પ્રામાણિકતાથી નોકરી કરનાર આઠ લાખ ક્યાંથી લાવે? નિર્દોષતા સાબિત કરવા એણે આપઘાત કર્યો! તાજા જ સી.એ. થયેલા ઉમેદવાર માટે એ.બી.સી. કન્સ્ટ્રક્શન કંપનીની જાહેરાત આકર્ષક હતી એટલે આલિશાન ઑફિસમાં સવારે અગિયાર વાગ્યે વીસેક યુવાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઈન્ટરવ્યુ માટે આવી ચૂક્યા હતા. લૉન્જમાં એમના માટે ચા-બિસ્કીટની વ્યવસ્થા કંપનીએ ગોઠવી હતી. પહેલો ઉમેદવાર અંદર ગયો. ઈન્ટરવ્યુ આપીને એ બહાર આવ્યો એટલે બાકીના એને ઘેરી વળ્યા. 'કારોબાર મોટો છે પણ આ કંપની નથી, પાર્ટનરશીપ ફર્મ છે.' પેલાએ બધાને માહિતી આપી. 'ત્રણેય ભાગીદાર બેઠા છે, એમાં પહેલો મુછ્છડ માત્ર નામ-સરનામું પૂછે છે. બીજો જાડિયો ફેમિલી હિસ્ટ્રી પૂછીને આપણી પ્રમાણિકતાનો અંદાજ કાઢવા મથે છે. એ બંનેની વચ્ચે બેઠેલો ટાલિયો સાવ ખેંપટ છે, પણ એની આંખો શકરાબાજ જેવી ખતરનાક છે. તમામ સત્તા એના હાથમાં હોય અને બાકીના બંને માત્ર બેસવા ખાતર બેઠા હોય એવું લાગે છે. સૌથી મહત્વનો એ ખેલાડી સાવ દેશી છે. ચાની કીટલી ઉપર વાત કરતા હોઈએ એમ પ્યોર કાઠિયાવાડીમાં પૂછે છે.' બધા જિજ્ઞાસુઓની સામે જોઈને એ હસી પડ્યો. 'એમાંય હું તો કોન્વેન્ટમાં અને એ પછી થ્રુઆઉટ ઈંગ્લીશ મિડિયમમાં ભણ્યો છું. મેં આવું કહ્યું કે તરત એ ત્રણેય એકબીજાની સામે જોઈ રહ્યા. મારા નામ ઉપર એમણે ચોકડી મારી દીધી હશે…' બધા આશાભર્યા ચહેરાઓ ઉપર નજર ફેરવીને એણે ઉમેર્યું. 'આઈ એમ શ્યૉર કે ગુજરાતી મિડિયમમાં ભણેલો જ ફાવશે. ઑલ ધ બેસ્ટ ટુ ઑલ ઑફ યુ!'. અવિનાશ સોનીનો નંબર આઠમો હતો. પેલાએ જે માહિતી આપી એ સાંભળીને એના હોઠ મલક્યા. ગુજરાતી માધ્યમમાં બી.કોમ.ની પરીક્ષામાં યુનિવર્સિટીમાં નંબર મેળવ્યા પછી એણે સી.એ.માં પણ રેન્ક મેળવ્યો હતો. બીજી દસેક સારી કંપનીઓમાં એણે ઓનલાઈન રિઝ્યુમ મોકલી આપેલો હતો, એટલે આ નોકરી મળે કે ના મળે એની લગીર પણ ચિંતા વગર એ ઈન્ટરવ્યુ આપવા આવ્યો હતો. એક પછી એક ઉમેદવાર અંદર જઈને બહાર આવતા હતા. બધાને ત્રણ વાગ્યા સુધી રોકાવાનું કહેલું એટલે જમવાની વ્યવસ્થા પણ ગોઠવેલી હતી. 'અંગ્રેજોની ઓલાદની જેમ આ બધા ચાંપલાઓ અંદર આવીને ધડાધડ અંગ્રેજીમાં ફેંકવા મંડે છે ત્યારે તકલીફ થાય છે..' સાત ઉમેદવાર પત્યા પછી ચેમ્બરની અંદર ત્રણેય ભાગીદારોની ચર્ચામાં મજાક ભળી. મુછાળાએ બાકીના બંનેની સામે જોઈને નિખાલસતાથી કબૂલ્યું: 'આપણે ગુજરાતીમાં સવાલ પૂછીએ તોય મારા બેટા ઈંગ્લીશમાં ધડબડાટી બોલાવે છે!' જાડિયા ભાગીદારે પણ વચ્ચેની ખુરશી સામે જોઈને મુછાળાની વાતને અનુમોદન આપ્યું. "આપણા ત્રણેયમાં તમારું ઈંગ્લીશ પાવરફુલ, એટલે ક્યો નમૂનો પસંદ કરવો એ તમારા ઉપર છોડ્યું છે.' 'હજુ તો અડધાય નથી પત્યા..' કેન્દ્રસ્થાને બેઠેલા ટાલિયાએ ધરપત આપી. 'હરિના લાલ જેવો એકાદ હીરો હાથમાં આવી જશે.' એણે હસીને મુછાળાને સૂચના આપી. 'બેલ વગાડ એટલે આઠમો અંદર આવશે.'
ઘંટડી વાગી એટલે પટાવાળાએ અવિનાશને અંદર જવા માટે ઈશારો કર્યો. 'અંદર આવું?' ચેમ્બરના બારણે ઊભા રહીને અવિનાશે શુદ્ધ ગુજરાતીમાં પૂછ્યું એટલે ત્રણેય ભાગીદારોએ તરત એકબીજાની સામે જોયું. 'આવો..' મુછાળાએ ખુરશી તરફ આંગળી ચીંધીને કહ્યું. 'બેસો.' 'આભાર..'બોલીને બેસતી વખતે અવિનાશે સામે બેઠેલા ત્રણેય મહાનુભાવો ઉપર ઝડપથી નજર ફેરવી લીધી.વચ્ચે બેઠેલો ટાલિયો એકીટશે પોતાની સામે કેમ તાકી રહ્યો છે એ એને સમજાયું નહીં. 'આખું નામ? અભ્યાસ?' મુછાળાએ પોતાના બધા પ્રશ્નો એક સાથે પૂછી લીધા. 'અગાઉનો કોઈ અનુભવ?' 'અવિનાશ..અવિનાશ સુરેશ સોની.' પૂરી સ્વસ્થતાથી અવિનાશે માહિતી આપી. 'ગુજરાતી માધ્યમમાં બી.કોમ.માં યુનિવર્સિટીમાં નંબર, પછી સી.એ.માં ભારતભરમાં બાવનમો નંબર. જિંદગીમાં પહેલી વાર નોકરી માટે ઈન્ટરવ્યુ આપી રહ્યો છું.' 'પહેલી વાર અને છેલ્લી વાર...' મોં મલકાવીને ટાલિયાએ કહ્યું. 'હવે બીજે ઈન્ટરવ્યુ આપવાની તારે જરૂર નહીં પડે,દીકરા!' પોતાની સામે આશ્ચર્યથી તાકી રહેલા અવિનાશને એમણે સમજાવ્યું. 'તારો બાપ તો મારો જિગરી દોસ્તાર હતો. તું અંદર આવ્યો ને તારી આંખો જોઈને તરત લાગ્યું કે આ તો સુરેશ સોની...તું અદ્દલ તારા બાપાની ઝેરોક્સ કોપી જેવો જ દેખાય છે.' ટાલિયાએ પોતાના ભાગીદારો સામે જોયું. 'વર્ષો પહેલાં જૂનાગઢમાં અમે જોડે નોકરી કરતા હતા. આ છોકરો કેટલો શાંત દેખાય છે? એનો બાપ પણ આવો જ શાંત. કામમાં ચીવટ અને ખંતીલો. એના ભરોસે કામ સોંપી દીધા પછી બધા ઑફિસરને ધરપત રહે કે સુરેશ સમયસર પતાવી આપશે.' ગળું ખોંખારીને એણે આગળ કહ્યું. 'સરકારી ઑફિસનું રાજકારણ રહેંસી નાખે એવું. આવા મહેનતુ માણસની ઈર્ષા કરનારા મગતરાં તક મળે ત્યારે મેદાનમાં આવી જાય. એ હરામીઓ હલકાઈ કરીને સારા માણસનું સત્યાનાશ કાઢી નાખે.' અવિનાશ સામે આંગળી ચીંધીને ભૂતકાળ યાદ કરતી વખતે એના અવાજમાં લગીર પીડા ઉમેરાઈ. 'એવા કોઈ બદમાશે આના બાપને બાટલામાં ઊતારી દીધો. ઑફિસમાં કોઈકે ખોટા કાગળોમાં સુરેશની સહીઓ કરાવી લીધી. સુરેશ પોતે દિલાવર એટલે હાથ નીચેના માણસો ઉપર આંધળો વિશ્વાસ રાખવાની એની આદત. બિચારાને એ ટેવ નડી ગઈ. ભરોસો રાખીને સહીઓ કરી આપેલી એમાં પેલાએ આઠ લાખની ઉચાપત કરી અને આળ આવ્યું સુરેશના માથે. આ માણસ આઠ આનાની પણ બેઈમાની ના કરે એવી બધાને ખાતરી હતી, પણ કાયદો ગધેડો છે. સુરેશની સહીઓ જોઈને ઉપરી અધિકારીઓ પણ લાચાર હતા. અલબત્ત, એમણે સુરેશને કહ્યું કે જો પૈસા મળી જાય તો તમને બચાવી લઈશું, પણ એ જમાનામાં આઠ લાખ એટલે આજના આઠ કરોડ. એ સમયે તો આઠ લાખમાં નવરંગપુરામાં આલિશાન બંગલો ખરીદી શકાતો હતો. નિષ્ઠા અને પ્રામાણિકતાથી નોકરી કરનાર સુરેશ આઠ લાખ ક્યાંથી લાવે? પરિસ્થિતિથી પરવશ બનેલો એ હીરો હિંમત હારી ગયો. પોતાની નિર્દોષતા સાબિત કરવા એણે આપઘાત કર્યો!" એણે ફરીથી અવિનાશ સામે નજર કરી. 'એ વખતે એનો આ દીકરો માંડ એકાદ વર્ષનો હશે. એના મામા દોડી આવ્યા અને આ મા-દીકરાને એમની સાથે લઈ ગયેલા.' લગીર અટકીને એમણે ઊંડો શ્વાસ લીધો અને બંને ભાગીદારો સામે જોયું. 'પચીસ-છવ્વીસ વર્ષ જૂની એ ઘટના પછી છેક આજે સુરેશના દીકરાને જોયો એટલે આંખ સામે ભૂતકાળ સજીવન થઈ ગયો.' મક્કમ અવાજે એમણે નિર્ણય જણાવ્યો. 'હવે આગળના ઉમેદવારોને માત્ર બોલાવવા ખાતર બોલાવીશું.સાચો હીરો હાથમાં આવી ગયા પછી કાચના ટૂકડાઓ માટે ટાઈમ બગાડવાનો કોઈ અર્થ નથી.તમને શું લાગે છે?' પેલા બંનેએ માથું હલાવીને તરત સંમતિ આપી એટલે એમણે અવિનાશ સામે જોયું. 'કાલે સવારથી તારી નોકરી ચાલુ..' એમણે હસીને ઉમેર્યું. 'તું અહીં નોકરી કરે છે એવું નહીં માનવાનું, આ તારી ખુદની જ પેઢી છે એમ માનીને હિસાબી કામકાજ ઉપરાંત વહીવટની જવાબદારી સંભાળી લેવાની. જમીન અને કન્સ્ટ્રક્શનના કારોબારમાં બે નંબરના પૈસાનો મોટો વહીવટ હોઇ, તારા જેવો ઘરનો છોકરો સાથે હોય તો અમારે ઉચાટ નહીં. તને ફાવશેને?' 'સો ટકા…' આભારવશ નજરે ત્રણેયની સામે જોયા પછી અવિનાશે આત્મવિશ્વાસથી કહ્યું. 'રેરા અને જીએસટીની બધી આંટીઘૂંટી પચાવી ગયો છું એટલે તમારી કન્સ્ટ્રક્શન કંપનીના હિસાબો અને વહીવટમાં વાંધો નહીં આવે...' સૂટવાળા ટકલુ સામે જોઈને એણે પૂછ્યું, 'આપનો પરિચય?' 'એ તો કહેવાનું જ રહી ગયું...' ટકલુ હસી પડ્યો. 'એ.બી.સી. કન્સ્ટ્રક્શન કંપની એટલે અમારી ત્રણેયની ભાગીદારી પેઢી. એમાં એ એટલે આ અમૃત રબારી. આ મુછાળો બહુ ઊંચી માયા છે.' જમણી બાજુના ભાગીદારનો પરિચય આપ્યા પછી એમણે ડાબી બાજુ હાથ લંબાવ્યો. 'બી એટલે આ બચુભાઈ પટેલ. એમના મોટા ભાઈ ધારાસભ્ય છે.' એમના અવાજમાં ગર્વ ઉમેરાયો. 'અને સી એટલે હું. ચંદુ..ચંદુ વાલજી ઠક્કર. આજ તારા બાપા જીવતા હોત તો એ પણ જોઈને રાજી થાત..' ચંદુ વાલજી ઠક્કર નામ સાંભળીને અવિનાશની આંખમાં લાલાશ ધસી આવી. હાથની મુઠ્ઠીઓ સખ્તાઈથી બીડાઈ ગઈ. લમણાંની અને ગરદનની નસો ફૂલી ગઈ. હૈયામાં પ્રગટેલી ભડભડતી આગની જ્વાળાઓની ઝાંય ચહેરા ઉપર ઉભરાવા લાગી. ઝાટકા સાથે એ ખુરશીમાંથી ઊભો થયો. પેલા બંને કંઈ સમજે-વિચારે કે એને રોકે એ અગાઉ ચિત્તાની ઝડપે એણે બોચી પકડીને ચંદુ ઠક્કરને ઊંચો કર્યો. એના સ્નાયુબદ્ધ કસાયેલા હાથની લોખંડી પકડમાંથી છૂટવાનું કામ ચંદુ માટે અશક્ય હતું. ડઘાયેલી દશામાં પેલા બંને ભાગીદારો આંખો પહોળી કરીને આ દૃશ્ય જોઈ રહ્યા હતા... 'સા..હરામી!' ભયાનક ગુસ્સાને લીધે અવિનાશનો અવાજ ધ્રૂજતો હતો. 'એક વર્ષનો હતો ત્યારથી મોસાળમાં હતો, પણ સમજણો થયા પછી જૂનાગઢ જઈને ખાંખાખોળા કરીને સચ્ચાઈનો તાગ મેળવેલો. મારા સ્વર્ગવાસી બાપના તમામ જૂના સાથીઓને કરગરીને રજેરજની માહિતી મેળવેલી. બધાએ ચોખ્ખું કહ્યું કે ચંદુડાએ ચાલાકી કરીને તારા બાપને ફસાવેલો! એ પૈસામાંથી તેં અમદાવાદમાં બંગલો ખરીદેલો એની પણ એમણે માહિતી આપેલી.' માત્ર ડાબા હાથથી ચંદુને અદ્ધર પકડી રાખીને જમણા હાથથી એણે એવો જોરદાર તમાચો માર્યો કે એનો અવાજ ઓરડામાં પડઘાયો. એ જોરદાર પ્રહારથી ચંદુ ખુરશીમાં ફસડાઈ પડ્યો... 'મારા બાપના હત્યારા! ગળું ભીંસીને મારી નાખવાનું મન થાય છે, વિશ્વાસઘાતી! તને પણ મારા બાપ પાસે મોકલી દઉં એટલો ગુસ્સો આવે છે,પણ મારા સંસ્કાર રોકે છે મને…' ચંદુ ડઘાઈ ગયો હતો. ભયાનક ગુસ્સો અને ઉશ્કેરાટથી અવિનાશ ધ્રૂજી રહ્યો હતો. ચંદુના ગાલ ઉપર કચકચાવીને બીજો તમાચો મારીને એણે ઉમેર્યું. 'નીચ! હરામી! તારા જેવા જાનવરને મારીને જેલમાં જવાની ઝંઝટ નથી કરવી, એટલે જીવતો છોડું છું.' ફફડતો ચંદુ નજર ઝૂકાવીને હાથ જોડીને નીચે જોઈ રહ્યો હતો. રિવોલ્વરની નળીની જેમ જમણા હાથની પહેલી બે આંગળીઓ એની હડપચીમાં ઘૂસાડીને અવિનાશે એનો ચહેરો ઊંચો કર્યો. વીંધી નાખે એવી નજરે એની સામે જોઈને રણકતા અવાજે એણે કહ્યું. 'મને નોકરી આપીને કદાચ તું પાપનું પ્રાયશ્ચિત કરવા ઈચ્છતો હશે, પણ એ શક્ય નથી. તારા જેવા નીચ અને નરાધમ સાથે નોકરી કરવા જેટલો નાચીઝ કે નિરાધાર હું નથી.' અવિનાશનું રૌદ્ર રૂપ પેલા બંને ફાટી આંખે જોઈ રહ્યા હતા. અવિનાશ એક ડગલું પાછળ હટ્યો. હાક્ થૂ..કહીને ચંદુના ચહેરા પર એ જોરથી થૂંક્યો અને સડસડાટ બહાર નીકળી ગયો.. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtufEcj_TAbGZC6m%3DF-kEsJC%2BiryjoLnFcU3v6%3DuqwsgA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment