ અરજીઓ ફાડી નાંખી.  આચાર્યે તેને  પૂછ્યું કે અચાનક કેમ વિચાર બદલાઈ ગયો? સુરત નથી જવું? ત્યારે સોનાલી બોલી.

 

"સ્વભાવ બદલવાની જરૂર છે મારે,  શાળા કે જિલ્લો  બદલવાની નહિ" અને ખીલખીલાટ હસી સામે મનહર ઉભો હતો. મનહરે નોંધ્યું કે આ એ જ હાસ્ય છે કે જે એને શિક્ષકોની ભરતી વખતે પહેલી વાર સોનાલીના  ચહેરા પર જોયું હતું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov7_50FLsFX1dQZyCix5LiKrhQnnGrJPyR%2B-77Vt_JLuw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment