માત્ર દશ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનારા અમેરિકાના પીટર લિન્ચે માતાને મદદરૂપ થવા કામ શરૂ કર્યો. સ્પોર્ટમેનનો સામાન ઉંચકીને જે ડૉલર મળતા તેમાંથી ભણવાનો ખર્ચ કાઢ્યો. સમર વેકેશનમાં જે કામ મળે તે કરતા. શેરબજારમાં (વોલસ્ટ્રીટ) તેમને રસ હતો એટલે શેર ઓછા ભાવે ખરીદીને વેચી કરી જે નફો થતો તેમાંથી કૉલેજમાં ગ્રેજ્યુએટ થયા, બે વર્ષ મિલિટરીમાં પણ કામ કર્યું. એક તબક્કે જે કંપનીના બોસનો સામાન ઊંચકતા હતા તે જ કંપનીમાં પ્રમોટ થતા રહીને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા. ઈન્વેસ્ટમેન્ટ કંપની અને મ્યુચ્યુઅલ ફંડમાં જોડાયા બાદ તેમણે સફળતાની ઉડાન ભરી, જેમણે તેમના ફંડમાં રોકાણ કર્યું હતું તેઓ માલામાલ થઈ ગયા. રોકાણકારોને માર્ગદર્શન આપતા અનેક પુસ્તક લખ્યાં અને ખરા અર્થમાં રોકાણકારોના રાહબર બન્યા. મોટા ભાગના સફળ કરોડપતિ-અબજોપતિ બિઝનેસમેનને સંઘર્ષ કરવો પડ્યો છે. પીટરને પત્નીનો સાથ અને હાથ ૪૭ વર્ષ સુધી મળ્યો હતો. બંનેએ મળીને લિન્ચ ફાઉન્ડેશન ઊભું કર્યું હતું જે ચેરિટીના કામ કરી રહ્યું છે. દંતકથારૂપ ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટ પાસેથી તેઓ ઘણું શીખ્યા છે, જાણે પીટર લિન્ચની સફર વિશે વિગતે જાણીએ. પીટર લિન્ચનો જન્મ ૧૯ જાન્યુઆરી ૧૯૪૪માં અમેરિકાના ન્યૂટોનમાં થયો હતો. તેઓ ૭ વર્ષના હતા ત્યારે તેમના પિતાને કૅન્સરનું નિદાન થયું હતું, જે ત્રણ વર્ષ બાદ મરણ પામ્યા હતા, ત્યારે પીટરની ઉંમર ફકત ૧૦ વર્ષની હતી. પરિવાર પર મોટી મુશ્કેલી આવી પડી હતી. આર્થિક ખેંચ ઊભી થઈ એટલે માતાએ નાના-મોટા કામ શરૂ કર્યાં. પીટરે ભણવાનો ખર્ચ કાઢવા કામ શરૂ કર્યું. તેમણે ફલાઈંગ ટાઈગર નામની ઍરલાઈન કંપનીના શેર ૮ ડૉલરમાં ખરીદીને બાદમાં ભાવ વધીને ૮૦ ડૉલર થતા વેચી કાઢ્યા. આમાં જે નફો થયો તે ભણવાના ખર્ચમાં કામ આવ્યો. ૧૧ વર્ષની ઉંમરે તેઓ ગોલ્ફ ક્લબમાં જતા હતા ત્યાં ગોલ્ફના ખેલાડીઓનો સામાન ઉપાડવાનું કામ કર્યું. તેમાં જે રકમ મળતી હતી તે આગળ ભણવામાં વાપરી. ભણવામાં હોશિયાર હતા અને સારા ગ્રેડ મેળવતા હતા તેથી તેમને સ્કોલરશિપ મળતી હતી, તેનાથી તેઓ બૉસ્ટન કૉલેજમાં ભણ્યા. બૉસ્ટન કૉલેજમાંથી ઈતિહાસ, સાઈક્ોલોજી અને ફિલોસોફીમાં ગ્રેજ્યુએટ કર્યું, ત્યાર બાદ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે એમબીએ કર્યું. સ્કૂલ-કૉલેજના સમર વેકેશનમાં પણ તેમણે કામ કર્યું. એમ.બી.એ. પૂર્ણ કર્યા બાદ બીજા વર્ષે ૧૯૬૮માં કેરોલીન હોફ સાથે લગ્ન કર્યા. આ લગ્ન ૪૭ વર્ષ સુધી ટક્યાં. લ્યુકેમિયાના કારણે પત્નીનું ૨૦૧૫માં અવસાન થયું. સફળ વ્યક્તિની પાછળ સ્ત્રીનો હાથ-સાથ હોય છે તે વાતને તેમની પત્નીએ પુરવાર કરી બતાવી. પીટર લિન્ચ ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં એનાલિસ્ટ તરીકે જોડાયા બાદમાં પ્રમોટ થતા રહીને ડિરેક્ટર બન્યા હતા. ત્રણ વર્ષ ફુલટાઈમ કામ કર્યું પછી ૧૯૭૭માં પ્રખ્યાત "મેગેલન ફંડમાં જોડાયા. જોકે તેમણે ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં વાઈસ ચેરમેન તરીકે પાર્ટટાઈમ કામ ચાલુ રાખ્યું. મેગેલન ફંડમાં મેનેજર બન્યા ત્યાર બાદ તેમણે સફળતાની ઉડાન ભરવા માંડી. ઝડપી પ્રગતિ કરી. વિશ્ર્વભરમાં તેમની નોંધ લેવાઈ. વચ્ચે બે વર્ષ મિલિટરીમાં પણ સેવા આપી. લિન્ચે કંપનીમાં હોદ્દો ૧૯૭૭માં સંભાળ્યો, ત્યારે ૨૦૦ લાખ ડૉલરની એસેટ (એયુએમ) હતી, જ્યારે ૧૯૯૦માં ૧૩ વર્ષ બાદ નિવૃત્ત થયા ત્યારે એસેટ વધીને ૧૪ અબજ ડૉલરની થઈ હતી. ૪૬મા વર્ષે તેમણે નિવૃત્તિ લઈ લીધી, પરંતુ તે પહેલા સરેરાશ વ્યક્તિ ૬૦-૬૫ વર્ષે કમાણી કરે તેનાથી અનેકગણી વધુ સંપત્તિ ૪૬મા વર્ષે તેમણે મેળવી લીધી. ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં ટેક્સટાઈલ, ધાતુના એનલિસ્ટ તરીકે કામ કર્યું. જે કંપનીના પ્રમુખનો સામાન સુધ્ધાં તેમણે ઉપાડ્યો હતો તે જ કંપનીમાં આગળ જતા ઉચ્ચ હોદ્દો સંભાળ્યો. મેગેલન ફંડ (મ્યુચ્યુઅલ ફંડ) આમ તો ૧૯૬૩માં શરૂ થયું હતું, પરંતુ પીટર લિન્ચ ૧૯૭૭માં આવ્યા બાદ ઝડપી પ્રગતિ કરી. જે રોકાણકારે ૧૯૭૭માં ફંડમાં ૧૦૦૦ ડૉલર મૂક્યા હતા તેના ૧૯૯૦માં ૨૮૦૦૦ ડૉલર થયા હતા, સરેરાશ વાર્ષિક વળતર ૨૯ ટકાથી વધારે મળ્યું. આપણે ત્યાં છેલ્લાં બે વર્ષથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો પ્રવાહ વધ્યો છે. સિસ્ટેમિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) દ્વારા રોકાણ વધ્યું છે, લોકો મ્યુચ્યુઅલ ફંડ તરફ આકર્ષાયા છે, જ્યારે પીટર લિન્ચે ૪૦ વર્ષ પહેલા મ્યુચ્યુઅલ ફંડમાં (મેગેલન ફંડ) અમેરિકાના રોકાણકારોને આકર્ષિત કર્યા હતા. વિશ્ર્વનું સૌથી મોટું મ્યુચ્યુઅલ ફંડ બનાવ્યું હતું. તેમનું ફંડ એસ ઍન્ડ પી માર્કેટ ઈન્ડેક્સની તુલનાએ બમણાથી વધુ વળતર આપે છે. પીટર લિન્ચે પત્ની સાથે મળીને લિન્ચ ફાઉન્ડેશન ઊભું કર્યું હતું. અત્યાર સુધીમાં ૧૦ કરોડ ડૉલરની ચેરિટી કરી ચૂક્યા છે. મોટાભાગનો સમય સેવાપ્રવૃત્તિ પાછળ આપી રહ્યા છે. થોડાં વર્ષ અગાઉ એલિવેટરમાં પડી જતા પથારીવશ રહ્યા હતા. દંતકથારૂપ બિઝનેસ મેગ્નેટ વોરેન બફેટ પાસેથી તેઓ ઘણું શીખ્યા છે. સફળ બિઝનેસમેન પણ અમુક વાર ભૂલ કરે છે. ભૂલ કરવાની વેલ્યુ શું છે? ભૂલમાંથી ઘણુ શીખવાનું હોય છે. આ વિશે વોરેન બફેટે શીખ તેમને આપી હતી. વિશ્ર્વવિખ્યાત મેગેઝિન ફોર્બ્સે પીટર લિન્ચનું નામ પાડ્યું હતું "અમેરિકાના મની મેનેજર. શેરબજારમાં નવાસવા આવનારા તથા નાના રોકાણકારોએ કેવી રીતે અને ક્યારે રોકાણ કરવું તે વિશે તેમણે પુસ્તક લખ્યું છે "કમાવા માટે શીખો (લર્ન ટૂ અર્ન) નામનું પુસ્તક સૌથી વધુ વેચાણની યાદીમાં સ્થાન પામ્યું છે. ફોર્બ્સ મેગેઝિને વિશ્ર્વના ટોપ ટેન બિઝનેસ માઈન્ડેડની વ્યક્તિમાં પીટર લિન્ચને સ્થાન આપ્યું હતું. ઈન્વેસ્ટમેન્ટ માટેની તેમની ફિલોસોફી સરળ છે. તે માટે તેમના ચાર સિદ્ધાંતો છે જે ગળે ઊતરી જાય એવા છે. તમે પોતે જ રિસર્ચ કરો, વૈવિધ્યકરણનું મહત્ત્વ સમજો, ધીરજનો સ્વભાવ રાખો તથા ઉતાવળમાં આડેધડ રોકાણ કરો નહીં. સફળતા માટે રિસર્ચ, પૃથ્થક્કરણ જરૂરી છે એમ તેઓ માને છે. કંપનીનું મેનેજમેન્ટ શેરધારકો માટે ફ્રેન્ડલી હોવું જોઈએ. પીટર લિન્ચના ક્વૉટ જે રોકાણકારો માટે ઘણા ઉપયોગી થઈ શકે છે તે અહીં પ્રસ્તુત છે. માર્કેટ નીચું જાય ત્યારે તમે ખરીદો તે ડહાપણભર્યું છે. જોકે, અમુક વાર ખોટા પણ પડી શકો છો. લાંબાગાળા માટે રોકાણના આગ્રહી છે. શોર્ટ ટર્મ માર્કેટ પર ઓછું ધ્યાન આપવા જણાવે છે. શેર પર નહીં પરંતુ કંપનીના ફન્ડામેન્ટલ પર ફોકસ હોવું જોઈએ. ભૂલમાંથી શીખો અને ફલેક્સિબલ રહો. વિશ્ર્વની અનેક સફળ વ્યક્તિઓ ભૂલમાંથી શીખીને આગળ આવી છે. પીટર લિન્ચ પોતે સ્થિતિ-સંજોગો પ્રમાણે સ્ટાઈલ અને વ્યૂહરચના બદલતા રહ્યા છે. જે કંપનીનો વૃદ્ધિ દર ૫૦ થી ૧૦૦ ટકા કે તેથી વધુ દર્શાવાયો હોય તે વિશે મનમાં શંકા થવી જોઈએ. ફક્ત વૃદ્ધિ જોઈને શેર ખરીદો નહીં. કોઈ પણ કંપનીમાં રોકાણ પૂર્વે શેર ખરીદતી વખતે તેની આવક, ભાવિ, નાણાકીય સ્થિતિ, સ્પર્ધાની સ્થિતિ, વિસ્તરણ, યોજના અને મેનેજમેન્ટનો અભ્યાસ કરો એમ તેઓ સલાહ આપે છે. શેરોમાં નાણાં ગુમાવવાથી શરમ અનુભવવી જોઈએ નહીં અને ખોટું કર્યું એવું પણ માનો નહીં. દરેક વખતે નફો કરો એવું શક્ય જ નથી. કોઈ કંપની કે શેર તમને આકર્ષક નહીં લાગે તો તમારા નાણાં બૅંકમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી રાખો અને તક મળે ત્યારે શેર ખરીદો એવી સલાહ આપે છે. પીટરે નાના હતા ત્યારથી રોકાણ શરૂ કર્યું હતું. હાલ તેમની પાસે ૧૦૦૦થી વધુ સ્ક્રીપ છે. વિભિન્ન ઉદ્યોગ ધરાવતી કંપનીમાં રોકાણ કરે છે. તેમની અનેક બુક દ્વારા રોકાણકારોને માર્ગદર્શન આપે છે. તમામ વયના રોકાણકારો માટે પુસ્તક લખ્યા છે. તેમની આ કામગીરી - લેખન પ્રવૃત્તિના કારણે ફાઈનાન્શિયલ મીડિયા પીટર લિન્ચને દંતકથારૂપ (લેજન્ડ) વ્યક્તિ માને છે. તેમની પુત્રીઓ પીટરની પ્રવૃત્તિને આગળ વધારી રહી છે. શેરબજારમાં જેઓ એકંદરે સફળ થાય છે તેમણે સમયાંતરે લોસ/સેટબેક સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. શેરબજારમાં રોકાણ પૂર્વે પીટર લિન્ચની સલાહ અનુસરો તો મોટાભાગે સફળ થશો. તેમના ખોટા પડવાના ચાન્સ એક ટકાથી પણ ઓછા છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os40AD46ZJUa8Expes6uQZve0dUVkQLOjn_7sFPYDfZ%3Dw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment