નફા અને નુકસાનીની વાત ગુજરાતીઓ પહેલા વિચારે અને એટલે જ દુનિયાના દરેક ખૂણે ગુજરાતીઓ જોવા મળે છે. હું પણ લગભગ રોજ નફા નુકસાનીનો હિસાબ માંડુ. મારા પત્નીના હાથમાં જે વસ્તુ આવે એનો છૂટ્ટો ઘા કરે અને હું બચી જાઉં એટલો ફાયદો અને લાગી જાય એ નુકસાની! પણ મેં તો એવા એવા ફાયદા કરતા લોકોને જોયા છે કે આપણને સમજાય જ નહીં. અમારો ચૂનિયો જ્યારે પણ ૧૩૫ વાળો માવો ખાય અને છેલ્લે જે ભુક્કો વધે તેનો ડબ્બો ભરે. મને એમ થયું કે આ વધેલા ભુક્કાનું એ શું કરતો હશે, પણ એક દિવસ નજર પડી ગઈ ત્યારે ખબર પડી કે નવી કોથળીમાં આ ભુક્કો નાખી 'સ્પેશિયલ માવો બનાવડાવ્યો છે' કહીને મિત્રોને ખવડાવતો હતો. અહિયા સુધી તો બરાબર હતું, પણ ચૂનિયાને પગલે ચૂનિયાની પત્ની પણ ચાલે. રસોઇમાં ગરમ મસાલા નાખ્યા હોય એ જમતી વખતે આખા ઘરને સૂચના કે કાઢી લેવાના અને એ મસાલા સાચવવાના, જ્યારે પણ મહેમાન આવે ત્યારે એ મસાલા ખૂબ પ્રમાણમાં એમાં નાખે અને કહે કે 'અમે ક્યારેય તજ, લવિંગ, બાદિયા, મરીમાં લોભ ન કરીએ. સારી રસોઇ બનાવવી હોય તો પૂરતા નાખવા જ પડે...' મને તો સમજાણું જ નથી કે આમાં ફાયદો કોને? અને નુકસાની કોને? પણ હશે આપણે તો અત્યારનું પ્રખ્યાત ગીત સાંભળી લીધું છે કે 'ઇસ મેં તેરા ઘાટા' એટલે માની જ લીધું કે આ મારા માટે જ લખાણું હશે.
મારા ભાગે તો એવી એવી નુકસાની આવે કે એનું વર્ણન કરતા પણ દુ:ખ થાય. તો પણ મારું દિલ ભોળું એટલે તમારા બધા સાથે શેર કરી જ લઉં. કૉલેજ કાળમાં જેણે ભાવ પણ ન પૂછ્યો હોય એવી સ્ત્રી અત્યારે ૫૫ વર્ષની થઈ ગઈ હોય અને ફેસબૂક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે અને એટલું જ નહીં આપણા ફોટામાં નીચે પાછી કોમેન્ટ પણ કરે 'લૂકીંગ હેન્ડસમ' ત્યારે એમ થાય કે કૉલેજ સમયે શું એની આંખો ફૂટી ગઈ હશે! આમ તો મનમાં બહુ ગુસ્સો આવતો હોય અને એકાદ ખૂણે એમ પણ થતું હોય કે એ વખતે ટ્રાય મારી લેવાની જરૂર હતી. આપણી માનસિક હાલત એવી હોય કે ફેસબૂકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ કોઈએ એક્સેપ્ટ કરી લીધી હોય ત્યારે આપણને એવી ખુશી થતી હોય કે જાણે આપણો સંબંધ પાક્કો થઈ ગયો! પણ મોટું મન રાખીને હું એ ૫૫ની સ્ત્રી માટે ગીત ગણગણી લઉં 'ઇસમેં તેરા ઘાટા, મેરા કુછ નહીં જાતા' આટલું કર્યા પછી મને અને હૃદય બંનેને શાંતિ મળી જાય! હમણા જ મુંબઈમાં એક રેસ્ટૉરન્ટમાં એક માણસને દારુ પીતો જોઈને મારી પત્નીશ્રી બોલ્યા 'એનું માગુ મારી માટે આવેલું. મેં ના પાડી ત્યારથી રોજ દારુ પીવે છે' હવે મારા પત્ની સામે તો બોલાય નહીં, પણ મનમાં થયું કે જેને રોજ દારુ મળી જાતો હોય અને આવા મોંઘા રેસ્ટૉરન્ટમાં બેસીને પી શકતો હોય તેને લગ્ન કરવાની શું જરૂર હોય? ફાયદો તો પેલાને જ થયો અને મેં તો અગાઉ જ સ્વીકારી લીધું છે કે આપણે નુકસાની ભોગવવાની જ હોય. અમારો ચૂનિયો જ્યારે પણ દારુની પાર્ટીમાં એમ કહે કે 'હું એક જ પેગ પીવાનો છું' એટલે અમે બધા સમજી જઈએ કે આજે સોલ્જરીમાં ચૂનિયો ભાગ નથી આપવાનો. અમે વાક્યનું સ્પષ્ટિકરણ એ રીતે કરીએ કે આનો મતલબ એમ થાય છે કે હું દારુ પીવાનો છું પણ પૈસા આપીશ નહીં. એમાં પણ અમારો ચૂનિયો તો દારુ પીતા પીતા સિગારેટ કોઈકની માગીને પીવે માથે રજનીગંધા પણ લઈ લે અને પાછો સૂચના આપતો હોય કે 'જો યાર તમે લોકો આ મેગી બેગી ખાવાનું બંધ કરો, બહુ નુકસાન કરે છે' ત્યારે એમ થાય કે આ ક્યો ફાયદો જોતો હશે? એ બધામાં હું પણ ક્યારેક ચાલુ પાર્ટીએ ઘેરથી ફોન છે કહીને વાતો કરતા કરતા ઘેર જતો રહું અને પછી સવારે ખુલાસો કરવાનો કે ઘરવાળીને ખબર પડી ગઈ હતી એટલે નીકળી જવું પડ્યું. આ રીતે પૈસા બચાવી લેવાનો ફાયદો તો મારા જેવા કોઈ વિરલા જ જાણે! મેં તો લોકોને મારામાંથી એટલા ફાયદા લેતા જોયા છે કે ક્યારેક એમ થાય કે મારે તો જીવવાનો જ ફાયદો નથી! અમારા પાડોશના ભાભી દર વખતે મને 'હેપ્પી ફ્રેન્ડશીપ ડે દોસ્ત' કહીને જેટલાં કામ કરાવે છે એનું લિસ્ટ બનાવું તો આખા વર્ષમાં કામ કર્યા હોય તેના સરવાળા કરતા પણ વધારે થાય. આજની તારીખે પણ દર મહિને ગૅસનું સિલિન્ડર ઉંચકીને બે માળ ચડી શકું છું એ વાતનો શ્રેય માત્ર અને માત્ર મારા ભાભી દોસ્તારને જાય છે! આપણે ભોળા દિલે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં એક જ કારણથી ફ્રેન્ડલિસ્ટ મોટું કરતા હોઇએ કે આમ ભલે રૂપિયા હોય કે ન હોય પણ મિત્રોની બાબતમાં સમૃદ્ધ છીએ. આમ તો ૫૦૦૦ની મર્યાદામાં અસંખ્ય પ્રયત્નો પછી માંડ ૫૦૦ સ્ત્રીઓ અને એ પણ એવરેજ કાઢો તો એક છોકરી સામે ૯ છોકરીઓએ ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ કેન્સલ કરી હોય ત્યારે ૧૦% સ્ત્રીઓ ભાગમાં આવી હોય. મને એ સમજાતું નથી કે આ ૧૦%માંથી જો ૧% જ છોકરીઓ લાઇક અથવા કોમેન્ટ લખી દે તો એમાં એમને શું નુકસાન થઈ જવાનું? સામે ફાયદામાં પુરુષોનું ૬ મહિનાની લાઇફ વધી જાય અને ઉપરાંતમાં ફલાણીની કોમેન્ટ આવી કહીને મિત્રો વચ્ચે એક ફૂટ અધ્ધર ચાલતો થઈ શકે. મારા તો એવા દાખલા છે કે ફેસબૂકમાં ઘણા પુરુષો સ્ત્રી રૂપે બિરાજમાન છે એમને પણ ક્યારેય અનફ્રેન્ડ નથી કર્યા. આપણને બસ હર્યુંભર્યું લાગે એથી વિશેષ મનમાં કોઈ પાપ જ ન હોય. હું જાહેરમાં ખાનગી રીતે જણાવી દઉં કે આજની તારીખ સુધીમાં જે આઇડીમાં સ્ત્રીનો ફોટો હોય એવી કોઈ પણની ફ્રેન્ડ રીક્વેસ્ટ રીજેક્ટ કરી નથી. મને હમણા એક એન્ડ્રોલા ક્રિષ્ટી નામની સ્ત્રીની ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ આવી. સ્વીકારી લીધા પહેલા મેં શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં ઇનબોક્ષમાં પૂછ્યું 'મેમાન, તમને ઓળખિયા નહીં' ત્યાં તો જવાબ આવ્યો કે 'તમે દોસ્તાર બનાવી લ્યો ને ઓળખીને શું કામ છે?' મેં આમાં કંઈ નુકસાની નથી કરીને સ્વીકારી લીધી અને સરસ ચેટ પણ શરુ કરી દીધી, પણ એક રાત્રે મેં મેસેજ કર્યો કે 'શું કરે છે?' અને ઊંઘમાં જવાબ આપ્યો કે 'સૂતો છું' ત્યારે મને જે નુકસાન ગયું એ તો હું જ જાણું છું. મને સૌથી વધુ ગમતી વાત હોય તો નેતાઓના વચનો. એવાં એવાં સપનાં દેખાડે કે એમ જ લાગે આપણું તો આ સરકાર કલ્યાણ કરી નાખશે, પણ જેવો મત આપીએ અને સત્તા પર આવે ત્યારે જરા પણ વિચાર કરો તો તમને પણ દેખાશે કે નેતા નાચતા નાચતા ગાતા હોય કે 'ઇસ મેં તેરા ઘાટા' પણ જો ભજિયા ખાઈને ચા પીવો તો પછી ગૅસ તો થાય જ ને! ભલે ગમે ત્યાં નફો નુકસાન જૂઓ પણ ક્યારેય સંબંધોમાં નફા નુકસાન વિશે નહીં વિચારો હંમેશાં ફાયદામાં જ રહેશો. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsgUypFoRhk-s82buA6H%3DudjSJ6RDx_k5zUOFOdU0fX_g%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment