Sunday, 2 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દેવની દુનિયાની પુન:સ્થાપનાનો પ્રશ્ર્ન (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દેવની દુનિયાની પુન:સ્થાપનાનો પ્રશ્ર્ન!
લાઈમ લાઈટ-હેમંત વૈદ્ય

શ્રાવણના તો સરવરિયા હોય એટલે કે આ મહિનામાં તો ઝરમર ઝરમર વરસાદ પડે અને અષાઢ અનરાધાર હોય એવું કહેવાય છે. જોકે, ૠઘઉ'જ ઘઠગ ઈઘઞગઝછઢ યાને કે દેવોની ભૂમિની ઓળખ મેળવનારા કેરળે શ્રાવણ મહિનામાં અનરાધાર અષાઢને પણ ટક્કર મારે એવા તારાજ કરતા વરસાદનો અનુભવ કર્યો છે. એવી સુધ્ધાં કહેવત છે કે વહુ, વહ્નિ ને વરસાદ એ ત્રણેય બરોબર જેનો અર્થ થાય છે પત્ની, અગ્નિ અને વરસાદ હંમેશાં એક જ તખ્તા પર હોય છે. વહુની તો ખબર નથી, પણ અગ્નિનો પ્રકોપ વરસે ત્યારે જે ઝાળ લાગે એવો અનુભવ વરસાદે કેરળવાસીઓને કરાવ્યો છે. એમના માટે જાણે વરસાદ અને વહ્નિ (અગ્નિ) એક જ તખ્તા પર હતા. ૧૯૨૪ પછી વિનાશકારી પૂરનો સામનો આ રાજ્યે પહેલી વખત કર્યો છે. સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું આ રાજ્ય આ અણધારી આફતનો સામનો કરવા સજ્જ થઈ રહ્યું છે. રાહત સામગ્રી અહીં ઠલવાઈ રહી છે અને આર્થિક સહાય માટેની તત્પરતા સુધ્ધાં નજરે પડી રહી છે. કેન્દ્ર સરકારે ૬૦૦ કરોડનું પૅકેજ જાહેર કર્યું છે. અલબત્ત આ રકમ જરૂરિયાતના ચોથા ભાગની હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. યુનાઈટેડ અરબ અમિરાતે ૭૦૦ કરોડ રૂપિયાની સહાય કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ કેન્દ્ર સરકારે એ મદદ સ્વીકારવાની ના પાડી દીધી છે. બીજા કોઈ રાષ્ટ્ર પાસેથી પણ આર્થિક સહાય નહીં લેવામાં આવે એવો ઈશારો પણ કરવામાં આવ્યો છે. અત્યારે પબ્લિક અને પ્રાઈવેટ પ્રોપર્ટીને એકંદરે કેટલું નુકસાન થયું છે એનો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. આર્થિક બાબતોના જાણકારોના અભિપ્રાય મુજબ કેટલાક ક્ષેત્રોને થયેલા નુકસાનને કારણે રાજ્યના અર્થતંત્રને ગંભીર અસર પહોંચી શકે છે. એટલે આ વાતાવરણમાં રાજ્યને ફરી બેઠું કઈ રીતે કરી દેવું એ પ્રશ્ર્નને સૌથી વધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે જે સ્વાભાવિક બાબત છે.

 

કેરળ એક શિક્ષિત રાજ્ય છે. અહીં રોજગાર-ધંધાનો દર આ દાયકામાં નીચે ઊતરી રહ્યો છે, પણ વપરાશની માત્રા અહીં ઘણી ઊંચી છે. વપરાશ વધુ હોય ત્યાં માલની ખપત પણ સારી હોય. જોકે, પૂરની તારાજીને કારણે ઘણાં લોકોએ આજીવિકાનાં સાધનો ગુમાવી દીધા હોવાથી હવે વપરાશનો દર ઘટી જશે જેને પગલે માલની ખપત ઓછી થઈ જશે જેની એકંદરે નકારાત્મક અલર અર્થતંત્રને થશે. કેરળ રાજ્યની તિજોરીને મુખ્ય આવક ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી)ની છે. વપરાશ અને એને પગલે માલની ખપત ઘટવાને કારણે આ નાણાકીય વર્ષમાં જીએસટીની આવક ઘટવાની સંભાવના ભારોભાર છે. જોકે, રાજ્યની પુનર્વસવાટની પ્રક્રિયામાં વેગ આવે તો ફરી વપરાશનો દર વધી શકે છે અને એને પગલે માલની ખપત પણ વધી શકે છે અને જો એમ થાય તો આપોઆપ જીએસટીનું કલેક્શન પણ વધી જશે. એટલે પુનર્વસવાટ કઈ ઝડપે અને કેટલું થાય છે એ મહત્ત્વનું છે.

 

રોજગારથી ધમધમતા કેટલાક વિસ્તારોને માઠી અસર થઈ છે. ગામડાના રસ્તા ધોવાઈ ગયા છે અને ભેખડો ધસી પડવાને કારણે હિલ સ્ટેશનો સંપર્ક ગુમાવી બેઠા છે. સંપર્ક ગુમાવી દેનારા વિસ્તારોના લોકોના રોજગારને તેમ જ જીવનધોરણને માઠી અસર પહોંચશે.

 

શાળા તેમ જ અન્ય શૈક્ષણિક સંસ્થાઓની બેહાલી પીડા આપનારી છે. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ તો રાહત છાવણીમાં ફેરવાઈ ગઈ છે. પરિણામે વિદ્યાર્થીઓ અત્યંત કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે, ખાસ કરીને દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓની અવસ્થા દયનીય થઈ ગઈ છે. ઊંચો સાક્ષરતા દર ધરાવતા તેમ જ શિક્ષણને ખૂબ મહત્ત્વ આપતા રાજ્ય માટે આ એક મોટો પડકાર છે.

 

કોચી એરપોર્ટને પણ અસર થઈ હતી. શરૂઆતના થોડા દિવસો માટે એ બંધ કરી દેવું પડ્યું હતું. પ્રવાસીઓની હેરાનગતિ તો વધી, પણ મોટો ફટકો પડ્યો વિવિધ એરલાઈન્સની તેમ જ કોચીન ઇન્ટરનૅશનલ એરપોર્ટ લિમિટેડની આવકને. કોચીન ઇન્ટરનૅશનલ એરપોર્ટ લિમિટેડની કુલ આવકની ૭૦ ટકા આવક વિમાન સેવા સિવાયની બાબતોમાંથી થાય છે. એરપોર્ટ બંધ કરવું પડ્યું હોવાથી તેની આવકને મોટો ફટકો પડશે. આટલું જાણે ઓછું હોય એમ નુકસાનને કારણે એરપોર્ટમાં ફરીથી બાંધકામ કરવું પડશે જેનો ખર્ચ કંપની માટે બોજો સાબિત થશે એવું માનવામાં આવે છે.

 

હવે આપણે ખેતીવાડીની વાત કરીએ. કેરળમાં નારિયળ, રબર અને ડાંગર એ ત્રણ મુખ્ય પાક છે. આમાં રબર અને ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. નાના પાયે ખેતી કરતા ખેડૂતોના અસ્તિત્વ સામે સવાલ ખડો થઈ ગયો છે. રબરની ખેતીનું નુકસાન મોટો ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે આ વર્ષના પહેલા સાત મહિનામાં રબરની કિંમતમાં ૯૨ ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત નાના પાયે લેવાતા એલચી અને કાળા મરીના પાકને જબરજસ્ત નુકસાન પહોંચ્યું છે. વાત આટલેથી નથી અટકતી. ગાય, બકરી સહિતના કેટલાક ઉપયોગી જનાવરો કઈ સંખ્યામાં મરણ પામ્યા છે એનો ચોક્કસ આંકડો હજી સુધી નથી મળી શક્યો.

 

પૂરની પરિસ્થિતિને કારણે આવનજાવનને વિપરીત અસર થવાથી પ્રવાસન ઉદ્યોગને નુકસાન થાય એ સ્વાભાવિક કહેવાય. આને પગલે એની સાથે સંકળાયેલા હોટેલ, રેસ્ટોરાં તેમ જ રિટેલ ધંધાને માઠી અસર થવાની સાથે સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની (ખાસ કરીને હવાઈ અને ટ્રેન) હાલત બગડી ગઈ છે. ટુરિસ્ટ સ્પોટ તરીકે જાણીતાં સ્થળો બનતી ત્વરાએ ધમધમતા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

 

જોકે, આ બધા પીડા આપનારા સમાચારો વચ્ચે રાહત આપનારી એક વાત એ હતી કે તિરુવનંતપુરમ અને કોલામને પૂરની વિશેષ અસર ન થઈ હોવાને કારણે આ બે સ્થળેથી બિઝનેસ ચાલુ રહી શક્યો છે. જો સડકોનું સમારકામ વેગથી કરવામાં આવશે તો ટુરિઝમની આવક ઘણી રાહત આપી શકે છે. ટુરિસ્ટની સિઝન ઑક્ટોબરની આસપાસ શરૂ થતી હોય છે. રાજ્યે અન્ય એક બાબતમાં પણ તકેદારી રાખવી પડશે કે ટુરિઝમ તેમ જ બિઝનેસ બાબતે સ્પર્ધા કરતા લોકો રાજ્યની નેગેટિવ પબ્લિસિટી કરીને સહેલાણીઓ ત્યાં ન જાય એવા પ્રયત્નો કરી શકે છે. આવું જો બને તો રાજ્યની આવકને ફટકો પડી શકે છે.

 

કેરળમાં તાત્કાલિક વપરાશની વસ્તુઓ તેમ જ ટકાઉ વસ્તુઓની મોટી ખપત છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલા નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે (૨૦૧૫-૧૬) મુજબ કેરળના ૩૦ ટકા આવાસોમાં અહીં જણાવેલી અસ્ક્યામતમાંથી ઓછામાં ઓછી છ અસ્ક્યામત હતી. એ છે પાકું ઘર, વીજળીનું જોડાણ, મોબાઈલ ફોન કે લૅન્ડલાઈન, ઍર કન્ડિશનર, રેફ્રિજરેટર, ટીવી, વૉશિંગ મશીન અને વાહન. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારના રહેવાસીઓએ કાં તો તેમની આ મિલકત ગુમાવી દીધી હશે જે નવી ખરીદવી પડશે અથવા એમાંની કેટલીકનું સમારકામ કરાવવું પડશે. આમ કેરળમાં કેટલીક પ્રોડક્ટની ખપત મોટે પાયે થશે. ટીવી અને ફ્રિજની ફરીથી ખરીદી થવાની સંભાવના સૌથી વધુ છે. આ ઉપરાંત છત્રી, બ્લેન્ડર, પ્રેશર કૂકર અને રસોડાના સાધનોની ડિમાન્ડ પણ ખૂબ જ રહેવાની. સાથે સાથે વૉટર પ્યુરીફાયર અને સફાઈના અન્ય સાધનોની માગણી પણ મોટે પાયે રહેવાની. આનો અર્થ એ થયો કે પ્રારંભના સ્થિરતાના દિવસો પછી જ્યારથી પુન:બાંધકામ અને પુન:વસવાટને વેગ મળશે ત્યારથી ઉપર જણાવેલી આઇટમોની ડિમાન્ડમાં ભારે ઉછાળો આવવાની સંભાવના પૂરેપૂરી છે. કેરળવાસીઓએ આ હોનારતમાંથી કેટલાક પાઠ ભણવા જરૂરી છે. ખાસ કરીને ઘર અને મિલકતના ઇન્શ્યોરન્સ બાબતે જાગરુકતા કેળવાવી જોઈએ.

 

એકંદરે ૧૩ ઑગસ્ટથી થયેલી તારાજીને પગલે કેરળ રાજ્યમાં ટૂંકા ગાળાની મુસીબતો અને નકારાત્મક અસરો જોવા મળી છે એ હકીકત છે. મુસીબતમાં કોઈ ભાંગી પડે તો કોઈ લડી લે. જોકે, અત્યાર સુધી કેરળે આ દુર્ઘટનાનો તેમ જ સંકટનો જે રીતે સામનો કર્યો છે એ જોતા રાજ્ય જરૂર ફરીથી બેઠું થઈને ધમધમતું થઈ જશે એવી આશા અસ્થાને નથી. દેશવાસીઓની અનુકંપા અને દરેક પ્રકારની મદદ કરવાની ઈચ્છા એમાં બળ પૂરવાનું કામ કરી રહી છે. સાથે એ આશા પણ અસ્થાને નથી કે અગાઉની જેમ ફરી ધમધમતા થયા પછી અકળ હવામાનને કારણે સર્જાતી હોનારત સામે લડવા માટે વધુ સજ્જ થઈ જશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvQukyDBHmtGAtn80GHoPfm1pLy14bE8wnZd7ZjzP4Srw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment