હિન્દીમાં તો સંસ્કૃતપ્રચુરતા બેહદ વધતી જાય છે. બોલે તો લાગે કે કોઈ ધર્મ વિધિ થઈ રહ્યો છે. પાછું બોલનારાને બિચારાને સંસ્કૃત લેશમાત્ર આવડતું ના હોય. આ તો પર્શિયન, અરબી અને અંગ્રેજી શબ્દોને ધકેલી ભાષા ક્લિષ્ટ બનાવવી હોય એટલે નાખો સંસ્કૃત, સંસ્કૃત માત્ર ધર્મની ભાષા નથી. એમાં ઉત્તમ કાવ્યો, નાટકો અને રોજના જીવનનાં નીતિનિયમો જેવું ઘણું બધું છે. એક આધુનિક શિક્ષિત હિન્દીભાષી બહેન મને કહે તમે હિન્દી નહીં હિંદુસ્તાની બોલો છે, એમાં ઉર્દૂ શબ્દો આવે છે. મેં કહ્યું બહેન તમે હિન્દી રાષ્ટ્રભાષા છે એટલે નથી બોલતાં, એ તો તમારી માતૃભાષા કે અધ્યયન ભાષા છે. હિંદુસ્તાની અમારી દેશભાષા છે. આવામાં આપણે ગુજરાતી કૃતિ, 'ભદ્રંભદ્ર'નો અનુવાદ કેવી રીતે કરીએ? અતિપ્રચુર સંસ્કૃતમય બોલનારની ઠેકડી કરનાર રમણભાઈ નીલકંઠની આ કૃતિમાં પ્રારંભમાં જ ભદ્રંભદ્ર મુંબઈ જવા 'મોહમયીની મૂલ્યપત્રિકા' માંગે છે. પારસી ટિકિટ વેચનાર સમજતો નથી એટલે બાજુવાળો કહે છે એમને ગ્રાંટ રોડની ટિકિટ આપી દો, ત્યારે બહારગામની ગાડીઓ ગ્રાંટ રોડ ઊભી રહેતી. મુંબઈ સેન્ટ્રલ પછી થયું. એક કોઈ જૂની ફિલ્મમાં 'ભદ્રંભદ્ર'ની જેમ જ મજાકમાં લખાયેલું ગીત છે. 'પ્રિય પ્રાણેશ્ર્વરી... હૃદયેશ્ર્વરી, યદિ આપ હમેં આદેશ કરે તો પ્રેમ કા હમ શ્રીગણેશ કરે...' ગાયું છે કિશોરકુમારે એ તો ઠીક પણ સાધારણ રીતે ગંભીર ભૂમિકા ભજવતા વિનોદ ખન્નાએ પણ એની જેમ જ ઠેકડા મારીને મજાક કરીને ગાયું છે. જે હોય તે, આ મહિનો નાની-મોટી પૂજા કરીને અમારા બ્રાહ્મણોએ કમાઈ લેવાનો પણ છે. જોકે બ્રાહ્મણોનાં સંતાનો હવે ભણીગણીને સારા પગારે નોકરી કરે છે એટલે એમની પણ તંગી છે. ચાતુર્માસ શરૂ થયો કે અલૂણાં એટલે કે ગોરો, મોળાકત કે ગૌરીવ્રત શરૂ થયાં. નાનપણથી જ તાલીમ મળે કે છોકરીઓએ એક વાર જ જમાય, અમુક વસ્તુઓ ન ખવાય. દા.ત. મીઠું, સ્થિતિ ઠીક ઠીક હોય તે છોકરીઓને તો ફળ, મોળાં બદામપિસ્તા વગેરે મળે પણ બાકીનીઓ જે હોય તેમાં ચલાવી લે. બહેનપણીઓ જ્વારા વાવે ને માથે વેણી ભરાવે એટલે મને પણ મન થયું 'ગોરો' કરવાનું. માતાપિતાએ સમજાવ્યું કે આ ગૌરીવ્રત છે જે પાર્વતીએ શંકરને પતિ તરીકે પામવા માટે કરેલું. તારે કેવા પતિ માટે કરવું છે? એટલી વયે તો છોકરીઓ ઘણી વાર કહે કે પોતાને પરણવું જ નથી. મેં પણ એમ જ કહ્યું ને વાત પતી. જયા-પાર્વતી વ્રત લગ્ન પછી પતિના સુખ માટે કરવાનું હોય, સુખી દાંપત્ય માટે કરવાનું હોય. અગાઉ તો પાંચ છ વર્ષની છોકરીઓ ગોરો શરૂ કરતી હશે અને દસ અગિયાર વર્ષની થાય ત્યાં તો એનો શંકર વર મળી ગયો હોય એટલે જયા-પાર્વતી શરૂ થાય. હવે શું કરવું? એટલે ભેગાભેગું લગ્ન અગાઉ જ જયા-પાર્વતી કરી લેવામાં આવે. ધાર્મિકતામાં આમ બાંધછોડ કરી લેવાતી હોય છે. 'દિવાસો' જોકે ભારે, કારણ કે 36 કલાકનું જાગરણ. એ લગ્ન પછી જ કરે છે પણ કુંવારી દીકરીને 'એવરત-જીવરત' કરાવી લેતી શિક્ષિત માતાને મેં નજરે જોયેલી છે, વ્રત કરવાથી સારો વર મળશે એવી શ્રદ્ધા સામે કાંઈ કહેવાય નહીં. ખળભળિયા સમાજમાં અનેક વિપદાઓ આવે અને શું થાય એ કહેવાય નહીં. વ્રત કરવાથી મનમાં ધરપત રહેતી હોય તો એમાં શું વાંધો હોય? પ્રશ્ર્ન એટલો જ થાય છે કે દાંપત્ય સ્ત્રી-પુરુષ બંનેનું હોય છે પણ અલૂણા, એકટાણાં અને જાગરણ માત્ર સ્ત્રીઓએ જ કરવાનાં હોય છે, આપણી એક કહેવત પ્રચલિત હતી. 'જેની ચા બગડી તેની સવાર બગડી, જેની દાળ બગડી તેનો દિવસ બગડ્યો (ક્યારેક ઉમેરાતું કે જેનું અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું) અને છેલ્લે એમ કે જેની બાયડી બગડી એની જિંદગી બગડી, અરે ભાઈ, જિંદગીનો સવાલ છે તો તમે જ અગાઉથી અલૂણા રાખીને અને પછીથી 'દિવાસો' કરીને જિંદગી કેમ સુધારી લેતા નથી? આવો વીમો લઈ લેવો કે શ્રદ્ધાથી વ્રત કરવાથી સરસ જીવનસાથી મળી જાય! બળેવ ગઈ અને હવે બોળચોથનો સમય પાકી ગયો. કાચા બાજરીના લોટની કુલેર, છાલ છોલીને કેળાં વગેરે ખાઈને કરવાની? કેમ? તો કે કોઈ એક જમાનામાં કોઈ એક મૂર્ખીએ ઘઉંલો નામની વાનગીને બદલે ઘઉંલો નામના વાછરડાને કાપીને રાંધી નાખેલો તેનું પાપ નષ્ટ કરવા. ગધેડાને તાવ આવ્યા જેવી આ વાત. જોકે કહેવત બદલવી પડે, ગધેડાને તાવ આવી શકે છે, આ વ્રત પણ સ્ત્રીઓએ કરવાનું, કારણ કે, પાપ કરનાર એક સ્ત્રી હતી એવું વાર્તામાં આવે છે. વાર્તા સ્ત્રીઓએ લખેલી? જ્યાં ત્યાંથી જે તે માટે દોષ દેવા કોઈને કોઈ સ્ત્રીને વખોડો! હમણાં કેરળમાં ભયાનક વિનાશ સર્જનારાં પૂર આવ્યાં તેમાં પણ બોલનારા મહામૂર્ખો કહે છે કે શબરીમાલાના મંદિરમાં સ્ત્રીપ્રવેશ અપાયો તેથી ભગવાન રુઠેલા છે. કેમ? ભગવાનને બીજું કાંઈ કામ નથી તે આમ વેર વાળ્યા કરે? ગયે વર્ષે જ લખેલું કે રાંધણછઠ્ઠ સ્ત્રીઓએ કરવાની, કારણ કે બીજે દિવસે શીતળાસાતમે ચૂલો ચાલુ કરાય નહીં. એવું કહેવાય છે કે એક વાર શીતળામાતા રાત્રિચર્યા માટે નીકળ્યાં ત્યારે એક સ્ત્રીના ઘરમાં નહીં ઠરાવેલો ચૂલો જોઈ કોપાયમાન થઈ ગયાં તેથી સૌને શરીરે શીતળા ફૂટી નીકળ્યા. આ રોગ દુનિયામાંથી નીકળી ગયો છે ને તોયે કરો રાંધણછઠ્ઠ. બીજે દિવસે ઘરના પુરુષો ઠંડું જ ખાશે તેની બાંયધરી નહીં. બહાર જઈને મસાલો ઢોસો પણ ખાઈ શકે. બહેનો પોતે પણ ચા ગરમ બનાવતી જોયેલી. 'એ તો ગેસ કે પ્રાઈમસ પર કરાય'. બાંધછોડ વગર આવી ધાર્મિકતા બહુ ઓછા પાળે. કહેવાય નહીં કે મારી બહેન, તું ક્યારે હવે અંગારા પર રસોઈ કરે છે? રમજાન માસમાં અગાઉ મુસ્લિમ વિસ્તારોમાં રેસ્ટોરાં બધાં બંધ રહેતાં, એ લોકો સૂર્યાસ્ત સમયે દિવસભરનો પાણી પણ પીધા વગરનો રોજો એટલે કે ઉપવાસ છોડે. હવે છેલ્લાં થોડાં વર્ષોમાં કેટલાંક ખાવાનાં સ્થળો ખુલ્લાં હોય છે, કારણ કે યુવાન પુરુષો હંમેશાં રોજા રાખતા હોય એમ નથી. સ્ત્રીઓ બધા રોજા રાખે અને વચ્ચે જો માસિકના દિવસો આવે તો એ રોજા ગણાય નહીં એટલે રમજાન ઈદ પછી પાછા એટલા રોજા કબૂલ કરાવવાના! આ લખાય છે ત્યારે જન્માષ્ટમી આવવાની તૈયારી છે. મોટો આનંદનો ઓચ્છવ છે. કૃષ્ણ જોડે હંમેશાં કોઈને કોઈ સ્ત્રી કે નારીતત્ત્વ ઉમેરાયેલું હોય. હજી વીસમી સદીમાં જ નવા બનેલાં 'યોગેશ્ર્વર કૃષ્ણ'માં આપણને એ એકલા સુદર્શનધારી કૃષ્ણ જોવા મળે. આ ગીતા કે મહાભારતના કૃષ્ણ છે. આપણે જોતા આવ્યા છીએ એ કૃષ્ણની જોડે રાધા હોય, આપણે રાધાકૃષ્ણ એમ જોડે બોલીએ, અથવા યશોદા જોડેના કૃષ્ણની કથાઓ અને મધ્યકાલીન પદો આવે, પંઢરપુરમાં રુક્મિણી જોડે કૃષ્ણ છે તો જગન્નાથપુરીમાં ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા જોડે, હિંદુ ધર્મમાં સ્ત્રીઓને સાવ કાઢી નખાઈ નથી. પાર્વતી તો શંકરના ખોળામાં બેસે છે અને શક્તિ સ્વરૂપે એ સર્જન, પાલન અને વિનાશ કરે છે તે સ્વતંત્ર રીતે. અન્ય દેવીઓ છે તે જુદી. જૈનોમાં પણ ત્રણ દેવીઓ છે અને રાજુલ કે સુલ્સા જેવાં મહાસતીઓ અલગ, હવે સમય પાકી ગયો છે કે ધર્મપાલનની નવી રીતોનું નિર્માણ કરી ધર્મમાં જ્યાં જ્યાં સ્ત્રીઓનું સ્થાન છે તે ભાગને મહત્ત્વ આપી નવી પૂજાઓ, નવી વિધિઓ તૈયાર કરવી પડશે, માત્ર નવરાત્રીમાં જ દેવી કેન્દ્રમાં છે એવું નથી, ધર્મમાં બધે જ પુરુષસ્ત્રી બંને કેંદ્રમાં હોય. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuTWRjC7dGhxtVJJaYXwvxnBLLwSPkUfjayBT5KL4GCdQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment