Wednesday, 26 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ભગવાન ગણપતિ સ્થાપનના શ્રધ્ધાસમ્રાટ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લાલબાગચા રાજા,ભગવાન ગણપતિ સ્થાપનના શ્રધ્ધાસમ્રાટ!
ભવેન કચ્છી
 

 

ભારતભરમાં પ્રત્યેક ગણપતિ સાર્વજનિક મંડળોની શ્રધ્ધાની પ્રબળતા એ હદની હોય છે કે તેઓ પણ ભવિષ્યમાં મુબઇના લાલબાગચા રાજા જેવો દબદબો ભોગવે તેવું સ્વપ્ન ધરાવતા હોય છે.

 

૮૪માં વર્ષે પ્રવેશેલ લાલબાગચા રાજા મુંબઇની આંતરરાષ્ટ્રીય ઓળખ પણ બનતા જાય છે.

 

ભારતના દરેક મંડળો તેના વિસ્તારનું નામ આપી 'રાજા' કે 'ગણપતિ' તેવું જોડતા થઇ ગયા છે. લાલબાગચા રાજાના દર્શન તો કરજો જ પણ તેના પ્રારંભ અને સર્જન પ્રક્રિયા વિશે જાણવું પણ પાવનકારી છે.

 

અત્યારે જ્યાં લાલબાગ છે ત્યાં ૧૯૨૦ના દાયકામાં ૧૩૦ જેટલી કોટન મિલો હતી. તે વિસ્તાર 'વિલેજ ઓફ મિલ્સ' તરીકે ઓળખાતો હત  ો.અહીં મિલોને લીધે જાણે એક નગરી આકાર પામી રહી હતી.

 

માછીમારો પણ આર્થિક રીતે ખમતીધર થવા માંડયા હતા. ૧૯૩૨ના અરસામાં ભારે મંદી ફરી વળી. મિલ ઉદ્યોગ, તેના પર નભેલા કુટુંબો અને માછીમારોની નજર સામે બેહાલી જોઇ શકાતી હતી.

 

તે વખત ગરીબ-તવંગર બધા જ ભગવાન ગણપતિની નાની મૂર્તિ ઓટલા પર મૂકીને આ નગરીને ફરી આર્થિક રીતે સધ્ધર કરવા રોજ નિયમિત પ્રાર્થના-પૂજા કરવા ભેગા થતા. જોતજોતામાં મંદીના વાદળો હટવા માંડયા. હતા તેના કરતા વધુ આર્થિક પૈડા તેજીથી ઘૂમવા માંડયા.

 

સૌથી અરજભરી હૃદયસ્પર્શી પ્રાર્થના તે વખતે માછીમારો કરતા હતા. માલિકો અને કામદારો, વેપારીઓ અને રહીશો તમામે માછીમારોને ઉજવણીમાં અગ્રસ્થાન અને જશ આપ્યો. મિલોની આ નગરીએ જમીનના માલિકો રજ્જબ તૈયબજી પાસેથી વેપાર કરવા માટે બજાર નિર્માણ પામે તેથી પ્લોટની માંગણી કરી જે પણ ખાસ કોઇ અવરોધ વિના મંજૂર થઇ અને તેની ફાળવણી પણ તત્કાળ પાર પડી. નગરજનો ફરી ''ગણપતિ બાપા.. વિઘ્નહર્તા''ના નારા સાથે ઝૂમી ઊઠયા.

 

સેન્ટ્રલ મુંબઇમાં આવેલ આજનું લાલબાગ માર્કેટ એટલે આ જ પ્લોટ પરનું બજાર લોઅર પરેલ અને કરી રોડની નજીક છે. ભગવાન ગણપતિની કૃપા, ચમત્કાર અને હાજરાહજૂર ઉપસ્થિતની વાયકાથી આ વિસ્તારને સમગ્ર મુંબઇમાં આદર અને ઓળખ મળી.

 

૧૯૩૫માં નગરજનોએ એક સાર્વજનિક સમિતિ ગઠન કરી અને ગણેશ ચતુર્થીના શુભ દિવસે દર વર્ષે ગણેશ સ્થાપન કરવું તેવો ઠરાવ કર્યો. તમે જૂઓ તે વખતે કેવી માનવીય અને સમાન દ્રષ્ટિ હશે કે લાલબાગચા ગણપતિની સૌપ્રથમ સ્થાપનાના ભગવાન ગણપતિને માછીમારનો ગેટઅપ આપવામાં આવ્યો અને લાલબાગને આર્થિક રીતે બેઠા કરવાનો અને તે પછીની પ્રગતિનો જશ આ રીતે માછીમારોને આપવામાં આવ્યો હતો. તેઓની પ્રાર્થના અને શ્રધ્ધાનું જનસમુદાયે તે રીતે ઋણ તો ચૂકવ્યું જ પણ મુંબઇમાં ગરીબ-તવંગરની પરસ્પર સન્માન અને સહઅસ્તિત્વની સંસ્કૃતિના બીજ પણ રોપાયા. ૧૯૩૫ની સૌપ્રથમ ભગવાન ગણપતિની મૂર્તિ મધુસૂદન કામ્બલી નામના શિલ્પીએ બનાવી હતી.

 

ત્યારથી આજ સુધી કામ્બલી પરિવારની ક્રમશઃ પેઢી જ લાલબાગચા રાજાની મૂર્તિ બનાવે છે. ૧૯૫૨માં મધુસૂદનભાઇનું નિધન થયું ત્યારથી તેમના પુત્રોએ વારસો આગળ ધપાવ્યો છે. ૨૦૦૨થી મધુસૂદનભાઇનાં ૭૭ વર્ષીય પુત્ર લાલબાગચા રાજાની મૂર્તિ બનાવે છે.

 

તેમનો પરિવાર તેમના પિતા મધુસૂદનભાઇએ મૂર્તિ નિર્માણ દરમ્યાન જે આચારવિચાર સંહિતા પામવાની સૂચના આપી હતી તેનું પાલન કરે છે... તેમના વારસોને એમ પણ કહેવામાં આવ્યું હતુંકે ભગવાન ગણપતિની મૂર્તિના પરિધાન કે તેમને જે રૃપમાં રજૂ કરવા હોય તેમ કરવાની છૂટ છે પણ ભગવાન ગણપતિના મૂર્તિના ચહેરા પરના ભાવ અને આંખો કરૃણાસભર અને તમામ વર્ષે એકસમાન લાગવી જોઇએ તેવી જ રીતે મૂર્તિમાં ભગવાન ગણપતિ વિશેષ દુંદાળા નહીં પણ માનવ આકૃતિની છાપ છોડેતે રીતે બનાવવા.

 

ભગવાન ગણપતિની જે ઈમેજ છે તેની તુલનામાં લાલબાગચા રાજાના ગણપતિ સ્લિમ ગણપતિ જણાવા જોઇએ. ૧૯૩૫ અને તે પછીના વર્ષોમાં પાંચથી માંડી આઠ ફૂટની મૂર્તિ બનતી.

 

વર્ષો વીતતા આ મંડળના દર્શન માટે દેશ-વિદેશથી દર્શનાર્થીઓ ઉમટતા ગયા અને દર્શનનો સંતોષ થાય તેમજ દૂરથી પણ તે શક્ય બને એટલે તેની લંબાઇ  હવે  ૧૪ ફૂટ સુધી પહોંચી ગઇ છે.

 

લાલબાગચા રાજાની મૂર્તિની ખાસિયત એ પણ છે કે તેનું માથું હાથીનું છે પણ હાથ-પગ, ફાંદ બધું જ માનવ જેવું જણાય છે. અગાઉ જણાવ્યું તેમ ફાંદ પરંપરાગત અન્ય મૂર્તિઓ કે આર્ટ-તસવીરોમાં જોવા મળે છે તેવી દુંદાળી નથી બનાવાતી.હવે તો મૂર્તિ માટેના રંગ રેડીમેઇડ આવે છે પણ વર્ષો સુધી આ પરિવાર જાતે જ જુદા જુદા મિશ્રણો તૈયાર કરીને  રંગ બનાવતો હતો.

 

જેમ જેમ લાલબાગચા રાજાની કિર્તિ ફેલાવવા માંડી તેમ તેના મૂર્તિના નિર્માતા કામ્બલી પરિવાર સમક્ષ મુંબઇની જાણીતી હસ્તીઓ તેમના ઘેર સ્થાપન માટે મૂર્તિ બનાવી આપવાની માંગ કરવા માંડી. આમાંથી એક વ્યવસ્થિત મારેમાસ ભગવાનોની વિશેષ કરીને ગણપતિની મૂર્તિ બનાવી આપવાનો વર્કશોપ નિર્માણ પામ્યો.હા, પણ એક શરત તેઓ રાખે છે કે લાલબાગચા રાજાની મૂર્તિના જેવા ચહેરાના ભાવ - આંખો તેમજ અંગો, કદની મૂર્તની રેપ્લિકા  તેઓ નહીં બનાવી આપે.

 

કામ્બલી પરિવાર જેવા જ લાલબાગચા રાજાની નકલ ભારતભરમાં શરૃ થતા હવે તેઓએ  આ મૂર્તિના પેટન્ટ  જ કરાવી લીધા  છે.

 

રત્નાકર કામ્બલીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અગાઉના વર્ષોમાં અમે લાલબાગચા રાજાની મૂર્તિમાં ભગવાન ગણપતિના પગ કોઇ વખત ડાબા ઘૂંટણથી વાળી તેને જમણા પગની જાંઘ પર મૂકતા તો ઘણી વખત જમણા પગને ઘૂંટણથી વાળી આસન પર બિરાજમાન કરાવતા પણ દર્શનાર્થીઓની મૂર્તિના ચરણસ્પર્શ કરવાની માંગ ઊભી થતા છેલ્લા વર્ષોથી બંને પગ નીચે જમીન પર હોય અને ભગવાન દર્શનાર્થી સન્મુખ જ બેઠા હોય તેમ જ મૂર્તિનું નિર્માણ કરીએ છીએ.

 

આજે તો કામ્બલી પરિવારના પુત્રો-પિતરાઇ ભાઇઓ-મહિલાઓ તમામ મૂર્તિ નિર્માણમાં સમર્પિત છે. તેઓ નિખાલસતાથી એકરાર પણ કરે છે કે આ અમારો શુભ હેતુ અને ભાવ સાથેનો ધંધો આકાર પામી. વારસાગત કળાને ધંધાકીય સ્પર્શ આપવાનો હોઇ કામ્બલી પરિવારના મોટાભાગના યુવાન સભ્યોએ જે જે સ્કુલ ઓફ આર્ટમાં અભ્યાસ કરીને ડીગ્રી મેળવી છે.

 

જ્યારે રત્નાકર કામ્બલીના પુત્ર સંતોષે માર્કેટિંગની કૂનેહ કેળવવા તે વિષય સાથે અભ્યાસ કર્યો છે. તેમના કુટુંબની મહિલા સભ્યો ચિત્રકામની પ્રશિક્ષિકા તરીકે પણ કાર્યરત છે.

 

લાલબાગચા રાજાના ગણપતિનું આસન અમુક વર્ષે બદલાતું પણ રહે છે. બે વર્ષ પહેલા ઘૂવડનું અને છેલ્લા બે વર્ષથી કાચબાનું આસન બનાવવામાં આવ્યું છે.

 

જો કે ચિંચપોકલીના ચિંતામણી ગણપતિનું સ્થાપન ૯૭ વર્ષથી, ગોરેગાંવચા રાજા ૮૮ વર્ષથી, રંગારી બાદક ચોકમાં ૭૬ વર્ષથી, પરેલના લાલ મેદાનમાં ૭૦ વર્ષથી, ખેતવાડીમાં ૫૫ વર્ષથી, ચંદનવાડીમાં ૩૮ વર્ષથી થાય છે. આ મૂર્તિઓ ૧૫થી ૨૨ ફૂટની હોય છે.

 

આમ છતાં ૨૦૦ ફૂટની ઊંચાઇના સ્ટેજ પર બિરાજાતા સોનાના મુગુટ, લાલ રંગનું અંગવસ્ત્ર, હાથમાં ચાંદીની ગદા ધારણ કરેલી લાલબાગચા રાજા ખરેખર ભાવુકોની નજરે શિરમોર રાજા છે. આટલી ઉંચાઇના સ્ટેજપર પૂરેપૂરી બનેલી મૂર્તિ લઇ જવા કરતા તેના જુદા જુદા અંગોને પ્લેટફોર્મ પર લઇ જવાય છે.

 

મૂર્તિ બનતા દોઢેક મહિનાનો સમય લાગે છે. સૌથી છેલ્લે મૂર્તિની આંખો બનાવવામાં આવે છે અને તેને રેખા અને રંગકામ કરવામાં આવે છે. આ આંખો તે જ લાલબાગચા રાજા કહો કે કામ્બલી પરિવારની આગવી ઓળખ છે. તે દાયકાઓથી તેમના પિતાએ સૂચના આપેલી તેવા જ ભાવો પ્રતિવર્ષ સાતત્યતા સાથે આકાર પામે છે.

 

આંખો બન્યા પછી તેને પટ્ટી બાંધી દેવાય છે. જે સીધી સ્થાપના વખતે ખૂલે છે. કામ્બલી પરિવાર માને છે કે ગણપતિ બાપા જ અમારી પાસેથી આવું સર્જન શક્ય બનાવે છે. લાલબાગચા રાજાએ મુંબઇ, મહારાષ્ટ્ર અને હવે ભારતભરમાં ગણપતિ સ્થાપન દ્વારા ભક્તિનો  પ્રવાહ સર્જવામાં  મહત્તમ યોગદાન આપ્યું છે.

 

'લાલબાગચા રાજા'ના દર્શન ૧૦ દિવસના સ્થાપન દરમ્યાન ભારતભરમાંથી બે કરોડ શ્રધ્ધાળુઓ કરશે. અહીં બે પ્રકારના દર્શનાર્થીઓની લાઇન લાગતી હોય છે. એક લાઇન કે જે દર્શનાર્થી ભગવાન ગણપતિની નજીક પહોંચી થોડા અંતરેથી દર્શન કરી શકે છે. ૧૦થી ૧૨ કલાકે આ માટે દર્શનાર્થીનો વારો આવે છે. બીજી લાઇન એવા દર્શનાર્થીઓની છે જેઓ ભગવાન ગણપતિની મૂર્તિના ચરણસ્પર્શ કરી શકે છે.

 

આ માટે ૧૨થી ૧૬ કલાકે દર્શનાર્થી મૂર્તિ નજીક પહોંચતો હોય છે. દેશ-વિદેશથી આવતા દર્શનાર્થીઓ ૨૪ કલાક અગાઉથી લાઇનમાં ઊભેલા જોઇ શકાય છે. અમુક ભીડના દિવસે આટલા કલાકે પણ દર્શનનો માંડ યોગ સર્જાય છે. ૧૮૦ જેટલા સીસીટીવી કેમેરા, પોલીસની સશસ્ત્ર ફોજ તેમજ ૫,૦૦૦થી વધુ સ્વયંસેવકો સમગ્ર વ્યવસ્થા અને સલામતિ સંભાળે છે. ફાયરબ્રિગેડના ટેન્કરોથી માંડી કંઇ પણ અનહોની માટે તંત્ર સજ્જ રહેતું હોય છે.

 

આટલી બધી જનમેદનીને માટે શૌચાલયો પૂરા પાડવાનું શક્ય નથી એટલે દર્શનાર્થીએ એક વખત હરોળમાં ઊભા રહ્યા પછી તેના પર નિયંત્રણ રાખવાનું રહે છે. કલાકો સુધી તમે જે સ્થળે હો ત્યાં સુધી લાઇન આગળ ના વધતી હોઇ દર્શનાર્થી બેસવા માટે આસન કે વાંચવા માટે પણ કામ લાગે તે રીતે અખબાર લાવતા હોય છે. દર્શનાર્થી તેની આગળ કે પાછળની વ્યક્તિને જગા રોકજો તેમ કહીને ખાવા-પીવા કે હળવો થવા બહાર નથી નીકળી શકતા. દર્શન માટેની લાઇન સરેરાશ પાંચ-છ કિલોમીટરની હોય છે.

 

અહીં અંબાણી, બચ્ચનથી માંડી તેંડુલકર કુટુંબ પણ દર્શન માટે આવે છે પણ તેઓને અલાયદા પાસ અને સ્વયંસેવકોનો સાથ મળતો હોઇ સીધા જ દર્શન કરીને ઝડપથી નીકળી જતા રહે છે. દર્શન આ વર્ષે ૨૨ સપ્ટેમ્બર સુધી ૨૩ કલાક જારી રહેવાના છે.

 

ભગવાન ગણપતિ બાપાના આપણા સૌના પર આશીર્વાદ વરસે અને વિઘ્નહર્તા બનીને આપણી જીવનયાત્રાને સરળ અને સદ્માર્ગી બનાવે તેવી પ્રાર્થના.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OshP-VSg_32NQn2q8u_qO2-Wqv11YiQrdr%3DQBuoODCGOQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment