Sunday, 2 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જન (રામ) સેવક શર્મા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જન (રામ) સેવક શર્મા!
ફોકસ-નિધિ ભટ્ટ

તમે આઇ. એ. એસ. ઓફિસર તો ઘણા જોયા હશે, પણ જમાનાથી ઘણા આગળ એવા આર. એસ. શર્મા જેવા બાહોશ અને પ્રતિભાવંત સનદી અધિકારી વિશે જાણશો તો ખરેખર આફરીન પોકારી ઉઠશો.

આઇ.આઇ.ટી, કાનપુર ખાતેથી ગણિત સાથે માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરનાર આ રામ સેવક શર્મા જેવા દેશની અનેક ડિજિટલ યોજનાઓને ઓપ આપનાર ટેકનોસૅવીને તમે દેશ સેવક શર્માના નામે ઓળખી શકો એવા કાર્યો તેમણે કર્યા છે. તેમના કામથી સરકાર પણ પ્રભાવિત થઈ હોવી જોઈએ અને એટલે જ કદાચ ગયા અઠવાડિયે તેમની મુદત પૂરી થઈ હોવા છતાં તેમને ૨૦૨૦ સુધી એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બરાબર આજથી ચાળીસ વર્ષ પહેલાં ૧૯૭૮માં ભારતીય સિવિલ સર્વિસમાં જોડાનાર શર્માજીએ ૧૯૮૪માં જ પોતાને માટે કૉમ્પ્યુટર ખરીદી લીધુ હતું. આ એ સમય હતો જ્યારે દેશમાં કોમ્પ્યુટર ક્ષેત્રે હજી પા પા પગલી ભરાઇ રહી હતી. બહુ ઓછા લોકો એવા હતાં જેની પાસે પોતાનું ખાનગી કમ્પ્યુટર હોય. અમલદાર તરીકેની ફરજો સાથે પોતાને કૉમ્પ્યુટર ટેકનોલૉજીમાં જે રસ હતો એનું શ્રેષ્ઠ મિશ્રણ કરીને એનો લાભ દેશને પણ આપ્યો હતો. ૩૪ વર્ષ પહેલાં જ તેઓ કૉમ્પ્યુટરમાં ડેટા(માહિતી) નાખવાનું કામ શીખી ગયા હતાં. ભારતની રાજ્ય કે કેન્દ્રિય સ્તરની સરકારી વ્યવસ્થાને ઇ-ગવર્નન્સ ભણી દોરી જવામાં તેમનો મહત્ત્વનો ફાળો છે.

આજકાલ આધાર કાર્ડની ગોપનિયતા અને સલામતી વિશે ઘણા વાદવિવાદ થાય છે ત્યારે ૨૦૦૯થી ૨૦૧૪ સુધીના ગાળામાં આધાર કાર્ડના સર્જનમાં મહત્ત્વનો ફાળો આપનાર આ અધિકારી સ્પષ્ટતા કરતાં કહે છે કે આધાર કાર્ડની ડિઝાઇન જ એવી રીતે રચવામાં આવી છે કે આ કાર્ડધારકના ખાનગી હિતોને ક્યારેય નુકસાન ન થાય બલ્કિ આ કાર્ડધારક પછી એ પુરુષ હોય કે સ્ત્રી તેનું સશક્તિકરણ જ થતું રહેશે.

આટલું જ નહીં, મે-૨૦૧૪માં ક્ેન્દ્રના ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલૉજી ખાતામાં સેક્રેટરી તરીકે જોડાયા. અહીં પણ મોદી સરકારે શરૂ કરેલા ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ તેમની આગેવાનીમાં ઘણી યોજનાઓ સાકાર કરી. તેમણે એક મહત્ત્વની યોજના પાર પાડી એ સરકારી અધિકારીઓ માટેની બાયોમેટ્રિક એટેન્ડન્સ (હાજરી) સિસ્ટમ વિશે તો અજય પ્રકાશ સોહની તો ત્યાં સુધી કહે છે કે જ્યારે જ્યારે અમે ઑફિસમાં દાખલ થશું ત્યારે ત્યારે આ સિસ્ટમ જોઇને અમને શર્મા હરહંમેશ યાદ આવ્યા કરશે.

કૉમ્પ્યુટર પ્રત્યે આ વ્યક્તિને લગાવ એવો કે સાલ ૨૦૦૦માં ૪૫ વર્ષની ઉંમરે પોતાની નોકરીમાંથી બ્રેક લઇને અમેરિકાની વાટ પકડી. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પોતાનાથી અડધી ઉંમરના વિદ્યાર્થીઓ સાથે બે વર્ષ ભણ્યા અને માસ્ટર્સ ઇન કૉમ્પ્યુટર સાયન્સની ડિગ્રી લઇને સ્વદેશ પાછા ફર્યા. ધન્ય ધન્ય છે આ રામ ઉર્ફે દેશ સેવક શર્માને.

છેલ્લે તેઓ ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ)ના ચેરમેન તરીકે જોડાયાં જ્યાંથી તેઓ આ મહિનાની નવમી તારીખે જ નિવૃત્ત થયા છે.

તેઓ એવા સમયે નિવૃત્ત થઇ રહ્યા છે જ્યારે રિલાયન્સની જિયો ઇન્ફોકોમ કંપનીએ મોબાઇલ સેવા ક્ષેત્રે પ્રવેશીને ફ્રી ડિજિટલ સર્વિસ આપવાનો ધમાકો કરીને અન્ય ટેલિકોમ કંપની જેવી કે ભારતી એરટેલ, વોડાફોન કે આઇડિયા વિ. ના નાકમાં દમ લાવી દીધો છે. શર્માના શાસન હેઠળ લેવાયેલા અમુક નિર્ણય વિવાદાસ્પદ બન્યા. જૂની ટેલિકોમ કંપનીઓ તો ત્યાં સુધી કહેવા લાગી હતી કે જિયોના હિતમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જોકે, ૨૦૧૭માં શર્માએ આનો જવાબ આપતાં કહ્યું હતું કે ટીકા કરવી કે વિરોધ કરવો એ આ લોકશાહી દેશમાં દરેકનો અધિકાર છે, પણ એ ટીકા રચનાત્મક હોવી જરૂરી છે નહીં કે ખંડનાત્મક. ટીકા કરનારાઓ મર્યાદાભાન ભૂલીને સંસ્થાની અને સંસ્થામાં કામ કરતાં અઘિકારીઓની પ્રામાણિકતા ઉપર પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો એ ખરેખર દુખદાયક કહી શકાય.

તેમના સમયમાં બે સારા કામ થયા એનો ઉલ્લેખ કરવો જરૂરી છે. એક તો ઇન્ટરનેટના મજબૂત, મુક્ત અને નિ:શુલ્ક પ્રસારણને મોકળું મેદાન મળ્યું જેની વૈશ્ર્વિક સ્તરે પ્રશંસા થઇ અને બીજું તેમના સમયમાં ડેટા સર્વિસ(માહિતી સેવા)ના દરોને ઓછા કરવામાં પણ તેમને સફળતા મળી હતી.

એ સમયમાં ટર્કીમાં તેઓ એક કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા ત્યારે ત્યાંના લોકો મોબાઇલ વાત કરવા માટેના દર ટર્કીમાં ઓછા છે એવી ડંફાસ મારી રહ્યા હતાં. શર્માએ તેમને પૂછ્યું કે કેટલા સસ્તા છે તેમના વાતચીત માટેના ભાવ?

એક જણે કહ્યું કે એક ટર્કીશ લીરામાં તમે એક મિનિટ વાત કરી શકો છો. ત્યારે તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું કે આટલી કિંમતમાં તો એક ભારતીય કલાક સુધી વાત કરી શકે છે.

નિવૃત્તિ પછી શું કરશો એવા એક પ્રશ્ર્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે લોકોને પબ્લિક પોલિસી અને ટેકનોલૉજી વિશે શીખવાડવાની અને સમજાવવાની તેમની ઇચ્છા છે. તેમનો પોતાનો આ ઉંમરે પણ ટેકનોલૉજી ક્ષેત્રે કશુંક નવુ શીખવાનો મોહ અકબંધ રહ્યો છે. હાલમાં જ આઇ.આઇ.ટી. - દિલ્હીમાંથી પીએચ.ડી પ્રાપ્ત કરનાર શર્મા પહેલા એવા શિક્ષક હતાં જેમણે ૧૯૯૨માં બિહારના પટના શહેરની મિથિલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (માનવ રચિત કૃત્રિમ બુદ્ધિ ) વિશે લોકોને શિક્ષિત કર્યા હોય. ઝારખંડના વતની શર્માના પૂર્વજોની ફિરોઝાબાદમાં જમીન પણ છે જ્યાંની ફળોની વાડીમાં આમળા, બોર, જમરૂખ અને જાંબુના ઘણા ઝાડ તેમણે ઉગાડ્યા છે. જોકે, સતત કૉમ્પ્યુટર સામે બેઠેલા શર્માને જેમણે જોયા હોય તેમને આમ ખેતરમાં ઊભેલા જોવાનું થોડું મુશ્કેલ અને વિચિત્ર લાગે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuoB7AyGnLshEiNBRvOtDv9LsWiFomFk7kHikRgnxV-aA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment