Sunday, 2 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મુઝકો હવા સે ચોટ લગતી હૈ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોહબ્બત સે, ઇનાયત સે, વફા સે ચોટ લગતી હૈ, બિખરતા ફૂલ હૂઁ, મુઝકો હવા સે ચોટ લગતી હૈ!
Dr Shard Thaker

 

વિધાન ઓફિસમાંથી થાક્યો-પાક્યો ઘરે આવ્યો. સોફામાં ફસડાતો હોય તેમ બેઠો. પછી પાણીનો ગ્લાસ લઇને આવેલી પત્નીને કહ્યું, 'એક કપ ચા આપીશ? જાણું છું કે તું પણ થાકી ગઇ હોઇશ, પણ મારી તો હાલત આજે...'

 

'મારે પણ આજે ખૂબ કામ રહ્યું, ઓફિસમાં આજે આખો દિવસ પિકનિક પર જવાની વાતો અને ચર્ચા અને નાનું-મોટું આયોજન ચાલતું જ રહ્યું. બટ નો પ્રોબ્લેમ. હું તમારા માટે ચા બનાવી લાવું છું.' વાચાએ કહ્યું અને કિચનમાં ચાલી ગઇ.


અચાનક વિધાનને યાદ આવ્યું કે, 'અરે, આજે તો ઓફિસમાં કોઇ હાજર નહીં હોય. ફોન, કોણ રિસીવ કરે? લાવ, વાચાનો મોબાઇલ નંબર લગાડું...'
વાચા અને વિધાનનો નાનો પરિવાર હતો. બહુ સમૃદ્ધ તો ન કહેવાય, પણ સુખી ફેમિલી હતું. નાનકડો ફ્લેટ એમના નવા-સવા લગ્નજીવનને સંગોપી રહ્યો હતો. બેંક લોનથી ખરીદાયેલો ફ્લેટ હતો, અભાવોની છત હતી, સંઘર્ષની દીવાલો હતી અને આશાઓની બારીઓ હતી. દરેક નવ-યુગલની હોય છે એવી જ એમની પણ અપેક્ષાઓ હતી. નાના ફ્લેટમાંથી મોટો ફ્લેટ, મોટા ફ્લેટમાંથી ટેનામેન્ટ, પછી બંગલો અને પછી...! પછી કંઇ નહીં, એટલે સુધી પહોંચતાંમાં જ તો મધ્યમવર્ગીય માણસ હાંફી જાય છે અને જિંદગીના પ્રવાસનું પૂર્ણવિરામ આવી જાય છે.


વાચા સુંદર હતી. એને ઘર અને વર બંનેને સાચવતાં બરાબર આવડી ગયું હતું. લોનના હપ્તાઓ ભરવા માટે છએક મહિનાથી એણે પણ જોબ સ્વીકારી લીધી હતી.


રોજ સવારે વિધાન અને વાચા સુપરફાસ્ટ ટ્રેનની ગતિએ ઘરેથી નીકળતાં હતાં અને સાંજે લોકલ ટ્રેનની ગતિએ પાછાં ફરતાં હતાં.

 

'ઓફિસમાંથી બધાં પિકનિક પર જવાના છે? તું પણ જવાની છે? ક્યાં જવાનું વિચાર્યું છે?' ચાના ઘૂંટડા સાથે ફુદીનાની સુગંધને પણ શરીરમાં ભરતાં વિધાને પૂછ્યું.


વાચાના ચહેરા પર કંટાળાનો ભાવ ઊપસી આવ્યો, 'જુઓને બધાં લઇ મંડ્યાં છે કે વાચાબહેન, તમારે તો આવવું જ પડશે, બાકી મારી તો જરાયે ઇચ્છા નથી. બે દિવસ માટે ઓફિસ પણ બંધ રહેવાની છે. જો હું પિકનિકમાં ન જાઉં તો ઘરનું કેટલું બધું કામ કરી નાખું? પણ...'


'તું જઇ આવ, વાચા.' ચાનો અડધો કપ પેટમાં પડ્યા પછી વિધાન તાજગીસભર બની રહ્યો હતો અને પોઝિટિવ પણ.

 

'તમે હા પાડતા હો તો જઇશ, બાકી મારી તો જરાયે ઇચ્છા નથી.'


'પિકનિક માટે ક્યાં જવાનું નક્કી કર્યું છે?'


'માઉન્ટ આબુનું નક્કી કર્યું છે. અમદાવાદથી બે દિવસ માટે આબુ સિવાય બીજે ક્યાં જઇ શકાય? આજે તો આખો દિવસ મિટિંગમાં જ પસાર થઇ ગયો. બધાને નાની-મોટી જવાબદારીઓ સોંપી દેવામાં આવી. કોઇના ભાગે બસની વ્યવસ્થા કરવાનું કામ તો કોઇનાભાગે બધાના ચા-કોફી, નાસ્તા, ભોજન વગેરેની જવાબદારી ફાળવી દીધી. મારા ભાગમાં હોટલનું રૂમ બુકિંગ આવ્યું...'

 

'એ તો સાવ સહેલું છે, હવે તો હોટલ બુકિંગ ઓનલાઇન થઇ જાય છે.'
'હા, પણ એ માટે પાંચ-સાત હોટલના મેનેજરો સાથે સંપર્ક કરવો પડે, રૂમના ટેરિફ જાણવા પડે, બ્લોક બુકિંગના ભાવ-તાલ કરવા પડે.'

 

'આઇ કેન અન્ડરસ્ટેન્ડ. ડાર્લિંગ, તું એવું કર, આજે વાળુમાં વઘારેલી ખીચડી રાંધી નાખ અને પછી તારું લેપટોપ લઇને બેસી જા. એકાદ કલાકમાં બુકિંગનું કામ પતાવી દે. પછી વહેલી વહેલી ઊંઘી જજે. સવારે કેટલા વાગે નીકળવાનું છે?'

 

'સાત વાગે બધા નહેરુનગર સર્કલ પાસે ભેગા થઇશું. સાડા સાત વાગે બસ સ્ટાર્ટ થશે. મારે પાંચ વાગે ઊઠી જવું પડશે. ચાલો, આજે જરાક તમે સપોર્ટ કરજો મને, હોં!' વાચા ઉત્સાહથી ઉભરાતી ચાનો ખાલી કપ લઇને કિચન તરફ દોડી ગઇ.

 

વહેલી સવારે મીઠા ઘેનમાં પોઢેલા વિધાનના કાનમાં વાચાના તૈયાર થવાનો અવાજ પડતો રહ્યો. ચાના કપનો અવાજ, તપેલીનો ખણકાટ, પછી બાથરૂમમાં શોવરમાંથી પાણી પડવાનો અવાજ, કપડાં પહેરવાનો ફરફર્રાટ, પર્ફ્યુમના ફુવારા છંટાવાનો અવાજ અને છેલ્લે 'હું જાઉં છું, સ્વીટહાર્ટ! રવિવારે રાત્રે પાછી આવીશ. બાય...!' અને પછી ચાવીથી મેઇનડોર લોક થવાનો અવાજ. પાછળ રહી ગઇ માદક પર્ફ્યુમની મીઠી નશીલી મહેક.

 

એ દિવસે વિધાન નવ વાગ્યા સુધી પથારીમાં પડી રહ્યો. પછી નાહી-ધોઇને, જાતે બનાવેલી ચા પીને ઓફિસ તરફ જવા નીકળી ગયો. વાચા ન હતી એટલે બ્રેકફાસ્ટ કરવાનું રહી ગયું. ઓફિસમાં કામનો પહાડ હતો. વિધાન કમ્પ્યુટરમાં ડૂબી ગયો. અચાનક પેટમાં બળતરા થવા લાગી. એસિડિટી એનું જોર બતાવી રહી હતી. બપોરના બાર વાગતાં સુધીમાં તો પેટમાં સળગતા અંગારા પડી ગયા હોય એવી આગ લાગી ગઇ.

 

વિધાને પાઉચમાં ખાંખાંખોળા કર્યા. ચાર-પાંચ જાતની સ્ટ્રિપ્સ પડી હતી અંદર. વિધાન દવાઓની બાબતમાં સાવ ઠોઠ હતો. આવશ્યક દવાઓની વ્યવસ્થા વાચા જ સંભાળતી હતી.


વિધાન વિચારમાં પડી ગયો, 'મને તો આ બધી ટેબ્લેટ્સનાં નામ એકસરખાં જ લાગે છે. આમાં એસિડિટી માટે કઇ ગોળી હશે? લાવ, વાચાને જ ફોન કરીને પૂછી લઉં.'

 

એણે ટેબલ પર પડેલી ઓફિસની લેન્ડલાઇન પરથી વાચાનો નંબર ડાયલ કર્યો. આ એની રોજિંદી આદત હતી. રોજ ચાર-પાંચ વાર પતિ-પત્ની એકબીજાની સાથે વાત કરતાં રહેતાં હતાં. મોબાઇલ ફોનને બદલે બંને ઓફિસનાં ડબલાં પર જ વાત કરી લેતાં હતાં. આદતથી મજબૂર વિધાનને એ યાદ ન રહ્યું કે વાચા આજે ઓફિસમાં ન હોય.

 

એણે નંબર ડાયલ કર્યો. સામા છેડે રિંગ વાગતી સંભળાણી. અચાનક વિધાનને યાદ આવ્યું કે, 'અરે, આજે તો ઓફિસમાં કોઇ હાજર નહીં હોય. ફોન, કોણ રિસીવ કરે? લાવ, વાચાનો મોબાઇલ નંબર લગાડું...'

 

બરાબર એ ક્ષણે સામા છેડેથી કોઇએ ફોન રિસીવ કર્યો. રિસેપ્શન ગર્લ રીટા હતી. રોજની જેવા જ મીઠા સ્વરે એ પૂછી રહી, 'દલાલ એક્સપોર્ટ્સ હિયર! આપને કોનું કામ છે?'


'સોરી! રીટાજી, હું વિધાન. મારે વાચાની સાથે વાત કરવી હતી, પણ...'


'ઓહ, ઇટ્સ ઓલરાઇટ! બટ વાચા મેડમ ઇઝ ઓન લીવ ફોર ટુ ડેયઝ, સર. યુ મસ્ટ બી નોઇંગ...'

'હા, મને ખબર છે, પણ યાદ ન આવ્યું કે આજે તો આખો ઓફિસ સ્ટાફ પિકનિક પર ગયો છે. મિસ રીટા, તમે નથી ગયાં? માઉન્ટ આબુ?'


'વ્હોટ?! હું અને માઉન્ટ આબુ? હું તો શું, ઓફિસમાંથી કોઇ પણ નથી ગયું.

બોસ અત્યારે અમદાવાદમાં જ છે અને બધાને સ્ટ્રેસ આપી રહ્યા છે. કોઇ ચાની કીટલી પર જવાની યે હિંમત કરતું નથી.'

 

'હેં???' વિધાન સ્તબ્ધ બની ગયો. પ્રારંભિક પ્રચંડ આઘાતમાંથી બહાર આવતાં પૂરી પંદર મિનિટ્સ લાગી ગઇ. એક વોમિટ પણ થઇ ગઇ. હવે એનું દિમાગ કામ કરવા માંડ્યું. એ વાચાની ઓફિસમાં પહોંચી ગયો. આખી ઓફિસ ખચાખચ ભરાયેલી હતી. એ વાચાની બાજુમાં બેસીને કામ કરતી પાયલને મળ્યો. દસ મિનિટ્સ માટે બહાર આવવાની વિનંતી કરી. પાયલને વિશ્વાસમાં લઇને પૂછ્યું, 'બહેન, મને તારો ભાઇ સમજીને સાચું કહી દે, વાચા વિશે તું શું જાણે છે?'

 

પોતાનું નામ વચ્ચે નહીં લાવવાની શરતે પાયલે બધું કહી દીધું, 'વાચા બે અઠવાડિયાથી કોઇ પુરુષના પ્રેમમાં છે. એનું નામ ખગેન છે. ખગેન પણ મેરિડ છે. બે દિવસથી વાચા અને ખગેન ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવતાં હતાં એવું મારા કાનમાં પડ્યું હતું. પણ મને શી ખબર કે વાચાએ તમને શું કહ્યું છે!'

 

બે કલાકમાં બધી માહિતી મળી ગઇ. ખગેનની આખી જન્મકુંડળી જાણવા મળી ગઇ. ઓનલાઇન બુકિંગ કઇ હોટલનું અને કયા રૂમનું કરાવવામાં આવ્યું હતું એ માહિતી પણ મળી ગઇ.

 

વિધાને વાચાના પિયરમાં ફોન કર્યો, 'તમારી દીકરી મારી આગળ જૂઠું બોલીને એના પ્રેમીની સાથે માઉન્ટ આબુની હોટલમાં રંગરેલિયા મનાવી રહી છે. હું અત્યારે જ વકીલને મળીને ડિવોર્સ માટેની અરજી...'

 

અડધા કલાકમાં જ વાચાના પપ્પા અને મોટો ભાઇ દોડી આવ્યા. વાચાનો ભાઇ ગુંડા જેવો હતો. એણે ધાક-ધમકીની ભાષામાં શરૂ કર્યું, 'જિજુ! મારી બહેનના ચારિત્ર્ય ઉપર કાદવ ઉડાડવાનું બંધ કરો, જો તમારો અારોપ ખોટો સાબિત થશે તો હું તમારા હાથ-પગ તોડી નાખીશ.'


'એ બધું પછી કરજે, પહેલાં આબુની આ હોટલના રિસેપ્શન પરનો આ નંબર લગાડ અને પૂછ કે ફલાણા નંબરના કમરામાં કોણ છે અત્યારે?'

 

જવાબમાં રિસેપ્શનિસ્ટે બધી જ સાબિતીઓ આપી દીધી. આઇ.ડી. પ્રૂફ્સના ફોટોઝ પણ મોકલી આપ્યા. વાચાના પપ્પા અને ભાઇના ચહેરાઓ કરમાઇ ગયા. વિધાને વકીલને મળીને ડિવોર્સ માટેની તૈયારી શરૂ કરી દીધી.

 

વાચા અને ખગેનના ગભરાટનો પાર ન રહ્યો. એમને ખબર પડી ગઇ કે વિધાનને બધી જ ખબર પડી ગઇ છે. મારતી ગાડીએ બંને આબુથી ભાગ્યાં. વાચા ઘરે આવીને વિધાનના પગમાં તૂટી પડી, 'મને માફ કરી દો! મારાથી મહાભયંકર ભૂલ થઇ ગઇ. હું વચન આપું છું, ફરીથી ક્યારેય આવું નહીં કરું. મને એક તક આપો સુધરવાની.'


કહે છે કે સ્ત્રીનાં આંસુમાં જગતના ક્રૂરમાં ક્રૂર તાનાશાહને પિગળાવવાની શક્તિ રહેલી છે. વિધાને એને માફ કરી દીધી. બીજા દિવસથી જિંદગીની ગાડી ફરી પાછી જૂની પટરી પર દોડવા લાગી.

 

આપણને એવું લાગે ને કે બધું પતી ગયું? ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્ઝ વેલ! પણ ના, એવું નથી. સમયના પટારામાં અસંખ્ય આંચકાઓ અને આશ્ચર્યો છુપાયેલાં હોય છે. લેટેસ્ટ આંચકો એ છે કે એ મહિને વાચાને મેન્સિઝ આવ્યું નથી. ડોક્ટરે કહ્યું, 'તમે પ્રેગ્નન્ટ છો.' વિધાન હવે નવ મહિના પૂરા થાય એની રાહ જુએ છે. આવનારું બાળક નક્કી કરશે કે વિધાન-વાચાનું શું થશે.


[કથાબીજ: એડવોકેટ આશિષ મહેતા]
(શીર્ષક પંક્તિ : બશીર બદ્ર)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsFMGu0r4tTU%2B26aD0Eo7vaG%2BpJ-Up7kacQ79Re-q0ndA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment