Monday, 3 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઘેર બનાવેલી ચૉકલેટ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘેર બનાવેલી ચૉકલેટ!
અશોક દવે

 

 

 

''અસોક...આ અઢ્ઢી મહિનાથી આપણા ઘરે બનાવેલી ચૉકલૅટું પઇડી રઇ છે...કોઇ ખાતું નથ્થી...સુઉં કરવું?''

 

અમારા ઘરમાં કોઇ પણ ચીજ બનાવ્યા પછી એને સમયના આંકડા અપાય છે, ''આ પાસ્તા બે 'દિ ના પઇડાં રિયા છે....કોક તો ખાવ.'' અથવા તો, ''અસોક, તમારો લંચ-બોક્સ કિયાં મૂકી આઇવા'તા...? ઓફિસમાં ભૂલી આઇવા'તા ને? આજે તઇણ 'દિ પછી એવો ને એવો ભરેલો પાછો આઇવો...કાંઇ ખાધું જ નો'તુ? આ તો શારૂં થિયું, કે, બોયલા વગર બા ખાઇ ગીયા... બિમારીમાં એમને ઝાઝી ખબરૂં પડતી નથ્થી, નંઇ તો બધુ બહાર ઝીંકી દેવું પડત ને?''

 

એ વાત જુદી છે કે, એ થેપલાં ખાધા પછી બા ય ફેકી દેવા પડે એવા થઇ ગયા હતા! આપણે મરદ માણસ. આપણે તો બબ્બે વીક પહેલાના થેપલાં ય ખાઇ જઇએ... ને તો ય બા ની હોજરી સારી... ટકી ગયા. તાંબા-પિત્તળની હોજરી નંખાવી હશે?

 

વાઇફે છ ડબ્બા ભરીને ચોકલેટો બનાવી રાખી હતી. આજકાલ ઘેર ઘેર ચૉકલેટો બનાવવાનો ધંધો શરૂ થઇ ગયો છે. જેના ઘેર જઇએ, આવકાર આપે કે ન આપે, ચૉકલૅટ આપે જ. મોટા ભાગનો માલસામાન બજારમાંથી તૈયાર લાવવાનો હોય છે. આપણે એનો આકાર આપવાની ડાઇ જ લઇ આવવાની ને એના ઉપર ચળકતું રૅપર વીંટાળી દેવાનું.

 

એણે એક ડબ્બો ખોલી નાંખ્યો. ''અસોક, આમાંની અડધી ચૉકલૅટું તમારે જ ખાય જાવાની છે... નો ખાવ, તો તમને મારા સમ છે?''

 

આવી લાલચ આપે, તો કોઇ ખાય ખરૂં? એક દાણો ય ખાઇએ તો હાળા સોગંદ સાચા ન પડે. મેં જોયું તો, ડબ્બામાંથી બહાર કાઢેલી ચૉકલેટો મિલવિસ્તારોમાં ફૂટપાથની દિવાલો પર છાણાં થાપ્યા હોય, એવી આકર્ષક લાગતી હતી. કહે છે કે, ચોંટાડયા પછી છાણાં તો એક દિવસ ઉખડે પણ છે...! હું ડર્યો. આની ચૉકલૅટ ખાધા પછી મારૂં  જડબું ચોંટી જશે ને ઉખડશે નહિ તો ખોલાવવા ક્યાં જઇશ? દરિયા કિનારે કાળમીંઢ ખડકો ઉપર પાણીના મોજાં ફરી વળ્યા પછી એ જ ખડકો ચળકે છે, એમ આની ચૉકલેટો ચળકતી હતી. ફરક એટલો કે, મજબૂરી હોય તો એક સમયે પેલા ખડકો તો ચાવી જવાય...! છેલ્લા ૩૬- વર્ષથી વાઇફે બનાવેલા અનેક પદાર્થો હું ખોરાક સમજીને ચાવી ગયો છું... આજે તો મારા સફેદ દાંતના ય બ્લેક બોલાય છે!

 

''વાઇફ... મારી એક વાત માનીશ, ડાર્લિંગ? હું...''

 

''મને બધી ખબર છે, તમે સુઉ કે'વાના છો! ઇ જ કે, આ ચૉકલેટું ગાયને ખવડાવી દે.. અસોક, મારે ગૌ-હતીયાનું પાપ માથે નથ્થી લેવું.. આપણે ભા'મણ છીએ... ગાયુંને ગમ્મે ઇ નો ખવડાવાય!''

 

''ના વાઇફ, હું તો એમ કહું છું કે, આ ચૉકલૅટોને આપણે ડ્રૉઇંગ-રૂમના ટાઇલ્સ તરીકે વાપરી નાંખીએ તો? આબુથી લાવેલા ટાઇલ્સ તો બે મહિનામાં ઉખડી જાય છે.. આમાં વીસ-પચીસ વરસ સુધી તો નિરાંત!'' ''તમને મારૂં બનાવેલું કાંય ભાયવું છે આજ હુધી? તે 'દિ સામેના ફ્લૅટવારીના ઘરેથી પાપડના કાચાં લુવા આઇવા'તા, ઇ ચાટી, ચાટીને તમે ખાય ગીયા ને ઇ જ લુવામાંથી મેં પાપડું સેકીને દીધા, ઇ તમને છાપાના કાગરૂં (કાગળ) જેવા લાઇગા...!''

 

ખૈર. જગતમાં એવા ય કેટલા છે, જેને બે ટંક ભોજન નથી મળતું... બાકીનાને ઘરની રસોઇ ખાવી પડે છે! કહે છે કે, ઉપર સ્વર્ગ નરક જેવું કાંઇ હોતું નથી.. બધું અહી જ ભોગવવું પડે છે! વધી પડેલી ચૉકલૅટો એક ટેન્શન બની ગઇ હતી. સાડી-ડ્રેસનો બિઝનૅસ કર્યો હોત ને આવી વધી પડી હોત તો કોકને ફ્રી-ગિફ્ટ તરીકે ય આપી આવીએ... મારે એ વિભાગમાં કૉન્ટૅક્ટ્સ ઘણા સારા...!

 

પણ આ ચૉકલેટો ફ્રી-ગિફ્ટમાં આપવાથી સંબંધોની માતૃશ્રીના મૅરેજ થઇ જાય... સુઉં કિયો છો? અગાઉ તો અમે વધારે ભરાઇ પડયા હતા. વાઇફથી એક વખત ભૂલમાં મોટી સંખ્યામાં પાણી-પુરીઓ બની ગઇ હતી. પાણી સુધી તો બધું બરોબર હતું, પણ પુરીની સાઇઝો થેપલાં જેટલી થઇ ગઇ હતી. માણસ છે, ભૂલ થાય, પણ જેને જેને ફ્રી-ગિફ્ટ તરીકે એ ભાખરીઓ... આઇ મીન, પાણીની પુરીઓ મોકલાવી, એ બધાએ પૂછાવ્યું કે, આખી પુરી તો મ્હોંમાં જશે નહિ, તો અમારે પુરીની મહીં પેસીને ખાવાની છે? ગીનેસ બૂક ઑફ રૅકૉડર્સમાં આ પાણી-પુરી મૂકાશે... જેમ વર્લ્ડ-રૅકૉર્ડ સાઇઝના પિત્ઝા કે ઢોંસા મોટી મોટી સાઇઝોના બને છે, એમ આપણા ગુજરાતનાં ગૌરવ તરીકે રાક્ષસી-સાઇઝની આ પાણી-પુરીઓ મૂકાશે. બનતા તો બની ગઇ, પણ વધેલી ચૉકલેટો સંતાડવી ક્યાં? કોઇ જુએ તો ય કેટલું ખરાબ દેખાય કે, આ લોકોને ત્યાં દાળ-ભાત- શાક-રોટલી નહિ થતા હોય? એક ફ્રીજ તો નાનું પડે એવું હતું, એટલે અમે નવા ત્રણ ફ્રીજો લઇ આવ્યા, જેથી અનંતકાળ સુધી ચૉકલેટો રાખી શકાય. પછી તો ફ્રીજમાં મૂકેલી જે કોઇ ચીજ ખાઇએ, એ બધામાં ખુશ્બુ ગુજરાત કી નહિ, ચૉકલેટ કી આવે. મને યાદ છે, ફ્રીજમાં મૂકેલી લસણની ચટણી પણ ચૉકલેટ ફ્લૅવરની લાગતી હતી.

 

છેવટે એક બ્રિલિયન્ટ આઇડિયો આવ્યો...(આઇડિયો બ્રિલિયન્ટ હોય તો વાચકોએ સમજી જવું કે, એ મને તો ન જ આવ્યો હોય!) આમે ય ફ્લૅટમાં રૅનોવેશન તો ચાલતું જ હતું. ડ્રૉઇંગ-રૂમના ઇન્ટરિયર તરીકે સહુ મન ફાવે એવા તુક્કાઓ લડાવે જતા હતા. ચાર પૈકીની એક દિવાલ ઉપર ટેક્ષ્ચર કરાવવાની આજકાલ ફૅશન શરૃ થઇ છે. યાદ હોય તો લોકો તો આવી દિવાલો ઉપર લિસ્સા અને ગોળ રંગબિરંગી પથ્થરો ચોડાવે છે અને લાગે છે પણ સારા.

 

અમે ચૉકલેટની દિવાલ બનાવવા મજૂરો રોક્યા. વાઇફે મને ખૂણામાં લઇ જઇને કીધું પણ ખરૃં કે, ''અસોક, ધિયાન રાખજો... મજૂર-માણસુંના કાંઇ ભરોશા ન હોય...દિવાલ બનાવતા બનાવતા એ લોકો અડધી ચૉકલૅટું ખાઇ નો જાય...!''

 

''જો વાઇફ...! આ ચૉકલેટો મજૂરોને તો હું નહિ જ ખાવા દઉં. એમાં તો એ બધાની ઉત્તરક્રિયાઓ આપણા ઘેરથી કરવી પડે ને એ લોકો કાંઇ આપણી ન્યાતના નથી. બા ય ખીજાય.''

 

''ઇ તો બરોબર, પણ આપણે એવું કાં નો કરી શકીએ કે, જેટલી ચૉકલેટું ઇ લોકો ખાય જાય, એટલીના પૈસા એમની મજૂરીમાંથી કાપી લેવાના...''

 

''ડાર્લિંગ, જેટલી ખાશે, એટલાની નુકસાનીનું વળતર સામેથી ચૂકવવું પડશે. મેં એ પૈસા કબાટમાં જુદા જ રાખ્યા છે.''

 

અમે વાત કરતા હતા, ત્યાં જ એક મજૂર ચોકલૅટનો એક ગઠ્ઠો હાથમાં લઇને અમને બતાવવા આવ્યો.

 

''શાયેબ...આ પાણો ભીંતમાં ચોડાતો નથી... અંદર કોકનો દાંત છે!''

 

જ્વૅલર્સની શૉપમાં રૂબી કે નીલમ જોતી હોય, એમ ગોળ ગોળ ફેરવીને વાઇફે ગભરાઇને ચોક્લૅટનો એ ગઠ્ઠો જોયો,

 

''અસોક.... આ તો ઓલા મધુભા'યનો દાંત છે... આપણા ઘરે આઇવા'તા, તંઇ મેં બવ આગ્રહું કરી કરીને એમને આ ચૉકલૅટું ખવડાવી'તી...ઇ બવ ના પાડતા રિયા પણ મેં બવ આગ્રહું કઇરા તો ઇ મૂંગે મોંઢે ખાઇ ગીયા, ઇ મને યાદ છે... આ એમનો જ દાંત છે.''

 

''ડાર્લિંગ...તને તો ફક્ત દાંતની જ ખબર પડી... આ જો છેલ્લા પાનાનું બેસણું. હવે તો ઉકલી ય ગયા છે.''

 

સિક્સર
- ''બધા નેતાઓ મૂર્ખ છે'', એવું આ દેશનું સિક્રેટ બહાર પાડી દેનાર વૈજ્ઞાનિક ડૉ.સી.એન.આર. રાવે પોતાનું નિવેદન બદલી નાંખ્યું કે, હું તો આવું બોલ્યો જ નથી.

- હવે ચોક્કસ એમનો 'ભારત રત્ન' પાછો ખેંચી લેવો જોઇએ... સિક્રેટ ઉપર શંકા કરવા બદલ!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os1n4VW95gba8THgpuXToffSxBWL3tANMf9Nzs7ezw9ew%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment