Friday, 30 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સેંકડો બાળકોનો સિંગલ ફાધર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તેંત્રીસ વર્ષની ઉંમરે સેંકડો બાળકોનો સિંગલ ફાધર!
ગીતા માણેક

 

 

 

 

'મમ્મી મ્હણઝે કાય? બાબા મ્હણઝે કાય?' લોનાવલાના આંતરભારતી બાલગ્રામ નામના અનાથાલયમાં રહેતા પાંચેક વર્ષના સાગરે તેની સાથે ભણતા છોકરાને પૂછ્યું હતું. જે સ્કૂલમાં તે ભણતો હતો ત્યાં અનાથાશ્રમ સિવાયના એટલે કે આસપાસનાં ગામોમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવતા. આ છોકરાઓને સ્કૂલમાં મૂકવા તેમનાં મા-બાપ આવતાં. એ સહાધ્યાયીઓ જ્યારે આઈ, મમ્મી કે બાબા અથવા પપ્પાનો ઉલ્લેખ કરતા ત્યારે સાગરને સમજાતું નહીં કે એ કોણ હોય. જોકે બાળપણમાં જેને પિતા એટલે શું એ પણ ખબર નહોતી તે 33 વર્ષનો સાગર આજે સેંકડો છોકરા-છોકરીઓનો 'સિંગલ ફાધર' છે!

 

આ અનોખા યુવાન સાગર રેડ્ડીની વાત શરૂ કરીએ એ પહેલાં એક આડવાત કરી લઈએ. થોડા સમય પહેલાં મરાઠીમાં 'સૈરાટ' નામની ફિલ્મ બની હતી. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર તમામ રેકૉર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મમાં સવર્ણ અને દલિત યુવાન-યુવતીઓની પ્રેમકથા અને એનો કરુણ અંત દર્શાવવામાં આવ્યાં હતાં. આ ફિલ્મના અંતમાં નાયક-નાયિકાની તેમના જ પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવે છે. આ દંપતીને પણ એક બાળક છે. માંડ બે-અઢી વર્ષનું આ બાળક જ્યારે ઘરમાં પ્રવેશે છે ત્યારે મા-બાપની લોહીલુહાણ લાશ જુએ છે. સાગર કહે છે, 'જ્યાં 'સૈરાટ' ફિલ્મનો અંત થાય છે ત્યાંથી મારી કહાણી શરૂ થાય છે.'

 

દોઢેક વર્ષની માસૂમ ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા સાગરને સ્વીકારવા કોઈ સગું-વહાલું તૈયાર નહોતું. તેના નાનાએ છએક મહિના તેને રાખ્યો અને પછી લોનાવલાના અનાથાશ્રમમાં મૂકી દીધો. ત્યાં લગભગ 250 બાળકો વચ્ચે તે અથડાતો-કુટાતો મોટો થતો હતો. સાગર કહે છે, 'પેટ ભરીને ખાવાય ન મળતું. ખાવા માટે અમે રડતા, એકબીજા સાથે લડતા, મારામારી કરતા, એકબીજાનું ઝૂંટવી લેતા. અમારા માટે વાર-તહેવાર જેવું કશું નહીં. કોઈક વાર અનાથાશ્રમમાં કોઈ શેઠ-શાહુકાર કે દાનવીર જમાડવા આવે એ દિવસ અમારા માટે દશેરા અને દિવાળી. બાકી તો બધા દિવસ સરખા. જીવન ટકાવી રાખવા માટે સતત ઝઝૂમતા રહેવું પડતું. અનાથ બાળકોમાં પણ ત્રણ વર્ગ હોય છે. એક, જેમનાં માતા-પિતા કોણ છે એની જાણ હોય. તેમના પરિવારજનો એટલે કે કાકા-મામાની પણ ખબર હોય, પરંતુ મા-બાપ બન્ને અથવા બેમાંથી એકનું મૃત્યુ થઈ ગયું હોય અને ગરીબી અથવા અન્ય કોઈ કારણસર બાળકને સંભાળનાર કોઈ ન હોય એટલે તેને અનાથાશ્રમમાં મૂકી દેવામાં આવે. જેવું મારી સાથે થયું હતું. બીજા વર્ગમાં એવાં બાળકો જેમને જન્મતાંની સાથે જ તરછોડી દેવામાં આવ્યાં હોય. ઝાડી-ઝાંખરાં, નદીકિનારે કે પછી કોઈ અનાથાશ્રમની બહાર મૂકી દેવાયાં હોય અને ત્રીજો વર્ગ એટલે ખોવાઈ ગયેલાં, ભૂલાં પડેલાં, ઘરમાંથી ભાગી ગયેલાં, રસ્તે રઝળતાં કે રેલવે-સ્ટેશન પરથી મળી આવેલાં બાળકો. પહેલાં વર્ગનાં બાળકોના જન્મ કે મા-બાપ વિશે કંઈક માહિતી તો હોય પણ બાકીનાનું તો કંઈ ઠામ-ઠેકાણું જ નહીં.'

 

સાગર રેડ્ડીનાં માતા-પિતા સિવાયનાં સગાંવહાલાઓ જીવતાં હતાં, પણ કોઈ ક્યારેય તેની ભાળ કાઢવા આવ્યું નહીં. ફક્ત વર્ષમાં એક વાર 20 માર્ચે એટલે કે સાગરના જન્મદિને તેના નાના તેને મળવા આવતા.

સાગર કહે છે, 'મારા 14મા જન્મદિને ડેવિડ કાળે એટલે કે મારા નાના રાબેતા મુજબ મને મળવા આવ્યા હતા. તેમણે મને કહ્યું કે સાગર, હવે તું એટલો મોટો થયો છે કે હું તને બધું કહી શકું.' એ દિવસે તેના નાના તેને લોનાવલાના ચર્ચમાં લઈ ગયેલા. સાગરના નાનાએ તેને કહ્યું, 'તું મને હંમેશાં પૂછતો રહેતો હતોને કે મારાં માતા-પિતા કોણ છે? તો આજે હું તને બધું જ કહીશ. તારા પિતા વેન્કટેશ રેડ્ડી આંધ્ર પ્રદેશના તેલુગુ બ્રાહ્મણ હતા અને તારી મા એટલે કે મારી દીકરી સ્ટેલા ક્રિશ્ર્ચિયન હતી. લગ્ન પછી તેનું નામ પૂર્ણિમા થયું હતું. તે બન્ને એન્જિનિયર હતાં. એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતાં-ભણતાં કૉલેજમાં તેમને પ્રેમ થઈ ગયો હતો અને અમારા બધાની મરજી વિરુદ્ધ તેમણે ભાગીને લગ્ન કર્યાં હતાં. તે બન્નેનું અકાળે ડેથ થયું મતલબ કે ધે વેર કિલ્ડ. (તેમની હત્યા કરવામાં આવી હતી) ત્યારે તું દોઢ વર્ષનો હતો.'

 

14 વર્ષનો માસૂમ છોકરો પોતાના જન્મ વિશે અને મા-બાપની હત્યા વિશે સાંભળીને થોડીક વાર તો દિગ્મૂઢ થઈ ગયો. તેને કળ વળી ત્યારે તેના મનમાં સંખ્યાબંધ પ્રશ્ર્નો ફૂટવા માંડ્યા. કોણે માર્યાં મારાં મા-બાપને? તેમનાં લગ્નનો વિરોધ તો મારા નાનાએ પણ કર્યો હશે. શું તેમની હત્યા કરવામાં નાનાનો પણ હાથ હતો? તેને સમાજ સામે ભયંકર તિરસ્કાર થયો. તેને થયું કે હું મારાં માતા-પિતાના હત્યારાઓને શોધીશ, તેમને સજા કરીશ.

 

સાગર કહે છે, 'પર ઝિંદગી કોઈ હિન્દી ફિલ્મ થોડી હી થી કિ મૈં બદલા લેને કે લિએ નિકલ પડૂં!' સાગર બદલો લેવા ન નીકળ્યો, પણ તેણે પોતાના નાનાને કહી દીધું કે હવે ક્યારેય મને મળવા આવતા નહીં.

 

ત્યારથી સાગરના દિવસો વધુ બોઝિલ બનવા લાગ્યા. આમ ને આમ સાગર અઢાર વર્ષનો થયો.

 

અનાથોને મોટા ભાગે દસમા ધોરણ પછી અનાથાશ્રમના સંચાલકો નક્કી કરે એ પ્રમાણે ટીવીરિપેરિંગ કે વાયરમૅન જેવા વોકેશનલ કોર્સ કરાવવામાં આવે છે અને બે વર્ષ પછી છોકરા-છોકરીઓ અઢાર વર્ષનાં થાય એટલે તેમને અનાથાશ્રમમાંથી રવાના કરી દેવામાં આવે છે.

 

સાગર કહે છે, 'અમારા માટે 18મો જન્મદિન બહુ ભયાનક દિવસ હોય છે. સત્તર વર્ષ અને અગિયાર મહિના થાય ત્યારે જ અમને કહી દેવામાં આવે છે કે આવતા મહિને તારે અહીંથી ચાલ્યા જવાનું છે. આ રીતે અચાનક અઢારમા વર્ષે એક દિવસ અમને દુનિયામાં ફંગોળી દેવામાં આવે છે. કોઈ વેઇટર, કૂલી તો કોઈ બૂટપૉલિશ કરનારા બને છે. આવા છોકરાઓને પોતાની ટોળકીમાં સામેલ કરવા માટે ગુંડા-મવાલીઓ ટાંપીને જ બેઠા હોય છે. મારે વેઇટર, પ્લમ્બર કે ઇલેક્ટ્રિશ્યન નહોતું બનવું. મેં મનોમન નક્કી કરી લીધું હતું કે મારાં મા-બાપ એન્જિનિયર હતાં અને તેઓ જીવતાં હોત તો કદાચ મને પણ એન્જિનિયર જ બનાવ્યો હોત. એટલે મારે એન્જિનિયર જ બનવું હતું.'

 

જોકે અઢારમા વર્ષે તેને અનાથાશ્રમની બહાર ધકેલી દેવામાં આવ્યો ત્યારે તેની પાસે મૂડીમાં દસમું ધોરણ પાસ કર્યું હોવાનું સર્ટિફિકેટ અને ચાર જોડી કપડાં હતાં. નાનકડી બૅગ લઈને બહાર નીકળેલા સાગર રેડ્ડીએ પાછળ ફરીને જોયું તો અનાથાશ્રમની ઇમારતનો તોતિંગ કાળો ગેટ હતો અને આગળ ક્યાં જવું? શું કરવું? શું ખાવું? ક્યાં સૂવું? જેવા મૂળભૂત છતાં વિકરાળ પ્રશ્ર્નો તેને હડપ કરી જવા અજગરની માફક ફેલાયેલા હતા.

 

સાગર કહે છે, 'શરૂઆતના પાંચ-છ દિવસ તો મેં એક મંદિરમાં આશ્રય લીધો હતો. અનાથાલયમાંથી બહાર આવેલાં ઘણાં છોકરા-છોકરીઓ આત્મહત્યા પણ કરી નાખતાં હોય છે અને સાચું કહું તો મને પણ આત્મહત્યા કરવાના જ વિચારો આવતા હતા. બીજી બાજુ અસહ્ય ભૂખને કારણે હું તરફડતો હતો. એ દિવસોમાં જો કોઈએ મને રિવૉલ્વર આપીને કહ્યું હોત કે જા, ફલાણા માણસની હત્યા કરી નાખ તો મેં કરી નાખી હોત, કારણ કે મારું પેટ ભૂખથી સળગતું હતું.'

 

જોકે સાગરનું એન્જિનિયર બનવાનું સપનું અકબંધ હતું. અથડાતો-કુટાતો તે બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન પહોંચ્યો. સાગર રેડ્ડી કહે છે, 'એ પછીના લગભગ છ મહિના બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન જ મારું ઘર હતું. સ્ટેશન પર સાફ-સફાઈ કરનારા કૉન્ટ્રૅક્ટરો હોય છે તેમની પાસેથી કામ મળતું. ઝાડુ મારવાનું, શૌચાલય-બાથરૂમ સાફ કરવાનાં. આવું કામ કરવાના દિવસના 50 રૂપિયા મળતા અને એક ટાઇમ જમવાનું મળતું.' જોકે આવું કામ કરવા અગાઉ સાગરે દસમા ધોરણમાં 64 ટકા (પંદરેક વર્ષ અગાઉ એક અનાથ બાળક માટે આટલા માર્ક 95 ટકા કરતાં પણ વધુ ગણાય!) ધરાવતી માર્કશીટ સાથે નોકરી મેળવવાના બહુ પ્રયાસ કર્યા, પણ દરેક જગ્યાએ તેને જાકારો જ મળ્યો કારણ કે તેની પાસે રૅશન કાર્ડ, પૅન કાર્ડ અથવા તેના રહેઠાણનો પુરાવો હોય એવો એક પણ દસ્તાવેજ નહોતો.

 

સાગર કહે છે, 'અનાથ બાળકોની આ સૌથી મોટી વિટંબણા હોય છે. મારા કિસ્સામાં તો મારાં મા-બાપનું નામ તો ખબર હતું, મારી પાસે મારી પોતાની એક અટક હતી; પણ જેઓ રસ્તે રઝળતા મળ્યા હોય તેમનું શું? આ બાળકોનાં નામ-અટક પણ કેવા હોય ખબર છે? મારા એક મિત્રનું નામ છે સુનીલ એ.બી. તે એક રિક્ષાવાળાને લોનાવલા સ્ટેશન પરથી મળ્યો હતો. નામ, અટક, જાતિની તો શું ખબર હોય!  એટલે તેનું નામ આંતરભારતી સંસ્થાના નામ પરથી સુનીલ એ.બી પડ્યું. તો એક છોકરીનું નામ સંગીતા આર.કે. છે, કારણ કે તે ચેમ્બુરના આર.કે. સ્ટુડિયોની બહારથી મળી હતી અને પોલીસે તેની ફાઇલનું નામ સંગીતા આર.કે. આપ્યું હતું. હવે જ્યારે અમારી પાસે અમારાં નામ-અટક પણ નથી હોતાં તો અમે બીજા દસ્તાવેજી પુરાવાઓ ક્યાંથી લાવીએ? અમારી હાલત તો આદિવાસીઓ અને અપંગો કરતાં પણ બદતર હોય છે, કારણ કે અમારી પાસે કોઈ જ ડૉક્યુમેન્ટ્સ નથી હોતા. ફક્ત મહારાષ્ટ્રની જ વાત કરીએ તો દર વર્ષે એન.જી.ઓ. (બિન સરકારી સામાજિક સંસ્થાઓ)માંથી જ લગભગ 10,000 અનાથ યુવાનો બહાર આવે છે. ઉપરાંત સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાંથી તો જુદા. મતલબ કે દર વર્ષે ભારતમાં પુખ્ત વયનાં લાખો અનાથો કોઈ પણ પ્રકારના દસ્તાવેજો વિના સમાજમાં ધકેલાય છે. અમારી જાતિ કઈ, ધર્મ કયો એની અમને પોતાને જ ખબર નથી એટલે અમારા માટે કોઈ આરક્ષણ નથી કે ન તો કોઈ અન્ય વ્યવસ્થા. અમે કોઈ વોટ-બૅન્ક નથી એટલે સરકાર કે રાજકીય પક્ષોને અમારામાં રસ નથી.'

 

દસમા ધોરણની માર્કશીટના આધારે ક્યાંય પણ નોકરી મેળવવામાં અસફળ રહેલા સાગર રેડ્ડીએ બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર નાનાં-મોટાં કામ કરવાનું શરૂ કરીને પેટિયું તો રળવા માંડ્યું હતું. એવામાં તેણે એક દિવસ રસ્તા પર ખોદકામ અને કેબલ વાયર નાખવાનું કામ થતાં જોયું. ત્યાંના મુકાદમ પાસે પૂછપરછ કરી તો તેને ખબર પડી કે અહીં કામ કરવાના દિવસના 150 રૂપિયા અને એક ટાઇમનું ભોજન મળે છે. સૌથી વધુ મહત્ત્વની વાત એ કે આ કામ મેળવવા માટે કોઈ ઓળખપત્રની મતલબ કે ડૉક્યુમેન્ટ્સની જરૂર પડતી નથી! એક શિફ્ટમાં બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર અને બાકીનો સમય કેબલ ખેંચવાનું કામ એમ દિવસના 15-16 કલાક કામ કરી-કરીને સાગરે પૈસા બચાવવા માંડ્યા. ઓવરટાઇમ કરવાના તેને લગભગ બમણા પૈસા મળતા. આમ કરીને તેણે નવ મહિનામાં 68,000 રૂપિયા જમા કર્યા અને એ લઈને ચેમ્બુરની સ્વામી વિવેકાનંદ કૉલેજમાં પહોંચ્યો. તેને એન્જિનિયરિંગમાં ઍડ્મિશન લેવું હતું, પરંતુ ફરી અહીં એ જ વાત સામે આવીને ઊભી રહી કે માર્કશીટ સિવાયનો એક પણ દસ્તાવેજ તેની પાસે નહોતો. એ સિવાય એક વર્ષની ફી જ 75,000 રૂપિયા હતી. કૉલેજની ઑફિસમાંથી તેને તગેડી મૂકવામાં આવ્યો. નિરાશ-હતાશ થયેલો સાગર બહાર નીકળી રહ્યો હતો ત્યારે ઑફિસની બહાર બેઠેલા એક આધેડ વયના પ્યુને તેને સૂચન કર્યું કે તું કોઈ સ્પૉન્સર શોધી લે. સાગર માટે સ્પૉન્સર શબ્દ પણ નવો હતો. પ્યુને તેને સમજાવ્યું કે ઘણા લોકો એવા હોય છે જે વિદ્યાર્થીના ભણતરનો બધો ખર્ચ ઉઠાવે.

 

સાગરને આ એક આશાનું કિરણ હાથ લાગ્યું. ત્યાર પછીના 19 મહિના તે સ્પૉન્સર શોધવા ભટકતો રહ્યો. એ 19 મહિનામાં તે કુલ 127 લોકો પાસે મદદની આશાથી ગયો હતો! 127 વ્યક્તિઓમાંથી કોઈએ તેને અપમાનિત કરીને કાઢી મૂક્યો તો કોઈએ ઠાલા વાયદાઓ કરીને. તો વળી કોઈ તેને કોઈ બીજા પાસે મોકલી આપતા હતા. આ રીતે તે એક દાતા પાસેથી બીજા પાસે એમ ફંગોળાતો રહ્યો, પરંતુ સાગર રેડ્ડીએ આશા છોડી નહોતી. તે જ્યારે ટી. શિવરામ નામના એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પાસે પહોંચ્યો ત્યારે એ મદદ મેળવવા માટેનો સાગરનો 128મો પ્રયાસ હતો.

 

ટી. શિવરામે કહ્યું, 'તું મદદ મેળવવાને પાત્ર છે એવું પુરવાર કરીશ તો હું તારું ભણતર સ્પૉન્સર કરીશ.' આ પાત્રતા પુરવાર કરવા માટે સાગરને ટી. શિવરામ નામના આ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે કહ્યું, 'તારે મને પોતાના વિશે અને તું એન્જિનિયર શા માટે બનવા માગે છે એ વિશે કહેવાનું છે, પણ અંગ્રેજી ભાષામાં.'

 

સાગર કહે છે, 'હું તો મરાઠી માધ્યમમાં ભણ્યો હતો અને મારું અંગ્રેજીનું જ્ઞાન તો સાવ કાચુંપાકું હતું, પણ મેં તૂટેલી-ફૂટેલી અંગ્રેજીમાં બોલવા માંડ્યું: માય મધર-ફાધર (ઇશારાથી સમજાવ્યું કે મારી નાખવામાં આવ્યાં હતાં) ગ્રૅન્ડફાધર કીપ લોનાવલા. 18 ફિનિશ. આઉટ. રેલવે-સ્ટેશન સ્લીપ. કેબલ પુલ. વડાપાવ, મિસળ (ખાવાનો અભિનય કરીને)…' સાગર આ રીતે પંદર મિનિટ પોતાના વિશે બોલતો રહ્યો. આ બધો સમય ટી. શિવરામ કશુંય બોલ્યા વિના તેના તરફ તાકતા રહ્યા. પંદર મિનિટ સુધી આ રીતે બોલતા રહ્યા પછી સાગરને થયું કે પોતે તો તૂટલું-ફૂટલું અંગ્રેજી બોલ્યો હતો. આ માણસ તેને અપમાનિત કરીને કે લાત મારીને કાઢે એ પહેલાં પોતે જ ચાલ્યા જવું બહેતર છે. તે પોતાનો થેલો ઉપાડીને ઊભો થયો ત્યાં જ ટી. શિવરામે તેને રોક્યો. તેમણે સાગરને કહ્યું, 'તારા આત્મવિશ્ર્વાસ અને હિંમતને હું દાદ આપું છું. તને અંગ્રેજી નથી આવડતું છતાંય તું એક પણ શબ્દ હિન્દી કે મરાઠીમાં ન બોલ્યો. મને તારામાં ખૂબ ક્ષમતા દેખાય છે. હું તને સ્પૉન્સર કરીશ.'

 

ત્યાર પછી તો ટી. શિવરામે તેના એન્જિનિયરિંગના ત્રણ વર્ષના કોર્સની ફી કે નોટબુક-પુસ્તકો જ નહીં,  કૉલેજમાં પહેરવા માટે બ્રૅન્ડેડ કપડાં અને સારામાં સારી ચીજવસ્તુઓ તેમ જ ખાવા-પીવાનો તેમ જ મહિનાનો ખિસ્સાખર્ચ પણ આપવા માંડ્યો. તેને ચેમ્બુરની એ જ સ્વામી વિવેકાનંદ કૉલેજમાં ઍડ્મિશન અપાવ્યું જ્યાંથી તેને તગડી મૂકવામાં આવ્યો હતો. ટી. શિવરામની આર્થિક સહાયથી સાગરને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગમાં ઍડ્મિશન તો મળી ગયું, પણ શરૂઆતના દિવસોમાં તે ક્લાસમાં જઈને બેસે તો તેને કશું જ સમજાય નહીં. પરંતુ તે હિંમત હાર્યો નહીં. તેણે કૉલેજના મિત્રોની મદદથી અંગ્રેજી શીખવા માંડ્યું. આજે તો સાગર રેડ્ડી ફાંકડું કડકડાટ અંગ્રેજી બોલે છે. એટલું જ નહીં ગુજરાતી, તેલુગુ, તામિલ, ક્ધનડ અને બંગાળી પણ બોલી જાણે છે.

 

દરેક વર્ષે એ ગ્રેડ મેળવીને પાસ થતો સાગર રેડ્ડી કૉલેજ પૂરી કરે એ પહેલાં જ તેને લાર્સન ઍન્ડ ટૂબ્રો કંપનીમાં 22,000 રૂપિયાના માસિક પગાર પર નોકરી પર રાખી લેવામાં આવ્યો. સાગર કહે છે, 'ડિગ્રી અને નોકરી મળી ગયા બાદ બધા જ યુવાનો જેવું મારું પણ પ્લાનિંગ હતું કે લોન લઈને ફ્લૅટ અને ગાડી લઈશ. ત્યાર બાદ લાડી અને આપણી લાઇફ સેટલ. મારી એક સરસ મજાની ગર્લફ્રેન્ડ પણ હતી. મને ચા, કૉફી, દારૂ, સિગારેટ જેવી કોઈ લત નથી. નૉન-વેજ ખાતો હતો એ પણ છોડી દીધું એટલે બચત સારી થતી. મારી પોતાની બચત અને કંપની પાસેથી લોન લઈને મેં 80,000 રૂપિયા ટોકન આપી વાશીમાં 40 લાખનો ફ્લૅટ પણ બુક કરાવી લીધો હતો. એક સુખ-સગવડભર્યું આરામદાયક જીવન જીવવાનું આયોજન મેં કરી લીધું હતું.'

 

પરંતુ નિયતિનું સાગર માટેનું આયોજન કંઈક જુદું જ હતું. તેના જીવનમાં ફરી એક જબરદસ્ત વળાંક આવ્યો અને તેના જીવનની દિશા બદલાઈ ગઈ.

 

સાગર કહે છે, 'હું જે અનાથાશ્રમમાં રહ્યો ત્યાં દર દિવાળી પર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો મેળાવડો થાય છે એની મને ખબર હતી, પણ આટલાં વર્ષો દરમિયાન હું ત્યાં જવાનું ટાળતો રહ્યો. જોકે હું એન્જિનિયર થઈ ગયો અને નોકરી મળી ગઈ એ દિવસે મેં નક્કી કર્યું કે આ વખતના મેળાવડામાં હું જઈશ. વટથી બધાને કહીશ કે જો હું કેટલો સફળ છું. છાતી કાઢીને ફરીશ.'

 

એ વર્ષે એ મેળાવડામાં સાગર ગયો તો તેણે જોયું કે એ મેળાવડામાં ઘણા ભૂતપૂર્વ રહેવાસીઓ એટલા માટે આવ્યા હતા કે કમસે કમ આ એક દિવસ તો તેમને સારું અને ભરપેટ ખાવાનું મળી રહે. મોટા ભાગના લોકો જીવન ટકાવી રાખવા માટે ઝઝૂમતા હતા. છોકરીઓ પણ આવી હતી. એમાંથી કેટલાંકનાં લગ્ન થઈ ગયાં હતાં. એ મેળાવડામાં એક યુવતી પણ આવી હતી. સાગરને જોતાંની સાથે જ તે મોં ફેરવીને ચાલવા લાગી. સાગર દોડીને તેની પાસે ગયો. તેણે બૂમ પાડીને તે યુવતીને રોકી,

 

'અપ્પુતાઈ…'

 

સાગરની આ અપ્પુતાઈ આમ તો તેનાથી પાંચ-છ વર્ષ જ મોટી હતી, પણ નાનકડા સાગરને જ્યારે તેના નાના અનાથાશ્રમમાં મૂકી ગયા હતા ત્યારે માની જેમ તેણે સાગરને પ્રેમ કર્યો હતો. સાગરને ખોળામાં બેસાડીને તે ખવડાવતી, પોતાની સોડમાં સુવડાવતી અને પછીનાં વર્ષોમાં તો કોઈ સાગરને પજવે તો મા કે મોટી બહેનની જેમ તે છોકરાઓ સાથે ઝઘડવા પણ જતી. લોનાવલામાં જે મ્યુનિસિપલ શાળામાં તે ભણતો હતો એ સાત ધોરણ સુધીની હતી અને આઠમાથી દસમા ધોરણ માટે છોકરાઓને ભણવા નાંદેડ મોકલવામાં આવતા હતા. સાગર જ્યારે ભણવા માટે નાંદેડ ગયો હતો ત્યારે પાછળથી તેની આ અપ્પુતાઈ 18 વર્ષની થઈ ગઈ હતી અને તેનાં લગ્ન કરી દેવામાં આવ્યાં હતાં.

 

સાગર જ્યારે તેની આ અપ્પુતાઈની નજીક ગયો તો તેને સમજાયું કે તે શા માટે ભાગી રહી હતી. તેણે પોતાનો અડધો ચહેરો સાડી વડે ઢાંકી દીધો હતો, કારણ કે તેનો ચહેરો કદરૂપો થઈ ગયો હતો. તેના પતિએ તેને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો! સાગર ડઘાઈ ગયો. તેને માનો પ્રેમ આપનાર આ સુંદર અને પ્રેમાળ ચહેરો ધરાવતી અપ્પુતાઈનો ચહેરો દાઝવાને કારણે કુરૂપ થઈ ગયો હતો. જે આંખોમાં સાગરે પોતાના માટે વહાલ અને પ્રેમ જોયાં હતાં એ આંખમાંનો ડોળો બહાર આવી ગયો હતો. ત્યાં તે અન્ય છોકરીઓને મળ્યો ત્યારે તેને ખબર પડી હતી કે જે છોકરીઓએ તેને રાખડી બાંધી હતી એમાંની ઘણી બધી વેશ્યાઓ બની ગઈ હતી. જેમ-જેમ તે પૂછપરછ કરતો ગયો તેને અનાથાશ્રમમાંથી બહાર પડેલાં અને ક્રૂર વાસ્તવિકતાના હાથે લોહીલુહાણ થયેલાં તેના જેવાં જ યુવાન-યુવતીઓની ભયાનક કથનીઓની જાણકારી મળવા માંડી. આ બધું સાંભળીને સાગર હચમચી ગયો. તેને થયું કે મારું તો બધું ગોઠવાઈ રહ્યું છે, પણ મારા જેવા મારા અસંખ્ય ભાઈભાડુંઓનું શું? મારી મહેનત અને મને મળેલી તકને કારણે મારી પાસે એટલું છે કે હું આરામદાયક જિંદગી જીવી શકું, પણ મારાં આ ભાઈ-બહેનો આટલી પીડામાં હોય ત્યારે હું મારું સુખ જોઉં અને બાકી બધા ગયા ભાડમાં એવો અભિગમ રાખી શકીશ? એ આરામદાયક ફ્લૅટમાં શું શાંતિથી ઊંઘી શકીશ?

 

તેણે ફ્લૅટ અને કારનું બુકિંગ કૅન્સલ કરાવ્યું. ટોકન તરીકે 80,000ની રકમ આપી હતી એ પાછી લીધી. એ રકમમાંથી તેણે ત્રણ ફ્લૅટ ભાડે લીધા. તેના જેવાં 18 અનાથ યુવાનો અને 8 છોકરીઓનાં શિક્ષણની, ખાવા-રહેવાની જવાબદારી પોતાના માથે લીધી. એટલે એક અર્થમાં તેણે આ છોકરા-છોકરીઓને દત્તક લીધાં. આ 26 જણને તેણે કહી દીધું કે તમે ફક્ત ભણવા પર ધ્યાન આપો, કમાવાની ચિંતા ન કરો. શિક્ષણ અને નોકરી બન્ને એકસાથે કરવાની પણ જરૂર નથી. જોકે માત્ર 26 જણનો ઉદ્ધાર કરી નાખીને તે રાજી નહોતો, પણ એ વખતે તેની ક્ષમતા આટલી જ હતી. તેના સહકર્મચારીઓ કે પરિચિતો ક્યારેક તેના આ કામમાં તેને આર્થિક સહાયતા આપતા હતા. સાગરને લાગતું હતું કે અનાથાશ્રમમાંથી બહાર પડતા યુવાનોને ઠેબાં ખાવા માટે છોડી ન દઈ શકાય. તેમને શિક્ષણ અને રહેવા-ખાવાની તેમ જ પગભર થાય ત્યાં સુધીની સહાયતા મળવી જોઈએ. આ અનાથ યુવાનોને રૅશન કાર્ડ, પૅન કાર્ડ અને હવે આધાર કાર્ડ મળવાં જોઈએ. આદિવાસી અને અપંગ લોકો માટે સરકાર વિચારે છે, તેમના માટે યોજનાઓ અને અધિકારો છે પણ અનાથ માટે કશું નથી તો તેમના માટે પણ આ બધું હોવું જોઈએ. પોતે પોતાનાં અંગત સપનાંઓ કે સુવિધાઓ માટે નહીં પણ આ ઉદ્દેશ માટે કામ કરશે એ સાગર માટે સ્પષ્ટ થવા માંડ્યું હતું.

 

આ અરસામાં એક ઘટના બની. સાગર કંઈક કામસર એસ.ટી. બસમાં મુંબઈથી પુણે જઈ રહ્યો હતો ત્યારે તેણે જેમની જવાબદારી લીધી હતી તે 26 જણમાંના એકનો ફોન આવ્યો કે રૅશન ખલાસ થઈ ગયું છે અને દુકાનદાર વધુ માલ ઉધાર આપવાની ના પાડે છે. સાગરે તે દુકાનદારને ફોન કરીને વિનવણી કરી, 'કાકા, હું બે દિવસમાં પાછો આવીશ ત્યારે તમારી બધી ઉધારી ચૂકવી દઈશ, પણ હમણાં તમે માલ આપો. નહીં તો મારાં 26 બાળકો ભૂખ્યા રહેશે.' તેની આ બધી વાતચીત તેનો સહપ્રવાસી સાંભળી રહ્યો હતો. સાગરનો ફોન પૂરો થયો ત્યારે તે અજાણ્યા સહપ્રવાસીએ સાગરને તેની ઉંમર પૂછી અને કહ્યું કે 'વાહ, તેં તો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. ત્રેવીસ વર્ષની ઉંમરે તને 26 બાળકો છે!' જ્યારે એ સહપ્રવાસીને ખબર પડી કે સાગર રેડ્ડીનાં આ 'બાળકો' તેનાથી ચાર-પાંચ વર્ષ જ નાનાં એટલે કે 18-20 વર્ષનાં છે ત્યારે તેના અચરજનો પાર ન રહ્યો. તેણે સાગર પાસેથી બધી વાતો જાણી અને તેની પાસેથી તેનો ફોન-નંબર અને કોઈ ફોટો હોય તો એ આપવા વિનંતી કરી. સાગરને લાગ્યું કે કદાચ તે વ્યક્તિ ભવિષ્યમાં કોઈ આર્થિક મદદ કરવા માગતો હશે એટલે તેણે પોતાના પાકીટમાંથી પાસપોર્ટ સાઇઝનો ફોટો આપ્યો. પુણે આવ્યું એ સાથે જ બન્ને છૂટા પડ્યા.

 

પણ બીજા દિવસે સાગરના ફોનની રિંગ સતત રણકવા લાગી. તેની સાથે જે સહપ્રવાસી હતો તે બહોળો ફેલાવો ધરાવતા 'સકાળ' નામના મરાઠી અખબારનો સંવાદદાતા હતો એની સાગરને જાણ જ નહોતી. તે સંવાદદાતાએ સાગર અને તેના કાર્ય વિશેની વાત પહેલે પાને પ્રસિદ્ધ કરી હતી. ત્યાર પછી તો વિવિધ અખબારો અને ટેલિવિઝન ચૅનલોએ સાગરની મુલાકાતો પ્રકાશિત અને પ્રસારિત કરવા માંડી. ચારે તરફથી તેને સહાય મળવા માંડી. તેણે સ્થાપેલી 'એકતા નિરાધાર સંસ્થા'ને બહુબધો આધાર મળવા માંડ્યો.

 

જોકે આ અગાઉ તેના જીવનમાં બીજી પણ એક મહત્ત્વની ઘટના બની હતી. સાગરે વાશીનો ફ્લૅટ, ગાડી બધું કૅન્સલ કર્યું અને અનાથ બાળકોનો નાથ બનવાનો નિર્ધાર કર્યો ત્યારે તેની પ્રેમિકાના પરિવારજનોને તેનું આ પગલું ખૂંચ્યું હતું. તેની પ્રેમિકાની વિધવા માતાએ સાગર રેડ્ડીને મળવા બોલાવ્યો હતો અને કહ્યું, 'તું નિર્ણય લઈ લે કે તારે મારી દીકરી સાથે લગ્ન કરવાં છે કે પછી આ જે કામ તેં હાથમાં લીધું છે એ કરવું છે. તારે અડધો કલાકમાં નિર્ણય લઈ લેવાનો છે.' સાગર કહે છે, 'આપણે બધા ઇચ્છીએ છીએ કે શિવાજીનો જન્મ થવો જોઈએ પણ પાડોશીના ઘરમાં. એ દિવસે મારા માટે નિર્ણય લેવો આસાન નહોતો. અમારા કૉલેજકાળથી સંબંધ હતા અને અમે એકબીજાને ખૂબ ચાહતા હતા. મારી પ્રેમિકા તેના પરિવારજનો વિરુદ્ધ જઈને મારી સાથે ભાગી જવા પણ તૈયાર હતી, પણ મેં તેને કહ્યું કે આંખની કિંમત એક આંધળો જ સમજી શકે અને મા-બાપની કિંમત એક અનાથ. હું નથી ઇચ્છતો કે મારે કારણે તું તારી માતા અને પરિવાર સાથે સંબંધ તોડી નાખે.' અને સાગરે પ્રેમિકા માટેના પ્રેમને બદલે જે બાળકોનું પિતૃત્વ તેણે સ્વીકાર્યું હતું એને પ્રાથમિકતા આપી.

 

ધીમે-ધીમે સાગર રેડ્ડીના કામની પ્રસિદ્ધિ ઠેકઠેકાણે પહોંચવા માંડી હતી. તેના કાર્યનો વ્યાપ પણ વધવા માંડ્યો હતો. મુંબઈ, પુણે, ઔરંગાબાદ, બૅન્ગલોર, યવતમાળ, હુબલી, રાયપુર, હૈદરાબાદ, ચેન્નઈ જેવાં સ્થળોએ 'એકતા નિરાધાર સંસ્થા'નાં કેન્દ્રો શરૂ થયાં છે. તે જ્યાં કામ કરતો હતો એ 'લાર્સન ઍન્ડ ટૂબ્રો'એ પણ તેના કાર્યમાં આર્થિક સહાય કરી અને તેને માનદ વેતન આપવા માંડ્યું. ઇન્કમ-ટૅક્સ વિભાગમાંથી નિવૃત્ત થયેલાં કલ્યાણી ગુલગુલવાર, જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ સ્વ. નીતુ માંડકેનાં પત્ની અલકા માંડકે, પેઠે જ્વેલર્સનાં રાધા પેઠે, સુનીલ દેશપાંડે, ઝી ગ્રુપનાં વૈજંતી આપટે, રશ્મિ ભાતખળકર, મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન વિનોદ તાવડેનાં પત્ની વર્ષા તાવડે, સુનીલ આંબેકર, રાજીવ ખાંડેકર, ઉદય નિર્ગુડકર જેવા અનેક લોકોનો ટેકો હવે તો તેને મળ્યો છે. એસ્સેલવર્લ્ડ ગ્રુપના અશોક ગોયલ પણ તેના આ કાર્યને સહાય કરી રહ્યા છે.

 

33 વર્ષના સાગરે અત્યાર સુધીમાં 1128 યુવાન -યુવતીઓને દત્તક લઈને તેમને શિક્ષણ આપ્યું છે તો 60થી વધુ છોકરીઓનું તેણે ક્ધયાદાન કર્યું છે.

સાગર કહે છે, 'અઢાર વર્ષની ઉંમરે અનાથાશ્રમોમાંથી કાઢી મૂકવામાં આવેલા છોકરાઓ તો ફૂટપાથ કે રેલવે-સ્ટેશન પર સૂઈને દિવસો કાઢી લે છે, પણ છોકરીઓની હાલત શું થાય છે એની તમને કલ્પના પણ નહીં હોય.'

 

થોડાક સમય પહેલાં ઔરંગાબાદથી સાગરને ફોન આવ્યો હતો. સામે છેડેથી એક યુવતીએ કહ્યું, 'સાગરસર, તમારે આ કામ થોડાં વર્ષ પહેલાં શરૂ કરવું જોઈતું હતું.' જ્યારે તેની સાથે વાતચીત કરી ત્યારે તે યુવતીએ કહ્યું, 'અમે બે જોડિયા બહેનો અઢાર વર્ષની ઉંમરે અનાથાશ્રમની બહાર નીકળી ત્યારે મને દસમા ઘોરણમાં 88 ટકા અને મારી બહેનને 70 ટકા માર્ક મળ્યા હતા. અમારી પાસે કોઈ આશ્રયસ્થાન નહોતું. પહેલી રાત અમે ઔરંગાબાદ એસ.ટી. સ્ટૅન્ડ પર સૂઈ ગઈ તો કેટલાક મવાલીઓએ અમારી છેડતી કરવા માંડી. તેમનાથી બચવા અમે દોડીને રસ્તા પર આવી. પેલા મવાલીઓ અમારી પાછળ જ હતા એટલે અમે એક કારમાં લિફ્ટ માગી. એ કારચાલકે અમારા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને અમને કહ્યું કે તમે ચિંતા ન કરો, અમે તમને અમારા ઘરે લઈ જઈશું. જોકે એ સહાનુભૂતિ દેખાવ પૂરતી જ હતી. તેમણે અમને લઈ જઈને એક ઓરડીમાં ગોંધી દીધી. તેણે એકલાએ જ નહીં અનેક પુરુષોને બોલાવી -બોલાવીને અમારા પર 28 દિવસ સુધી બળાત્કાર કર્યો અને પછી અમારાથી કંટાળી ગયા એટલે અમને વેશ્યાવાડે વેચી દીધી.' સાગરે આ બન્ને છોકરીઓને મદદ કરવાની તૈયારી દર્શાવી ત્યારે તેમણે કહ્યું કે 'છેલ્લાં છ વર્ષથી અમે દેહવિક્રય કરી રહ્યા છીએ. અમારી જિંદગી બરબાદ થઈ ચૂકી છે. હવે બહુ મોડું થઈ ગયું.'

 

સાગર કહે છે, 'ઘણાખરા અનાથાશ્રમમાં છોકરીઓ અઢાર વર્ષની થાય એટલે સંચાલકો જ તેમનાં લગ્ન કરાવી નાખે છે. એમાંના કેટલાક મુરતિયાઓ તો છોકરીઓથી બમણા કે તેથી વધુ ઉંમરના હોય છે. કેટલીક જગ્યાએ તો સંચાલકો અને મુરતિયાઓ વચ્ચે આર્થિક લેવડદેવડ થાય છે. મારી અપ્પુતાઈનાં લગ્ન પણ તેનાથી બમણી ઉંમરના પુરુષ સાથે કરી દેવામાં આવ્યાં હતાં. આપણા સમાજમાં કેટલીયે છોકરીઓનાં મા-બાપ કે પરિવારજનો હોય તો પણ તેમની સાથે તેમના પતિ કે સાસરિયાંઓ દુર્વ્યવહાર કરતાં હોય છે. તો જેમનું કોઈ નથી અને જેમને ક્યાંય પાછા જવા જેવું સ્થાન નથી તેમની સાથે તો કેટલી ક્રૂરતા આચરવામાં આવે છે એનો તમને અંદાજ પણ નથી. એમ છતાં આ છોકરીઓ પતિ અને સાસરિયાંઓનો ત્રાસ સહન કરે છે કારણ કે ભાગીને જાય તો પણ ક્યાં જાય? ઘરમાં તો એક જ પતિ હોય છે, પણ બહારની દુનિયામાં તો અસંખ્ય વરુઓ ટાંપીને જ બેઠાં હોય છે એટલે એ નર્કાગારમાં જીવન વિતાવી નાખે છે.'

 

સાગર કહે છે, 'અમે જે છોકરીઓનાં લગ્ન કરાવ્યાં છે તેમનું દર વર્ષે ફૉલો-અપ લઈએ છીએ. તેમની સાથે કોઈ દુર્વ્યવહાર તો નથી થઈ રહ્યોને એના પર નજર રાખીએ છીએ.'

 

સાગર રેડ્ડીને અત્યાર સુધીમાં બેસ્ટ સિંગલ ફાધર, બેસ્ટ અનમૅરિડ ફાધરના ઍવોર્ડ અને અનેક સન્માન મળ્યાં છે. અનાથોના આ નાથના પ્રયત્નથી મહારાષ્ટ્રમાં એમપીએસસી અને યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સરકારે અનાથોને એક ટકો આરક્ષણ આપ્યું છે. અનાથ યુવક-યુવતીઓ માટે દરેક ક્ષેત્રમાં કમસે કમ એક ટકો આરક્ષણ મળે એ માટે હાલમાં તે પ્રયત્નશીલ છે.

 

સાગર કહે છે, 'મેં જ્યારે અનાથ યુવાનો માટે જ મારું જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું ત્યારે મારી પ્રથમ પ્રેમિકાની માએ મને બોલાવ્યો હતો અને મને કહ્યું હતું કે તું નિર્ણય લઈ લે – કાં તો મારી દીકરી સાથે લગ્ન કર અને કાં તો આ સમાજસેવા કર. એ વખતે મારું એક મન કહેતું હતું કે આ બધું છોડીને પરણી જા. જે સુખ-સુવિધાઓનું તે સપનું જોયું હતું એ બધું જ તને મળશે, પણ મારી ભીતરથી એક અવાજ આવ્યો કે પોતાના માટે તો ગધેડા અને કૂતરા પણ જીવે છે, એક માણસ જ છે જેની પાસે એ વિકલ્પ છે કે તે બીજાઓ માટે જીવી શકે. કહેવાય છે કે મનુષ્યજન્મ અનેક યોનિમાંથી પસાર થયા પછી મળે છે. એ દિવસે મેં મારી પ્રેમિકાની માને કહી દીધું કે તમારી દીકરીને 100 મુરતિયાઓ મળી જશે પણ અનાથ યુવાનોને પિતા નહીં મળે. ઈશ્ર્વરે કદાચ મને આ કામ માટે પસંદ કર્યો છે અને એટલે હું આ જ કરીશ. આજે પણ કોઈ મારા માથા પર હેતથી હાથ મૂકે છે તો મારી આંખમાં આંસુ આવી જાય છે.'

 

જોકે સાગરને તેના કામમાં અવરોધરૂપ ન બને તેવી યુવતી મળી ગઈ. એબીપી ચૅનલમાં કામ કરતી રિપોર્ટર પૂજા સાથે તાજેતરમાં જ તેનાં લગ્ન થયાં છે. સાગર કહે છે, 'મારા કામ વિશે તે બધું જ જાણે છે. મારાં લગ્નના ત્રીજા જ દિવસે હું મારા કામના સંદર્ભે બહારગામ ઉપડી ગયો હતો.'

 

2200થી વધુ કૉલેજોમાં પ્રેરણાત્મક પ્રવચનો આપી ચૂકેલો સાગર કહે છે, 'મારું આખું જીવન મેં અનાથ વ્યક્તિઓને હક અને આધાર આપવા માટે સમર્પિત કર્યું છે. આજે પણ હું પલંગ પર કે ગાદલા પર સૂતો નથી. જમીન પર શેતરંજી પાથરીને જ સૂઉં છું. કોઈ પણ મોસમમાં ઠંડા પાણીથી જ સ્નાન કરું છું. બે ટાઇમ જમવા સિવાય વચ્ચે કંઈ ખાતો નથી. ચા-કૉફી પણ પીતો નથી. ફક્ત ગરમ પાણી પીતો રહું છું. હા, મને કપડાં, ટોપીઓ અને શૂઝનો શોખ છે.'

 

બે બદામના ફિલ્મસ્ટાર્સ, ત્રણ કોડીના ક્રિકેટર્સ કે કોઠાકબાડા કરીને અબજોપતિ બનનારા ઘણા વ્હાઇટ કૉલર ક્રિમિનલ્સ આપણા દેશના લોકોના રોલ મોડેલ્સ બની જતા હોય છે, પણ સાગર રેડ્ડી જેવા નોખી માટીના માણસો રિયલ લાઇફના સુપર હીરો હોય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvMUkr1NkSec2HbDJ5QtKRhTQqGw66gCGyXcOX-RFug1Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બાવન પાનાંની ગીતા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાવન પાનાંની ગીતા!
અશોક દવે

 

 


બાવન પાનાંની ભગવત-ગીતાને ય સમજવા માટે ગુરૂની જરૂર તો પડે, એમ ગુજરાતના લાખો હરિભક્તોએ મહાન ગીતા-પ્રેમી શ્રી. અશોકજી પાસે પ્રશ્નોત્તરી સ્વરૂપે જ્ઞાનપિપાસાની અરજી કરી છે તો, ભક્તોના કલ્યાણાર્થે અત્રે ગીતાની એવી વિમાસણો અને ગૂંચવણોના ઉકેલ પ્રસ્તુત છે. (અલબત્ત, ગીતાની સૌથી મોટી ગૂંચવણ તો એનો ગોરધન આપણો ગુણવંતીયો જ છે... લેકીન, વો કિસ્સા ફિર કભી...!)


મૂંઝવણ ૧ : સ્વામી અશોકજી, અમારા ઉપર અસીમ કૃપા કરીને, આ જન્માષ્ટમી પર્વ નિમિત્તે અમે તીન-પત્તીમાં ખૂબ જીતીએ, એનો કોઈ મારગડો દર્શાવશો?


ઉત્તર : અવશ્ય. દર વર્ષે જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે બાવન-પાનાંની ગીતાનું સામુહિક પઠન કરતા હરિભક્તોને પ્રભુ શ્રીકૃષ્ણ પૂરા ફળે, એ માટે દરેક બેઠક પહેલા એક પ્રાર્થના કરી લેવી ભગવત-ગીતામાં ઈષ્ટ મનાઈ છે કે, ''હે નટવર ગીરધર... હું એવો સ્વાર્થી નથી કે, ફક્ત મારી બાજીમાં ત્રણ એક્કાનો ટ્રાયો નીકળે... સામેવાળાઓને પણ તું એ જ બાજીમાં રાજાનો ટ્રાયો, રાણીનો ટ્રાયો કે છેવટે દસ્સાનો ટ્રાયો આપજે... હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રીમહાપ્રભુજી,... હોઓઓઓ... સહુનું કલ્યાણ કરો, એ પહેલાં મારૂં કરજો... પ્રભો.''


મૂંઝવણ ૨ : ધન્ય હો ધન્ય હો, મહારાજ.. આપનો દસે દિશાઓથી ધન્ય હો, કેવી ઉચ્ચ પ્રાર્થના છે આ કે, આપણે એકલા જ એક્કાનો ટ્રાયો લઈને બેસી રહીએ એવા સ્વાર્થી નથી. એ જ બાજીમાં કૌરવોને પણ બીજાં ટ્રાયા નીકળે. શત્રુઓનું પણ આવું સારૂં તો અસલી પાંડવો ય નહોતા વિચારતા.


...કિન્તુ ગુરૂજી, શું આપણા દેશમાંથી હિંદુ ધર્મ મરી પરવાર્યો છે?


ઉત્તર : જન્માષ્ટમીના પવિત્ર પ્રસંગે આગલી બે રાતોથી જ હરિભજનમાં લાગી જતાં ભક્તોના હાથમાં ૫૨-પાનાંની ભગવત-ગીતા હોવી, એ જ બતાવે છે કે, હજી દેશમાંથી ધર્મ મરી પરવાર્યો નથી. અરે, ચાલુ અઘ્યાયે પણ ફક્ત બે પાનાં વાંચ્યા પછી કાળીનો એક્કો અને કાળીની દૂરી દેખાય, ત્યારે પણ આ પાંડવો ઈશ્વર-સ્મરણ છોડતા નથી. ''હે દીનાનાથ, મારા કેસમાં તમારે દ્રૌપદીભાભીની જેમ, લાજ બચાવવા મારા માટે સાડીઓ મોકલવાની જરૂર નથી... મારી લાજ લૂંટાતી બચાવવા, તમે કાળીની ફક્ત એક તીરી મોકલી દો, શ્રીનાથજી... અહીં દુષ્ટ કૌરવો છેલ્લા બે કલાકથી મારી અડધી લાજ તો લૂંટી ચૂક્યા છે... મારે એક બાજી નથી આઈ... ને સાલા દુર્યોધન જેવા સુધીરીયાએ મારી કાચી રોન સામે પાકી રોન કાઢીને મને નવડાઈ દીધો હતો... યોગલો ધૃતરાષ્ટ્રનો ય બાપ થાય એવો છે... બ્લાઈન્ડ-બ્લાઈન્ડ રમીને મને આંધળો કરી દીધો છે... હે દયાળુ નાથ, મારી એક જ રીક્વેસ્ટ છે... મારી યાચના સાંભળીને કદાચ પણ તું મને કાળીનો એક્કો, દૂરી ને તીરીવાળી પાક્કી રોન આપી પણ દે... તો યાદ રાખજે મારા શામળીયા...એ જ બાજીમાં કોઈ કૌરવ ટ્રાયો લઈને ના આવે...! ''મારી બાજી સ્વીકારો, મા'રાજ રે, શામળા ગીરધારી, હોઓઓઓ...'' (પ્રભો, હાલમાં મારી હૂંડી-ફૂંડી કાંઈ સ્વીકારવાની જરૂર નથી... ફક્ત મારી બાજી સ્વીકારો, મા'રાજ રે... શામળા ગીરધારી, હોઓઓઓ!''


મૂંઝવણ ૩ : પૂજ્ય અશોકજી, કૃપા કરી અમને એ સમજાવશો કે, તીનપત્તીના મહાયુઘ્ધમાં જગ્યા બદલવાથી કોઈ ફેર પડે છે ખરો?


ઉત્તર : ઉચિત વિમાસણ છે આપની. કેટલીક વાર એવું બનતું હોય છે કે, જે સ્થાનકે આપ બેઠા બેઠા પત્તા ચીપતાં હો, એ મનહૂસ હોય ને આપની બાજીઓ જ ન નીકળે. એક નાનકડો જ સ્થાન ફેર કરવાથી ઘડીભરમાં બાજી પલટાઈ શકે છે... ને આપ બમણા ટીચાઈ જઈ શકો છો. આને માટે આપણા શાસ્ત્રોમાં, 'કટ-ફોર-સીટ'ની વ્યવસ્થા છે.


મૂંઝવણ ૪ : વાહ. કેવો ઉત્તમ ઉત્તર. ગુરૂજી. તો હવે આપ અમને એ સમજાવો કે, ઘણીવાર બાજુમાં જ એવો અભાગીયો બેસી ગયો હોય કે, એ પલાંઠી વાળીને બેઠો હોય, ત્યાં સુધી આપણી બાજીઓ જ ન નીકળે. ગુરૂજી, એ વખતે શું આપણાથી એને પલાંઠો છોડવાનું કહેવું, એ નીતિશાસ્ત્રની વિરૂઘ્ધ છે?


ઉત્તર : કવચિત, તીનપત્તીમાં બીજાના પલાઠાં આપણને નડવાના કિસ્સા જાણવામાં આવ્યા છે. અલબત્ત, એને પલાંઠો છોડવાનું કે છોડેલો હોય તો બાંધવાનું કહેવું, બહુધા ઉચિત નથી હોતું. શક્ય છે, એને છોડેલો પલાંઠો જ ફળી ગયો હોય, તો એ બાંધેલો પલાંઠો ઘેર ગયા પછી ય છોડવાનો નથી. તો સીધેસીઘું ના કહી શકાય કે, ''લંગડા, હખણો બેસ...!'' એને બદલે વિભિન્ન પ્રકારની આવા દુર્યોધનોને હળીઓ કરવાથી, રાજકોટ, જામનગર અને પોરબંદર સાઈડમાં રમાતી તીનપત્તીઓમાં પલાંઠા છુટતા જોવામાં આવ્યા છે.


તમને સ્મરણમાં હશે જ કે, ભગવાન શ્રીકૃષ્ણ પણ ઘણીવાર શત્રુઓનો સંહાર કરવાને બદલે, કેવળ 'હળી કરીને' ઝૂડી નાંખતા હતા, તેમ અહીં તમે પણ કૃષ્ણ-સ્વરૂપ ધારણ કરીને, બાજુની પલાંઠીવાળાને હળીઓ કરી કરીને હેરાન-પરેશાન કરી નાંખો. વારંવાર આપણો ઢીંચણ એને અથડાવાથી કે આપણી પલાંઠી છોડતી વખતે 'અજાણતામાં' એને લાત મારી દેવાથી, આ સાધના સફળ થઈ શકે છે. શત્રુનું પતન એ આપણો વિજય જ છે.


મૂંઝવણ ૫ : વાહ સ્વામીજી વાહ...! કેવા નૈતિક ઉપાયો છે આપના! કૃપા કરી, એ બતાવશો કે, અમારે ઓલમોસ્ટ દરેક બાજીમાં પહેલા બે પત્તાં, 'તોડી નાંખ તબલાં ને ફોડી નાંખ પેટી' જેવા સોલ્લિડ દેખાય, જેમ કે ચરકટનો રાજા ને એના પછી ચરકટની રાણી... તો દુનિયાભરના પરમેશ્વરોને પ્રાર્થનના કરવા છતાં, ત્રીજા પત્તામાં ચરકટનો એક્કો તો ઠીક, ગુલામ બી નથી નીકળતો. પૂછવાનું પ્રયોજન કેવળ એટલું જ, લગભગ દરેક બાજીમાં બે પત્તાં કાતિલ આવે પણ ત્રીજું ભંગારના પેટનું કેમ નીકળે છે?


ઉત્તર : વત્સ, અનિશ્ચિતતા જ તીનપત્તીના યુઘ્ધની પારાશીશી છે. ચરકટના રાજા-રાણીની સાથે છેલ્લે છગ્ગો જુઓ, તો નિરાશ થવાને બદલે પ્રભુને એ પ્રાર્થના કરો કે, ઓકે.... આવતી બાજીમાં આ જ લાલનો છગ્ગો પોતાની સાથે લાલનો સત્તો-અઠ્ઠો ય લેતો આવશે...


- તગારામાંથી સત્તા-અઠ્ઠા આવે...? અહીં તો તૂટી ગયા હોઈએ, ત્યારે ખરે વખતે સાલો છગ્ગો એની બહેનના લગ્ન કરાવવા બાજુવાળાની બાજીમાં જતો રહ્યો હોય ને આપણા સત્તા-અઠ્ઠાની સાથે દૂરો નીકળે.... સ્વામીજી, ખોટી ફેંકાફેંક ના કરો...!


ઉત્તર : ગીતામાં કહ્યું છે, ''કર્મ કરે જા... ફળની આશા ન રાખ''.


મૂંઝવણ ૬ : ગુરૂજી, તમારી એ જ ગીતાડીનો ગોરધન ગુણવંતીયો જ બધા ફળ ઠોકી જાય છે... સાલાને બ્લાઈન્ડમાં ય કલર, રોન ને ચોગ્ગાના ટ્રાયા નીકળે છે, એ જોઈને સોફામાં બેઠી બેઠી અમારી બાઓ ખીજાય છે...


ઉત્તર : પ્રશ્ન પૂછતી વખતે ભાષા ઉપર સંયમ રાખો, વત્સ...! અહીં 'તમારી ગીતાડી... તમારી ગીતાડી...' જેવા શબ્દપ્રયોગ ન કરો... ગીતલી સાલી કોઈની થઈ નથી ને થવાની નથી... ક્યું ઝખ્મો પર નમક છિડક રહે હો, ભાઇ...? સુઉં કિયો છો?


મૂંઝવણ ૭ : બાપનું કપાળ કહીએ છીએ! એક ભાવક તરીકે અમારો પ્રશ્ન બાવન-પાનાની ગીતા સંબંધિત છે... આપની આત્મકથા સ્વરૂપે નહિ! ગુરૂજી, સંસ્થા એ જાણવા માંગે છે કે, તીનપત્તી કેવળ મનોરંજન માટે રમવી કે પૈસા કમાવવાના પવિત્ર ભાવથી રમવી?


ઉત્તર : અનેક ક્ષુબ્ધજનો તીનપત્તી રમતા રમતા એવી ઘોષણા કરે છે કે, 'હું તો બે ઘડી ગમ્મત માટે જ રમું છું... પૈસાની આપણને સહેજ બી હાયવોય નહિ!' આવું કહેનાર જાતક શો કરાવે ને એના ડબલ-એક્કાની સામે સામેવાળો બ્લાઈન્ડમાં કલર કાઢે ત્યારે... ''એની માંને... ને તેની માંને...'' જેવા શ્વ્લોકો ઉપર ચઢી જાય છે..! ચેલા, તું સ્વીકારે કે ન સ્વીકારે, સહુ પૈસા ખાતર અને ફક્ત જીતવા જ આવે છે. હારવા કોઈ નહિ?


મૂંઝવણ ૮ : અદભુત અર્થઘટન, બાપજી... વાહ! તીનપત્તીમાં ય કેવા ધાર્મિક વિચારો છે આપના! હવે એ સમજાવો કે, તીનપત્તીમાં ડબલ-એક્કાની સામે કલર નીકળે, નીકળે ને નીકળે જ, એવું શાથી બનતું હોય છે? આપણે બે એક્કા ઉપર જૂનાગઢ જીતવા નીકળ્યા હોઈએ, ત્યારે સામેવાળો કલર જ કાઢે, એવું શાથી હોય છે?


ઉત્તર : એવું સદૈવ હોતું નથી, પણ એવું હોય છે ખરૂં. ગયા શનિવારે હું ય એમાં ધોવાઈ ગયો'તો...!

મૂંઝવણ ૯ : સ્વામી અશોકજી, શું તીનપત્તીની બેઠકમાં ક્રિકેટ-ફુટબોલની જેમ શરીર ફીટ રાખવું આવશ્યક છે?


ઉત્તર : એનો આધાર તમે જીતો છો કે ધોવાઈ ગયા છો, એની ઉપર છે. આપે નોંઘ્યું હશે કે, જીતનારો ટટ્‌ટાર અને ફૂલગૂલાબી મૂડમાં હોય છે.. ને ડૂબી ગયેલો ધીમે ધીમે પોતાના પાર્થિવ શરીરનો આકાર બદલવા માંડે છે. બાજીમાં ધોવાતો જાય એમ એમ, પ્રારંભમાં એ ટટ્‌ટાર બેઠો હોય, ત્યાંથી એનો નશ્વર દેહ વાંકો વળતો જાય... આખરી અઘ્યાયમાં તો, નદી કિનારે મરેલો અજગર લાંબો થઈને પડ્યો હોય, એમ આ જાતક સુતા સુતા સ્લો-મોશનમાં રમવા માંડે છે. સવારે ૮ થી ૧૦માં આપણને સફેદ-ઝભ્ભો લેંઘો પહેરીને એના હસતા ફોટાને ફુલહાર ચઢાવવાનો મોકો મળશે, એવી આશા બંધાય છે. (સાચા હરિભક્તો બેસણામાંથી પાછા આઇને સવા દસ-સાડા દસ સુધીમાં , ગીતાજ્ઞાનયજ્ઞ તાબડતોબ ચાલુ કરી દે છે.)


મૂંઝવણ ૧૦ : હવે અંતીમ પ્રશ્ન, અશોકજી... જન્માષ્ટમીના આ પુનિત પર્વ નિમિર્તે, આપણા ગુજરાતી હરિભક્તો બેઘડી આવા જ્ઞાનયજ્ઞોના આયોજનો કરે, એમાં દુઃશાસન બનીને પોલીસ શું કામ ઈજ્જતનો કચરો કરવા આવી જાય છે? બે દહાડા રમવાનું હોય, એમાં ય ફફડવાનું? રાત્રે ઘરમાં લાઈટો બળતી જોઈ નથી ને ધાડું આવી જાય, એ રોકવા શું કરવું?


ઉત્તર : કાઠીયાવાડની અસલી રાજપુતાણીઓ ૯૦-૯૦ વર્ષની ઉંમરે પણ વીજળીના ચમકારે મોતી પરોવી લેતી, એમ આપ સહુ ભાવકો પણ ઘરમાં લાઈટો બંધ કરીને મીણબત્તીના ચમકારે તીનપત્તી રમી શકો છો. સાધના વિના સિઘ્ધિ નથી.


--- આપનો આભાર ગુરૂજી, તીનપત્તીને એક પવિત્ર અને ધાર્મિક દરજ્જો આપીને આપે અમારા જુગારી જીવનમાં નૂતન પ્રકાશનો સંચાર કર્યો છે. (...અને એક રીક્વેસ્ટ છે સ્વામીજી... ગઈ બેઠકમાં આપ રૂા. ૩૪૦/- હાર્યા હતા, એ હજી આપે અમને પાછા ચૂકવ્યા નથી તો...)


ઉત્તર : પાપીઓ, દુષ્ટો, ધર્મભ્રષ્ટો... તમારૂં નખ્ખોદ જાય. જુગાર રમવું જ નહિ, જુગાર વિશે પ્રશ્નો ઊભા કરવા ય પાપ છે... ગેટ આઉટ અને પંખો ચાલુ કરતા જાઓ...!

 

સિક્સર
- આ ક્યારનું કોનું છોકરૂં ભેંકડા તાણી તાણીને રડે છે?
-કોઈનું છોકરૂં નથી રડતું... આ તો સની દેઓલ એની ફિલ્મના ડાયલોગ્સ બોલી રહ્યો છે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsU8DRAOPBw8jwEK-7qBYbsNvue%2Br7MtgkSMhxxz_V2KQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મૂડ મૂડ કે દેખ... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૂડ મૂડ કે દેખ...
પ્રફુલ્લ કાનાબાર
 

 

 

     
જાન લો, ઠોકર ખાને સે હી કામયાબી કા રાસ્તા મિલતા હૈ!

 

સાવ નાનકડા ગામનો એક છોકરો બાજુના મોટા ગામમાં ચાલીને ફિલ્મ જોવા ગયો. પછીથી એણે એ ફિલ્મ સતત ૪૦ વખત જોઈ. દર વખતે ચાલીને બાજુના ગામ જતો અને ચાલીને આવતો. આ દરમિયાન એણે મનમાં નક્કી કરી લીધું કે મુંબઈ જઈને ફિલ્મોમાં કામ કરીશ.

 

યુવાનીના ઉંબરે પગ મૂકતાંની સાથે જ ધર્મેન્દ્રએ ફ્લ્મિફેરની ટેલેન્ટ હન્ટમાં ફેટા સાથે અરજી મોકલી હતી. જેમાં તેનું સિલેક્શન થયું. ધર્મેન્દ્રએ પુરા ઉત્સાહથી મુંબઈની ટ્રેન પકડી લીધી. જો કે મુંબઈમાં પગ મૂક્યા બાદ અને ફિલ્મફેર ની એ ટેલેન્ટ હન્ટ માં  ભાગ લીધા બાદ, પણ ધર્મેન્દ્રનો ઉત્સાહ લાંબો સમય ટક્યો નહોતો. આકરા સંઘર્ષનો સમય શરૂ થયો હતો. નિર્માતાઓની ઓફ્સિના અને સ્ટુડિયોના ચક્કર કાપવાના ભાડાના પૈસા પણ ન હોવાથી એ ચાલતો જ બધે પહોંચી જતો. કેટલીયે વાર સાંજે ચણા ખાઈને ચલાવવાના તે દિવસો હતા. અતિશય આર્થિક તંગીના એ દિવસોમાં જ ધર્મેન્દ્રની દોસ્તી તેના જેવા જ સંઘર્ષ કરી રહેલા એક યુવાન સાથે થઈ હતી. તે યુવાન એટલે મનોજ કુમાર. આજે પણ બંને પાક્કા દોસ્ત છે.

 

ધર્મેન્દ્રએ સિનેજગતમાં પ્રવેશ મેળવવા માટે અતિ આકરો સંઘર્ષ કર્યો હતો. તે દિવસોમાં જ તેણે સંકલ્પ કર્યો હતો કે જો કિસ્મત સાથ આપશે અને તે મોટો સ્ટાર બનશે તો ફ્લ્મિોમાં આવવા માટે સંઘર્ષ કરી રહેલા યુવાનોને તે ચોક્કસ મદદ કરશે. નામ અને દામ બંને કમાયા બાદ ધર્મેન્દ્રએ મુંબઈની બહારથી આવતા પચાસેક સ્ટ્રગલર્સ રહી શકે તેવી હોસ્ટેલ જેવી સગવડ ઊભી કરી હતી. તેમાં જમવા સાથે રહેવાનું નજીવું ભાડુંં રાખ્યું હતું. કદાચ કોઈ જેન્યુઈન કારણ હોય તો ત્રણ માસ પછી ભાડું ભરવાની પણ સુવિધા આપવામાં આવી હતી. સમય મળે ત્યારે ધર્મેન્દ્ર તે યુવાનોને મળતો. આવી સરસ વ્યવસ્થાનો મોટાભાગના યુવાનો મિસયુઝ કરવા લાગ્યા. આખો દિવસ મુંબઈમાં હરે ફરે અને ભાડું આપવામાં ગલ્લાતલ્લા કરવા લાગ્યા…તે તો ઠીક પણ સામેથી બસનું ભાડું પણ માંગવા લાગ્યા. આઠ માસના નિરિક્ષણ બાદ ધર્મેન્દ્રને સમજાયું કે આસાનીથી મળતી સગવડને કારણે આ યુવાનો આળસુ થઈ ગયા છે. આખરે ધર્મેન્દ્રએ નિરાશ થઈને તે પ્રોજેક્ટ પડતો મૂક્યો. તે કહે છે "હરેક ઇન્સાન કો અપના સંઘર્ષ અપને બલ પર હી કરના ચાહિયે. ઠોકર ખાને સે હી કામયાબી કા રાસ્તા મિલતા હૈ."

 

ધર્મેન્દ્રનો જન્મ પંજાબમાં તા.૮/૧૨/૧૯૩૫ના રોજ થયો હતો. તેનું સાચું નામ ધરમસિંહ દેઓલ છે. પિતા સ્કૂલમાં હેડ માસ્તર હતા. સાવ નાના ગામડાંમાં ધર્મેન્દ્રનું બાળપણ વીત્યું હતું. ધર્મેન્દ્રને પ્રથમ બ્રેક અર્જુન હિંગોરાની એ "દિલ ભી તેરા હમ ભી તેરે" માં આપ્યો હતો. ધર્મેન્દ્રએ તેમનો તે ઉપકાર હંમેશાં યાદ રાખ્યો હતો. અર્જુન હિંગોરાનીની જેટલી ફ્લ્મિોમાં ધર્મેન્દ્રએ કામ કર્યું તે તમામમાં તેણે માત્ર નામના જ પૈસા લીધા હતા. જેમાં "કબ કયું ઔર કહા?" અને "કહાની કિસ્મત કી" જેવી સફ્ળ ફ્લ્મિોનો પણ સમાવેશ થાય છે. ધર્મેન્દ્રની સોલો હીરો તરીકેની સુપરડુપર હિટ ફ્લ્મિ એટલે ૧૯૬૬માં રિલીઝ થયેલી "ફૂલ ઔર પથ્થર". મીનાકુમારીએ ઘણી ફ્લ્મિોમાં ધર્મેન્દ્રને સાથે લેવાનો આગ્રહ રાખ્યો હતો તે વાત તો ખૂબ જ જાણીતી છે. શાયરીનો શોખ પણ ધર્મેન્દ્રને મીનાકુમારીને કારણે જ લાગુ પડયો હતો. તે જમાનામાં ધર્મેન્દ્રએ મીનાકુમારી ઉપરાંત માલા સિંહા, ર્શિમલા ટાગોર, આશા પારેખ, રેખા, ઝીનત અમાન તથા મુમતાઝ જેવી ટોચની હીરોઈનો સાથે કામ કર્યું હતું. જો કે ૭૦-૮૦ના દાયકામાં ધર્મેન્દ્રની હેમા માલિની સાથે એવી જોડી જામી કે એમની વચ્ચે પ્રેમ થઈ ગયો. બંનેએ ત્રીસ કરતાં પણ વધારે ફ્લ્મિોમાં સાથે કામ કર્યું હતું. હેમાએ ઉંમરમાં બાર વર્ષ મોટા ધર્મેન્દ્ર સાથે આખરે લગ્ન કરી લીધા.  ધર્મેન્દ્રના પહેલા લગ્ન ઓગણીસ વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે થઈ ચૂક્યા હતા. ધર્મેન્દ્રએ તેને તરછોડી નથી. બે દીકરી અને બે દીકરાના પિતા બની ચૂકેલા ધર્મેન્દ્રએ ઓન પેપર મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને આગલો પરિવાર છોડયા વગર હેમા માલિનીને અપનાવી છે.

 

૧૯૮૭ માં બાવન વર્ષના ધર્મેન્દ્રની હીરો તરીકે ૧૧ ફ્લ્મિો રિલીઝ થઈ હતી. જેમાંથી સાત ફ્લ્મિો સફ્ળ નીવડી હતી. નવાઈની વાત તો એ છે કે તેની અને સની દેઓલની ફ્લ્મિો એક સાથે જ રિલીઝ થતી હતી. તે દિવસોમાં અમૃતાસિંઘ, ડિમ્પલ કાપડીયા, જયાપ્રદા અને શ્રીદેવી બાપ દીકરા બંને સાથે હિરોઈન તરીકે આવતી હતી. દર્શકો હોંશે હોંશે તેમની ફ્લ્મિોમાં આ કોમન હિરોઈનો સાથે જોવા ટેવાઈ પણ ગયા હતા.

 

ધર્મેન્દ્રને ડાન્સ સાથે હંમેશાં છત્રીસનો આંકડો રહ્યો છે. "પ્રતિજ્ઞાા" માં રફી સાહેબે ગાયેલું પ્રખ્યાત ગીત "મૈ જટ યમલા પગલા દીવાના" માં ધર્મેન્દ્રએ કરેલા ડાન્સની મિમિક્રી સ્ટેજ પર આજે પણ કેટલાક કલાકારો કરતા જોવા મળે છે.

 

ટાઈમ્સ મેગેઝિને ધર્મેન્દ્રને વિશ્વના દસ હેન્ડસમ પુરુષોમાં સ્થાન આપ્યું હતું. આજે પણ સની દેઓલ કહે છે, "મેરા ફેવરીટ હીરો ધરમજી હૈ " બોબી દેઓલે તો તેના પુત્રનું નામ જ ધરમ રાખ્યું છે.

 

ગોવિંદા તો ધર્મેન્દ્રનો એટલો બધો આશિક છે કે તેની પત્ની સુનિતા જ્યારે પ્રેગ્નન્ટ હતી. ત્યારે તેણે ધર્મેન્દ્રનો મોટો ફેટો તેને ગિફ્ટમાં આપ્યો હતો અને એવું પણ કહ્યું હતું "કાશ મેરા આનેવાલા બેટા ધર્મેન્દ્ર જૈસા હેન્ડસમ હો" ધર્મેન્દ્રને જયારે આ વાતની ખબર પડી ત્યારે ગોવિંદાની ભક્તિને કારણે તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. ઇવન દિલીપકુમારે પણ એક જાહેર સમારંભમાં કહ્યું હતું "અગર ખુદા મુઝે મેરી ખ્વાહિશ પૂછે તો મંૈ અગલે જનમ મેં ધર્મેન્દ્ર જૈસી ખૂબસૂરતી માંગના પસંદ કરુંગા."

 

સલમાન ખાન અને ધર્મેન્દ્ર એક બીજાને ખૂબ જ પસંદ કરે છે. સલમાનની ફ્લ્મિ "પ્યાર કિયા તો ડરના ક્યા" માં સલમાનને કારણે જ ધર્મેન્દ્રએ એક પણ પૈસો લીધા વગર કામ કર્યું હતું. આઠ તારીખે ધરમ જી નો  બર્થ ડે છે...


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os9k-2WCh3-gU3SipT1u8gmKEamm8VgwoW27OftwVQ%3DCw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.