Wednesday, 26 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઝીણા, પાકિસ્તાન અને અમિત શાહ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઝીણા, પાકિસ્તાન અને અમિત શાહ!
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

આમ તો ઈતિહાસ એટલે નક્કર હકીકતો પણ બધી જ નક્કર હકીકતો મુઠ્ઠી ઉઘાડબંધ કરીએ એમ હાથવગી થતી નથી એટલે ઈતિહાસની વાત કરીએ ત્યારે બને છે એવું કે ઉપલબ્ધ નક્કર હકીકતોમાંથી અનુમાનોની માંડણી કરીને કેટલીક વિગતો તારવવી પડે. હવે વાતનો પાયો જ્યારે અનુમાનો પર અવલંબિત થતો હોય ત્યારે વ્યક્તિગત ગમાઅણગમા અને સમજદારીની મર્યાદા હાવી થઈ જાય એવી સંભાવના ખરી.

રામચંદ્ર ગુહા આપણા એક જાણીતા ઈતિહાસકાર છે. થોડાં વરસો પહેલાં એમણે લખેલું એક પુસ્તક 'ૠફક્ષમવશ ઇયરજ્ઞયિ ઈંક્ષમશફ' મેં વાંચ્યું હતું અને આ પુસ્તકમાં એમણે તારવેલાં બધાં અનુમાનો સાથે સહમત ન થવા છતાં એમની રજૂઆતો જરૂર રસપ્રદ લાગી હતી. આ પુસ્તકના અનુસંધાને જ હાલમાં એમનું એક બીજું પુસ્તક પ્રકાશિત થયું છે. - 'ઝવય ુયફતિ વિંફિં ભવફક્ષલયમ વિંય ૂજ્ઞહિમ' ચેન્જર્ડ ધ વર્લ્ડ. આ પુસ્તક હજુ મારાથી વંચાયું નથી પણ એના લેખક રામચંદ્ર ગુહાએ હમણાં નવી દિલ્હી ખાતે પત્રકારો સાથે પોતાના આ નવા પુસ્તક વિશે વાત કરતાં એક અદભુત અનુમાન તારવ્યું છે. સ્વાતંત્ર્યની લડતમાં મહમ્મદ અલી ઝીણાના યોગદાન વિશે ઉલ્લેખ કરતાં એમણે એમ કહ્યું કે ઝીણા એક દૃઢનિશ્ર્ચયી નેતા હતા અને પછી પાકિસ્તાન મેળવવાના પોતાના નિશ્ર્ચય વિશે ઝીણાએ એવું કહેલું કે કંઈ પણ થઈ જાય તો પણ હું પાકિસ્તાન લઈને જ જંપીશ. લાશોના ઢગલા થશે તો પણ હું પાકિસ્તાન મેળવ્યા વિના રહીશ નહીં. આટલું કહ્યા પછી ઈતિહાસકાર રામચંદ્ર ગુહા એકદમ વર્તમાનમાં આવી ગયા અને એમણે કહ્યું કે હાલના ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ ઝીણા જેવા જ છે કેમ કે એમણે પણ એવું કહ્યું છે કે કોઈપણ ભોગે ભાજપે ૨૦૧૯ની ચૂંટણી જીતવાની જ છે.

પોતાના ધ્યેયની સિદ્ધિ માટે કોઈપણ માણસ પોતાના દૃઢ સંકલ્પ પ્રગટ કરે એનાથી એ ઝીણાના કુળમાં મુકાઈ જાય આ અનુમાન થોડુંક નહીં પણ ઝાઝી વિચારણા માંગે એવું છે - ઝીણા પાકિસ્તાન માટે દૃઢનિશ્ર્ચયી હતા એમ કહેતાં પહેલાં પાકિસ્તાનની મૂળ કલ્પના કરનારાઓએ લંડનના વિદ્યાર્થી રહેમતઅલી ચૌધરી અને કવિ મહમદ ઈકબાલને યાદ રાખવા જોઈએ. આ બંનેએ વારાફરતી ઝીણા સમક્ષ પાકિસ્તાનનો નકશો દોરીને એની રચના માટે લડત કરવાનું સૂચવ્યું હતું પણ આ બંનેની વાત એક વિદ્યાર્થીની કે એક કવિની કલ્પના જેવી હાંસીપાત્ર છે એમ કહીને ઝીણાએ એને ઉડાવી દીધી હતી. ઝીણા પાકિસ્તાનના સર્જક હોવાનો યશ કે અપયશ ભલે લઈ જતા હોય પણ ઐતિહાસિક તથ્ય એ છે કે પાકિસ્તાનની કલ્પના સાથે ઝીણાને કંઈ લેવાદેવા નહોતી. જે રીતે આપણા સ્વાતંત્ર્યોતર ઈતિહાસમાં ચંદ્રશેખર, રાજીવ ગાંધી કે દેવેગૌડા પ્રધાનમંત્રી બની ગયા એ જ રીતે મહમ્મદ અલી ઝીણા પણ પાકિસ્તાનના રચયિતા કહેવાયા છે. અહીં સુધી તો ઠીક છે પણ પાકિસ્તાન માટેની એ પછીની લડતમાં ઝીણાએ દૃઢનિશ્ર્ચય વ્યક્ત કર્યો એ વાત સાચી પણ મુદ્દાની વાત એ છે કે અન્ય કોઈપણ વ્યક્તિ પોતાની કાર્યસિદ્ધિ માટે દૃઢતા વ્યક્ત કરે એ બધાને એક જ વર્ગમાં મૂકી શકાય ખરા?

આવી થોડીક વ્યક્તિઓનાં નામો આપણે તપાસીએ. લોકમાન્ય બાળગંગાધર ટિળકની એક ઘોષણા રાષ્ટ્રીય સૂત્રની જેમ સ્વાતંત્ર્યની લડતમાં પ્રચલિત હતી. ટિળકે એવું કહેલું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું મેળવીને જ જંપીશ. ટિળકના આ દૃઢનિશ્ર્ચયમાં પણ હવે જ-કાર તો છે જ. હવે માત્ર આ જ-કાર હોવાને કારણે જ લોકમાન્યના આ દૃઢનિશ્ર્ચયને ઝીણાના પેલા દૃઢનિશ્ર્ચય સાથે સરખાવી શકાય ખરો? દાંડીયાત્રા માટે સાબરમતીથી નીકળતી વખતે ગાંધીજીએ કહેલું કે કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના હું પાછો સાબરમતી નહીં જ આવું. દુર્ભાગ્યે ટિળક પોતાનો સંકલ્પ પૂરો નહોતો કરી શકયા. સ્વરાજ્ય પ્રાપ્ત થાય એ પહેલાં જ એમનું અવસાન થયું. ગાંધીજીએ સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું હતું ખરું, પણ સાબરમતી પાછા ફરી શક્યા નહોતા. તો શું ગાંધીજીનો આ દૃઢનિશ્ર્ચય પણ ઝીણા જેવો જ હતો એવું કહેવાની હિંમત આપણે કરી શકીએ ખરા?

આ તો સાંપ્રત ઈતિહાસની વાત થઈ, પણ થોડાક સૈકાઓ પાછળ જઈએ તો મહાભારત યાદ આવે છે. કુરુક્ષેત્રના મહાયુદ્ધમાં કૌરવ સેનાપતિ દ્રોણાચાર્યે રચેલા ચક્રવ્યૂહમાં પાંડવ કુમાર અભિમન્યુનો કૌરવ સેનાનાયક જયદ્રથે વધ કર્યો હતો. પુત્ર અભિમન્યુના આ હત્યારાને બીજા દિવસના સૂર્યાસ્ત પહેલાં જ મારી નાખવાની દૃઢ પ્રતિજ્ઞા અર્જુને લીધી હતી. અને કહ્યું હતું કે જો સૂર્યાસ્ત પહેલાં હું જયદ્રથનો વધ નહીં કરી શકું તો અગ્નિપ્રવેશ કરીને આત્મસમર્પણ કરી દઈશ. બીજે દિવસે શ્રીકૃષ્ણની સહાયથી અર્જુને પ્રતિજ્ઞા તો પૂરી કરી પણ એના આ દૃઢનિશ્ર્ચયને ઝીણાના દૃઢનિશ્ર્ચય સાથે સરખાવવાનું અનુમાન ઈતિહાસનું અને માનસશાસ્ત્રનું સુધ્ધાં જ્ઞાન કહી શકાય ખરું?

મહાભારતનું જ બીજું ઉદાહરણ લઈએ તો પિતામહ ભીષ્મે દુર્યોધનને વચન આપ્યું હતું કે આજના દિવસે યુદ્ધ સમાપ્ત થાય એ રીતે પાંડવોનો સંહાર કરીને જ જંપશે. પ્રતિજ્ઞા તો લીધી હતી પણ ભીષ્મ એ પૂરી કરી શક્યા નહોતા. અર્જુન આડે ઊભેલા શિખંડીના કારણે ભીષ્મ અસહાય થઈ ગયા, શસ્ત્રાઘાત કરી શક્યા નહીં અને શરશય્યા ઉપર એમનું પતન થયું. ભીષ્મ દૃઢનિશ્ર્ચયી હતા - નિશ્ર્ચય સિદ્ધ ન કરી શકયા એ જુદી વાત છે, પણ દૃઢનિશ્ર્ચયને જ જો માપદંડ મનાતો હોય તો શું ભીષ્મને પણ ઝીણાના કુળમાં મૂકી શકાય?

કોઈપણ બુદ્ધિશાળી માણસ પોતાના ક્ષેત્રમાંથી એને જે કંઈ પ્રાપ્ત થયું હોય એના આધારે અનુમાનો તારવે એ સ્વાભાવિક છે. બને છે એવું કે પોતાની સાંપ્રત માન્યતાઓના સમર્થન માટે આવો માણસ ઐતિહાસિક ઘટનાઓનો આશરો લેવા માંડે છે. ઐતિહાસિક ઘટનાઓને આધારે વર્તમાનને મૂલવીએ કે અનાગતને અનુમાનીએ એમાં કંઈ ખોટું નથી, પણ આ મૂલવણીમાં ઈતિહાસ અને ભૂગોળ બંને એકરસ ન થઈ જવાં જોઈએ ઈતિહાસમાં વ્યક્તિ અને ઘટના બંને છે. ભૂગોળમાં આ બે પૈકી કંઈ નથી માત્ર નરી આંખે દેખાતું અવલોકન હોય છે. શિક્ષક ઈતિહાસના વર્ગમાં એમ કહી શકે છે કે હિન્દુ રાજ્યોએ જો સાથે મળીને મહમ્મદ ગઝનીનો સામનો કર્યો હોત તો સોમનાથનું ખંડન ન થયું હોત પણ ભૂગોળનો શિક્ષક ભૂગોળના વર્ગમાં વિદ્યાર્થીઓને એમ નથી કહી શકતો કે સાઈબીરિયામાં બરફ છવાયેલો હોય છે અને હિમાલયમાં પણ બરફ જ છવાયેલો હોય છે માટે સાઈબીરિયા અને હિમાલય બંને એકસરખાં જ છે અથવા તો ભારતની બ્રિટિશ સરકાર એમના રાજદ્રોહી ગુનેગારોને આંદામાનના ટાપુઓમાં કાળાં પાણીની સજા કરતી એ જ રીતે રશિયન સમ્રાટ ઝાર એના વિરોધીઓને સાઈબીરિયાના એકાંતમાં હડસેલી દેતો માટે સાઈબીરિયા અને આંદામાન બંને એકસરખાં છે, એવું કહી શકાય નહીં.

ઈતિહાસકારને પણ પોતાના અંગત ગમાઅણગમા હોય એમાં કોઈ નવાઈ નથી, પણ આવા અંગત ગમાઅણગમાનો પ્રદેશ જ્યારે ઈતિહાસકાર ઈતિહાસના પ્રદેશમાં વિચરતો હોય ત્યારે જુદા પડી જવા જોઈએ. વિશુદ્ધ ઈતિહાસકાર પાસેથી સાંપ્રત તથા ભાવિ પેઢીને આ જ અપેક્ષા હોય છે. દુર્ભાગ્યે, ઈતિહાસને વિશુદ્ધ રાખવો એ બહુ દુષ્કર કામ છે. મોટે ભાગે બને છે એવું કે ઈતિહાસકારો સાંપ્રત શાસકને અનુકૂળ હોય એવી વાત આલેખતા હોય છે. ઈતિહાસકારોનો બીજો એક વર્ગ એવો હોય છે કે એનું આલેખન અસલિયતથી સાવ વિપરીત હોય છે. સરેરાશ વાચક આ બે વચ્ચે ગૂંચવાઈ જાય છે. સાચા ઈતિહાસકારે આ બંનેથી જુદા પડીને ઈતિહાસને નિષ્કલંક રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ઈતિહાસ મહાકાળનો પ્રવાહ છે. આ પ્રવાહને કાંઠે બેસીને જોનારા સહુકોઈના ગમાઅણગમાની તમા આ પ્રવાહ કરતો નથી. મહમ્મદ અલી ઝીણા પાકિસ્તાન ઈચ્છતા નહોતા અને છતાં કાળના પ્રવાહે એમને પાકિસ્તાન આપ્યું. કાળના એ જ પ્રવાહનો એમને પાકિસ્તાન આપવા છતાં આપણે લાભ લઈ શક્યા નહીં એ વિશે વિચારણા થવી જોઈએ. ભાજપા પ્રમુખ અમિત શાહને ઝીણા સાથે સરખાવવાથી આ પ્રવાહ બુદ્ધિગમ્ય બને છે કે પછી તાટસ્થ્યની તિરસ્કૃત બને છે એ વ્યક્તિગત વિચારણાનો પ્રશ્ર્ન છે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os%3DArFybmN8rYS6Rn1Go6B9FQ85u82Uy0L6PBqFu7RqVw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment