લેખક પોતાની પહેલી નવલકથા કેવી રીતે લખતો હોય છે? એ કેવી રીતે ટ્રિગર થતી હોય છે? કેવી હોય છે એ પ્રોસેસ? આજે બે વિશ્વસ્તરીય નવલકથાકારોની વાત કરવી છે. પહેલા છે, નોબેલ પ્રાઇઝ વિજેતા સાઉથ અમેરિકન લેખક ગેબ્રિઅલ ગાર્સિયા માર્કેઝ. તેઓ સ્પેનિશ ભાષામાં લખતા. આજે સલમાન રશદી સહિત દુનિયાભરના કેટલાય લેખકોનાં લખાણમાં મેજિકલ રિઅલિઝમનું તત્ત્વ જોવા મળે છે. આ શૈલી માર્કેઝે પોતાની સૌથી વિખ્યાત નવલકથા 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' સૌથી પહેલી વાર ઇન્ટ્રોડયુસ કરી હતી. મેજિકલ રિઅલિઝમમાં સાવ સાદી, દુન્યવી બાબતો અને જાદુઈ ઘટનાઓ સાથે સાથે બનતી રહે, બન્નેની એકબીજામાં સેળભેળ થતી રહે. પરિણામે વાચક સામે અસાધારણ અને અદભુત અસર ઊભી થાય. માર્કેઝ અઢાર-વીસ વર્ષની ઉંમરથી આ નવલકથા લખવા માગતા હતા. એક એવી વાર્તા જેના કેન્દ્રમાં પોતે જ્યાં ઉછર્યા હતા તે નાના-નાનીનું ઘર હોય, પોતાનાં બાળપણની વાતો હોય. માર્કેઝ વર્ષો સુધી કોશિશ કરતા રહ્યા, પણ એમનાથી આ નવલકથાનું સ્ટ્રક્ચર અથવા તો ફેર્મેટ પકડાતું નહોતું. શું લખવું છે તે ખબર હતી, પણ કેવી રીતે લખવું, કયા સ્વરુપમાં લખવું છે તે સ્પષ્ટ થઈ શકતું નહોતું. એ સ્પષ્ટતા વર્ષો પછી થઈ. તદ્દન અણધારી રીતે. માર્કેઝ એક વાર વીકએન્ડ માણવા બહારગામ જઈ રહ્યા હતા. સાથે પત્ની અને બન્ને દીકરા હતાં. તે દિવસે લોન્ગ ડ્રાઇવ દરમિયાન તેઓ ખૂબ મૂડમાં હતા. અચાનક કોણ જાણે ક્યાંથી તેમના દિમાગમાં નવલકથાનું પહેલું વાક્ય સ્ફૂર્યું. તે એક વાક્યની પાછળ આખી નવલકથા છુપાયેલી હતી. આ વાક્ય જાણે સિક્રેટ ફેર્મ્યુલા જેવું હતું. માર્કેઝે બ્રેક મારી યુ-ટર્ન લીધો અને કાર પાછી મેક્સિકો તરફ મારી મૂકી. વીકએન્ડ કેન્સલ! ઘરે આવતાંવેંત માર્ક્વેઝ ટાઇપરાઇટર પર લખવા બેસી ગયા. તેર મહિનાને અંતે 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ'ની પ્રત તૈયાર હતી. માર્કેઝે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, "સાચું કહું તો 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ'નવલકથા લખવામાં મને સૌથી વધારે આકરું જો કંઈ લાગ્યું હોય તો તે હતી શરુઆત! પહેલું વાક્ય, પહેલો ફ્કરો લખતા તો મોઢે ફીણ આવી ગયાં હતાં. સખત ગભરાટ થતો હતો. મનમાં થતું હતું કે આટલું તો લખાયું, પણ હવે આગળ શું લખવાનું?" ખેર, વીજળીની જેમ ત્રાટકેલી પેલી 'યુરેકા મોમેન્ટ' શું હતી? માર્કેઝને ઓચિંતા સમજાયું કે મારે મારા બાળપણ વિશે નવલકથા નથી લખવી, મારે મારા બાળપણની 'સ્મૃતિ' વિશે નવલકથા લખવી છે. બાળપણમાં જે કંઈ થયું તે યથાતથ મૂકી દેવાનું તેમ નહીં, બલકે તે ઘટનાઓને વર્તમાનના પ્રિઝમમાંથી જોવાની. મારે રિયાલિટી વિશે નહીં, પણ 'રિપ્રેઝન્ટેશન ઓફ રિયાલિટી' વિશે લખવું છે. મારે કોઈ ચોક્કસ ગામ વિશે નહીં, પણ દુનિયા તે ગામને કેવા દૃષ્ટિકોણથી જુએ છે તે વિશે લખવું જોઈએ. ગામને બાકીની દુનિયાથી અલગ કરીને જોવાને બદલે આખી દુનિયાને મારા ઘર અને ગામ સુધી લાવવી જોઈએ. આ રીતે સીમાડા ખૂલી જતા હતા. એકસાથે અનેક સ્તરો પર કામ થઈ થઈ શકતું હતું. આ સ્થિતિએ માર્ક્વેઝને આઝાદીનો અહેસાસ કરાવ્યો. જેવી દિમાગની બારીઓ ખૂલી, નવલકથાનું સ્ટ્રક્ચર પકડાયું અને લખવાનું શરૂ થયું કે માર્ક્વેઝને સમજાવા લાગ્યું હતું કે આ નવલકથા ઉત્તમ બનવાની. 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' નવલકથા અને એ પછીની 'લવ ઇન ધ ટાઇમ ઓફ કોલેરા' નવલકથાએ માર્કેઝને જગમશહૂર બનાવી દીધા. હવે વાત કરીએ જપાનના સુપરસ્ટાર રાઇટર હારુકી મુરાકામીની. વિશ્વના વર્તમાન સમયના સૌથી મહાન નવલકથાકારોમાં એમનું નામ માનભેર મુકાય છે. નોબલ પ્રાઇઝના પ્રબળ દાવેદાર તરીકે એમનું નામ સતત લેવાતું રહે છે. લેખક બન્યા પહેલાં મુરાકામી ટોકિયોમાં એક મધ્યમ કદની રેસ્ટોરાં-કમ-બાર ચલાવતા હતા. દિવસે ચા-કોફી અને ખાવાનું પીરસાય, રાત્રે આલ્કોહોલ. બારમાં એક બાજુ જાયન્ટ સાઈઝનો પિયાનો ગોઠવવામાં આવ્યો હતો. વીકએન્ડમાં ત્યાં લાઈવ પર્ફેર્મન્સીસ થાય. વહેલી સવારથી મુરાકામીનું કામ શરૂ થાય જે મધરાત સુધી નોનસ્ટોપ ચાલે. બાર ચલાવતાં ચલાવતાં મુરાકામી નવલકથાકાર કેવી રીતે બની ગયા? એક બપોરે એ બેઝબોલની મેચ જોવા ગયા હતા. મેચ જોતાં જોતાં અચાનક એમના મનમાં વિચાર ઝબકી ગયોઃ યુ નો વોટ, હું ધારું તો નવલકથા લખી શકું તેમ છું! 'વોટ આઈ ટોક વ્હેન આઈ ટોક અબાઉટ રનિંગ' નામના અફ્લાતૂન પુસ્તકમાં મુરાકામી કહે છે, "લેખક બનવાના ધખારા મને ક્યારેય નહોતા, તો પણ કોણ જાણે કેવી રીતે તે દિવસે મેચ જોતા જોતાં મને નવલકથા લખવાની તીવ્ર ઇચ્છા થઈ આવી!" મુરાકામી કહે છે, "મને એ તારીખ પણ બરાબર યાદ છે – પહેલી એપ્રિલ ૧૯૭૮! હું એક્ઝેક્ટલી શું લખવા માગું છું તેનો મને બિલકુલ ખ્યાલ નહોતો. ફ્ક્ત એટલું ફીલ થઈ રહ્યું હતું કે હું જે કંઈ લખીશ તે વાંચનારને રસ પડે એવું તો હશે જ. ઘરે જઈને લખવા બેઠો ત્યારે મને ખબર પડી કે મારી પાસે લખવા માટે સારી બોલપેન કે ફઉન્ટનપેન પણ નથી. હું પછી સ્ટેશનરીની દુકાને જઈને કોરા કાગળ અને સારી પેન ખરીદતો આવ્યો." આમ, મુરાકામીએ એકાએક નવલકથા લખવાના શ્રીગણેશ કર્યા. ચારેક મહિનામાં જાપાની ભાષામાં બસ્સો પાનાંની એક નોવેલ લખી નાખી. એ અરસામાં કોઈ સાહિત્યિક મેગેઝિને નવોદિત લેખકો માટે સ્પર્ધા જેવું શરૂ કરેલું. કોઈ પણ અપેક્ષા વગર તેમાં પોતાની કૃતિ મોકલી આપી. તે પછી ધંધામાં એવા બિઝી થઈ ગયા કે નવલકથાવાળી વાત લગભગ વિસરાઈ ગઈ. થોડા મહિનાઓ પછી મેગેઝિને પરિણામની ઘોષણા કરી. મુરાકામીની નવલકથાને પહેલું ઈનામ મળ્યું. નવલકથા (અંગ્રેજી ટાઈટલ-'હીઅર ધ વિન્ડ સિંગ') પ્રકાશિત થઈ, ખૂબ વખણાઈ. મુરાકામી પર ઊભરતા નવયુવાન નવલકથાકારનું બિરુદ લાગી ગયું. આખો ઘટનાક્રમ એટલો અણધાર્યો હતો કે એમને ખુદને સમજાઈ રહ્યું નહોતું કે આ બધું શું ચાલી રહ્યું છે! તે બીજી નવલકથા 'પિનબોલ' લખાઈ. ટૂંકી વાર્તાઓ લખાઈ. બન્ને નવલકથાઓ પ્રતિષ્ઠિત એવોર્ડ્ઝ માટે નોમિનેટ થઈ. આ બધાની વચ્ચે રેસ્ટોરાં-કમ-બાર તો ચાલતાં જ રહ્યાં. હકીકતમાં મુખ્ય કામ જ એ હતું. દિવસભર માલ ચેક કરવાનો, એકાઉન્ટ્સ મેન્ટેન કરવાનાં, સ્ટાફ સાથે કામ પાર પાડવાનું, ખુદ કાઉન્ટર પાછળ ઊભા રહીને કોકટેલ્સ મિક્સ કરવાનાં અને ઈવન કિચનમાં જઈને રાંધવાનું પણ ખરું. મધરાતે બાર બંધ થયા પછી સાફ્સફઈ ચાલતી હોય ત્યારે એક ટેબલ પર ચૂપચાપ લખવા બેસી જવાનું. લગભગ પરોઢ સુધી લખવાનું ચાલે. પછી ઘરે જઈ કિચનમાં ટેબલ પર બેસીને ઝોલાં આવવા લાગે, હવે સૂતા વગર નહીં જ ચાલે એવું લાગે ત્યાં સુધી લખ્યા કરવાનું. આ સિલસિલો ત્રણ વર્ષ ચાલ્યો. ત્રીજી નવલકથા 'અ વાઈલ્ડ શીપ ચેઝ' પછી એમણે બાર બંધ કરીને સંપૂર્ણપણે કલમજીવી બનવાનો, એક પ્રોફ્શનલ રાઈટર તરીકે ઘર ચલાવવાનો નિર્ણય લીધો. જિંદગીમાં અગાઉ ક્યારેય કશુંય ન લખનાર મુરાકામીએ સીધા નવલકથાલેખનથી શરૂઆત કરીને પહેલા જ બોલમાં સિક્સર ફ્ટકારી દીધી. ખરેખર, જડ નિયમો કે સલાહોને તોડીફેડીને વિસ્ફેટ સાથે જે ફૂટી નીકળે એનું જ નામ ક્રિયેટિવિટી! |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsBvp6pG2yxo8tBT7WC8Xsmgfd9F1nTPkXMRzw-ezDPqA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment