Monday, 26 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બેવફા-બેકાબૂ વૈશાલીનો આ પણ એક ચહેરો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બેવફા-બેકાબૂ વૈશાલીનો આ પણ એક ચહેરો!
દિલની વાત -દિનેશ દેસાઈ

 

 

હજુ પણ કહું છું, વૈશાલી. તું માની જા. સમજે તો સારું છે. કેમ કે તેં જે રસ્તો લીધો છે, એનો અંત અણધાર્યો અને ખરાબ જ છે. સમાજમાં કેટલી બદનામી થઈ રહી છે.? પાંત્રીસ વર્ષનો કેતન વિષ્ણુભાઈ પટેલ તેની સામે ખાધાખોરાકીનો કેસ માંડનારી પત્ની વૈશાલીને સમજાવવાની કોશિશ કરતો હતો.


આ તરફ ચોત્રીસ વર્ષની વૈશાલીએ બધાં બંધનો ફગાવી દીધાં હતાં. તે બોલી હતી કે બેસ, બેસ હવે. તારી ભાભીની સોડમાં ભરાતો હતો ત્યારે સમાજમાં તારી કોઈ બદનામી નહોતી થઈ? અને હવે મને કહે છે કે રસ્તો ખરાબ છે? તારા ભાઈ સાથે મને મોકલવાનો રસ્તો શું સારો હતો? હવે શા માટે તું મને શિખામણ આપી રહ્યો છે?


શહેરની ફેમિલી કોર્ટમાં મુદતે હાજર રહેતા વિવાદગ્રસ્ત પતિ-પત્ની અને બીજા પક્ષકારો વચ્ચે આ પ્રકારની બોલાચાલી અને ઝઘડા જોઈને ઊભા રહી જવાય પણ સ્ટાફના કર્મચારીઓ વગેરે કહેતા હોય છે કે અમારે તો આ રોજનું થયું. બોલનાર બદલાય પણ આ પ્રકારના ડાયલોગમાં કોઈ ફરક ન આવે. બધાના પ્રોબ્લેમ સાવ સરખા. ઘેર ઘેર માટીના ચૂલા.


કેતન ચૂપચાપ સીડીનાં પગથિયાં ઊતરી જાય છે. વૈશાલીના શ્ર્વાસની ગતિ હજુ તેજ હતી. આંગળીએ પકડી રાખેલો બાર-તેર વર્ષનો પુત્ર સુયશ હજુ સ્તબ્ધ હતો. તેની સમજમાં કંઈક કંઈક આવતું હશે અને કંઈક નહિ પણ સમજાયું હોય.


વૈશાલી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પહેલાં તો તે ભડકી ઊઠી હતી. થોડી વાર પછી બોલી હતી કે તમે મારા વિશે શું છાપશો? અને છાપામાં છાપીનેય શું કરશો? ખુલ્લી કિતાબ જેવી મારી જિંદગી છે. હંમેશાં મારો ફૂલ ચૂંટવાનો સ્વભાવ રહ્યો છે. સુવાસ ફેલાવવાનું મને ગમે પણ નસીબમાં મને કાંટા જ મળ્યા છે. એટલે તો બીજા પતિ સામે પણ કેસ કરવાની નોબત આવી.


ભડકેલી વૈશાલી પોતાની ગઈ ગુજરીનો ચિતાર આપતી વેળા હવે ભાવુક બનીને વાત કરી રહી છે: ભટ્ટ મેવાડા બ્રાહ્મણ પરિવારમાંથી હું આવું છું. હું વીસ વર્ષની હતી ત્યારે મારાં લગ્ન બાજખેડાવાળ બ્રાહ્મણ પરિવારના ગૌરવ જોશી સાથે શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર કરાવવામાં આવ્યાં હતાં. પરણીને હું મારા સાસરે ઉમરેઠ રહેવા આવી હતી. મા-બાપનું યાને પિયરનું ઘર શહેરમાં હોવાથી ગામડામાં સેટ થતાં વાર તો લાગે જ. છતા મેં પડ્યું પાનું નભાવી લીધું હતું. લગ્ન મા-બાપની મરજી પ્રમાણે કર્યાં હતાં અને લગ્ન પહેલાં જ મને ખબર હતી કે જિંદગી ગામડામાં જ કાઢવાની છે. લગ્નને એક વર્ષ થયું અને દીકરાને મેં જન્મ આપ્યો. તેનું નામ સુયશ રાખ્યું. જો કે લગ્ન પછી મારા પતિએ પોત પ્રકાશ્યું હતું. પથારીમાં સૂતા હોય ત્યારે મોંમાંથી કંઈક અજબની વાસ આવતી. એ વાસ પછી તો રોજિંદી બની ગઈ. હવે ખબર પડી હતી કે તે દારૂ પીવાની ટેવવાળો હતો. રાતે તો ઠીક, હવે તે દિવસે પણ પીવા લાગ્યો હતો. સંયુક્ત કુટુંબની આવકનું સાધન એકમાત્ર કરિયાણાની દુકાન હતી. ગૌરવે હવે મારઝૂડ પણ કરવા માંડી હતી.


વૈશાલીની આંખોની શૂન્યતા પણ બોલકી હતી. તે કહેતી ગઈ: શરૂઆતનાં બે વર્ષ તો બધો ત્રાસ ચૂપચાપ સહી લીધો હતો. સાસરિયે કોઈને ફરિયાદ કરી નહોતી કે મા-બાપને પણ કશી વાત કરી નહોતી. જ્યારે સહનશીલતાની હદ આવી ગઈ ત્યારે હું દીકરા સુયશને લઈને પિયર આવી ગઈ. મેં છૂટાછેડા લઈ લીધા હતા. દીકરાની જવાબદારી મેં જ સામેથી સ્વીકારી હતી. બીજાં લગ્ન કરવાની મારી સંમતિ પછી જ મા-બાપ પાત્ર શોધવા લાગ્યા હતા અને મેરેજ બ્યુરોમાં પણ નામ લખાવ્યું હતું. એમાંથી જ આ કેતન ભટકાયો હતો.


સુંદર ચહેરા પાછળ તેની વેદના પણ વાંચી શકાતી હતી. છૂટાછેડા અને કેતન સાથેનાં બીજાં લગ્ન વચ્ચે ચાર વર્ષનો ગાળો પસાર થઈ ગયો હતો. કેતન પણ ડાયવોર્સી હતો. તેનાં મા-બાપ ગામડે રહેતાં હતાં. કેતન મોટા ભાઈ કમલ અને ભાભી પ્રતિમા સાથે રહેતો હતો. બેઉ ભાઈ ડેરી પ્રોડક્ટની દુકાનનો કારોબાર સંભાળતા હતા. ભાભી ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતાં હતાં. કેતનને પહેલાં લગ્નથી કોઈ સંતાન નહોતું અને સુયશની જવાબદારી હવે વૈશાલીનાં મા-બાપે સંભાળી હતી. કેતનનાં પહેલાં લગ્ન તેની જ્ઞાતિની જ ક્ધયા પારુશ્રી સાથે થયાં હતાં. છૂટાછેડાનું કારણ કેતનના કહેવા પ્રમાણે પારુશ્રીનું અન્ય યુવાન સાથે અફેર હતું.


વૈશાલીએ પતિ તથા જેઠ-જેઠાણીના સંયુક્ત પરિવારમાં રહેવાનું શરૂ કર્યું હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું. એક દિવસ વૈશાલી મોડી રાતે ઊંઘ ઊડી જતાં જાગી ગઈ અને તેની ખરેખર ઊંઘ ઊડી ગઈ હતી. પથારીમાં પડખું ફરીને જોયું તો કેતન પથારીમાં નહોતો. જેઠ કમલભાઈ તો ગામડે ગયા હતા. આથી વૈશાલીએ ભાભીને કેતન ગુમ હોવાની જાણ કરવાનું વિચાર્યું હતું. જેવી વૈશાલી પ્રતિમાભાભીના બેડરૂમ પાસે ગઈ કે તેને કંઈક ગુસપુસ સંભળાતી હતી.


વૈશાલીને નવાઈ લાગી. બેડરૂમનો દરવાજો અધખુલ્લો હતો. તેણે દિયર-ભાભીને અજુગતી હાલતમાં જોઈ લીધાં હતાં. કેતન અને પ્રતિમા ઘરમાં આમ તો અવારનવાર મસ્તી-મજાક અને હાથતાળી આપવા-લેવા જેવી ચેષ્ટા અને અડપલાં પણ કરી લેતાં. એ વખતે વૈશાલી દિયર-ભાભી વચ્ચેના સહજ અને નિર્દોષ સંબંધ સમજીને બધું સ્વાભાવિક હોવાનું સમજતી હતી પણ અત્યારે તો?


વૈશાલીના મોંમાંથી રાડ નીકળી ગઈ: આ શું માંડ્યું છે દિયર-ભોજાઈએ? આવવા દો, મોટા ભાઈને. હું બધું જ કહી દઈશ.


એટલામાં તો દિયર-ભાભી એક અવાજે બોલ્યાં કે જા, જા હવે. તું શું કહેવાની હતી? એ બધું જ જાણે છે.


વૈશાલી તો આ સાંભળીને અવાક્ રહી ગઈ હતી. તેને તો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ બની ગઈ હતી. એક દિવસ તો જેઠ-જેઠાણી કમલ અને પ્રતિમા વૈશાલીને ખેંચીને કિચનમાં લઈ ગયાં હતાં અને બેઉએ પકડી રાખી હતી ત્યારે પતિ કેતને પત્ની ઉપર કેરોસીન ભરેલો કેરબો જ ઠાલવી દીધો હતો. દિવાસળી ચાંપવાની જ વાર હતી અને ખેલ ખલ્લાસ થઈ જવાનો હતો. મોત આંખના પલકારા જેટલું દૂર હતું અને શ્ર્વાસના ધબકારા અચાનક બંધ થઈ જવાની તૈયારીમાં હતા. કોણ જાણે કેમ અચાનક જ ત્રણેયનું મન કદાચ બદલાઈ ગયું હતું કે જીવતે જીવ સળગાવીને નાહકનું જોખમ શા માટે લેવું?


વૈશાલી હવે બંડ પોકારવા માટે મન મક્કમ બનાવી ચૂકી હતી.


કેરોસીનથી પલળેલી હાલતમાં જ તે કિચનમાંથી દોડીને ઘરની બહાર જતી રહી હતી અને ઑટોરિક્ષા કરીને સીધી જ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. પતિ અને જેઠ-જેઠાણીને તો શું બની રહ્યું છે, એની સમજ પડે એ પહેલાં તો પોલીસની મોબાઈલ વાન ઘરે આવી પહોંચી હતી અને ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી હતી. વૈશાલીએ કરેલી ફરિયાદના આધારે પોલીસે પતિ તથા જેઠ-જેઠાણી સામે (૧) ઈપીકોની કલમ-૪૯૮ (ક) (પતિ અને સાસરિયાં દ્વારા શારીરિક-માનસિક ત્રાસ), (૨) કલમ-૩૨૩ (સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવા માટે, મારી નાખવા માટેની ધમકી), (૩) કલમ-૧૧૪ (ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી) તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૩ અને ૭ મુજબની એમ બે એફ.આઈ.આર. નોંધી હતી. ૨૪ કલાક કસ્ટડીમાં રહેવાના કારણે અને ફોજદારી કેસ હોવાના કારણે પ્રતિમાને તો સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી.


વૈશાલી પોતાની વીતકકથા આગળ કહે છે: હું માથું મારીને એ ઘરમાં રહું છું. રૂમ અને રસોડું મળીને મકાનનો એટલો ભાગ હું વાપરું છું. મને એ માટે કોર્ટે મંજૂરી આપી છે. ફેમિલી કોર્ટે મને દર મહિને ભરણપોષણની રકમ પણ બાંધી આપી છે. જો કે મારા દીકરાને ભરણપોષણ મળે એવી દાદ અદાલતે રદ કરેલી છે, કેમ કે કેતને કોર્ટમાં કરેલી દલીલ અનુસાર સુયશનો પિતા તે નથી યાને સુયશ કેતનનો બાયોલોજિકલ સન નથી. ઘરે મારા કોઈ ફ્રેન્ડ આવે તો કેતન એવું કહે કે સમાજમાં બદનામી થાય છે. હું ઘરમાં બ્યુટી પાર્લર ચલાવું છું અને એક બ્યુટી પાર્લરમાં પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું, તો એ લોકો આબરૂની વાત કરે છે પણ મને વશ કરવા જેઠના નિષ્ફળ પ્રયાસો અને દિયર-ભાભીના સંબંધોથી સમાજમાં આબરૂ જતી નહોતી?


બીજી તરફ કેતનનું કહેવું હતું કે વૈશાલી બેવફા જ નહિ, બેકાબૂ પણ બની ગઈ છે. અમારા મકાનનો અડધો ભાગ પચાવી પાડ્યો છે અને ઘરમાં અજાણ્યા પુરુષોની આવનજાવન પણ ખરી. ભાભી સાથેના સંબંધમાં પણ તેણે જ રજનું ગજ કર્યું હતું. કિચનમાં જઈને પોતાની જાતે જ શરીર ઉપર કેરોસીન રેડીને પોલીસ સ્ટેશન પહોંચીને અમને લોકોને ફસાવી દેવાનો આખો પ્લાન તેનો જ હતો. તે પોતાના મનસૂબામાં કામયાબ રહી અને અમને ત્રણેયને ફિટ કરાવીને જ રહી. કાયદો કાયદાનું કામ કરે છે. ભાભીની નોકરી ચાલી ગઈ છે. કોર્ટ કેસોથી મારા અને ભાઈના ધંધા ઉપર પણ અસર પડી જ છે. વૈશાલી પ્રોફેશનલ કોલગર્લ બની ગઈ છે. એક ફ્લેટ, કાર, એક્ટિવા સ્કૂટર અને બે બે મોબાઈલ છે. આમ છતા મારા ભાગે ભરણપોષણ કરવાનું આવ્યું છે. વૈશાલી પગભર છે છતાં તેની આવક, સોર્સ ઑફ ઈન્કમ હું ફેમિલી કોર્ટમાં સાબિત કઈ રીતે કરી શકું? વૈશાલીનાં મા-બાપને પણ રૂપિયામાં રસ છે, સમાધાન કે ઉકેલમાં નહિ.


કેતનનો પસ્તાવો સાચો કે વૈશાલીની વ્યથા-વેદના? હકીકત તો એ હતી કે કેતન હવે છૂટાછેડા માગવાની સ્થિતિમાં પણ નહોતો, કેમ કે વૈશાલી દહેજ પ્રતિબંધક ધારા અને ભરણપોષણ કેસ કરી ચૂકી હતી. બેઉ કદાચ જુદા પ્રકારની આગમાં શેકાઈ રહ્યાં હતાં. કેતને કોર્ટની મુદતના ચક્કર અને ટેન્શનમાં જીવવાનું આવ્યું છે તો વૈશાલીએ રોજેરોજ શમા જલાવીને પરવાનાનો ઈન્તજાર કરવાનું નસીબે લખાઈ ગયું છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os88kdeBZz_Vdt5WCx4wcg_qi1OgrVJguJ-J6ekPp58zQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment