Wednesday, 5 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આકાશી દુનિયામાં એરંડો પ્રધાન (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આકાશી દુનિયામાં એરંડો પ્રધાન!
રાજીવ પંડિત

ભારતમાં હમણાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં આવેલા ઉછાળાના કારણે કકળાટ મચ્યો છે. ગુજરાતમાં હજુ પેટ્રોલ ને ડીઝલના ભાવ ૮૦ રૂપિયાને પાર નથી ગયા પણ આ સપાટીને અડું અડું થઈ રહ્યા છે. ગુજરાતમાં ગયા ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી હતી તેથી લોકોને રાજી કરવા ગુજરાત સરકારે ટેક્સ ઘટાડ્યો તેમાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૮૦નો આંકડો નથી વટાવી શક્યા. બાકી મુંબઈ તથા મહારાષ્ટ્રમાં બીજે ઠેકાણે તો પેટ્રોલ-ડીઝલ ક્યારનાંય ૮૦ની આંકડાને વળોટી ગયાં છે. અત્યારે મુંબઈમાં પેટ્રોલ ૮૬ રૂપિયા અને ડીઝલ ૭૫ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે.

 

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના આ કકળાટ વચ્ચે ૨૬ ઑગસ્ટે દિલ્હીમાં એક અદભુત ઘટના બની.

 

દિલ્હીથી દહેરાદૂન વચ્ચે એક ફ્લાઈટ ઊડી ને આ ફ્લાઈટે દહેરાદૂન-દિલ્હી વચ્ચેનું અંતર ૨૫ મિનિટમાં પૂરું કર્યું હતું. આ ઘટનામાં વિમાન ઉડ્યું એમાં અદભુત જેવું કશું નથી, અદભુત વાત બીજી છે. આ ફ્લાઈટ દેશની પહેલી બાયોફ્યુઅલ ફ્લાઈટ હતી અને દેશની પહેલી બાયોફ્યુઅલ ફ્લાઈટે સફળ ઉડાન ભરીને નવો ઈતિહાસ સર્જ્યો છે. આ ઉડાન સાથે બાયોફ્યુઅલ વિમાન ઉડાડનારા ગણ્યા ગાંઠયા દેશોમાં ભારતનો સમાવેશ થયો છે. ભારત દુનિયાનો પ્રથમ વિકાસશીલ દેશ છે, જેણે બાયોફ્યુઅલ ફ્લાઈટ ઉડાડીને મોટી સફળતા મેળવી છે. દહેરાદૂન-દિલ્હી વચ્ચે આ ફ્લાઈટ સ્પાઈસજેટ કંપનીએ ઉડાડેલી. કંપનીના બોમ્બાર્ડિયન ક્યુ૪૦૦ વિમાનમાં ૨૦ મુસાફરો હતા ને એ લોકો એક ઈતિહાસસર્જક ઘટનાના સાક્ષી બન્યા. મુસાફરોમાં મોટા ભાગના ઉડ્ડયન વિભાગના અધિકારીઓ અને કંપનીના અધિકારીઓ હતા. આ વિમાનમાં આમ તો મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે પણ પહેલી સફર હતી તેથી કંપની જોખમ લેવા નહોતી માગતી એટલે ઓછા મુસાફરોને લઈ જવાયેલા.

 

કોઈ પણ વિમાનમાં બળતણ તરીકે એવિએશન ટર્બાઈન ફ્યુલ (એટીએફ) વપરાય છે. આ વિમાનમાં પણ બળતણ તરીકે ૭૫ ટકા એવિએશન ટર્બાઈન ફ્યુલ (એટીએફ) હતું પણ ૨૫ ટકા બાયોફ્યુઅલ ઉમેરવામાં આવેલું. આ વિમાનમાં બાયોફ્યુઅલ તરીકે એરંડાનું તેલ વપરાયેલું. આમ એરંડાના તેલથી વિમાન દોડ્યું એમ કહી શકાય.

 

ભારત માટે આ સિદ્ધી મોટી છે કેમ કે ભારતે આ બાયોફ્યુઅલ પોતાના જોરે બનાવ્યું છે. બીજું એ કે દુનિયામાં ભારત પહેલાં માત્ર ત્રણ દેશો એવા છે કે જેમણે બાયોફ્યુઅલ પર ફ્લાઈટ ચલાવી છે. બાયોફ્યુઅલથી સંચાલિત દુનિયાની પ્રથમ ફ્લાઈટ આ વર્ષે જાન્યુઆરીમાં ઊડી હતી. દુનિયાના વિકસિત દેશોમાં કશું પણ મોટું થાય એવી ટૅકનોલૉજી આપણે ત્યાં આવતાં દાયકો નીકળી જતો હોય છે ત્યારે અહીં આઠ મહિનામાં આપણે એ પરાક્રમ કરી બતાવ્યું છે. દુનિયાની બાયોફ્યુઅલ પરની પહેલી ફ્લાઈટ લોસ એન્જલસથી મેલબર્ન વચ્ચે ઊડેલી. આ પ્રથમ ફ્લાઈટ પછી બીજા ત્રણ પ્રયાસો થયા છે. ભારત પહેલાં માત્ર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડાને જ બાયોફ્યુઅલ વિમાન ઉડાવવામાં સફળતા મળી છે એ જોતાં હવે આપણે આ મોટા દેશોની હરોળમાં આવી ગયા છીએ.

 

આ ઘટના ઐતિહાસિક છે ને આપણે આ દિશામાં હવે મચી પડીએ તો બહુ મોટી ક્રાંતિ સર્જી શકીએ. આ ક્રાંતિના ફાયદા શું હશે તેની વાત કરતાં પહેલાં બાયોફ્યુઅલ શું છે તે સમજી લઈએ. બાયોફ્યુઅલ પેટ્રોલ-ડીઝલ જેવું બળતણ જ છે ને વનસ્પતિનાં તેલ, રિસાઈકલ કરેલું ગ્રીસ, પ્રાણીઓની ચરબી ફેટ વગેરેની મદદથી બાયોફ્યુઅલ એટલે કે જૈવિક ઈંધણ તૈયાર કરવામાં આવે છે. આ વનસ્પતિ અલગ અલગ પ્રકારની હોય છે. વૈજ્ઞાનિક રીતે ઘણી એવી વનસ્પતિઓ છે કે જેમનામાં પેટ્રોલ-ડીઝલ જેવી ઊર્જા પેદા કરવાની તાકાત છે. પેટ્રોલ-ડીઝલ પણ વનસ્પતિઓ લાંબા સમય સુધી જમીનમાં દટાયેલી રહી તેના કારણે જ બનેલી છે.

 

વિજ્ઞાનીઓના મતે પરંપરાગત પેટ્રોલિયમને બદલે આ ઈંધણ વાપરવાનો વિકલ્પ વધુ ફાયદાકારક છે. બાયોફ્યુઅલના કારણે કાર્બન ઓછા પ્રમાણમાં પેદા થાય છે તેથી સરવાળે પર્યાવરણ માટે વધુ ફાયદાકારક રહે છે. બાયોફ્યુઅલથી કાર્બનનું ઉત્સર્જન ૮૦ ટકા સુધી ઘટાડી શકાશે તેવું વિજ્ઞાનીઓને લાગે છે. એ સિવાય બાયોફ્યુઅલ સસ્તું છે તેથી ખર્ચમાં પણ ફાયદો થાય છે. બાયોફ્યુઅલથી અત્યારનો ફ્યુઅલ ખર્ચ નીચો લાવી શકાય અને સરવાળે લાંબા ગાળે વિમાનનાં ભાડામાં ઘટાડો કરી શકાય.

 

વિમાન સિવાય બીજાં જે પણ વાહનોમાં બાયોફ્યુઅલ વપરાય તે બધા વાહનધારકોને ફાયદો થાય. એ સિવાય પેટ્રોલ-ડીઝલથી ચાલતી બધી ચીજોમાં તેનો ઉપયોગ કરી શકાય. પછી તે પાવર પ્લાન્ટ્સ હોય કે જનરેટર્સ હોય. આપણે કેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ કરીએ છીએ તેના પર બચતનો બધો આધાર છે પણ આપણે જંગી ફાયદો થાય જ. ભારત જેવા દેશનું મોટા ભાગનું વિદેશી હૂંડિયામણ ક્રૂડ ઓઈલ ખરીદવામાં વપરાય છે ત્યારે બાયોફ્યુઅલનો ઉપયોગ વ્યાપક બને તો જંગી પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ પણ બચે. તેના કારણે દેશનું અર્થતંત્ર પણ સધ્ધર થાય.

 

આપણો ખેતી પ્રધાન દેશ છે અને પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ થાય છે. આ બધી વનસ્પતિમાંથી બાયોફ્યુઅલ ના બને પણ બાયોફ્યુઅલ બનાવી શકાય તેવી વનસ્પતિઓ પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ વનસ્પતિઓને અલગ તારવવામાં આવે ને તેનો ઉપયોગ કરાય તો આપણા માટે બાયોફ્યુઅલનું ઉત્પાદન સરળ છે. આપણી પાસે જમીનનો પણ તોટો નથી ને લાખો એકર જમીન એમ જ પડી રહે છે. ખાદ્યાન્ન અને રોકડિયા પાકો લેવાય છે તે સિવાય ઘણી જમીન એવી છે કે જ્યાં બાયોફ્યુઅલ બનાવી શકાય એ પ્રકારની વનસ્પતિઓ ઉગાડી શકાય. બાયોફ્યૂઅલ પ્રકારની વનસ્પતિઓમાંથી બનાવવામાં આવે છે. પહેલી વનસ્પતિ રતનજ્યોત (જત્રોફા) જેવાં ઝેરી ફળો છે. સોયાબીન જેવાં ખાદ્યાન્ન અને શેરડીના રસમાંથી પણ બાયોફ્યુઅલ બની શકે છે. રતનજ્યોત તો પડતર જમીનમાં પણ ઊગી નીકળે છે. શેવાળ, વાંસ, શેરડીનો કૂચ્ચો વગેરેમાંથી પણ બાયોફ્યુઅલ બની શકે. આપણે ત્યાં સહકારી ક્ષેત્રની ઘણી સુગર ફેક્ટરીઓ બાયોફ્યુઅલ પ્લાન્ટ ચલાવે જ છે ને પોતાની ઊર્જાની જરૂરિયાતો તેમાંથી સંતોષે છે. આપણા માટે એ રીતે બાયોફ્યુઅલ બનાવવું અઘરું નથી.

 

જો કે મુખ્ય વાત આ દિશામાં મચી પડવાની છે ને આપણો અત્યાર લગીનો અનુભવ એવો છે કે, આપણે આરંભે શૂરા છીએ. આપણે મોટા ઉપાડે કશું પણ કરી તો નાખીએ પણ પછી ઠંડા પડી જઈએ છીએ. આ મામલામાં એવું ના થાય એ જરૂરી છે કેમ કે આપણે ત્યાં બાયોફ્યુઅલ વિકસાવવાના પ્રયાસ વરસોથી થાય છે પણ સરકાર તેને જોઈએ એવું પ્રોત્સાહન આપતી નથી તેમાં મેળ પડતો નથી. આપણે ત્યાં વરસો પહેલાં રતનજ્યોત નામની વનસ્પતિમાંથી બાયોફ્યુઅલ બનાવવાની ઝુંબેશ શરૂ થયેલી. ખેડૂતો પોતાના ખર્ચે અને જોખમે રતનજ્યોત વાવતા અને તેમાંથી બાયોફ્યુઅલ બનાવતા પણ તેને વેચવાની સમસ્યા હતી. પેટ્રોલિયમ કંપનીઓ એ ખરીદવા તૈયાર હતી પણ પડતર કરતાં પણ ઓછો ભાવ ઓફર કરતી કેમ કે તેમણે પોતાના માલ પર ટેક્સ ભરવો પડતો.

 

બીજી તરફ સરકાર બાયોફ્યુઅલ પરનો ટેક્સ છોડવા તૈયાર નહોતી તેથી પછી ધીરે ધીરે એ ઝુંબેશનું અચ્યુતમ કેશવમ થઈ ગયું. સરકારી તંત્ર કઈ રીતે જડ છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કોલકાત્તાની ઘટના છે. કોલકાતાની એક કંપની બાયોડીઝલ બનાવતી અને કોલકાતા ટ્રામ કંપનીને સીધું વેચતી હતી. આપણે ત્યાં કાયદો છે કે, ઉત્પાદક કોઈ પણ ફ્યુઅલનું સીધું વેચાણ ના કરી શકે, આ કાયદો બતાવીને પેટ્રોલિયમ મંત્રાલયે વાંધો લેતાં ટ્રામ કંપનીએ આ ખરીદી બંધ કરી દીધી . માલ ખરીદનારું કોઈ ના રહ્યું એટલે બાયોડીઝલની ફેક્ટરી પણ એ કારણે બંધ થઈ ગઈ. આ સ્થિતિ હોય ત્યાં કઈ રીતે બાયોફ્યુઅલને પ્રોત્સાહન મળે?

 

હાલમાં બાયોડીઝલનો ઉત્પાદન ખર્ચ લગભગ ૩૫ રૂપિયે લિટર છે. ડીઝલના બજાર ભાવથી તે અડધાથી પણ ઓછો છે, તેથી ઉત્પાદક તેને સીધું ગ્રાહકને વેચીને ફાયદો મેળવી શકે. આ ફાયદો ગ્રાહકને પણ થાય ને ઉત્પાદકને પણ થાય. સરકારને પણ થાય પણ સરકારી જડતાને કારણે કોઈને ફાયદો થતો નથી. તેનું કારણ એ કે પેટ્રોલિયમ કંપનીઓ બાયોડીઝલના લગભગ ૨૫ રૂપિયા લિટરથી વધારે નથી આપતા. કંપનીઓએ તેના પર ટેક્સ આપવો પડે છે તેથી એ લોકો વધારે ભાવ આપી શકતા નથી. વધારે ભાવ આપે તો ડીઝલ કરતાં ભાવ વધી જાય. સરકાર બાયોડીઝલના સીધા વેચાણની છૂટ આપે ખેડૂતો અને ફેક્ટરીઓ બાયોડીઝલનું ઉત્પાદન કરવા માંડે ને બધાંને ફાયદો થાય.

 

બાયોફ્યુઅલ પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ છે ને એ સિવાય બીજાં બળતણનો વપરાશ લોકો વધારે કરે તો પણ તેમને રાહત મળે. આપણે ત્યાં સીએનજી એવો વિકલ્પ છે અને ઘણાં લોકો તેના તરફ વળ્યાં છે. દુનિયાના બીજા વિકસિત દેશોમાં હાયબ્રિડ વ્હીકલ્સ, સોલર સેલ, હાઈડ્રોજન સેલ પર ચાલતાં વાહનોની બોલબાલા છે. પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનમાં બેટરી હોય કે જે સતત ચાર્જ થતી રહે ને ફુલ ચાર્જ થઈ જાય એટલે પેટ્રોલ-ડીઝલના બદલે આપોઆફ વાહન એ બેટરી પર ચાલવા માંડે એવાં વાહનો યુરોપમાં મોટા પ્રમાણમાં વપરાય છે. ફ્રાન્સ જેવા દેશો તો સોલર સેલ પર ચાલતાં વાહનો પર વધુ ને વધુ વળી ગયા છે. જો કે આ બધું બહુ ખર્ચાળ છે. ભારતમાં લોકો એક લાખ રૂપિયામાં કાર મળે એવાં સપનાં જોતા હોય ત્યારે આવી મોંઘી ટૅકનોલૉજી ધરાવતી કાર ખરીદે એ વાતમાં માલ નથી. તેના કારણે ભારતમાં એ વિકલ્પો બહુ ના ચાલે.

 

જો કે બાયોફ્યુઅલ કે બીજાં કોઈ બળતણ સફળ નથી થતાં એ પાછળનું એક મોટું કારણ નજરઅંદાજ કરી શકાય એમ નથી.દુનિયામાં બીજે પણ સસ્તા બળતણ બનાવવાના પ્રયોગો થાય છે પણ સફળ નથી થતા. તેનું કારણ એ છે કે પેટ્રોલિયમ લોબી એ સફળ નથી થવા દેતી. પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ શોધાય તો તેમની આવક બંધ થઈ જાય એ તેમને પરવડે એમ નથી તેથી દુનિયામાં ક્યાંય પણ આવા પ્રયોગો થાય તો તેને પૈસા આપીને કે બીજી રીતે બંધ કરી દેવાય છે. આ વાસ્તવિકતા છે ને તેના કારણે આપણે પેટ્રોલિયમ ઉત્પાદકોની મહેરબાની પર જીવ્યા વિના છૂટકો નથી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvCOTDU7%2BpL%2BmBZQpFFtU5-iESdsxnWMxXi-eDc8Yt%3Duw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment