Sunday, 2 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સ્ત્રીપણ જાતીય સતામણી કરી શકે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્ત્રીપણ જાતીય સતામણી કરી શકે!
વરણાગી રાજા-દિવ્યાશા દોશી

ગયા અઠવાડિયે સમાચાર વાંચ્યા કે ન્યુયોર્ક યુનિવર્સિટીમાં જાણીતા મહિલા પ્રોફેસરે(એવિટલ રોનેલ-૬૬) પોતાના વિદ્યાર્થીનું ( નિર્મોદ રેઈટમેન્ટ-૩૪) જાતીય શોષણ કર્યું હોવાનો આરોપ મૂક્યો છે. મહિલા પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્રણ વરસ દરમિયાન નિર્મોદ પીએચડી કરી રહ્યો હતો તે સમયે આ બનાવો બન્યા હતા. સત્તાશાળી મહિલા સામે વિદ્યાર્થી ચુપ રહ્યો હતો એવી દલીલ છે. આ રિપોર્ટ ઓનલાઈન વાંચ્યો ત્યારે નીચે હજારેક કોમેન્ટ હતી. કોઈ કહે શક્ય છે તો કોઈ કહે શક્ય નથી.

ખેર, શેક્સપિયરના હેમલેટ નાટકનો સંવાદ ટુ બી ઓર નોટ ટુ બી એટલો પ્રખ્યાત થયો કે તેનો સંદર્ભ સમજાવવાની જરૂર રહેતી નથી. પોતાના જીવનમાં સર્જાતા સંજોગો કે જેમાં તમે ચોક્કસ નિર્ણય ન લઈ શકતા હો ત્યારે શેક્સપિયર આપણામાં પ્રવેશીને ટુ બી ઓર નોટ ટુ બી બોલીને વધુ વિચારવાનો સમય મેળવી લેતાં હોઈએ છીએ. ટુ બી ઓર નોટ ટુ બી સ્ત્રી-પુરુષની માનસિકતામાં હંમેશ હોય જ છે. સ્ત્રી-પુરુષના સંબંધો લગ્ન બાદ પણ બ્લેક એન્ડ વ્હાઈટમાં ભાગ્યે જ હોય છે. આ રંગીન સંબંધોમાં અનેક રંગો ઉમેરાતાં હોય છે અને નવો સંબંધ બનતો હોય છે.

એ વિશ્ર્વાસનો પાયો નબળો હોઈ શકે કે તેને તોડી પાડવામાં બેમાંથી એક વ્યક્તિનો હાથ હોઈ શકે. હંમેશાં એ વિશ્ર્વાસને તોડવાનો આરોપ પુરુષ ઉપર મૂકવામાં આવતો હોય છે. સમાજમાં સેક્સ અને સંબંધો માટે અનેક માન્યતાઓ અને દંભને પોષવામાં આવે છે. બીજું કે જવાબદારી ઉપાડવાની આવે તો પુરુષ તરફ જોવાય છે, સ્ત્રી પણ પુરુષની જવાબદારી બની જાય છે આપણા સમાજમાં.

એવિટલ અને નિર્મોદનો પ્રસંગ ખૂબ નવાઈ લાગે એવો હતો તો એમાં સંડોવાયેલા મહિલા પ્રોફેસર ખૂબ જાણીતા પણ હતા. પેલા પુરુષ વિદ્યાર્થી રહી ચૂકેલા નિર્મોદે ફરિયાદમાં પ્રોફેસર જે તેના ગાઈડ પણ હતા તેમણે લખેલા ઈમેઈલ પણ પુરાવારૂપે આપ્યા. અહીં સવાલ એ પણ થાય કે ૩૪ વરસનો પુરુષ ૬૦ કે તેનાથી વધુ વયની સ્ત્રીને ના ન પાડી શક્યો? સત્તા આગળ શાણપણ ન ચાલે એવી કહેવત આપણે ત્યાં મશહૂર છે. અહીં સ્ત્રીના હાથમાં સત્તા હતી. સત્તાશાળી સ્ત્રી પણ પુરુષ જેવો જ અહમ્ ધરાવતી હોય છે. તે ના સાંભળી શકતી નથી.

આ વિષય પર કેટલીક ફિલ્મો બની છે. જેમાં સ્ત્રી-પુરુષને સિડ્યુસ કરતી હોય. હાલમાં જ નેટફ્લિક્સ પર રજૂ થયેલી અને વાઈરલ થયેલી ફિલ્મ લસ્ટ સ્ટોરીઝમાંથી અનુરાગ કશ્યપની એક સ્ટોરીમાં રાધિકા આપ્ટે શિક્ષિકા છે, તે પોતાના વિદ્યાર્થીની સાથે જાતીય સંબંધ બાંધે છે. ત્યારબાદ તે યુવક પર રીતસરની જાસૂસી જ કરે છે. તેને બીજી છોકરી સાથે વાત પણ કરવા દેતી નથી. આવા કિસ્સાઓ બનતા હોય છે પણ જૂજ હોય છે. સ્ત્રી પણ સેક્સુઅલ મુવ કરી શકે છે. અને તેના માટે પણ રિજેકશન એટલે કે નકાર સ્વીકારવો સહેલો નથી હોતો. અહંકાર સત્તાને કારણે વધતો હોય છે. અહીં બીજી એક આ જ વિષય પર બનેલી માઈકલ ડગ્લાસ અને કેથરીન જેટા જોન્સ અભિનીત ડિસક્લોઝર ફિલ્મનો ઉલ્લેખ કરવો જ પડે. જેના પરથી અક્ષય અને પ્રિયંકા અભિનીત હિન્દી ફિલ્મ પણ બની હતી. એ ફિલ્મમાં અપરિણીત મહિલા અધિકારી પોતાના હાથ નીચે કામ કરતા પૂર્વ પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા ઈચ્છે છે, પણ એ પ્રેમી હવે પરિણીત છે અને તે સુંદર અધિકારી મહિલા સાથે કોઈ શારિરીક સંબંધ બાંધવા ઈચ્છતો નથી. એટલે અહંકાર ઘવાતા એ મહિલા અધિકારી પોતાના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પૂર્વ પ્રેમી પર મૂકે છે અને તેને બરબાદ કરવાનો પ્રયત્ન કરે છે. જાતીય સતામણીનો એ કેસ પેલો પુરુષ લડે છે અને જીતે છે. પોતાની જાતને એ નિર્દોષ સાબિત કરે છે જે ખરેખર અઘરું હોય છે જ્યાં આજે લોકો મહિલાઓની પરિસ્થિતિ માટે સહાનુભૂતિ ધરાવતા થયા છે. જોકે એનો અર્થ એ નથી કે મહિલાઓ દ્વારા થતી જાતીય સતામણીના કિસ્સા વધ્યા છે. પણ એકલદોકલ આવા કિસ્સાઓ વધુ આઘાત આપે છે.

આપણે ત્યાં પણ ગયા મહિને એક મોટા અખબાર જૂથના તંત્રીએ આપઘાત કર્યો. તેમણે એક સ્ત્રી દ્વારા થતા બ્લેકમેઈલથી ડરીને આપઘાત કર્યો હોવાનો પોતાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. એ પત્રકાર સ્ત્રીએ જાતીય સતામણીના કેસ કરવાની ધમકી આપી હોવાનું કહેવાય છે. તેના પુરાવાઓ પણ ઓનલાઈન ફરી રહ્યા છે. ત્યારબાદ સ્ત્રીઓ માટેના કાયદાઓનો દુરુપયોગ થતો હોવાનું પણ કેટલાક લોકો માનવા લાગ્યા છે. પણ સાવ એવું નથી. અવારનવાર ન્યાયાધીશો આ કાયદાનો ખોટો ઉપયોગ કરનાર તરફ ધ્યાન ચીંધી તેને વખોડે છે.

થોડો સમય પહેલાં હાઈ કોર્ટમાં જસ્ટિસ મૃદુલા ભાટકરે એક ચુકાદો આપ્યો કે ભણેલી છોકરીઓ લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ જો છોકરો લગ્ન કરવા ન માગતો હોય તો તેમના પર બળાત્કારનો આરોપ મૂકી ન શકે, કારણ કે ભણેલીગણેલી છોકરીઓ પોતે શરીરસંબંધ બાંધી રહી છે તે માટે સભાન હોય છે. પોતાના કૃત્યની જવાબદારી પોતે જ લેતા શિક્ષિત છોકરીઓએ શીખવું જોઈએ, કારણ કે તેમને ખબર હોય છે કે તેઓ લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધી રહી છે. સમાજમાં વર્જિનિટી માટેની માન્યતાઓને બહાલી ન આપવી જોઈએ. આ વર્જિનિટીના ખોટા ખ્યાલને કારણે જ છોકરીઓ આવો આરોપ લગાવતી હોય છે. પિતૃસત્તાક કેટલીક માનસિકતાઓને કારણે પુરુષોએ પણ સહન કરવું જ પડતું હોય છે. હાઈ કોર્ટમાં જે કેસ માટે આવું જજમેન્ટ આપવામાં આવ્યું તે કેસમાં એક છોકરીએ પોતાના ૨૧ વરસના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતાં બળાત્કારનો કેસ દાખલ કરતાં લખાવ્યું હતું કે તેના બોયફ્રેન્ડે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. એટલે તેણે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ સમાચાર વાંચ્યા બાદ ખરેખર જ લાગ્યું કે જો છોકરીએ સંબંધ તોડી નાખ્યો હોત તો પણ શું તે બળાત્કારની ફરિયાદ નોંધાવત? ખેર, પોતાની બહેન-દીકરીઓના મનમાંની ખોટી માન્યતાઓને ઉખાડી ફેંકવાની જવાબદારી પુરુષોની જ છે.

ભણેલી-ગણેલી છોકરીઓ જ્યારે દરેક બાબતને પોતાના સંદર્ભે જ જો સંબંધોને લઈ જતી હોય તો તેમાં પુરુષને વિશ્ર્વાસ કેમ બેસે? એક મહિલા તરીકે પણ મને લાગે છે કે દરેક પુરુષને રેપિસ્ટ માની લઈને તેના પર અવિશ્ર્વાસ મૂકવો તે યોગ્ય નથી. સ્ત્રીઓને પુરુષના ઈન્ટેન્શનની કે તેની નજરોની ખબર પડી જતી હોય છે. એટલે જો તેને લાગે કે આ પુરુષ પર વિશ્ર્વાસ મૂકી શકાય છે તો પછી શંકાને વચ્ચે ન લાવવી જોઈએ. અહીં ક્વીન ફિલ્મને યાદ કરીએ, કંગના રણૌત એકલી હનીમૂન કરવા પેરિસ અને એમ્સ્ટરડેમ જાય છે ત્યાં બીજા દેશના પુરુષો સાથે એક રૂમમાં રહેવું પડે છે. પુરુષો પર વિશ્ર્વાસ ન મૂકવાનું શીખેલી ભારતીય છોકરી ડરતાં ડરતાં પુરુષો સાથે રહેવા તૈયાર થાય છે અને એ પુરુષો તેના સારા મિત્રો બની જાય છે. જે એને એક સ્ત્રી તરીકે નહીં પણ વ્યક્તિ તરીકે આદર આપતાં હોય છે. પુરુષો પર સતત અવિશ્ર્વાસ રાખવાનું પણ પુરુષો જ પોતાની બહેન-દીકરીને શીખવતાં હોય છે. તે પણ નવાઈની વાત નથી? પોતાની દીકરી કે બહેન બીજા પુરુષ સાથે મિત્રતા રાખે તેમાં એમને કેટલો વાંધો હોય છે કે ક્યારેક તેઓ પોતાની બહેન-દીકરીનું કે સામા પુરુષનું ખૂન કરી નાખતાં અચકાતાં નથી. એટલે એવું કહી શકાય કે પુરુષો પર વિશ્ર્વાસ રાખવો નહીં તે માટે પુરુષો અને સ્ત્રીઓ બન્નેની માનસિકતા જવાબદાર છે. આજે મહિલાઓ ભણી-ગણીને પોતાની કારકિર્દી ઘડતી હોય છે. લગ્ન કર્યા વિના રહેવાનો નિર્ણય પણ લેતી હોય છે, પરંતુ સહજતાથી પુરુષ સાથેની મિત્રતા કેળવી શકતી નથી. તો સામે પક્ષે મહાનગરોમાં એવી પણ યુવતીઓ છે જે સહજતાથી પુરુષોની સાથે મિત્રતા બાંધતી હોય છે એટલું જ નહીં તેમની સાથે સંબંધો બાંધતા પણ અચકાતી નથી. દરેક સંબંધોનો અંજામ લગ્ન જ હોવો જોઈએ એ જરૂરી નથી તે બાબતે પણ તેઓ સ્પષ્ટ હોય છે. પુરુષ અને સ્ત્રી કદીય મિત્ર બની શકે જ નહીં તેવું માનનારો પણ વર્ગ છે, કારણ કે તેમને સહજ બંધાતા સંબંધો આવકાર્ય નથી હોતા.

ક્વીન ફિલ્મમાં આપણે એ રીતે ચારેક પુરુષો સાથે એક જ રૂમમાં રાત વિતાવતી સ્ત્રીના પાત્રને વધાવી શકીએ છીએ પણ વાસ્તવિકતામાં આપણે આ રીતે જો બે મિત્રો એક ઘરમાં રહે તો તેનો સ્વીકાર કરી શકતા નથી. કારણ કે આપણે સ્ત્રી અને પુરુષના સંબંધને બસ એક જ દૃષ્ટિથી જોવા ટેવાયેલા છે. એમ તો લગ્ન બાદ પણ અનેક રાત એવી જતી હોય છે કે સ્ત્રી-પુરુષ વચ્ચે સેક્સ સંબંધ હોતો નથી કે સેક્સ જ ન હોય તેવું પણ બને. અને શું લગ્ન સેક્સ માટે જ કરવામાં આવે છે? આવા દંભને પોષીને સમાજને ખોખલો બનાવવામાં આવે છે. દરેક સંબંધોમાં પુખ્ત સ્ત્રી પણ પોતાના વર્તન માટે જવાબદાર હોવી જોઈએ. ફક્ત પુરુષને જ ખરાબ વર્તન માટે જવાબદાર ન ઠેરવી શકાય. એ ખરું કે પુરુષો બળાત્કાર કરી શકવા સક્ષમ હોય છે પણ તેથી સ્ત્રી પુરુષને લલચાવીને તેને પોતાની સાથે સંબંધ બાંધવા મજબૂર નથી કરતી એવું નથી. લાંબો સમય સુધી પરસ્પર સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ જ્યારે કોઈપણ કારણોસર સંબંધોમાં તિરાડ પડે એટલે બળાત્કારનો કેસ કરવો યોગ્ય નથી. જો બળાત્કાર જ હોય તો પહેલી જ વખત બંધાયેલા સંબંધ વખતે ફરિયાદ કરવી જોઈએ. પણ ત્યારે ફરિયાદ નથી કરવામાં આવતી કારણ કે પુખ્ત સ્ત્રીને કે પુરુષને ખબર હોય છે કે તેણે સમજદારીથી કે સામી વ્યક્તિ પાસેથી કશીક આશા હોવાને કારણે સંબંધ બાંધ્યો હોય છે. આ જોતાં કહી શકાય કે સ્ત્રીએ પણ પોતાની માનસિકતા બદલવા તૈયાર રહેવું પડશે.

પુરુષને ફક્ત સ્ત્રીના શરીરમાં જ રસ હોય છે તે પૂરું સત્ય નથી. ૧૯૯૦ની સાલમાં ફેઈનગોલ્ડ દ્વારા કરવામાં આવેલા સ્ત્રી-પુરુષના સંબંધો અને આકર્ષણ અંગેના અભ્યાસમાં સાબિત થયું હતું કે સ્ત્રીઓને પણ પુરુષોની જેમ સામી વ્યક્તિના દેખાવમાં રસ હોય છે. ફીશર, એલેકઝાન્ડર (૨૦૦૩) વિલેટ્ટ, સ્પ્રેચર (૨૦૦૪) ઉપરાંત બીજા અનેક સાયકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટે કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે સ્ત્રીઓ કેઝયુઅલ સેક્સ બાંધતી હોય છે પણ આપણા સમાજના નિયમોને કારણે તેનો સ્વીકાર કરતાં ડરતી હોય છે. અથવા તો સામાજિક માન્યતાઓને કારણે તે પહેલ કરતી નથી. એટલે જ જ્યારે આવું કંઈક થાય છે ત્યારે જવાબદારી ઉપાડવાથી સ્ત્રી ડરતી હોય છે. પુરુષો વિશ્ર્વાસ કરવાને લાયક નથી તેવી માન્યતાઓ વધુ દૃઢ બનતી જતી હોય છે. જો એવું જ હોય તો આજે જેટલા બળાત્કાર થાય છે તેના કરતાં પચાસગણા વધુ બળાત્કારોના કિસ્સા બનતાં હોત. જાતીય સતામણીના કિસ્સાઓ નથી બનતાં એવું નથી પણ તેમાંય કેટલાક કિસ્સાઓમાં શક્ય છે કે સ્ત્રી પોતાના વર્તનની જવાબદારી લેતાં ડરતી હોવાને કારણે બ્લેમગેમ પુરુષ પર નાખીને પોતે છૂટી જતી હોય છે. કોઈપણ જાતની છેતરપિંડી યોગ્ય નથી જ પછી તે પુરુષ કરે કે સ્ત્રી. એટલે જ ટુ બી ઓર નોટ ટુ બીના આજના અસમંજસમાં અટવાતાં સ્ત્રી-પુરુષોના સંબંધોને મોકળાશ આપતાં વિચારોની જરૂર છે. પુરુષોને જ ગુનાના પાંજરામાં ઊભો કરી દેવાથી હકીકત બદલાઈ શકે નહીં.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuTG1i%3Dqy%2B-Zih2Nf%3D63_e4jQBfBiJ2oZoVqn74OEhSVg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment