Wednesday, 5 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ખરેખર મારું ઘર કયું? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ખરેખર મારું ઘર કયું?
રવિ ઈલા ભટૃ


 

હું રોજિંદા ક્રમે પ્રમાણે હજી તો ઘરમાં પગ જ મૂકતો હતો ત્યાં સામેના ફ્લેટમાંથી ઘોંઘાટ સંભળાયો. મેં પાછાવળીને નજર કરી તો ત્યાં ડ્રોઈંગરૂમમાં થોડું તોફાની વાતાવરણ જણાતું હતું. રાજેશભાઈના ઉગ્રવચનો સાંભળીને લાગ્યું કે કાવ્યા હાલ જ ઘરે આવી હતી. અગીયારમાં ધોરણમાં ભણતી કાવ્યા પોતાની બહેનપણીનો બર્થડે સેલિબ્રેટ કરીને મોડી ઘરે આવી હતી. હું હજી કંઈ સમજું તે પહેલાં તો રાજેશભાઈએ પહેલો અણુબોમ્બ ફેંક્યો, આ બધું મારા ઘરમાં નહીં ચાલે. પેલી છોકરી બીચારી ડઘાઈ ગઈ હતી. તે પોતાની જાતને સંભાળે કે કોઈ જવાબ આપે તે પહેલાં તેની મમ્મીએ બીજો બોમ્બ ફેંક્યો, આ બધું રખડીખાવાનું તારા ઘરે જઈને કરજે. આ હવે લાંબુ ચાલશે તે ધારીને મેં ઘરનો દરવાજો બંધ કરી દીધો પણ વિચારોના ટોળાએ મગજના દરવાજા ઉપર ટકોરા મારવાનું શરૂ કરી દીધું. મારા મગજમાં તરત જ એક વાત યાદ આવી જે મારી પત્ની કાયમ કહેતી હતી. તે કહેતી કે આપણે દીકરીને લગ્નમાં બીજું કંઈ નહીં આપીએ તો ચાલશે પણ એક ઘર જરૂર આપીશું. તેનું પોતાનું ઘર.


આ ઘર એટલે શું. ઘણા માટે ધરતીનો છેડો તો કોઈના માટે ઓફિસથી કંટાળીને આવ્યા બાદ આરામ કરવાની જગ્યા તો કોઈના માટે પરિવાર વચ્ચે રહેવાનું કારણ. ઘર કોઈ જગ્યા નથી પણ પુરુષ અને સ્ત્રી માટેના અલગ અલગ કોન્સેપ્ટ છે. તમારા આધારકાર્ડમાં રજૂ થતો તમારા રહેઠાણનો પુરાવો, કોઈ તમારે ત્યાં આવવા માગે ત્યારે અપાતું સરનામું, જ્યાં પોસ્ટ અને કુરિયરની આવનજાવન થતી હોય તેવી જગ્યા કે પછી જ્યાં વાર-તહેવારે આવી ચડતા મિત્રો અને મહેમાનો તે આપણું ઘર છે. માણસ હોવાની ઓળખ તેનું ઘર છે. પંખીની ઓળખ તેનો માળો છે અને જાનવરોની ઓળખ પણ તેનું પોતાનું ચોક્કસ સ્થાન છે. માણસ જ એક એવું પ્રાણી છે જે પોતાના સંતાનોને મોટા થયા પછી પણ ઘરમાં પરત આવવા દે છે. બાકીના કોઈ પ્રાણીઓ તેમ કરતા નથી.


માણસ માટે તેની ઓળખનો પર્યાય એટલે ઘર છે. દેશ-વિદેશમાં ફરતો, મલ્ટિ ક્વિઝિન ભોજન આરોગતો અને મોસ્ટ સ્ટાઈલિસ્ટ અને બ્રાન્ડેડ કપડાં પહેરતો માણસ પણ ઘરે આવીને ખિચડી માગે છે. તેને પોતાના મૂળ સાથે જોડાવું ગમે છે. ઘર હવે નેમ પ્લેટ અને ઈગો સાથે વધારે સંકળાવા લાગ્યા છે. મોટું ઘર અને મોટી નેમ પ્લેટ હવે જરૂરિયાત કરતા લક્ઝરી અને શોઓફનું સાધન વધાર બનતા જાય છે. આ બધા વચ્ચે સવાલ એક જ થાય કે સ્ત્રીનું ઘર ખરેખર કયું કહેવાય. ઘણી વખત ઈન્કમટેક્સ બચાવવા માટે પણ સ્ત્રીઓના નામે ઘર લેવાય છે અને વખત આવ્યે પુરુષ તે સ્ત્રીને તે જ ઘરમાંથી કાઢી મૂકે છે અથવા જતા રહેવાનું કહે છે અથવા તો તે ઘર ઉપર પોતાનો માલિકીભાવ રજૂ કરી દે છે.


વર્તમાન સમયમાં છૂટાછેડાનું પ્રમાણે વધી રહ્યું છે. આ વાત એટલા માટે કરવી પડે કે, સ્ત્રી માટે ક્યારેય કોઈ વિચારતું જ નથી. ભારતમાં છૂટાછેડાના કેસ પાંચ-દસ વર્ષ પણ ચાલતા હોય છે અને પાંચ છ મહિનામાં પણ ઉકેલ આવી જતો હોય છે. આ દરમિયાન સ્ત્રીને ખાધા-ખોરાકી આપવી કે છૂટા થયા પછી સંપત્તીમાં ભાગ આપવો તે બધું કાયદાને આધિન છે. જે પશ્ચિમી સંસ્કૃતિનું આપણે અનુકરણ કરીએ છીએ તેમાં તો છૂટાછેડા થાય એટલે અડધી અને ક્યારેક તેના કરતા પણ વધારે સંપત્તી પત્નીને આપવી પડતી હોય છે. ત્યાં સ્ત્રીની વૈયક્તિક સુરક્ષા માટે વિચાર કરવામાં આવે છે. આપણે ત્યાં એવું નથી. અહીંયા તો કંઈપણ થાય એટલે પતિદેવ કહી દે કે જતી રહે મારા ઘરમાંથી.... અથવા તો તારા બાપાના ઘેર જતી રહે... બાપના ઘરે જાય તો તેને સમજાવે કે પતિનું ઘર જ તારું સાચું ઘર છે... આપણે ત્યાં સમજાવટથી રહેવાનું...


આપણે વિચારીએ કે એક સ્ત્રી પોતાની લાગણીઓ, ઊર્મીઓ અને સંવેદનાઓ દ્વારા એક મકાનને ઘર બનાવે છે. તે જીવનની અંતિમ ક્ષણ સુધી તેમાં ચેતનાનો પ્રાણ ફુંક્યા કરતી હોય છે અને છતાં તેના માટે પોતાનું કોઈ ઘર નથી હોતું. તેને ગૃહિણી કહેવાય, ગૃહલક્ષ્મી કહેવાય અને સાદી ભાષામાં ઘરવાળી પણ કહેવાય છે. છતાં આ ઘરવાળી હંમેશા ઘરવગરની જ હોય છે. સામાન્ય રીતે પુરુષ આવક લાવે અને સ્ત્રી ઘરનું મેનેજમેન્ટ કરે તેવી માનસિકતાએ પુરુષને આધિપત્યની તુમાખી આપી છે. આજના સમયમાં અને ખાસ કરીને શહેરોમાં સ્ત્રી કમાતી પણ હોય છે અને ઘર પણ સાચવતી હોય છે. પુરુષ કરતા બેવડી જવાબદારી સ્વીકારીને ફરતી હોય છે. ગામડાંમાં સ્ત્રીને માત્ર પગાર નથી મળતો એટલું જ હોય છે, બાકી તો ખેતરમાં કામ કરવું, ઢોર-ઢાંખર સાચવવા અને તેની સાથે ઘર, પરિવાર, સંતાનોનું ભણતર, સામાજિક પ્રસંગોએ હાજરી વગેરે તેના ભાગે પણ આવતું જ હોય છે. આ અર્ધાંગીની ક્યારેય તેનો વિરોધ નથી કરતી. તેને પ્રેમથી બનાવેલું ઘર એક જ ક્ષણે તેની વિરુદ્ધ થઈ જાય છે. સ્ત્રી પાસે એવું કોઈ ઘર જ નથી જ્યાં તે પોતાની રીતે રહી શકે. અહીંયા સ્વતંત્રતા કે સ્વચ્છંદતા કરતાં સ્વમાનની કામના વધારે હોય છે. આ સ્વમાન આપે તેવું ઘર જ નથી હોતું.


માલિકી અને અહંકાર પુરુષના સ્વભાવના અવિભાજ્ય અંગ છે. સ્ત્રી હોય કે મકાન જે જમીન તે પોતાનો અધિકાર જતાવતો જ હોય છે. તે પોતાના અધિકાર અને માલિકીને સમયાંતરે પૂનઃસ્થાપિત કરવાનો પણ પ્રયાસ કરતો રહે છે. સ્ત્રી પાસે એવું કશું જ નથી હોતું. સ્ત્રીને લગભગ અડધી જિંદગી પસાર કર્યા પછી આ અધિકાર મળતો હોય છે અને તે પણ બીજી સ્ત્રીને દબડાવવા માટે. તેના કારણે પોતાના અભાવ, અવિશ્વાસ, અસલામતી, અશાંતિ અને વિખેરાઈ ગયેલા અભરખાઓ તે પોતાની આગામી પેઢીને વારસામાં આપતી હોય છે.


દીકરીના લગ્નમાં લાખોનો ખર્ચ કરવા કરતા, આખું ગામ જમાડવા કરતા કે લાખો રૂપિયાનું કરિયાવર આપવા કરતા તેને એક ઘરની ચાવી આપજો જ્યાં તેના  પોતાના સુખનું સરનામું હોય. કારણ કે જ્યારે કોઈ બાપ કે પતિ તેની દીકરી અથવા પત્નીને એમ કહે કે આ મારું ઘર છે ત્યારે તે સ્ત્રીના મૌન અને વલોપાત કરતી આંખોમાં આ એક જ વાત જોવા મળે છે...

 

कपड़े और रोटियाँ मिलीं मगर
मसअला अभी भी है मकान का
मैं चराग़ से जला चराग़ हूँ
रौशनी है पेशा ख़ानदान का
कर गया ख़मोश मुझ को देर तक
चीख़ना वो एक बे-ज़बान का




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvtLn%3DiONfdrWOrnBSHjq0qKT2z6zUpubFh-8QAQPiANw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment